થાણામાં ‘કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ’ નામે એક એન.જી.ઓ. સંસ્થા અનાથાશ્રમ ચલાવે છે.લગભગ અઠ્ઠાવીસ છોકરા અને બત્રીસેક છોકરીઓ આ આશ્રમના બે જુદા જુદા ઘરોમાં નિવાસ કરે છે. પાંચથી અઢારેક વર્ષની ઉંમરના બધા બાળકો અભ્યાસ કરે છે. જૂનમાં તેમનું નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય એટલે તેમને યુનિફોર્મ, સ્ટેશનરી ,અભ્યાસ સામગ્રી વગેરેની જરૂર પડે. એક વોટ્સએપ ગ્રુપ પર આ વિશે માહિતી મળી અને મેં નક્કી કર્યું કે પહેલા-બીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી બાળકોના યુનિફોર્મની બે જોડીનો ખર્ચ નમ્યાના જન્મદિવસ નિમિત્તે હું ઉપાડી લઈશ. થાણેમાં રહેતા એક મિત્ર દ્વારા આ આશ્રમની મુલાકાત થકી સંસ્થાની વિશ્વસનિયતા ચકાસ્યા બાદ ત્યાંના સંચાલક સાથે ફોન પર વાત કરી તેમના બેન્ક અકાઉન્ટની માહિતી મેળવી લીધી અને બે જોડી યુનિફોર્મ્સની કિંમત જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ હતું નમ્યાની વર્ષગાંઠ અનોખી રીતે ઉજવવાનું પ્રથમ પગલું. 9967794329 નંબર પર સંચાલક મહોદય જોનાથન સાથે વાત કરી તમે પણ આ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી શકો છો.
‘રત્નનિધી ચેરીટેબલ ટ્રસ્ટ’ એક જાણીતી બિનસરકારી સંસ્થા છે જે અનેક ક્ષેત્રોમાં સમાજસેવાનું ઉમદા કાર્ય કરે છે. નમ્યાના પહેલા ધોરણના પુસ્તકો સહિત ઘણાં બાળવાર્તાઓના પુસ્તકો થોડા મહિના પહેલા જ તેમને ડોનેટ કર્યા હતા એટલે તેમની સઘળી પ્રવૃત્તિઓનો ચિતાર આપતી તેમજ તેમનો વાર્ષિક વિકાસ અહેવાલ ધરાવતી એક રંગીન સચિત્ર પુસ્તિકા તેમણે મને મોકલાવેલી. એમાં તેમની એક પ્રવૃત્તિની વાત હતી જેના હેઠળ તેઓ રોજ સવારે મુંબઈની ચાલીસેક કરતા વધુ શાળાઓમાં ગરીબ બાળકો માટે મિડ-ડે મિલ તરીકેનો પૌષ્ટીક નાસ્તો તૈયાર કરી મોકલાવે છે. તેમની વેબસાઈટ પર જઈ તમે આ નાસ્તો એક મહિના કે એક વર્ષ માટે એક કે વધુ બાળકોને તમારા તરફથી સ્પોન્સર કરી શકો છો એવી સુવિધા અપાઈ છે. મેં નમ્યાના જન્મદિન નિમિત્તે એક બાળકનો નાસ્તો એક મહિના માટે સ્પોન્સર કર્યો. આ હતું બીજું પગલું. તેમની વેબસાઈટ છે www.RatnaNidhi.org
ઓફિસના એક સહકર્મચારીના પિતાને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હોઈ તે સખત નાણાંભીડમાં હોવાથી ઓફિસના તેના બધા ઓળખીતાઓ પાસેથી આર્થિક સહાયતા માગતો હોવાની જાણ થઈ હતી. તેણે મને પણ આ અંગે થોડા સમય અગાઉ પૃચ્છા કરી હતી. નમ્યાના જન્મદિન નિમિત્તે મને, તેને મારી રીતે ફુલ નહિ તો ફુલની પાંખડી જેટલી સહાય કરવાનું મન થઈ આવ્યું અને મેં તેને થોડી સહાય રૂપે રકમ તેના બેન્ક અકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ હતું ત્રીજું પગલું.
ચોથા પગલા રૂપે ત્રિશૂલ નામની એન.જી.ઓ.સંસ્થાને સહાય કરી. તેઓ ૨૬મી જૂને અંધેરીની તેમની હેડઓફિસ નજીકના ગરીબ બાળકો માટે પુસ્તકો અને રમકડાંની લાઈબ્રરીનો શુભારંભ કરવાના હતા. તેમના ખજાનચી સાથે ફોન પર પોતે વાત કરી મેં થોડી રકમ બાળકોના પુસ્તકો માટે ફાળવવા ની ઇચ્છા પ્રગટ કરી અને એ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. આ સંસ્થા અને તેમની પ્રવૃત્તિઓ અંગે વધુ માહિતી મેળવવા તમે તેમની વેબસાઈટ www.trishul-ngo.org ની મુલાકાત લઈ શકો છો.
પાંચમા પગલા રૂપે મેં નમ્યાને મારા તરફથી એક ટેરેરિયમ ભેટમાં આપ્યું. ટેરેરિયમ એટલે પારદર્શક કાચનો એક ચંબુ જેમાં નાનકડા છોડ ઉગાડેલા હોય અને અન્ય સુશોભનની વસ્તુઓ પણ સુંદર રીતે ગોઠવેલી હોય.
મેં નમ્યાને ભેટ આપેલ ટેરેરિયમ સફરજનના આકારનું કાચનું પાત્ર હતું જેમાં બે જુદા જુદા પ્રકારના લીલાછમ છોડ સહિત રંગબેરંગી લીસ્સા ગોળ પથ્થર માટી પર સુંદર રીતે ગોઠવ્યા હતા. આ ભેટ નમ્યાને આપવા પાછળનું કારણ એ હતું કે તે જ્યારે રોજ આ ટેરેરિયમમાં એક-બે ચમચી પાણી નાંખી છોડને જીવંત રાખશે ત્યારે તેને પર્યાવરણના જતનનો સંદેશ આપોઆપ મળી રહેશે અને તેનો પ્રકૃતિ પ્રત્યેનો લગાવ વધશે.
છઠ્ઠા પગલા તરીકે મેં નમ્યાના ભવિષ્ય અંગે વિચારી ઓનલાઈન થોડું સોનામાં રોકાણ કર્યું. ભલે આ રકમ નજીવી હતી પણ 'ટીપે ટીપે સરોવર ભરાય' આ મહત્વનો સંદેશ અને પાઠ પણ તેને આ દ્વારા મળી રહેશે.
સાતમા અને અંતિમ પગલાની વાત આવતા સપ્તાહના ગેસ્ટબ્લોગ પછીના લેખમાં, જ્યાં હું તેના જન્મદિવસના ૨૫મી જૂનના રવિવારને કઈ રીતે નમ્યા અને મારા આખા પરીવાર સાથે મનોરીના મનોરમ્ય દરીયાકાંઠાની ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી રીસોર્ટમાં ઉજવ્યો તે શેર કરીશ.
(ક્રમશ:)
તમારી પુત્રી ના જન્મદિવસની ઉજવણી જે અનોખા ઢંગ થી કરી એ બદલ અભિનંદન. તમે દીકરી ના જન્મદિવસ નિમિત્તે જે સત્કાર્યો ઓનલાઇન કર્યાં એ સરાહનીય છે. જે લોકો ઈન્ટરનેટ નો ઉપયોગ ના કરતા હોય તેઓ આ કાર્યો પોતાના ઘેર પણ કરી શકે છે. આપણા ઘેર કામ કરતી બાઈ, આપણા ઘેર આવતો ધોબી, બિલ્ડિંગ નો વૉચ મેન વગેરે જરૂરિયાત મંદ લોકો ને મદદ કરી શકાય. ગરીબ બાળકો ને દૂધ પીવડાવવું, તેમની સ્કૂલ ફી ભરવી, તેમને કપડાં ની બે જોડ આપવી, તેમની આર્થિક સ્થિતિ અતિ નબળી હોય તો તેમને અનાજ ભરી આપવું, ઘર માં માંદગી હોય તો દવા લઈ આપવી- આવા અનેક કામો ઘેર બેઠાં પણ કરી શકાય. કહ્યું છે ને ચેરિટી બીગીન્સ એટ હોમ.
જવાબ આપોકાઢી નાખોતમારી પુત્રી નમ્યાના જન્મદિનની નવા પ્રકારની પ્રશંસનીય ઉજવણીને અમે બધાં દિલથી વધાવીએ છીએ. નમ્યાને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ.પરમ કૃપાળુ પરમાત્મા તેની જિંદગીને ખુશીઓથી છલકાવી દે અને ભવિષ્યમાં એ પણ અનોખી રીતે એનો જન્મદિન ઉજવતી રહે એ જ શુભેચ્છા .
જવાબ આપોકાઢી નાખોવર્ષગાંઠની અનોખી ઉજવણી ખરેખર ઉમદા અને પ્ેરણાદાયી..આવું સરસ કાર્ય કરવાનો આનંદ અને સંતોષ અલગ જ હોય છે.
જવાબ આપોકાઢી નાખો