Translate

લેબલ 'birthday celebration' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'birthday celebration' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 22 માર્ચ, 2020

પ્રેમનિકેતનના બાળકો સાથે યાદગાર સાંજ

 
  આપણાં બાળકો આપણને ખૂબ વ્હાલા લાગે છે. ખાસ કરીને જ્યારે તેમની ઉંમર પાંચ થી દસ વર્ષ સુધીની હોય. આ એ જ સમય ગાળો હોય છે જ્યારે બાળકને પણ સૌથી વધુ જરૂર હોય છે તેના માતાપિતાના છત્રની, તેમની હૂંફની. જો સંયુકત કુટુંબ હોય તો બાળકને અન્ય પરિવારજનોના સ્નેહનો પણ અનુભવ અને લાભ મળે છે. પણ ક્યારેક એવા બાળકો વિશે વિચારો જેના મા - બાપ નથી કે પછી જેમને સગા મા-બાપે ત્યજી દીધાં હોય છે. આવા અનાથ બાળકો પણ તેમની ઉંમર દસેક વર્ષની થાય ત્યાં સુધી મોટા તો અન્ય બાળકોની જેમ જ થઈ જાય છે પણ માતા પિતા કે અન્ય પરિવારજનોના પ્રેમ નો અનુભવ કરવા પામતા નથી. તેઓ પણ ઇચ્છે છે કે તેમને કોઈ હાથે આંગળી પકડી 'પા - પા કરવા' લઈ જાય કે વ્હાલથી માથે હાથ ફેરવે, ખોળામાં બેસાડે, વારે - તહેવારે તેમના માટે ભેટ - રમકડાં - નવા કપડાં વગેરે લઈ આવે, તેમને રોજ શાળાએ જવાનો આગ્રહ કરે, પરીક્ષામાં સારા માર્કસ આવે તો તેમના વખાણ કરે, તેમની પીઠ થાબડે. પણ આ બધું તેમના નસીબમાં હોતું નથી. આવા બાળકો જે અનાથાશ્રમમાં ઉછરે છે ત્યાં સદ્નસીબે સારા પાલક પિતા કે માતા હોય તો કદાચ તેઓ તેમનો થોડો ઘણો પ્રેમ પામે છે પણ તેમના મનમાં હંમેશા સગા માબાપની હયાતીની વાંછના તો રહી જ જતી હોય છે. આ બધા વિચારોની દુનિયામાં ડોકિયું કરવા મળ્યું મારા દિકરા હિતાર્થની ત્રીજી વર્ષ ગાંઠની ઉજવણી પ્રસંગે. કઈ રીતે તેની માંડીને વાત કરું.
   દર વખતની જેમ આ વર્ષે પણ હિતાર્થનો બર્થ ડે ક્યાં ઉજવવો તેની તપાસ ચાલુ જ હતી ત્યાં એક દિવસ અમારા ઘરની નજીક માર્વે રોડ પાસે એક બોર્ડ પર નજર પડી જેના પર લખ્યું હતું 'પ્રેમનિકેતન' ધ્યાનથી વાંચતા માલૂમ પડયું કે આ એક અનાથાશ્રમ હતો જ્યાં પંદર - વીસ બાળકો નિવાસ કરતા હતાં. કમ્યૂનિટી ડેવલપમેંટ સંસ્થા દ્વારા ચાલતા આ આશ્રમના મકાનના પ્રાંગણમાં જ લ્યુથેરન ચર્ચ નામનું ચર્ચ અને સંસ્થાની ઓફીસ પણ આવેલા હતા. પણ અહીંથી અનેક વાર પસાર થવાનું બન્યું હોવા છતાં તે ધ્યાનથી જોયું નહોતું. તરત સંસ્થાની ઓફીસમાં જઈ તપાસ કરી અને ૧૮મી ડિસેમ્બરની સાંજે હિતાર્થના જન્મદિવસની સાંજ પ્રેમનિકેતનના બાળકો સાથે ઉજવવાનું નક્કી કરી આવ્યો.



  વીસમી તારીખે સંસ્થા દ્વારા ચાલતા બધા અનાથાલયોનો સંયુકત વાર્ષિક કાર્યક્રમ તેમના પ્રાંગણમાં જ ઉજવાવાનો હતો એટલે હિતાર્થ ના બર્થ ડે નિમિત્તે અઢારમી તારીખે બીજો કોઈ કાર્યક્રમ ન ગોઠવતા એ સાંજે સરસ મોટી કેક કાપી અને ત્યાંના બાળકો સાથે નાસ્તો કર્યો અને સમય પસાર કર્યો. સપ્તાહ બાદ જ નાતાલ આવતી હોવાથી એ દિવસની સાંજે ફરી ત્યાં જવાનું નક્કી કર્યું. બાળકો માટે એક સ્પર્ધા યોજી. તેમને વિષય આપ્યો 'જો હું સાંતા ક્લોઝને મળું તો તેની સાથે શી વાતચીત કરું? તેની પાસે શું માંગું?' અને બાળકોને વચન આપ્યું કે હું ફરી આવતા સપ્તાહે નાતાલની સાંજ તેમની સાથે વિતાવીશ અને જેણે સૌથી સારા વિચારો લખ્યાં હશે તેમને ઈનામ આપીશ.
   સંસ્થાના સંચાલકને પૂછ્યું હતું કે બાળકોને શાની જરૂરિયાત છે અને તેમણે જાણ કરી કે પ્રેમનિકેતનમાં નહાવા માટે ગરમ પાણીના ગીઝરની જરૂર છે કારણ વીસેક બાળકોનું નહાવાનું પાણી એકસાથે રસોડામાં ગરમ કરતા તકલીફ પડે છે. મેં હિતાર્થના જન્મદિવસની ભેટ રૂપે ગીઝર પ્રેમનિકેતનના બાળકોને આપવાનું નક્કી કર્યું અને ઓનલાઇન ઓર્ડર કરી પચ્ચીસ લિટર ક્ષમતાનું ગીઝર તેમને સીધું આશ્રમમાં મળી જાય એવી વ્યવસ્થા કરી. બાળકોએ આ ભેટ માટે આભાર વ્યક્ત કર્યો. હિતાર્થના જન્મદિવસની એ સાંજે તેના જેવા જ અને તેનાથી થોડા મોટા બાળકોને જોઈ તેમના પર ખૂબ વ્હાલ આવ્યું. તેમની નિર્દોષતા, તેમની લાચારી, તેમની બાળસહજ મસ્તી આ બધું જોતા તેમની સાથે વધુ સમય પસાર કરવાનું મન થયું અને એટલે જ સપ્તાહ બાદ ફરી તેમને મળવા માટે થઈ પેલી સ્પર્ધા યોજી કાઢી. હિતાર્થ અને નમ્યા જે રીતે આ બાળકો સાથે હળીભળી-રમી રહ્યાં હતાં એ જોઈને પણ ખૂબ આનંદની લાગણી થઈ.
  વીસેકમાંથી બારેક બાળકોએ તેમના વિચારો તેમને આવડે એવી રીતે કેટલાકે સરસ અક્ષરોમાં તો કેટલાકે ગડબડિયા અક્ષરોમાં લખી વ્યક્ત કર્યા હતાં. મોટા ભાગના બાળકોએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ સાંતા ને વ્હાલ કરશે, તેના ખોળામાં બેસશે, તેની પાસે ઘણી બધી ભેટો, કપડાં, ચોકલેટ અને મીઠાઈ ની માગણી કરશે. આ વિચારો વાંચતા વાંચતા મને આજની બ્લોગ પોસ્ટમાં શરૂઆતમાં જે વિચારો વ્યક્ત કર્યા છે તે આવ્યાં અને એ તમારા સૌ સાથે શેર કર્યા.
   જેને પ્રથમ ઈનામ આપ્યું એ એન્જી નામના  બાળકે તેની સુંદર કલ્પના શક્તિનો પરિચય આપતાં લખ્યું હતું કે તે સાંતા પાસે તેના ચશ્મા ની અને લાલ ટોપીની માંગણી કરશે અને પછી તેની સાથે રાઇડ લઈ ઘેર ઘેર ફરવા જશે, ગીતો ગાતાં ગાતાં! તેણે અંતે લખ્યું હતું કે આખી રાત તે સાંતા ના ખોળામાં બેસી ધરાઈ ધરાઈને તેની સાથે વાતો કરશે અને તેનો મોબાઇલ નંબર માંગી લેશે જેથી પછી આખું વર્ષ એ તેની સાથે નિયમિત વાતચીત કરી શકે!
બીજું ઈનામ આપ્યું એ નવીન નામના બાળકે સાંતા પાસે ઘણાં બધાં પુસ્તકોની માંગણી કરશે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી જેથી એ વાંચી તે પોતાની અંગ્રેજી ભાષા સુધારી શકે અને ઘણું બધું જ્ઞાન મેળવી શકે. ટૂંકમાં લખેલ તેણે આ નોંધ એક પણ ભૂલ વગર સ્પષ્ટ વિચારો સાથે લખી હતી, તેમાં સાંતા નો આભાર પ્રગટ કર્યો હતો અને તેના મુખનું નાનકડું ચિત્ર પણ દોર્યું હતું!
  શશાંક ભંડારી નામના બાળકે લખ્યું હતું કે તે સાંતા સમક્ષ એવી માંગણી કરશે કે તે પ્રાઇવેટ સ્કૂલમાં તેનું એડમિશન કરાવી દે! આ બધાં બાળકો મલાડની સરકારી શાળામાં જાય છે અને આ બાળકને હ્રદયમાં ઉંડે ઉંડે ક્યાંક આ વાત ખૂંચતી હશે જે તેણે અહીં વ્યક્ત કરી હતી. તેને ત્રીજું ઈનામ આપતા મેં સમજાવ્યું કે શાળા સરકારી હોય કે ખાનગી, પણ પોતાને જો ભણવાની અને જીવનમાં કંઈક કરી દેખાડવાની, કંઈક બનવાની ઇચ્છા હોય તો ભગવાન એ જરૂર પૂરી કરે છે જો ધ્યાન દઈ પૂરી મહેનત અને શ્રદ્ધાથી ભણવામાં આવે તો.તેણે મનમાં બિલકુલ ઓછું આણવાની જરૂર નથી. કેટલાયે બાળકો તો ભણવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં શાળા એ જવા જ પામતા નથી. તેને શાળામાં ભણવા તો મળે છે, તેણે આ તકનો પૂરો લાભ લઈ મન દઈ ભણવું જોઈએ. એક દિવસ તે ચોક્કસ સફળ થશે. આ શબ્દોએ તેના મુખ પર સ્મિત આણ્યું.
  ટ્રાન્સફોર્મર કારની ભેટ માંગનાર આયુષ અને સાંતાને હેન્ડસમ હીરો ગણાવી તેની પાસે બાઇક ની ગિફ્ટ માંગનાર પ્રાજ્વલ ને મેં આશ્વાસન ઈનામ આપ્યાં.
  દરેક સ્પર્ધક બાળક માટે મેં ઈનામમાં આપવા પુસ્તકો ખરીદ્યા અને પ્રથમ પાંચ ઈનામો માટે આ બાળકો માટે તેમને ઉપયોગી થાય અને તેમના વિકાસમાં ભાગ ભજવે એવી યોગ્ય ભેટ ખરીદી અને ક્રિસમસની સાંજે ફરી એક વાર તેમની સાથે સમય પસાર કરવા હું પરિવાર સાથે તેમના ઘેર પ્રેમનિકેતન પહોંચી ગયો. તેમને ભેટોની લ્હાણી કરી ત્યારે પ્રેમથી ત્યાં હાજર તેમના ટીચર અને કેર ટેકર સ્ટાફે મારા બાળકોને પણ રિટર્ન ગિફ્ટ આપી. બધા બાળકોને મેં પ્રેરણાત્મક વિચારો સંભળાવી ખૂબ ખૂબ વાંચવાની સલાહ આપી અને આ સાંજ તેમના માટે તો યાદગાર રહી હશે પણ અમારા માટેય અતિ યાદગાર બની રહી. તમે બદલાની અપેક્ષા વગર કોઈક માટે કંઈક કરો છો ત્યારે મન સાચી પ્રસન્નતા અનુભવે છે.
   તમને પણ મન થાય ત્યારે તમે આવા કોઈક આશ્રમમાં જઈ આ બાળકો સાથે સમય પસાર કરશો, તેમને કોઈક વિષય ભણાવશો કે તેમને કોઈક ચોક્કસ વિષયનું માર્ગદર્શન આપશો તો તેમના માટે તો એ સારું જ રહેશે પણ તમે પણ મનથી કંઈક સારું કર્યાની સુખ અને સંતોષની લાગણી અનુભવી શકશો એ નક્કી.
  પ્રેમનિકેતનના સંચાલક રમેશજી નો 9821018258 કે આ સંસ્થા સાથે સંકળાયેલા સમાજ સેવક ચંદ્રકાંત કાંબળેનો 9869703922 પર સંપર્ક કરી શકો છો.

રવિવાર, 20 ઑક્ટોબર, 2019

જન્મદિવસ સ્પેશિયલ

        કેટલાક દિવસો ખાસ હોય છે કે ખાસ લાગે છે. તહેવારના દિવસો. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ ની રાતો, દિવાળી હોય કે ઉત્તરાયન, ઈદ હોય કે ક્રિસમસ. તહેવારો ના આ દિવસ સિવાય આપણે પરિવાર સાથે વેકેશન માણવા ગયા હોઈએ કે ઘેર કોઈ પ્રસંગ હોય એ દિવસો પણ આપણાં માટે યાદગાર બની રહેતા હોય છે. આવો જ એક વિશિષ્ટ દિવસ હોય છે આપણો જન્મદિવસ. ફરક માત્ર એટલો કે તહેવાર કે ઉપરોક્ત દર્શાવેલા દિવસો તમારા સિવાય પણ ઘણાં વધુ લોકો માટે ખાસ હોય છે પણ તમારા જન્મદિવસે માત્ર તમારી પોતાની મન : સ્થિતિ ખાસ હોય છે. તમારા અંગતજનો આ દિવસ ને ખાસ બનાવવા પ્રયત્નો જરૂર કરે છે પણ તમારી પોતાની મન:સ્થિતિ આ ચોક્કસ દિવસે ઘણી જુદી હોય છે. તમે અંદરથી કઇંક નોખું અનુભવો છો. મોટે ભાગે આ લાગણી હકારાત્મક હોય છે, પણ જો કોઈ અસામાન્ય ઘટના આ દિવસ સાથે જોડાઈ જાય તો તમારી લાગણી કદાચ જુદી હોઈ શકે છે આ દિવસે.
     આજે યોગાનુયોગ મારા જન્મદિવસે આ બ્લોગ લખવા બેઠો છું અને લાગણીઓનું જાણે ઘોડાપૂર ઉમટયું છે! વોટ્સ એપ અને ફેસબુક પર તો જાણે શુભેચ્છાઓનું પૂર આવ્યું છે અને આ અટેન્શન ગમે પણ છે. કેટલાક શાળા, કોલેજ કે ઓફિસના જૂના મિત્રો, કેટલાક જૂના ઘર, મહોલ્લા, વતનના મિત્રો - સ્નેહીજનો તો કેટલાક દૂર રહેતા હોય એવા પરિવારજનો - સૌ કોઈ તમને શુભેચ્છા પાઠવે! તમારા માટે દુઆ માંગે, તમારા શુભ માટે ઈશ્વરને પ્રાર્થના કરે એથી રૂડું બીજું શું હોઈ શકે? પણ એક વસવસો પણ અનુભવાય છે કે થોડા વર્ષો અગાઉ ભલે ઓછા લોકો તમને શુભાશિષ પાઠવતાં, પણ તેઓ વ્યક્તિગત રીતે વાત કરીને - ફોન પર કે રૂબરૂ મળીને એમ કરતાં. જ્યારે હવે સમય બદલાયો છે. ફાસ્ટફૂડ ના જમાનામાં લાગણી વ્યક્ત કરવાની રીત પણ ફાસ્ટ થઈ ગઈ છે! તમે જેના તરફથી પ્રત્યક્ષ વ્યક્તિગત સંવાદ ઇચ્છતા હોવ તે પણ તમને ફોન કરીને નહીં પણ ફોન પર કે ઇન્ટરનેટ પર સંદેશો પાઠવી બર્થ ડે વિશ કરી દે ત્યારે થોડી અપેક્ષાભંગની નકારાત્મક લાગણીનો અનુભવ થયા વગર રહેતો નથી. અગાઉ રાત્રે બાર વાગે મિત્રો નું ટોળું ઘેર આવી ચડતું કે ફોનની ઘંટડી અડધી રાતે રણક્યા જ કરતી, જ્યારે હવે ફોન પર વોટ્સ એપ અને ફેસબુક ચેક કરો ત્યારે શુભેચ્છાઓની લાંબી યાદી જોવા મળે છે!
   એવામાં તમારા કોઈ દૂરના મિત્રનો પણ ફોન આવી ચડે તો તેના પ્રત્યે આત્મીયતાની લાગણી અનુભવાય છે!
આ વર્ષે તો ઋતુ ચક્ર પરિવર્તન પામ્યું છે અને ઓકટોબર પણ અડધો કરતા વધુ વિદાય પામી ચૂક્યો હોવા છતાં વરસાદ વિદાય લેવાનું નામ લેતો નથી અને આજે સવારથી આકાશ ગોરંભાયેલું છે. વરસાદ પડતો નથી પણ વાતાવરણ કેટલાય કલાકથી એવું છે જાણે એ હમણાં તૂટી પડશે. ઉદાસી જેવું છવાયેલું ભાસે છે, જો કે મારો જન્મ દિવસ છે એટલે મારા મનમાં હેલ્લારો ઉઠયો છે વિરોધાભાસી લાગણીઓનો! સવારે ઉઠીને મંદિરે ભગવાનના દર્શન કર્યા ત્યારે ખૂબ સારું લાગ્યું પણ પછી ઘરે આવતા અકથ્ય અણગમાની લાગણી અનુભવી, પછી ફરી કેટલાક મિત્રોના ફોન આવ્યાં અને તેમની સાથે વાત કરી સારું લાગ્યું. ત્યાં ઓફિસમાંથી રજાના દિવસે પણ કેટલાક કામ અને સમસ્યા વિષયક ફોન - મેસેજીસ આવ્યાં અને ફરી થોડો અજંપો તો પછી પરિવાર સાથે બહાર જવાનો કાર્યક્રમ બનાવ્યો અને ફરી થોડું સારું લાગ્યું!
   એક હકીકત છે કે પોતે ખુશ થવાની સાચી અને સૌથી સરળ રીત છે અન્યોને ખુશી આપો. તમારા જન્મદિવસ ને સૌથી સારી રીતે ઉજવવાની આ એક સૌથી મોટી ટીપ છે. કેક કાપીને કે બહાર ફરવા જઈને કે પરિવાર સાથે ભોજન લઈ બર્થ ડે ઉજવીને આપણે પોતાને કે પરિવારજનોને થોડી ઘણી ખુશીની ક્ષણો આપી શકીશું પણ જન્મદિવસે આપણને જેની પાસેથી કોઈ બદલા કે અપેક્ષાની લાગણી ન હોય એવી એક કે વધુ વ્યક્તિ માટે કઇંક કરીને ચિરંતર સુખની અનુભૂતિ કરીએ તો આપણો બર્થ ડે આપણાં પોતાના માટે જ નહીં પણ એ અન્ય વ્યક્તિ કે સમૂહ માટેય યાદગાર બની રહેશે અને તેમની ખુશી અને દુઆઓ આપણાં મનમાં પણ એવી સુખની લાગણી જન્માવશે જે અન્ય કોઈ રીતે પામી નહીં શકાય. દાન કરીને, કોઈક જરૂરીયાતમંદ ની જરૂર પૂરી કરીને, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાં વસતા લોકો સાથે ગુણવત્તા ભર્યો સમય પસાર કરી તમે જન્મદિવસની ઉજવણી અસામાન્ય બનાવી શકો છો. ચાલો હવે આ બ્લોગ પૂરો કરી મારા આ જન્મદિવસને કઈ રીતે અસામાન્ય બનાવી શકું એ અંગે ઘટતું કરવા દો!

રવિવાર, 9 જુલાઈ, 2017

વર્ષગાંઠની અનોખી ઉજવણી

  જૂન મહિનો આવે એટલે મને ઉચાટ અને ઉત્સાહની મિશ્ર અનુભૂતિ થવા માંડે. કારણ મારી દિકરી નમ્યાનો જન્મદિવસ ૨૫મી જૂને આવે અને એ કઈ રીતે ઉજવવો એની વિચારમાળા - તાલાવેલી શરૂ થઈ જાય! અનોખી રીતે ઉજવાવો જોઇએ અને તેને પણ મજા પડે તેમજ અન્ય કોઈ એવા તત્વ ને સાંકળી લેવાનો પણ મારો આગ્રહ જેને લઈને અન્યો પ્રત્યે પણ અનુકંપા રાખવાના સુસંસ્કારનો તેનામાં સંચાર થાય. આ કટારના નિયમિત વાચકોને ખ્યાલ હશે કે અગાઉ મેં નમ્યાની વર્ષગાંઠની ઉજવણી જુદા જુદા અનાથાઆશ્રમ કે શેલ્ટરહોમમાં રહેતા બાળકો સાથે કરી છે પણ આ વખતે તેનો સાતમો જન્મદિવસ તદ્દન જુદી રીતે ઉજવવો એવી મને ઈચ્છા થઈ અને મેં નક્કી કર્યું કે હું આ વખતે સાતમા જન્મદિન નિમિત્તે  સાત જુદી જુદી બાબતોને નમ્યાના જન્મદિનની ઉજવણી સાથે સાંકળી લઈશ અને સદનસીબે હું એમ કરવામાં સફળ રહ્યો.આ સાત બાબતોની વાત આજે બ્લોગ થકી તમારા સૌ સાથે શેર કરીશ.
થાણામાં ‘કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ’ નામે એક એન.જી.ઓ. સંસ્થા અનાથાશ્રમ ચલાવે છે.લગભગ અઠ્ઠાવીસ છોકરા અને બત્રીસેક છોકરીઓ આ આશ્રમના બે જુદા જુદા ઘરોમાં નિવાસ કરે છે. પાંચથી અઢારેક વર્ષની ઉંમરના બધા બાળકો અભ્યાસ કરે છે. જૂનમાં તેમનું નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય એટલે તેમને યુનિફોર્મ, સ્ટેશનરી ,અભ્યાસ સામગ્રી વગેરેની જરૂર પડે. એક વોટ્સએપ ગ્રુપ પર આ વિશે માહિતી મળી અને મેં નક્કી કર્યું કે પહેલા-બીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી બાળકોના યુનિફોર્મની બે જોડીનો ખર્ચ નમ્યાના જન્મદિવસ નિમિત્તે હું ઉપાડી લઈશ. થાણેમાં રહેતા એક મિત્ર  દ્વારા આ આશ્રમની મુલાકાત થકી સંસ્થાની વિશ્વસનિયતા ચકાસ્યા બાદ ત્યાંના સંચાલક સાથે ફોન પર વાત કરી તેમના બેન્ક અકાઉન્ટની માહિતી મેળવી લીધી અને બે જોડી યુનિફોર્મ્સની કિંમત જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ હતું નમ્યાની વર્ષગાંઠ અનોખી રીતે ઉજવવાનું પ્રથમ પગલું. 9967794329 નંબર પર સંચાલક મહોદય જોનાથન સાથે વાત કરી તમે પણ આ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી શકો છો.
‘રત્નનિધી ચેરીટેબલ ટ્રસ્ટ’ એક જાણીતી બિનસરકારી સંસ્થા છે જે અનેક ક્ષેત્રોમાં સમાજસેવાનું ઉમદા કાર્ય કરે છે. નમ્યાના પહેલા ધોરણના પુસ્તકો સહિત ઘણાં બાળવાર્તાઓના પુસ્તકો થોડા મહિના પહેલા જ તેમને ડોનેટ કર્યા હતા એટલે તેમની સઘળી પ્રવૃત્તિઓનો ચિતાર આપતી તેમજ તેમનો વાર્ષિક વિકાસ અહેવાલ ધરાવતી એક રંગીન સચિત્ર પુસ્તિકા તેમણે મને મોકલાવેલી. એમાં તેમની એક પ્રવૃત્તિની વાત હતી જેના હેઠળ તેઓ રોજ સવારે મુંબઈની ચાલીસેક કરતા વધુ શાળાઓમાં ગરીબ બાળકો માટે મિડ-ડે મિલ તરીકેનો પૌષ્ટીક નાસ્તો તૈયાર કરી મોકલાવે છે. તેમની વેબસાઈટ પર જઈ તમે આ નાસ્તો એક મહિના કે એક વર્ષ માટે એક કે વધુ બાળકોને તમારા તરફથી સ્પોન્સર કરી શકો છો એવી સુવિધા અપાઈ છે. મેં નમ્યાના જન્મદિન નિમિત્તે એક બાળકનો નાસ્તો એક મહિના માટે સ્પોન્સર કર્યો. આ હતું બીજું પગલું. તેમની વેબસાઈટ છે www.RatnaNidhi.org
ઓફિસના એક સહકર્મચારીના પિતાને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હોઈ તે સખત નાણાંભીડમાં હોવાથી ઓફિસના તેના બધા ઓળખીતાઓ પાસેથી આર્થિક સહાયતા માગતો હોવાની જાણ થઈ હતી. તેણે મને પણ આ અંગે થોડા સમય અગાઉ પૃચ્છા કરી હતી. નમ્યાના જન્મદિન નિમિત્તે મને, તેને મારી રીતે ફુલ નહિ તો ફુલની પાંખડી જેટલી સહાય કરવાનું મન થઈ આવ્યું અને મેં તેને થોડી સહાય રૂપે રકમ તેના બેન્ક અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ હતું ત્રીજું પગલું.
ચોથા પગલા રૂપે ત્રિશૂલ નામની એન.જી.ઓ.સંસ્થાને સહાય કરી. તેઓ ૨૬મી જૂને અંધેરીની તેમની હેડઓફિસ નજીકના ગરીબ બાળકો માટે પુસ્તકો અને રમકડાંની  લાઈબ્રરીનો શુભારંભ કરવાના હતા. તેમના ખજાનચી સાથે ફોન પર પોતે વાત કરી મેં થોડી રકમ બાળકોના પુસ્તકો માટે ફાળવવા ની ઇચ્છા પ્રગટ કરી અને એ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ સંસ્થા અને તેમની પ્રવૃત્તિઓ અંગે વધુ માહિતી મેળવવા તમે તેમની વેબસાઈટ www.trishul-ngo.org ની મુલાકાત લઈ શકો છો.
પાંચમા પગલા રૂપે મેં નમ્યાને મારા તરફથી એક ટેરેરિયમ ભેટમાં આપ્યું. ટેરેરિયમ એટલે પારદર્શક કાચનો એક ચંબુ જેમાં નાનકડા છોડ ઉગાડેલા હોય અને અન્ય સુશોભનની વસ્તુઓ પણ સુંદર રીતે ગોઠવેલી હોય.
મેં નમ્યાને ભેટ આપેલ  ટેરેરિયમ સફરજનના આકારનું કાચનું પાત્ર હતું જેમાં બે જુદા જુદા પ્રકારના લીલાછમ છોડ સહિત રંગબેરંગી લીસ્સા ગોળ પથ્થર માટી પર સુંદર રીતે ગોઠવ્યા હતા. આ ભેટ નમ્યાને આપવા પાછળનું કારણ એ હતું કે તે જ્યારે રોજ આ ટેરેરિયમમાં એક-બે ચમચી પાણી નાંખી છોડને જીવંત રાખશે ત્યારે તેને પર્યાવરણના જતનનો સંદેશ આપોઆપ મળી રહેશે અને તેનો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ વધશે.
છઠ્ઠા પગલા તરીકે મેં નમ્યાના ભવિષ્ય અંગે વિચારી ઓનલાઈન થોડું સોનામાં રોકાણ કર્યું. ભલે આ રકમ નજીવી હતી પણ 'ટીપે ટીપે સરોવર ભરાય' આ મહત્વનો સંદેશ અને પાઠ પણ તેને આ દ્વારા મળી રહેશે.
સાતમા અને અંતિમ પગલાની વાત આવતા સપ્તાહના ગેસ્ટબ્લોગ પછીના લેખમાં, જ્યાં હું તેના જન્મદિવસના ૨૫મી જૂનના રવિવારને કઈ રીતે નમ્યા અને મારા આખા પરીવાર સાથે મનોરીના મનોરમ્ય દરીયાકાંઠાની ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી રીસોર્ટમાં ઉજવ્યો તે શેર કરીશ.
(ક્રમશ:)