Translate

રવિવાર, 19 એપ્રિલ, 2020

સિસુ અને નિકસીન


       કોરોનાએ ફેલાવેલી નકારાત્મકતા વચ્ચે ચાલો આજે આ બ્લોગ થકી વાત કરીએ થોડીક હાકારત્મકતાની, સારપની. સુખની શોધ મનુષ્ય અનાદિ કાળથી કરતો રહ્યો છે અને સાચું સુખ શેમાં છે તે વિશે અનેક મતમતાંતર પ્રવર્તે છે. જગતમાં સૌથી સુખી પ્રજા કયા દેશની એ વિશેનો એક સર્વેક્ષણ પણ થાય છે, જેમાં ફિનલેન્ડ, નોર્વે જેવા રાષ્ટ્રો મોખરે રહે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના સસ્ટેઇનેબલ ડેવલપમેંટ સોલ્યૂશન્સ નેટવર્ક વર્ષ ૨૦૧૨થી આ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રસિદ્ધ કરે છે જેમાં સોશિયલ સપોર્ટ , જીવનમાં વિકલ્પો પસંદ કરવાની સ્વતંત્રતા, સરેરાશ જીવન આયુ અને જી. ડી. પી. પર કેપિટા જેવા પરિબળોના આધારે સુખનો સૂચકાંક નક્કી કરવામાં આવે છે. દોઢસોથી વધુ દેશોનો આ સર્વેક્ષણમાં સમાવેશ કરવામાં આવે છે જેમાં આપણો ભારત દેશ ઘણો પાછળ છે. તેનું કારણ આપણે સૌ અને આપણી જીવન શૈલી છે. આપણે સતત તણાવમાં રહેતી પ્રજા છીએ. કોરોનાએ એક રીતે જોઈએ તો આપણને સુખની ચાવી શોધવાની એક તક પૂરી પાડી છે. તે અંગે શાંત ચિત્તે વિચાર કરવાની જરૂર છે. આપણી જીવન શૈલી વધુ સુખમય બનાવવાની ચાવી આપણે આ લોકડાઉન દરમ્યાન શોધી કાઢવાની છે. સૌથી સુખી ગણાતી પ્રજા કઈ રીતે આપણા કરતા વધુ સુખી છે? તેઓ કઈ રીતે આપણાં કરતા જુદી રીતે જીવે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ.
  સૌથી સુખી એવા ફિનલેન્ડની ફિનિશ ભાષામાં એક શબ્દ છે - સિસુ. આમ જોવા જઈએ તો આ શબ્દનો અંગ્રેજીમાં કોઈ ચોક્કસ પર્યાય નથી, પણ તેનો ભાવાનુવાદ કરીએ તો તેનો અર્થ નીકળે - અકલ્પનીય મુશ્કેલ પરિસ્થિતિમાં જાળવવી જરૂરી એવી હિંમત, માનસિક તાકાત, ખંત. અંગ્રેજીમાં 'ગટ્‌સ' શબ્દ પણ સિસુના અર્થની નજીક આવે એવો શબ્દ છે. સિસુ આમ જોવા જઈએ તો માત્ર એક શબ્દ નથી, એક કોન્સેપ્ટ છે, 'સેલ્ફ કેર' ટ્રેન્ડ કે જીવન શૈલી છે. આ જીવનની રીત તમને તમારા આરામદાયી જીવન કે કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળી કઈંક પડકારજનક કરવા પ્રેરે છે જેમ કે શિયાળાની કાતિલ ઠંડીમાં બરફ જેવા ઠંડાગાર સમુદ્રમાં જઈ સ્વિમિંગ કરો કે આવું જ કઈંક 'તૂફાની'!
    સંશોધક એમિલિઆ લાહતીના કહેવા મુજબ જ્યાં તમારી માનસિક તાકાત, ખંત કે હિંમતનો અંત આવે ત્યાંથી સિસુની શરૂઆત થાય છે. તે માનસિક ક્ષમતાનું એક વધારાનું સ્તર છે, એમ ગણી શકાય. સિસુ જીવનશૈલી પર પુસ્તક લખનાર લેખક જોઆના નાયલૂંડ કહે છે કે સિસુ જીવનના દરેક ક્ષેત્રમાં અપનાવી શકાય છે - જેવા કે સંબંધો, કામ, સ્વ કલ્યાણ કારણ એ તમને જીવનના દરેક પાસા સાથે પ્રમાણિકતા, અખંડિતતા, હિંમત, જોશ અને નમ્રતા પૂર્વક કામ પાડવામાં મદદ કરે છે.
સિસુ જીવન શૈલી પર પુસ્તક લખનાર કાતજા પંત્ઝર જણાવે છે કે સિસુ અપનાવવા તમારે જિમની સરહદો છોડી બહાર ખુલ્લામાં ચાલવું, બાઇક ચલાવવું, સ્વિમિંગ કરવું વગેરે જેવી શારીરિક પ્રવૃત્તિઓ દરરોજ કરવી જોઈએ. નિયમિત રીતે પ્રકૃતિ ના ખોળામાં જવાનો અન્ય કોઈ જ વિકલ્પ નથી. ફોરેસ્ટ થેરપી શ્રેષ્ઠ છે. સિસુને અપનાવી એને ફિનલેન્ડની પ્રજા તેમનો રાષ્ટ્રીય સદગુણ સમજે છે. સિસુ જીવન શૈલી તંદુરસ્ત આહાર ને પણ ખૂબ મહત્વ આપે છે. જેવો આહાર શરીર સાથે મન અને આત્માને પણ પોષે તે ગ્રહણ કરવો જોઈએ. આવો આહાર શાકભાજી, આખા ધાન્ય અને ચરબીયુક્ત માછલીનો સમાવેશ કરે છે અને મીઠાઈ અને લાલ માંસથી દૂર રહેવા જણાવે છે. ફિનલેન્ડ માં લોકો પારંપારિક, તેમની ભૂમિ પર જ પેદા થયેલો અને પર્યાવરણની જાળવણીમાં મદદ કરે એવો જ ખોરાક ખાય છે.
  સૌથી સુખી દેશોમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતા દેશ નેધરલેન્ડમાં પ્રચલિત અને પેદા થયેલો અન્ય આવો એક બીજો કોન્સેપ્ટ છે નિકસીન. આ ડચ કલાનો વાસ્તવિક અર્થ થાય છે કંઈ જ ન કરવું, ખાલી (બેસી) રહેવું કે કોઈ જ ઉદ્દેશ વિના કઈંક કર્યા કરવું જેમ કે બારી બહાર તાકતા બેસી રહેવું. કોઈ જ કારણ વગર બહાર ભટકવું કે સંગીત સાંભળ્યા કરવું એ પણ નિકસીન ગણી શકાય. આજની પ્રજા જે ઉચ્ચ સ્તરના તણાવ સાથે જીવે છે તેમાંથી મુક્ત થવા નિકસીન પ્રકારની જીવન શૈલી અપનાવવી જોઈએ. એક નવાઈ ભરી વાત એ છે કે કંઈ ન કરવાની જીવન શૈલી જીવતી પ્રજા વાળો આ દેશ નેધરલેન્ડ ગ્લોબલ પ્રોડક્ટીવીટી પોટેન્શિયલ ની સૂચિમાં દ્વિતીય સ્થાને બિરાજે છે. આનો એક અર્થ તમે એવો કાઢી શકો કે જ્યારે તમે થોડા સમય માટે કંઈજ કરતા નથી, ત્યારે તમારી ઉત્પાદકતા કે ક્ષમતા તમે ત્યાર પછી પ્રવૃત્તિમાં જોતરાવ ત્યારે બમણી થઈ જાય છે. નિકસીન પરંપરાગત દ્રષ્ટિએ બિન-ઉત્પાદક પ્રવૃત્તિમાં વધુ સમય પસાર કરવાનું સૂચન કરે છે. એ કરતી વેળાએ અપોઇન્ટમેંટ્‌સ, ડેડલાઇન્સ કે આગળના કામોના વિચારો તમને ખલેલ પહોંચાડવા જોઈએ નહીં. તમે જેના પર દ્રષ્ટિ પડે તે વસ્તુ વિશે જ વિચાર્યે રાખવાની જરૂર નથી,પણ શરૂ કરવા માટે કોઈ એક વસ્તુ નક્કી કરો. જેમ કે કોઈક ઝાડ. પછી તમારા વિચારો જ્યાં વહે, એ દિશામાં તેમને વહેવા દો. નિક સીન જીવન શૈલી બીજી પણ ઘણી રીતે અપનાવી શકાય છે. જેમ કે ચાલવાની ટેવ પાડો. ચાલવાથી મનનો બોજો હળવો થાય છે અને ચાલતી વખતે તમારા વિચારો પણ મુકત રીતે વહી શકે છે. તણાવ માંથી મુક્તિ અપાવે એવા શોખ કેળવો. જેમ કે ઉન ગૂંથી વસ્ત્ર તૈયાર કરવું, સંગીત સાંભળવું, ઝાડ-પાન ઉગાડવા/ બાગ કામ કરવું. આ પ્રકારની પ્રવૃત્તિઓ તમારા મનને જરૂરી આરામ અને ચોક્કસ દિશામાં ભટકવાની તક આપે છે. સતત ટી વી કે મોબાઇલ જોયા કરવાને નિક સીન ગણી શકાય નહીં. નિકસીનમાં એવી જ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે જ્યાં કોઈ સ્ક્રીન કે ઉપકરણ ન હોય. નિકસીન દિવસે સપના જોવા સમાન છે. ધ્યાન ધરવાનો પણ નિકસીનમાં સમાવેશ થાય છે. દરરોજ તમારે થોડી 'ઝેન' ક્ષણો માણવી જ જોઈએ,જ્યારે તમે ધ્યાન ધરો. આજકાલ વિશ્વભરમાં તણાવ અને બર્ન આઉટ જેવી સમસ્યાનો લોકો સામનો કરી રહ્યાં છે તેવામાં નિકસીન તમારા શરીરને પણ આરામ આપે છે અને તેના દ્વારા મન પણ તણાવ ઓછો થતાં તાજગી અનુભવે છે. નિકસીનથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ સુધરે છે. ઘણાં અભ્યાસ સૂચવે છે કે જેટલો મુકત સમય વધારે તેટલી સર્જનાત્મકતા અને સમસ્યા-નિવારક ક્ષમતા પણ વધારે.
  કોરોના એ આપણને આપેલા મુક્ત સમયમાં ચાલો આપણે પણ આપણી અંદર ઉર્જા ભરી દઈએ અને જ્યારે જીવનનો કોરોના નાબૂદ થયા બાદનો નવો તબક્કો ચાલુ થાય, ત્યારે રાખમાંથી બેઠા થયેલા ફિનિક્સ પંખીની જેમ નવી તાજગી અને નવી ઉર્જા સાથે નવજીવનમાં જોડાઈએ અને સિસુ કે નિકસીન જેવી જીવન શૈલી ને આપણાં રોજબરોજ ના જીવનનો હિસ્સો બનાવી દઈએ.

 -  વિકાસ  ઘનશ્યામ નાયક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો