Translate

Saturday, April 4, 2020

કોરોનાના કાળા કેરમાંથી છોડાવવા ઈશ્વરને વિનવવા આજે રાત્રે દીવો પ્રગટાવશોને?


     કોરોના લોકડાઉનમાં ઘેર બેસી કંટાળી ગયા હોવ તો પહેલા થોડા આંકડાઓ પર નજર નાંખો. આ બ્લોગ લખાઈ રહ્યો છે તેના થોડા સમય અગાઉ સુધી વિશ્વમાં ૧૧લાખ ૩૦ હજારથી વધુ લોકો આ વિષાણુથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૬૦૧૪૯થી વધુ રોગગ્રસ્ત દર્દીઓ આ વિષાણુુને લીધે મૃત્યુ પામી ચૂક્યા છે. એકલા અમેરિકામાં ૨લાખ ૭૭હજારથી વધુ લોકો કોરોનાના ચેપનો ભોગ બન્યા છે અને ૭૪૦૦ થી વધુ અમેરિકનોના આ ભયંકર વિષાણુએ મોત નિપજાવ્યા છે. સ્પેનમાં ૧લાખ ૨૪હજાર કેસ અને ૧૧૭૦૦ થી વધુ મોત, ઈટાલીમાં ૧લાખ ૧૯ હજાર કેસ અને ૧૪૬૮૦ મોત, જર્મનીમાં ૯૧હજાર કેસ અને ૧૨૭૫ મોત તો ફ્રાંસમાં ૮૨૦૦૦ કેસ અને ૬૫૦૦થી વધુ નોંધાયા છેે.બસ્સોથી વધુ દેશોમાં આ વિષાણુ  પગપેસારો કરી ચૂક્યા છે. ભારતમાં  કુલ નોંધાયેલા કેસનો આંકડો ૩૨૦૦ને આંબી ગયો છે તો ૮૬ લોકો મૃત્યુ પામ્યાં છે. એક વાત નોંધીએ કેે ઉપર અન્ય પાંચ વિકસીત દેશોની વાત કરી ત્યાં કોરોના પહેલા પ્રવેશી ચૂક્યો હતો અને  વિકાસશીલ ભારતમાં હજી તે ત્રણેક સપ્તાહ પહેલા જ પ્રવેશ્યો છે. તેના ફેલાવાને અને લક્ષણોને દેખા દેવાને બે સપ્તાહનો સમય લાગી જતો હોય છે એટલે હવે પછીના થોડા દિવસો આપણાં સૌ માટે અતિ મહત્વના છે. હવે સંયમની ખરી કસોટી આપણાં સૌ માટે છે. ઘરમાં પૂરાઈ રહેવા ૨૧ દિવસની જે મહેતલ પ્રધાનમંત્રીએ માંગી હતી તેના અડધા થી વધુ દિવસો પસાર થઈ ચૂક્યા છે, પણ હજી દસેક દિવસ બાકી છે અને એમાં જ આપણે અતિ સભાનતાથી, સમજદારીથી અને સાવધાની પૂર્વક વર્તવાનું છે. જો હવે ગફલત થઈ તો તેની સજા આખા દેશે ભોગવવી પડશે. ગઈ કાલે એક જ દિવસમાં ભારતમાં ૬૦૦ થી વધુ નવા કેસો નોંધાયા છે, જે એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો છે અને તેમાં આપણું મહારાષ્ટ્ર રાજય જ કુલ ૫૦૦ કરતાં પણ વધુ પોઝીટીવ કેસો સાથે સૌથી ટોચના સ્થાને છે, આથી આપણે સૌથી વધુ પરિપક્વતાથી વર્તવાનું છે.
   મહેરબાની કરી ઘરની બહાર નીકળવાનું ટાળો જેથી આ વિષાણુઓને વધુ ફેલાવાનો મોકો ન મળે. અતિ જરૂરી કામ વગર બહાર બિલકુલ ન નીકળો. નહીંતર અત્યાર સુધી પ્રધાનમંત્રીશ્રી એ, સરકારે અને આપણે બધાએ જે કર્યું છે એ બધા પર પાણી ફરી વળશે.
   મારી અંગત વાત કરું તો હું એન. એસ. ઈ. માં કામ કરું છું અને શેરબજારો લોકડાઉનમાં પણ ચાલુ હોવાથી મેં એક પણ દિવસની સંપૂર્ણ રજા ભોગવી નથી, મોટા ભાગના દિવસોમાં ઓફીસ દ્વારા પૂરી પડાયેલી વાહનવ્યવસ્થાનો ઉપયોગ કરી ઓફિસ પહોંચી, ઓફિસમાં બેસી, થોડા દિવસ ઓફીસ દ્વારા નજીકની હોટલમાં અપાયેલ ઉતારામાં, પરિવારથી દૂર રહી ઓફિસમાં પહોંચી કે બાકીના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ દ્વારા સતત કાર્યરત રહ્યો છું પણ જો કદાચ મને પણ અન્ય મોટા ભાગના લોકોની જેમ સંપૂર્ણ આરામ કરવાની સ્થિતી ઉભી થઈ હોત તો યે મને એ વાતનો અફસોસ કે કંટાળો તો ન જ હોત. કેટકેટલું કરી શકાય આ અચાનક આવી પડેલા મફતના સમયમાં! કોરોનાને કારણે ક્યારેય વિચાર્યું યે નહોતું એવી ઘણી બધી ચીજો શક્ય બની છે. મુંબઈ લોકલ અને દેશભરની ટ્રેનો, પ્લેનો બંધ, સંપૂર્ણ લૉક ડાઉન, વર્ક ફ્રોમ હોમ, પરીક્ષા વગર વિદ્યાર્થીઓને વેકેશન, ઓનલાઇન વર્ગો, જૂની પ્રખ્યાત ટી. વી. શ્રેણીઓનું પુન : પ્રસારણ, ખાલી રસ્તાઓ, પ્રદૂષણમાં સુખદ આંચકાજનક સ્તરે ઘટાડો વગેરે વગેરે... આ યાદી હજી ઘણી લંબાવી શકાય એમ છે. તો આ બધામાં તેની અસરથી માનસિક રીતે વધુ પ્રભાવિત થયા વિના, બહાવરા બની ગયા વગર થોડી સ્થિતપ્રજ્ઞતા દાખવી સ્વ સાથે અને સ્વજનો સાથે આ સમય ગાળો. ધ્યાન ધરો. પોતાની જાતને નવી કુશળતાઓથી સજ્જ કરો. અત્યાર સુધી પૂરા ન કરી શકેલા ઘેર બેસી પૂરા કરી શકાય એવા બધા શોખ અંગે વિચારો અને એ પૂરા કરો. તમારા બાળકોને નવી વાતો અને નવા વિષયો શીખવો. પણ મહેરબાની કરી હજી થોડા વધુ દિવસ ઘરમાં જ પૂરાઈ રહો, બહાર ન નીકળો.
   છેલ્લે આજનો બ્લોગ પૂરો કરતા પહેલા વધુ એક વિનંતી. આપણાં પ્રધાનમંત્રીએ આપણને સૌને વધુ એક વાર આ મુશ્કેલ સમયમાં, આપણી એકતા અને સૌહાર્દ દાખવવાનો એક મોકો આપ્યો છે આજે રાત્રે બરાબર નવ વાગે, ઘરની બત્તી - લાઇટસ બંધ કરી, દીવા કે મીણબત્તી નવ મિનિટ માટે પ્રગટાવી સહિયારી પ્રાર્થના કરવા. આ પ્રમાણે કરી ઈશ્વરને ખરા હ્રદયથી પ્રાર્થના કરવાની છે કે કોરોનાએ ઉભા કરેલા અંધારામાંથી આ દિપકની રોશની સમા અજવાળા તરફ અમને જલ્દી લઈ જાવ. આ મહામારી માંથી વિશ્વને હવે જલ્દી જ મુકત કરો. લાખો દિવાઓની પવિત્ર રોશની અને લાખો લોકોની ખરા હ્રદયથી કરાયેલી પ્રાર્થના ઇશ્વર ન સાંભળે એવું બની શકે?
   ૨૨મી માર્ચે સાંજે પાંચ વાગે કોરોના સામે લડી રહેલા લોકોની સેવામાં વ્યસ્ત અને સજ્જ એવા ડોક્ટર અને નર્સ ભાઈ બહેનોની સરાહના અર્થે જ્યારે લાખો લોકોએ એક સાથે થાળી, ઘંટ, શંખ નાદ દ્વારા અભૂતપૂર્વ ભાઈચારા અને એકતાનું દર્શન કરાવ્યું હતું ત્યારે એમાં સહભાગી બની મેં જે અનોખો અનુભવ કર્યો હતો તેના કારણે મારા હ્રદયમાં એક અકથ્ય લાગણી અનુભવાઈ હતી અને આંખોના ખૂણા ભીના બન્યા હતાં, આવી લાગણી તમે પણ અનુભવેલી? ના, તો એ અનુભવવાની અને હા, તો એ ફરી એક વાર અનુભવવાની, હ્રદયના તાર ઝંકૃત કરવાની એક તક આજે રાતે મળવાની છે, એ ઝડપી લે જો... ઈશ્વરને સાચા હ્રદયથી પ્રાર્થના સાથે કે અમને રાખમાંથી ફરી બેઠા થયેલા ફિનિકસ પંખીની જેમ કોરોનાના કાળા કેરમાંથી જલ્દી જ મુક્ત કરજે...

1 comment:

  1. આપણું લખાણ ખુબ ગમ્યું

    આભાર
    Prashasti Patel

    ReplyDelete