-
આશા છાયા
થોડા સમય પહેલા " વી ઘ પીપલ "
નો શો જોતા જોતા એક આઘાતજનક કિસ્સો
સાંભળવામાં આવ્યો.જે એક માબાપ નો અનુભવ હતો--આ દંપતી નો દીકરો એક ન
ધારવામાં આવે એવા અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આ જુવાનના માબાપ
પાસે એક લાઇસન્સ વાળી રિવોલ્વર હતી. જુવાન લોહીને તુક્કો સૂઝયો કે આ રિવોલ્વર સાથે એક સેલ્ફી લેવી જોઈએ.એક હાથેથી રિવોલ્વર લમણાં પર ધરી અને બીજે હાથેથી
સેલ ફોન સેલ્ફી લેવા માટે સામે ધર્યો અને સેલ ફોન
નું બટન દબાવવાને બદલે રિવોલ્વરની ટ્રિગર દબાઈ ગઈ.આ આપઘાત ન
હતો પણ આ સેલ્ફી શોખ આપઘાત જનક સાબિત થયો. માબાપ ને રિવોલ્વર સંભાળીને ઠેકાણે ન રાખવાને માટે ઘણો પસ્તાવો હતો પણ પસ્તાવો
કરવાથી એ દીકરો ફરી જીવંત થવાનો ન હતો.
એક બીજો આવો દાખલો પણ થોડા સમય પહેલા વાંચવામાં
આવ્યો.મુંબઈ માં એક માબાપે પોતાના દીકરાને ૧૬મી વર્ષગાંઠે
સ્માર્ટ ફોન ભેટમાં આપ્યો. દીકરાને કમનસીબે સુઝયું કે ચાલતી ટ્રેન આગળ ઉભા રહી ને એક સેલ્ફી લઉં --અને
પ્લેટફોર્મ પર ઉભા રહી ને ફોટો લેતા આ કિશોર સંતુલન
ગુમાવતા નીચે રેલવે ટ્રેક પર પડી ગયો અને ટ્રેન નીચે આવી
જવાથી તત્કાળ મૃત્યુ પામ્યો. જે ભેટ દીર્ઘ આયુષ્યના આશીર્વાદ સાથે આપી હશે તે જ ભેટે દીકરાનું આયુષ્ય ટૂંકું કરી નાખ્યું.
આજકાલ આવા ઘણા સમાચાર વાંચવા મળે છે જેમાં ટેક્નોલોજીના ગંભીર ગેરલાભ જોવા મળે છે. આપણો દેશ સેલ્ફીને કારણે આકસ્મિક
રીતે મૃત્યુ પામેલા ની સંખ્યામાં આગળ છે. તેમ છતાં હવે ‘સેલ્ફી ક્લાસીસ’ પણ શરુ થયા
છે અને તેમાં લોકો ભરતી પણ થાય છે. આ તો "ડીમાન્ડ એન્ડ સપ્લાય" નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આના સિવાય ટેક્નોલોજીની બીજી પણ ઘણી
આડઅસર થાય છે. ઘણી વખત આપણને આની જાણ હોવા છતાં આપણે આંખ આડા કાન કરીએ છીએ.ઘણા માબાપ ગર્વ ની
સાથે કહે છે કે તેમનું ૨ કે ૩ વર્ષ નું બાળક સુદ્ધા આવા સાધન સહેલાઈ થી વાપરી શકે છે. ઘણી વાર તો દેખાડો
પણ થાય છે કે બાળક ટેબ્લેટ, આઈ પેડ, સ્માર્ટ ફોન કે પ્લે સ્ટેશન કેટલી હોંશિયારીથી વાપરી શકે છે. ઘણા પાલક તો આટલા નાના બાળક ને આ
ચીજો ખરીદીને પણ આપે છે --કારણ? એનું પોતાનું
હશે તો આપણું લેવાની જીદ નહિ કરે. આ બાળક નું જ્ઞાન આપણે વધારીએ છીએ કે તેના જ્ઞાન નું શોષણ
કરીએ છીએ?
ખરેખર તો બાળક ની
નજર સામે કુદરતનો નઝારો હોવો જોઈએ- સુંદર આકાશ જેમાં એ તારાઓ નિહાળી શકે- પતંગિયા
ને એક ફૂલ થી બીજા ફૂલ પર ઉડતા જોઈ શકે
-અથવા કબૂતર કે ચકલી કે કાગડાની ઉડાન જોઈ
શકે. આ બધું દેખાડીને બાળકમાં એવી સમજણ કેળવી શકીએ કે "he/she is a part of this environment and not apart from it
!" આ બધું જાણવા છતાં
આપણે શું કરીએ છીએ? બાળક ની આખી દુનિયા ૧૦*૧૦ સે.મી. ના આઈ
પેડ કે ટેબ્લેટમાં
કેન્દ્રીત કરી દઈએ છીએ. સાધન માં પીક્ચર એટલું ફાસ્ટ ચાલે છે કે બાળક ની આંખ પણ એટલીજ ફાસ્ટ ચાલે છે.બાળક નું ધ્યાન પણ
કેન્દ્રિત નથી થતું અને માયોપીયા તે
આંખ ની નબળાઈ તે એક વધારાની ઉપાધિ વણનોતરી આવી ચડે છે..
આપણને -મોટેરાઓને પણ આ બધાં સાધનોની ઘણી વખત લત લાગી જાય છે. આનાથી
ન્યૂરોલોજીકલ
તકલીફ પણ ઉભી થાય છે-- જેમ કે " કાર્પલ ટનલ સીન્ડ્રોમ".
અહીં એક વાત કહેવી જરૂરી છે કે આ તકલીફ "
ઓક્યુપેશનલ હાઝાર્ડ"
પણ હોઈ શકે -- ખાસ કરીને
જે લોકોને વ્યવસાય ને કારણે કોમ્પ્યુટર
પર સતત કામ કરવું પડે છે. પણ આની લત એવી લાગે છે કે ટ્રેન
કે બસમાં ઘણા પ્રવાસીઓ આ સાધનો માં એટલા લીન હોય છે કે આજુ બાજુ શું ચાલી રહયું છે
તેનું ભાન જરા પણ નથી હોતું.
આ પરિસ્થિતિ માટે વાંક કોનો? સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ,
લેરી પેજ, માર્ક ઝકરબર્ગ, સુંદર પિચાઈ કે સત્ય
નડેલા નો? આપણે કબૂલ કરવું રહયું કે આ બધા નિષ્ણાતોએ સર્વ પ્રકારનું જ્ઞાન આપણી આંગળી ને
ટેરવે મૂકી દીધું છે.
પણ આશ્રર્યજનક વાત એ છે કે ખુદ "એપલ"ના સ્થાપક સ્ટીવ જોબ્સે પોતે પોતાના બાળકોને "એપલ"
ના સાધનો લગભગ ૨૦ વર્ષ ની વય સુધી વાપરવા નહોતા દીધાં.તેઓ
કબૂલ કરતા કે તેઓ ખુદ "લો
ટેક" વ્યક્તિ
હતા. જમવાના ટેબલ પર સહ કુટુંબ કોઈ પણ ગેજેટ્સ વાપર્યા વગર સાહિત્ય કે ઇતિહાસ કે ભૂગોળ કે વિજ્ઞાન પર ચર્ચા કરતા. માવતર તરીકે પોતાના બાળક ટેક્નોલોજી પર કેટલો સમય વિતાવતા તેના પર નિયંત્રણ રાખતા.
વાંચકોને નવાઈ લાગશે કે સીલીકોન
વેલી – કેલીફોર્નિયા માં ગૂગલ,
એપલ, યાહૂ ના ઘણા
ઉચ્ચ અધિકારીઓ પોતાના બાળકોને "ટેક ફ્રી"
શાળાઓમાં મોકલે છે. તેઓ
સહુ એમ માને છે કે શરુઆત માં બાળકો જૂની પારંપરિક પદ્ધતિથી શીખે. આ બધા માં ઘણાની
એવી દ્રઢ માન્યતા છે કે કોમ્પ્યુટર બાળકની ઉત્સુકતા ,જિજ્ઞાસા ,સર્જનાત્મક વિચારસરણી ,ચપળતા ,
માનવીય સંપર્ક અને ધ્યાનનું કેન્દ્રિત થવું (અટેનશન સ્પાન) આ બધા ઉપર હાનિકારક અસર કરે છે અને ત્યાં આવીજ એક શાળા છે --
વોલ્ડોર્ફ સ્કૂલ - સીલીકોન વેલી
– કેલીફોર્નિયા માં.
આ બતાવે છે કે સંશોધક પોતેજ પોતાના સંશોધનનો દૂર ઉપયોગ થયી શકે એ હકીકત થી ડરે
છે.આ સંદર્ભમાં એક ઉદાહરણ જે કદાચ અતિશયોક્તિ લાગશે પણ તેમ છતાં હું આપું છું --
જે રોબર્ટ ઓપનહૈમર
જેમણે પોતાની દેખરેખ હેઠળ પહેલા અણુબોમ્બ નો વિસ્ફોટ ન્યૂ મેક્સીકો, યૂ. એસ. એ. માં જોયો ત્યારે તેમને પણ એક ડર હતો કે "
હે ભગવાન - મેં આ માનવજાત ને શૂં
આપ્યું?”
હું જરૂર માનું છું કે ટેક્નોલોજી મૂળભૂત હાનિકારક નથી. એનો લાભ અને સદુપયોગ ઘણાં ક્ષેત્ર માં થાય છે --દા ત હવામાન, સમુદ્રી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, ઔષધીચ સંશોધન, વિવિધ રોગોના નિદાન અને તેની સારવાર --અલબત્ત આ લિસ્ટ ઘણું લાંબુ છે.પણ દરેક જ્ઞાન -વિજ્ઞાન માટે યોગ્ય સમય હોય છે. ગુજરાતી માં કહેવત છે --"બારે બુદ્ધિ --સોળે શાન" -- અર્થ કે બાળક જ્યારે સાચા ખોટમાં તફાવત કરી - સમજી શકે ત્યારે જ એને અમુક ગેજેટ્સ આપવા જોઈએ. આને માટે આપણે ખુદ દાખલો બેસાડવો રહ્યો કારણ કે બાળકો કાનથી શીખે છે તેના કરતાં આંખથી ઘણું વધારે શીખે છે. તેથી તેમના ઉછેર માં આપણે આપણા વર્તનથી દાખલો બેસાડવો એ અનિવાર્ય છે. એમને માર્ગદર્શન આપવું એમની જાસૂસી ન કરવી. સાચા માર્ગદર્શન થી આપણું બાળક સાચી દિશામાં દોરાશે, નહીં તો "ગાડરિયા પ્રવાહ" ની જેમ આપણી સાથે એ નિર્દોષ જીવન પણ "સેલ્ફી" ના વમળ માં ખેંચાઈ જશે.
ટેક્નોલોજીને
સરાહો -- વાપરો પણ એને
અકસ્માતજનક કે આપઘાતજનક ન થવા દો.સમજદારી થી વાપરો. સમજુ અને સાવધ રહો!!
- આશા છાયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો