Translate

Tuesday, February 28, 2017

પોકીમોન ગો!

વર્ષ ૨૦૧૬ના જુલાઈ માસમાં વિધિવત લોન્ચ થઈ વિશ્વભરમાં ધૂમ મચાવનાર ચર્ચાસ્પદ વર્ચ્યુઅલ રીયાલીટી ગેમ 'પોકીમોન ગો' હવે ભારતમાં પણ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ ડાઉનલોડ કરી શકાય છે અને મારી જેમ તેના અનેક ચાહકોને ઘણાં સમયથી તેનું રીતસરનું ઘેલુ લાગ્યું છે! અને શા માટે ન લાગે? આ રમત છે જ એટલી મજેદાર અને અન્ય મોબાઈલ કે વિડીઓ ગેમ્સ કરતાં તદ્દન નોખી! ચાલો જોઇએ કઈ રીતે. પ્રથમ તો આ રમત રમવા માટે તમારી પાસે સારી ક્ષમતા ધરાવતો સ્માર્ટ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ અને જી.પી.એસ. જોઇએ. એ રમવા માટે તમારે બહારના જગતમાં ચાલવું પડે, જાતે - પોતાના પગે! રમત લોકપ્રિય થયા બાદ જોકે ફ્લાયીંગ જી.પી.એસ. જેવી અન્ય એપ્સ દ્વારા એ ઘેર બેઠા ચીટીંગ કરીને પણ રમવાનું શક્ય બન્યું પણ ખરી મજા તો તમે ખુલ્લામાં ચાલવા અને નવો પોકીમોન પકડો ત્યારે જ આવે!
નિયાન્ટીક લેબ્સ નામની વિડીઓ ગેમ્સ બનાવતી કંપની દ્વારા બનાવાયેલી આ ગેમ અત્યાર સુધી પાંચસો મિલિયન કરતા વધુ લોકો દ્વારા ડાઉનલોડ થઈ ચુકી છે અને તે રમતા રમતા લોકોએ પગે ચાલીને કાપેલું કુલ અંતર પ્રુથ્વીથી પ્લુટો સુધીનાં અંતર કરતા પણ વધુ નોંધાયું છે!
            અગાઉ ઇન્ગ્રેસ નામની સફળ મોબાઈલ ગેમ સર્જનાર અને વર્ષ ૨૦૧૫ના અંતિમ મહિનાઓ દરમ્યાન 'પોકીમોન ગો' મોબાઈલ ગેમ બનાવવાના લક્ષ્ય સાથે ગૂગલમાંથી જ જુદી થઈ સ્વતંત્ર કંપની બનનાર ચાર-પાંચ વર્ષ જૂની નિયાન્ટીક લેબ્સના નિષ્ણાત એન્જિનિયર્સે રાત-દિવસ મહેનત કરી થોડા જ મહિનાઓમાં આ ગેમ તૈયાર કરી અને તેને સફળતાપૂર્વક તબક્કાવાર વિશ્વના ૯૦ કરતા વધુ દેશોમાં લોન્ચ કરી પણ તેની પાછળ રહેલા તેના મૂળ સર્જક જહોન હેન્કની પ્રેરણાત્મક ગાથાનું તો આખું એક પુસ્તક પણ થઈ શકે એટલી રસપ્રદ એની દાયકાઓભરી મહેનતની કહાણી છે.
વિધિવત લોન્ચના ત્રણેક મહિના પહેલા સૌ પ્રથમ જાપાનમાં ગેમ-રસિયા સામાન્ય લોકોને પોકીમોન ગો ના ફિલ્ડ ટેસ્ટીંગ માટે આમંત્રણ અપાયું,ત્યાર બાદ ફીલ્ડ ટેસ્ટીંગનો વ્યાપ વધારી ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ અને અમેરિકાની જનતાનો પણ તેમાં સમાવેશ કરાયો.હજારો ચાહકોએ લોન્ચ પહેલા આ રમત રમી ફીડબેક આપ્યો અને તેના આધારે ગેમમાં જરૂરી સુધારાવધારા કરાયા,નવા ફીચર્સ ઉમેરાયા અને આખરે જુલાઈ ૨૦૧૬માં આ ગેમ વિધિવત લોન્ચ કરાઈ અને જાણે મોબાઈલ ગેમ્સની દુનિયામાં એક તોફાન મચી ગયું.જોતજોતામાં જગ પ્રસિદ્ધ થઈ ગયેલી આ રમતે આબાલવૃદ્ધ સૌકોઈમાં પોતાનું અનોખું આકર્ષણ જમાવ્યું.
આ રમતની એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કર્યા બાદ તમે તમારું ગૂગલ અકાઉન્ટ તેની સાથે લિન્ક કરી આ રમતમાં 'પોકીમોન ટ્રેનર' બની રમત રમવાની શરૂઆત કરી શકો છો.તેમાં રમતની એપ શરૂ કરી લોગિન કર્યા બાદ તમારે ઉભા થઈ ઘરની બહાર ચાલવા જવાનું અને તમને રસ્તામાં મળશે પોકીમોન્સની ફોજ!નાનકડા આ કાલ્પનિક જીવો આખી પ્રુથ્વી પર બધે જ ફેલાયેલા છે.તમે જેમ જેમ ચાલતા જવ તેમ તેમ માર્ગમાં ચોક્કસ સ્થળોએ તમને જુદી જુદી જાતના પોકીમોન્સ ભટકાતા જાય જેના પર તમારે ગેમમાં અવેલેબલ પોકીબોલ્સ થ્રો કરવાનો અને પોકીમોન પકડાઈ જાય અથવા ભાગી છૂટે!
ભૂમિ,અગ્નિ,વાયુ વગેરે અલગ અલગ જાતના જુદી જુદી જાતના પોકીમોન્સ પહેલી વાર પકડો એટલે તમારા અંગત પોકીડેક્સમાં એ પોકીમોન સચિત્ર સ્વરૂપે નોંધાઈ જાય.એક જ જાતના કેટલાક ચોક્કસ પોકીમોન ભેગા કરી તેને પછી તમે તેની જ જાતિના વધુ બળવાન પોકીમોનમાં ઇવોલ્વ કરી શકો.જેમ જેમ વધુ ચાલો એટલે કિલોમીટર નોંધાતા જાય અને બે, પાંચ કે દસ કિલોમીટર ચાલ્યા બાદ તમારી એગ-બાસ્કેટમાં જમા થયેલા એગ્સ પણ હેચ થઈ તેમાંથી નવો પોકીમોન જન્મી તમારા પોકીડેક્સમાં નોંધાઈ જાય.જેમ જેમ વધુ પોકીમોન્સ જમા થતા જાય તેમ તેમ તમારો સ્કોર વધતા એક પછી એક લેવલ ઉંચુ થતું જાય અને આવા પાંચ લેવલ પાર કર્યા બાદ તમે રમત વધુ ઉત્સુકતા અને ઉત્સાહથી રમી શકો કારણ ત્યાર બાદ તમારે વિશ્વમાં રચાયેલી ત્રણ ટીમ પૈકી એકમાં જોડાઈ તમારો અવતર ધારણ કરવાનો રહે અને તમે પોકીજીમમાં લડવા સક્ષમ થઈ જાવ! દસ સ્તરો ધરાવતા આ પોકી જીમ્સ તમારી આસપાસ ચોક્કસ જગાઓએ રચાયેલા હોય અને તેના પર કબ્જો જમાવવા ત્રણે ટીમ્સ - લાલ,પીળા અને ભૂરા રંગની ઓળખ સાથે કમર કસે!તમારા પોકીમોન્સને તમે પોકીજીમના ખાલી સ્તરે બેસાડી તેને ટ્રેન કરી શકો અથવા હરીફ ટીમના પોકીમોન સાથે લડવા માટે સ્થાપિત કરી શકો.એ પોકીમોન થાકી ને હારી જાય એટલે કે તેની બધી શક્તિ ખર્ચાઈ જાય એટલે તમે એને રીવાઈવ જેવા સાધનનો ઉપયોગ કરી અને શક્તિવર્ધક દવાના ઘૂંટડા પાઈ ફરી સજીવન અને સશક્ત બનાવી શકો.પોકીબોલ્સ,એગ્સ,શક્તિવર્ધક દવા,રીવાઈવ સાધન વગેરે જેવી સામગ્રી તમને રસ્તામાં પોકીજીમ્સ જેવાજ અન્ય કાલપનિક વર્ચ્યુઅલ પોકીસ્ટોપ્સ પર મળી રહે.તમારે વધુ ને વધુ ચાલતા રહેવું પડે અને વધુમાં વધુ પોકીસ્ટોપ્સની મુલાકાત લેવી પડે જેથી વધુમાં વધુ પોકીબોલ્સ અનેઆધનો એકઠા કરી તમે વધુમાં વધુ પોકીમોન્સ પકડી શકો અને ઉંચા લેવલ્સ ઝડપથી પાર કરી ગેમને વધુ રસપ્રદ બનાવી શકો.
વેલેન્ટાઈન વીક દરમ્યાન ક્લીફેરી,એગ્ઝીગ્યુટર કે જિગ્લીપફ જેવા ગુલાબી પોકીમોન્સ તો હેલોવીન દરમ્યાન હોન્ટેડ કે ગેન્ગર જેવા ભૂતિયા પોકીમોન્સ સર્વત્ર છવાયેલા જોવા મળે તો ક્રિસમસ જેવા ખાસ પ્રસંગોએ તમે ઓછું ચાલી વધુ લાભ મેળવી શકો એવા ફેરફાર રમતમાં હંગામી ધોરણે કરવામાં આવે.આ તો ઠીક પણ તમે જ્યારે તમે ભેગા કરેલા પોકીમોન્સનું લિસ્ટ ચકાસતા હોવ ત્યારે જે તે પોકીમોન તેને મોબાઈલ સ્ક્રીન પર સ્પર્શતા જે રીતે પ્રતિભાવ આપે એ ક્યુટ એનિમેશન્સ જોઈ તમે વિવિધ પોકીમોન્સના ચાહક ન બની જાવ તો જ નવાઈ!

અગાઉ જુદી જુદી જાતના દોઢસો જેટલા પોકીમોન્સ આ રમતમાં હાજર હતાં પણ બે દિવસ જ અગાઉ તેમાં વધુ ૮૦ સેકન્ડ જનરેશન પોકીમોન્સનો અને નવા રસપ્રદ ફીચર્સનો આ ગેમના લેટેસ્ટ વર્ઝનમાં ઉમેરો કરાયો છે. આ ગેમ અન્ય મોબાઈલ રમતો કરતા જુદી અને સારી એટલા માટે છે કે તે તમને ઘરમાં એક ખૂણે બેસી કલાકો બરબાદ કરવા પ્રેરતી નથી પણ બહારના જગતમાં જઈ ચાલવા પ્રેરે છે જેથી શરીરને કસરત મળે છે.વિશ્વના કંઈ કેટલાયે લોકો આ રમત રમતા રમતા જીવનમાં અગાઉ ક્યારેય ન ચાલ્યા હોય એટલું ચાલી ચૂક્યા છે!લોકોએ ગ્રુપમાં ભેગા મળી આ રમત રમવાની શરૂઆત કરતાં લોકોમાં સમૂહજીવનની ભાવના કેળવાઈ છે અને કેટલાક તો પરીવારો સાથે આ ગેમ રમવા નિકળતા તેમની વચ્ચે નિકટતા વધી છે.પોકીસ્ટોપ્સ અને પોકીજીમ્સ જે તે પ્રદેશનાં વિશિષ્ટ મહત્વ ધરાવતા સ્થળોએ (જેવા કે સ્મારકો,સંગ્રહસ્થળો,મંદીરો,દરીયા કિનારા,પ્રખ્યાત ઇમારતો વગેરે) ઉભા કરાતા લોકો અગાઉ ક્યારેય આ જગાઓએ ન ગયા હોય પણ પછી વારંવાર જતા થયા હોય એવા કિસ્સા નોંધાયા છે!કેટલાયે સ્થાનિક ઉદ્યોગોને આ રમતને કારણે વેગ મળ્યાના દાખલા પણ નોંધાયા છે.રમતી વખતે માર્ગમાં અક્સ્માત ન થાય તેની ચોકસાઈ રમનારે રાખવી જ જોઇએ તેમજ વધુ પડતો સમય રમતમાં આપી જીવનની અન્ય અગત્યતાઓ પ્રત્યે ધ્યાન ન આપવા જેવી બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખવી જ જોઇએ તો આ રમત તમને ચોક્કસ ખુબ સારા મનોરંજન સાથે શરીરને જરૂરી કસરત પૂરી પાડશે!

No comments:

Post a Comment