Translate

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2017

વી.એસ.પી. એન.જી.ઓ. સંસ્થાની બુલઢાણા ખાતેની મુલાકાતનો અનુભવ (ભાગ - 3)

એન.એસ..દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમે સ્પોન્સર કરેલા આઠેક એન.જી.. સંસ્થાઓ માંના એક ડોર સ્ટેપ સ્કૂલ વિષે આપણે ગત સપ્તાહે જોયું.આજે આવા બીજી એક બિનસરકારી સંસ્થા વિકાસ સંસ્થાન પરિષદના કામકાજ અને કાર્યક્ષેત્રની સમીક્ષા માટે અમે લીધેલી મહારાષ્ટ્રના બુલઢાણા વિસ્તારની મુલાકાત અને ત્યાંના અનુભવોની વાત સાથે સી.એસ.આર. શ્રેણીની લેખમાળાનું આજે સમાપન કરીશ.
બુલઢાણા મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગમાં આવેલો વિસ્તાર છે જ્યાં નાસિક પાસે આવેલા શેગાંવથી બે-ત્રણ કલાક ડ્રાઈવ કરી પહોંચી શકાય. જિલ્લાના નાના-નાના અનેક ગામો પૈકી કેટલાક ગામોમાં વિ.એસ.પી.દ્વારા હાથ ધરાયેલ પ્રોજેક્ટ્સ ત્યાંની મ્યુનિસિપલ શાળાઓમાં ચલાવવામાં આવે છે.વીસેક કરતાં પણ વધુ શાળાઓ પૈકીની આવી ચારેક શાળાઓની અમે મુલાકાત બે-દિવસ દરમ્યાન લઈ શક્યા. અનુભવ પણ અનેક એવી બાબતો પ્રત્યે ધ્યાન દોરનાર બને રહ્યો જેનો આપણે ક્યારેય વિચાર પણ કર્યો હોય.
દાદરથી ટ્રેન પકડી રાતની મુસાફરી કરી વહેલી સવારે શેગાંવ પહોંચ્યા.ઠંડી ઠીક ઠીક એવી હતી.પણ વાતાવરણ ખુશનુમા હતું.કોઈક નવા પ્રવાસન સ્થળે પહેલી વાર ગયા હોઇએ અને ત્યાં હવામાં વહેલી સવારે જેવી તાજગી અનુભવાય એવી તાજગી અમે શરીરમાં સ્ફૂર્તિ સાથે અનુભવી રહ્યાં.વી.એસ.પી. ના મેનેજર રાહુલ અમને લેવા સ્ટેશને આવ્યા હતા જે આખી યાત્રા દરમ્યાન અમારી સાથે રહેવાના હતા.
નવી ખુલેલી એક સારી હોટેલમાં અમારો ઉતારો હતો.ફ્રેશ થઈ રાહુલ પહેલા અમને શેગાંવના પ્રખ્યાત આનંદ સાગર પાર્કની કેન્ટીનમાં લઈ ગયો.આનંદ સાગર સપરીવાર આખો દિવસ માણી શકાય એવો થીમપાર્ક છે પણ અહિ અમે જુદા આશયથી આવ્યા હતા,એટલે માત્ર ત્યાંની કેન્ટીનમાં સાબુદાણાની ખિચડી,પૌઆ અને ઉપમાનો ચા સાથે નાસ્તો કર્યા બાદ અમે પહેલી શાળાની મુલાકાતે ગયા.
બે-અઢી કલાકની ડ્રાઈવ દરમ્યાન આસપાસના પર્વતીય વિસ્તારો,જળાશયો,નાનાનાના રહેણાંક વિસ્તારો અને ખેતરોના સુંદર દ્રષ્યો માણતા માણતા અમે જઈ પહોંચ્યા પહેલા  ગામની શાળાએ. ગામો એટલે એક-મેકથી ખાસ્સા અંતરે આવેલા અને બસ્સો-ત્રણસો કુટુંબોથી માંડી કેટલીક જગાએ હજારેક પરીવારોની વસ્તી ધરાવતા હેમ્લેટ્સ.. ફિલ્મોમાં ગામડાની શાળા જોઈ હશે એવી નાનકડી એવી શાળાનું મકાન ત્યાંની ગ્રામપંચાયતની નાનકડી ઓફિસની સામે આવેલું હતું.વચ્ચે ચોરસ મેદાન જેની ફરતે આઠ-દસ વર્ગોની બનેલી શાળા શહેરમાં જોવા મળતી શાળાઓ કરતા અનેક રીતે જુદી હતી.
જેવો અમે શાળાનાં પ્રાંગણમાં પગ મૂક્યો કે વિદ્યાર્થીઓના ચોરસ મેદાનમાં જમીન પર બેઠેલા સમૂહે મરાઠીમાં સ્વાગત ગીત ગાઈ અમને આવકાર્યા. અહિં વર્ગોમાં બેન્ચ નહોતી,વિદ્યાર્થીઓ જમીન પર બેસીને અભ્યાસ કરતા હતાં.શાળાના શિક્ષકો સહિત વી.એસ.પી. દ્વારા નિયુક્ત શિક્ષણમિત્ર ટીચર વિદ્યાર્થીઓનો વધારાનો વર્ગ લઈ રહ્યા હતા.ડોર સ્ટેપ સ્કૂલમાં જેમ બુક-ફેઇરી હતે એમ અહિ શિક્ષણ-મિત્ર હતાં. શિક્ષણમિત્ર પણ વી.એસ.પી.દ્વારા નિયુક્ત કરાયેલા દસમું,બારમું કે ડી.એડ. કે બી.એડ. કરેલ ગામમાં નજીક રહેનાર યુવક યુવતિ હતાં. શાળાના નિયમિત વર્ગ પેહેલા કે પછી શિક્ષણમિત્ર વધારાના વર્ગ ચલાવે જેમાં વી.એસ.પી.દ્વારા એન.એસ.. ના સહયોગથી તૈયાર કરાયેલ ગણિત અને ભાષાના ખાસ અભ્યાસક્રમ ધરાવતા પુસ્તકો દ્વારા બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ પુરું પાડવામાં આવે.પણ વાત જાણીને નવાઈ લાગી કે શાળામાં ટોયલેટ હતું , પણ માત્ર નામનું. એમાં માટી-ધૂળ ભરેલા અને વર્ષોથી કોઈએ ખોલ્યું હોય એવી સ્થિતીમાં હતું. પછી જેની મુલાકાત લીધી બુલઢાણાની અન્ય શાળાઓમાં પણ ઘણી જગાએ તો નામનું જાજરૂં યે જોવા ના મળ્યું. કેટલીક જગાએ પીવાનું પાણી નહિ,તો એકાદ બે જગાએ તો સૂરજદાદા સહાયક!વિજળીનું નામો નિશાન નહિ! આપણે મુંબઈવાસીઓ આવી શાળાનો વિચાર સુદ્ધા કરી શકીએ ખરાં? શિક્ષકો અને વાલીઓના સભ્યપદ ધરાવતી એસ.એમ.સી. નામની સમિતે ખરી પણ તેમાં પાંખી હાજરી કે ક્યારેક , સમિતી એક્ટીવ હોવા છતાં તેમની માગણીઓ પર ધ્યાન અપાતું હોવાની ફરીયાદ સાંભળવા મળી.મેં અને મારા સાથી કલીગ્સે ગ્રામવાસીઓ સાથે,વિદ્યાર્થીઓ સાથે,શિક્ષણ મિત્રો સાથે જુદી જુદી બેઠક યોજી તેમની કાર્ય પ્રણાલિ,મુસીબતો અને અવનવી વાતો સાંભળવાનો લહાવો લીધો! માબાપો આખો દિવસ ખેતરમાં કે અન્ય જગાએ મજૂરી કરતા હોય એટલે બાળક શાળામાં આખો દિવસ પસાર કરતું હોવાથી તેમને નિરાંત!બાળકોને પણ અભ્યાસ સાથે મિડડે મિલ તથા અન્ય સામગ્રી મળતા હોઈ તેઓને શાળામાં રહેવું ગમે...પણ તરસ લાગે કે પેશાબ-સંડાસ જવું હોય ત્યારે? દોડીને તેઓ પાણી પીવા માટે તો પોતાના ઘર તરફ જાય પણ, પેશાબ-જાજરૂ માટે ખુલ્લામાં! ઘરમાં જાજરૂ હતાં નહિ મોટા ભાગના ગામોમાં!
વિદ્યાર્થીઓના જીવનમાં થોડું પરિવર્તન અમે વી.એસ.પી. ના સહયોગથી લાવી રહ્યા હતા જાણીને સારૂં લાગ્યું તો બીજી તરફ આપણાં થી જોજનો દૂર લોકો કેટલું જુદું જીવન જીવી રહ્યા હતાં અને તેઓ જ્યાં રહે છે ત્યાં ઘણા ભાગોમાં તો જીવનમાં મૂળભૂત ગણી શકાય એવી સ્વચ્છ પીવાના પાણી-વિજળી વગેરેની પણ કમી હતી! બધું વિચારી થોડા દુખ મિશ્રીત રોષની લાગણી અનુભવાઈ રહી હતી.
વી.એસ.પી. ની ઓફિસની મુલાકાત લીધી અને તેમની પ્રવ્રુત્તિઓનો વિસ્તારથી તાગ મેળવ્યો. શિક્ષણના મૂળ મુદ્દા સાથે જે જે વિસ્તારના ગામોમાં તેઓ અમારા પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા છે ત્યાંની ગ્રામપંચાયતો,એસ.એમ.સી.સમિતી વગેરે સાથે મળી ગ્રામજનોની સમસ્યા યોગ્ય અધિકારીઓ સુધી પહોંચાડવાના કામમાં પણ વી.એસ.પી. ઘણી અગત્યની ભૂમિકા ભજવે છે, એ જાણ્યું. તેઓ અમારા પ્રોજેક્ટ્સ સિવાય ત્યાંના લોકોમાં ખેતી અને તેની અદ્યતન પદ્ધતિઓ વિશે તેમજ કિચન-ગાર્ડન ના કન્સેપ્ટ ઉપર જાગ્રુતિ ફેલાવવાના અન્ય પ્રોજેક્ટ્સ પણ કરી રહ્યાં હોવાની માહિતી મેળવી.
ખેર મુલાકાત ભેગી બીજી ત્રણ-ચાર અવિસ્મરણીય બની રહી એવી કેટલીક બાબતો હતી - બે દિવસ દરમ્યાન લીધેલું ઓથેન્ટીક મહારાષ્ટ્રીયન લંચ,શેગાંવના ગજાનન મહારાજનું ભવ્ય સમાધિ-મંદીર, મંદીરમાં અમારા પ્રવેશ સાથે શરૂ થયેલી આરતી, મંદીરની ભોજનશાળામાં લીધેલું રાત્રિભોજન, દત્તજયંતિને દિવસે અમે ત્યાં હતા તેથી અમુક ખાસ દત્તાત્રેય ભગવાનના મંદીરોમાં તેની ઉજવણી, શેગાંવ મંદીરથી પરત હોટલ આવતી વેળાએ એક ખાસ ઈકોફ્રેન્ડલી ટુક્ટુક રીક્ષાનો પ્રવાસ અને રીક્ષાવાળા ભાઈ સાથેનો રસપ્રદ સંવાદ,શેગાંવની અતિ પ્રખ્યાત લીલવા-કચોરીનો આસ્વાદ, બુલઢાણાના વિશ્વવિખ્યાત ઉલ્કા-સરોવર લોણાર ક્રેટર-લેકની મુલાકાત,ત્યાં આસપાસ આવેલા વાવ-પ્રાચીન જીર્ણ-શીર્ણ પણ ભવ્ય મંદીરોની મુલાકાત વગેરે વગેરે. બધી બાબતો મારા મન પર એક ઉંડી છાપ છોડી ગઈ.

(સંપૂર્ણ)

1 ટિપ્પણી:

  1. તમે સી.એસ.આર.પ્રવૃત્તિનો ભાગ છો તેથી તમે આ બધો અનુભવ લઈ અને શેર કરી શક્યા. તમે દર્શાવેલી બુલઢાણાના ગામોની શાળાઓની સ્થિતી વરવી વાસ્તવિકતા છે. આપણામાંના કેટલાને ગામડાઓની બદતર હાલત વિશે જાણ છે? આપણી શિક્ષણ પદ્ધતિ જ્યાં સુધી પુસ્તકિયા બની રહેશે અને એમાં પરિવર્તન નહિ આવે,ત્યાં સુધી આ સમસ્યાનો હલ આવી શકશે નહિ.આશા રાખીએ કે પરિસ્થિતીમાં સુધારો જોવા મળે.

    જવાબ આપોકાઢી નાખો