Translate

રવિવાર, 22 માર્ચ, 2020

કોરોનાના કાળા કેર વચ્ચે ડોકાતી સોનેરી કિનાર

     આપણાં સૌના જીવનમાં આ અત્યારનો ઐતિહાસિક સમયગાળો છે જેમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ. આપણાં જીવન કાળ દરમિયાન આ પહેલા ક્યારેય આખા વિશ્વને કોઈ મહામારીએ ભરડામાં લીધું હોય અને તેની આટલી ઘેરી અસર વિશ્વભરમાં સૌના જીવન પર પડી હોય એવું ક્યારેય બન્યું નથી. ઓફિસો અને દુકાનો બંધ થઈ ગયા છે. આઠમા ધોરણ સુધીમાં ભણતા વિદ્યાર્થીઓને વગર વાર્ષિક પરીક્ષાએ આગળના ધોરણમાં ચડાવ પાસ કરી દેવાયા છે. વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘેર થી કામ અનેક જગાએ ફરજિયાત બનાવી દેવાયું છે. શેર બજારો ગભરાટમાં તળિયું બતાવવા માંડ્યા છે. ફિલ્મનાં અને ટીવી સિરિયલોના શૂટિંગ બંધ થઈ ગયા છે. સિનેમા હોલ, નાટકો, સ્વિમિંગ પૂલ, મોલ વગેરે બધું બંધ છે. ફક્ત એક્ટિવ છે કોરોના વાયરસ. તેણે જાણે શક્ય એટલી વધુ ઝડપે વિશ્વભરમાં વધુ માં વધુ લોકો સુધી પહોંચવાની ટેક લીધી છે! આપણે તેને હંફાવવાનો છે, તેના પર કાબુ મેળવવાનો છે, તેના પર જીત હાંસલ કરવાની છે.
   અત્યારે મોટે ભાગે ડર અને શંકાનું સામ્રાજ્ય ફેલાયેલું છે, પણ તેમાં ક્યાંક સોનેરી કિનાર દેખાય છે તેની આ બ્લોગ થકી વાત કરવી છે. થોડી હકારાત્મકતા ફેલાવવાની છે. ઈટાલીમાં જ્યાં આ મહામારીની સૌથી વધુ અસર થઈ છે, જ્યાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામ્યાં છે, ત્યાં વર્ષો પછી ડોલ્ફીન માછલી ત્યાંના દરિયામાં પાછી ફરી છે, હંસ પક્ષી ત્યાંના સરોવર અને તળાવમાં પાછા ફર્યા છે જ્યાં અત્યાર સુધી પ્રવાસીઓના ધાડા ના ધાડા જોવા મળતા હતાં. ગંડોલા બોટ, ક્રૂઝ શીપ બંધ થતાં, પ્રવાસીઓની અવરજવર બંધ થતાં પ્રકૃતિના આ મનુષ્ય જેટલાં જ પ્રિય સંતાન સમા પશુ પક્ષીઓ પોતાના આવાસોમાં પાછા ફર્યા છે. સિંગાપોરની શેરીઓમાં નોળિયા જેવા દેખાતા ઓટર પ્રાણીઓ દોડાદોડ કરતા જોવા મળ્યા છે. ઇજિપ્શિયન બતકોનું એક આખું કુટુંબ (નર - માદા અને તેમના દસ બાર બચ્ચાઓ) નિર્ભય પણે ઇઝરાએલના એક એરપોર્ટ પર વિહરી રહેલું એક વિડિયોમાં જોવા મળ્યું, કારણ અહીં ઉડતા વિમાનો અત્યારે બંધ છે! અન્ય એક વિડિયોમાં શિકાગોના એક ઝૂ માં પેંગ્વીન પક્ષીનું એક જોડલું બિન્ધાસ્ત આખા પ્રાણી સંગ્રહાલયમાં દોડાદોડ કરતું નજરે ચડે છે જ્યાં સામાન્ય રીતે મનુષ્યોની ભીડમાં ક્યારેક આ બધા કેદ પ્રાણીઓ અકળાઈ ઉઠતા હશે! રસ્તા પર વાહનોની ભીડ નથી. પ્રદૂષણનું પ્રમાણ આશ્ચર્યજનક કક્ષાએ નીચું ગયું છે. જળાશયો ચોખ્ખા થયા છે, દરિયા કિનારા અને અન્ય જાહેર સ્થળો સ્વચ્છ બન્યા છે. આ બધું જોતા એક વાત કહેવાની કે કોરોનાએ આપણને એક મહામૂલો પાઠ શીખવ્યો છે - સહ અસ્તિત્વનો. વિશાળે જગ વિસ્તારે, નથી માનવ એકલો... પશુ - પક્ષીઓ - જંતુઓ - વનસ્પતિ - ફૂલો આ બધું પણ પૃથ્વી પર એટલો જ હક્ક ધરાવે છે જેટલો આપણે મનુષ્યો. પણ આપણે બધાં પર અતિ ક્રમણ કરી રાજા બની બેઠાં છીએ. વિકાસના નામે પ્રકૃતિનો કચ્ચર ઘાણ કાઢી નાખવામાં આપણે બે વાર વિચાર કરતા નથી. આપણે જંગલનો બેફામ નાશ કર્યો છે, મહાસાગરોમાં કચરો ઠાલવી તેમનું પાણી પ્રદૂષિત કર્યું છે. અનેક જીવોની કતલ કરી અથવા ફક્ત પોતાનો વિચાર કરી તેમના જીવન માટે જરૂરી તત્વોનો નાશ કરી તેમનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું છે - આ મુદ્દે હવે વિચાર કરવાનો અવકાશ મળ્યો છે. આપણે સહ-અસ્તિત્વની વિચારધારા અપનાવી જીવન રીત બદલવાની છે.
   બીજું, પોતાના માટે જ સતત વિચારવાની વૃત્તિ ત્યજી અન્યો માટે થઈ પણ કંઈક કરતા શીખવાનું છે. કોરોના મહા ચેપી વિષાણુ છે. તેનાથી બચવા અને તેને અન્યો સુધી ના પહોંચાડવા પણ આપણે કેટલોક સમય ઘરમાં બેસવાનું છે, ફરાજિયાત. આ સમય અત્યાર સુધી ના કરી શકેલી ઘેર બેસી થઈ શકે એવી પ્રવૃત્તિઓ માટે વાપરવાનો છે. પરિવાર સાથે સુખદ સ્મૃતિઓ બનાવવાની છે. બાળકો સાથે રમવાનું છે. વાંચવાનું અને તેમને સારું વંચાવવાનું છે. ટીવી જોવાનું છે, સારી મિસ કરી લીધેલી ફિલ્મો જોવાની છે. લખવાનો શોખ હોય તો પેટ ભરીને લખવાની તરસ છીપાવવાની છે. પરિવારના અન્ય સભ્યો સાથે સમય અને વ્યસ્તતા ને કારણે ગુમાવી દીધેલી નિકટતા પાછી કેળવવાની છે.
   આપણાં પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ચૌદ કલાકનો સમય માગ્યો છે, તે તેમને આપવાનો છે. સાંજે પાંચ વાગે પોતપોતાના ઘરની બારી કે ગેલેરી માં ઉભા રહી તાળી પાડી એ સૌ હીરોના પ્રયત્નો ને બિરદાવવાના છે જેઓ આપણાં માટે આવી વિકટ પરિસ્થિતિ માં પણ ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જેમકે ડોક્ટર અને નર્સ ભાઈ બહેનો, કોરોનાનું પરીક્ષણ કરતી લેબ માં કામ કરતા ભાઈ બહેનો, આપણાં સફાઈ કામદારો, દૂધ અને છાપું નાખવા આવતા ભાઈબહેનો અને આવા તમામ લોકો જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સેવા કરી આપણું જીવવું સરળ બનાવે છે. આ બધાં પ્રત્યે આભાર પ્રકટ કરવા આજે સાંજે પાંચ વાગે પાંચ મિનિટ સુધી તમારી બારી કે બાલ્કની માંથી તાળીઓ પાડજો, ઘંટ નાદ જેવો ધ્વનિ પેદા કરજો અને આ મોટી મુસીબતના સમયે આપણે સૌ એક બીજાની સાથે છીએ એ વાતની પ્રતીતિ કરાવજો.
  વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે કે તાળી પાડવી સ્વાસ્થ્ય માટે સારી સાબિત થાય છે અને ઘંટનાદમાં એવા સ્પંદનો છે જે નકારાત્મતાને મારી ભગાડે છે. ચૌદેક કલાક ઘરમાં જ રહીને કોરોના ને પણ વધુ ફેલાતો અટકાવવામાં ઘણી મોટી મદદ મળશે. તો ચાલો આ અભિયાનમાં સહભાગી થઈ આપણે આપણું નાનકડું યોગદાન આપીએ, આપણાં દેશ માટે, આપણી માનવ જાત માટે અને સમગ્ર પૃથ્વી માટે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો