Translate

રવિવાર, 22 માર્ચ, 2020

પ્રેમનિકેતનના બાળકો સાથે યાદગાર સાંજ

 
  આપણાં બાળકો આપણને ખૂબ વ્હાલા લાગે છે. ખાસ કરીને જ્યારે તેમની ઉંમર પાંચ થી દસ વર્ષ સુધીની હોય. આ એ જ સમય ગાળો હોય છે જ્યારે બાળકને પણ સૌથી વધુ જરૂર હોય છે તેના માતાપિતાના છત્રની, તેમની હૂંફની. જો સંયુકત કુટુંબ હોય તો બાળકને અન્ય પરિવારજનોના સ્નેહનો પણ અનુભવ અને લાભ મળે છે. પણ ક્યારેક એવા બાળકો વિશે વિચારો જેના મા - બાપ નથી કે પછી જેમને સગા મા-બાપે ત્યજી દીધાં હોય છે. આવા અનાથ બાળકો પણ તેમની ઉંમર દસેક વર્ષની થાય ત્યાં સુધી મોટા તો અન્ય બાળકોની જેમ જ થઈ જાય છે પણ માતા પિતા કે અન્ય પરિવારજનોના પ્રેમ નો અનુભવ કરવા પામતા નથી. તેઓ પણ ઇચ્છે છે કે તેમને કોઈ હાથે આંગળી પકડી 'પા - પા કરવા' લઈ જાય કે વ્હાલથી માથે હાથ ફેરવે, ખોળામાં બેસાડે, વારે - તહેવારે તેમના માટે ભેટ - રમકડાં - નવા કપડાં વગેરે લઈ આવે, તેમને રોજ શાળાએ જવાનો આગ્રહ કરે, પરીક્ષામાં સારા માર્કસ આવે તો તેમના વખાણ કરે, તેમની પીઠ થાબડે. પણ આ બધું તેમના નસીબમાં હોતું નથી. આવા બાળકો જે અનાથાશ્રમમાં ઉછરે છે ત્યાં સદ્નસીબે સારા પાલક પિતા કે માતા હોય તો કદાચ તેઓ તેમનો થોડો ઘણો પ્રેમ પામે છે પણ તેમના મનમાં હંમેશા સગા માબાપની હયાતીની વાંછના તો રહી જ જતી હોય છે. આ બધા વિચારોની દુનિયામાં ડોકિયું કરવા મળ્યું મારા દિકરા હિતાર્થની ત્રીજી વર્ષ ગાંઠની ઉજવણી પ્રસંગે. કઈ રીતે તેની માંડીને વાત કરું.
   દર વખતની જેમ આ વર્ષે પણ હિતાર્થનો બર્થ ડે ક્યાં ઉજવવો તેની તપાસ ચાલુ જ હતી ત્યાં એક દિવસ અમારા ઘરની નજીક માર્વે રોડ પાસે એક બોર્ડ પર નજર પડી જેના પર લખ્યું હતું 'પ્રેમનિકેતન' ધ્યાનથી વાંચતા માલૂમ પડયું કે આ એક અનાથાશ્રમ હતો જ્યાં પંદર - વીસ બાળકો નિવાસ કરતા હતાં. કમ્યૂનિટી ડેવલપમેંટ સંસ્થા દ્વારા ચાલતા આ આશ્રમના મકાનના પ્રાંગણમાં જ લ્યુથેરન ચર્ચ નામનું ચર્ચ અને સંસ્થાની ઓફીસ પણ આવેલા હતા. પણ અહીંથી અનેક વાર પસાર થવાનું બન્યું હોવા છતાં તે ધ્યાનથી જોયું નહોતું. તરત સંસ્થાની ઓફીસમાં જઈ તપાસ કરી અને ૧૮મી ડિસેમ્બરની સાંજે હિતાર્થના જન્મદિવસની સાંજ પ્રેમનિકેતનના બાળકો સાથે ઉજવવાનું નક્કી કરી આવ્યો.



  વીસમી તારીખે સંસ્થા દ્વારા ચાલતા બધા અનાથાલયોનો સંયુકત વાર્ષિક કાર્યક્રમ તેમના પ્રાંગણમાં જ ઉજવાવાનો હતો એટલે હિતાર્થ ના બર્થ ડે નિમિત્તે અઢારમી તારીખે બીજો કોઈ કાર્યક્રમ ન ગોઠવતા એ સાંજે સરસ મોટી કેક કાપી અને ત્યાંના બાળકો સાથે નાસ્તો કર્યો અને સમય પસાર કર્યો. સપ્તાહ બાદ જ નાતાલ આવતી હોવાથી એ દિવસની સાંજે ફરી ત્યાં જવાનું નક્કી કર્યું. બાળકો માટે એક સ્પર્ધા યોજી. તેમને વિષય આપ્યો 'જો હું સાંતા ક્લોઝને મળું તો તેની સાથે શી વાતચીત કરું? તેની પાસે શું માંગું?' અને બાળકોને વચન આપ્યું કે હું ફરી આવતા સપ્તાહે નાતાલની સાંજ તેમની સાથે વિતાવીશ અને જેણે સૌથી સારા વિચારો લખ્યાં હશે તેમને ઈનામ આપીશ.
   સંસ્થાના સંચાલકને પૂછ્યું હતું કે બાળકોને શાની જરૂરિયાત છે અને તેમણે જાણ કરી કે પ્રેમનિકેતનમાં નહાવા માટે ગરમ પાણીના ગીઝરની જરૂર છે કારણ વીસેક બાળકોનું નહાવાનું પાણી એકસાથે રસોડામાં ગરમ કરતા તકલીફ પડે છે. મેં હિતાર્થના જન્મદિવસની ભેટ રૂપે ગીઝર પ્રેમનિકેતનના બાળકોને આપવાનું નક્કી કર્યું અને ઓનલાઇન ઓર્ડર કરી પચ્ચીસ લિટર ક્ષમતાનું ગીઝર તેમને સીધું આશ્રમમાં મળી જાય એવી વ્યવસ્થા કરી. બાળકોએ આ ભેટ માટે આભાર વ્યક્ત કર્યો. હિતાર્થના જન્મદિવસની એ સાંજે તેના જેવા જ અને તેનાથી થોડા મોટા બાળકોને જોઈ તેમના પર ખૂબ વ્હાલ આવ્યું. તેમની નિર્દોષતા, તેમની લાચારી, તેમની બાળસહજ મસ્તી આ બધું જોતા તેમની સાથે વધુ સમય પસાર કરવાનું મન થયું અને એટલે જ સપ્તાહ બાદ ફરી તેમને મળવા માટે થઈ પેલી સ્પર્ધા યોજી કાઢી. હિતાર્થ અને નમ્યા જે રીતે આ બાળકો સાથે હળીભળી-રમી રહ્યાં હતાં એ જોઈને પણ ખૂબ આનંદની લાગણી થઈ.
  વીસેકમાંથી બારેક બાળકોએ તેમના વિચારો તેમને આવડે એવી રીતે કેટલાકે સરસ અક્ષરોમાં તો કેટલાકે ગડબડિયા અક્ષરોમાં લખી વ્યક્ત કર્યા હતાં. મોટા ભાગના બાળકોએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ સાંતા ને વ્હાલ કરશે, તેના ખોળામાં બેસશે, તેની પાસે ઘણી બધી ભેટો, કપડાં, ચોકલેટ અને મીઠાઈ ની માગણી કરશે. આ વિચારો વાંચતા વાંચતા મને આજની બ્લોગ પોસ્ટમાં શરૂઆતમાં જે વિચારો વ્યક્ત કર્યા છે તે આવ્યાં અને એ તમારા સૌ સાથે શેર કર્યા.
   જેને પ્રથમ ઈનામ આપ્યું એ એન્જી નામના  બાળકે તેની સુંદર કલ્પના શક્તિનો પરિચય આપતાં લખ્યું હતું કે તે સાંતા પાસે તેના ચશ્મા ની અને લાલ ટોપીની માંગણી કરશે અને પછી તેની સાથે રાઇડ લઈ ઘેર ઘેર ફરવા જશે, ગીતો ગાતાં ગાતાં! તેણે અંતે લખ્યું હતું કે આખી રાત તે સાંતા ના ખોળામાં બેસી ધરાઈ ધરાઈને તેની સાથે વાતો કરશે અને તેનો મોબાઇલ નંબર માંગી લેશે જેથી પછી આખું વર્ષ એ તેની સાથે નિયમિત વાતચીત કરી શકે!
બીજું ઈનામ આપ્યું એ નવીન નામના બાળકે સાંતા પાસે ઘણાં બધાં પુસ્તકોની માંગણી કરશે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી જેથી એ વાંચી તે પોતાની અંગ્રેજી ભાષા સુધારી શકે અને ઘણું બધું જ્ઞાન મેળવી શકે. ટૂંકમાં લખેલ તેણે આ નોંધ એક પણ ભૂલ વગર સ્પષ્ટ વિચારો સાથે લખી હતી, તેમાં સાંતા નો આભાર પ્રગટ કર્યો હતો અને તેના મુખનું નાનકડું ચિત્ર પણ દોર્યું હતું!
  શશાંક ભંડારી નામના બાળકે લખ્યું હતું કે તે સાંતા સમક્ષ એવી માંગણી કરશે કે તે પ્રાઇવેટ સ્કૂલમાં તેનું એડમિશન કરાવી દે! આ બધાં બાળકો મલાડની સરકારી શાળામાં જાય છે અને આ બાળકને હ્રદયમાં ઉંડે ઉંડે ક્યાંક આ વાત ખૂંચતી હશે જે તેણે અહીં વ્યક્ત કરી હતી. તેને ત્રીજું ઈનામ આપતા મેં સમજાવ્યું કે શાળા સરકારી હોય કે ખાનગી, પણ પોતાને જો ભણવાની અને જીવનમાં કંઈક કરી દેખાડવાની, કંઈક બનવાની ઇચ્છા હોય તો ભગવાન એ જરૂર પૂરી કરે છે જો ધ્યાન દઈ પૂરી મહેનત અને શ્રદ્ધાથી ભણવામાં આવે તો.તેણે મનમાં બિલકુલ ઓછું આણવાની જરૂર નથી. કેટલાયે બાળકો તો ભણવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં શાળા એ જવા જ પામતા નથી. તેને શાળામાં ભણવા તો મળે છે, તેણે આ તકનો પૂરો લાભ લઈ મન દઈ ભણવું જોઈએ. એક દિવસ તે ચોક્કસ સફળ થશે. આ શબ્દોએ તેના મુખ પર સ્મિત આણ્યું.
  ટ્રાન્સફોર્મર કારની ભેટ માંગનાર આયુષ અને સાંતાને હેન્ડસમ હીરો ગણાવી તેની પાસે બાઇક ની ગિફ્ટ માંગનાર પ્રાજ્વલ ને મેં આશ્વાસન ઈનામ આપ્યાં.
  દરેક સ્પર્ધક બાળક માટે મેં ઈનામમાં આપવા પુસ્તકો ખરીદ્યા અને પ્રથમ પાંચ ઈનામો માટે આ બાળકો માટે તેમને ઉપયોગી થાય અને તેમના વિકાસમાં ભાગ ભજવે એવી યોગ્ય ભેટ ખરીદી અને ક્રિસમસની સાંજે ફરી એક વાર તેમની સાથે સમય પસાર કરવા હું પરિવાર સાથે તેમના ઘેર પ્રેમનિકેતન પહોંચી ગયો. તેમને ભેટોની લ્હાણી કરી ત્યારે પ્રેમથી ત્યાં હાજર તેમના ટીચર અને કેર ટેકર સ્ટાફે મારા બાળકોને પણ રિટર્ન ગિફ્ટ આપી. બધા બાળકોને મેં પ્રેરણાત્મક વિચારો સંભળાવી ખૂબ ખૂબ વાંચવાની સલાહ આપી અને આ સાંજ તેમના માટે તો યાદગાર રહી હશે પણ અમારા માટેય અતિ યાદગાર બની રહી. તમે બદલાની અપેક્ષા વગર કોઈક માટે કંઈક કરો છો ત્યારે મન સાચી પ્રસન્નતા અનુભવે છે.
   તમને પણ મન થાય ત્યારે તમે આવા કોઈક આશ્રમમાં જઈ આ બાળકો સાથે સમય પસાર કરશો, તેમને કોઈક વિષય ભણાવશો કે તેમને કોઈક ચોક્કસ વિષયનું માર્ગદર્શન આપશો તો તેમના માટે તો એ સારું જ રહેશે પણ તમે પણ મનથી કંઈક સારું કર્યાની સુખ અને સંતોષની લાગણી અનુભવી શકશો એ નક્કી.
  પ્રેમનિકેતનના સંચાલક રમેશજી નો 9821018258 કે આ સંસ્થા સાથે સંકળાયેલા સમાજ સેવક ચંદ્રકાંત કાંબળેનો 9869703922 પર સંપર્ક કરી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો