Translate

રવિવાર, 16 જુલાઈ, 2017

મનોહર મનોરી ખાતે વર્ષગાંઠની અનોખી ઉજવણી

પરીવાર સાથે સુખદ સમય ગાળવો હોય, ટુંકુ વેકેશન માણવું હોય એટલે આપણે સામાન્ય રીતે દૂરના સ્થળો પર નજર દોડાવીએ.પણ મુંબઈમાં આપણી સાવ નજીક પણ એવા ઘણાં સ્થળો આવેલા છે જે હજી લોકોની ભીડભાડથી અલિપ્ત રહી શક્યા હોય અને જ્યાં આપણે કુટુંબ સહીત ટૂંકા વેકેશન પર જઈ સરસ મજાનો સમય ગાળી શકીએ અને સંપૂર્ણ રીતે રીલેક્સ્ડ થઈ તાજી સ્ફૂર્તિ અને શક્તિ શરીરમાં ભરી ફરી પાછા રોજબરોજના જીવનમાં વ્યસ્ત થઈ જઈ શકીએ! આવા એક સ્થળ અને અનુભવની વાત આજના બ્લોગ થકી તમારા સૌ સાથે શેર કરીશ.
દિકરી નમ્યાનો સાતમો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો અને સાત અનોખા પગલા લીધા વિશે ગત બ્લોગલેખમાં વાત કરી હતી એનું સાતમું પગલું એટલે સપરીવાર મલાડ નજીકના મનોરી આઈલેન્ડ પર આવેલી મનોરીબેલ રીસોર્ટમાં વ્યતિત કરેલો ગુણવત્તા સભર અને મીઠી યાદગાર સ્મૃતિ બની ચુકેલો બે દિવસનો સમયગાળો! નમ્યાનો જન્મદિવસ ૨૫મી જુનને રવિવારે આવતો હતો અને ૨૬મીએ સોમવારે પણ ઇદની જાહેર રજા હતી એટલે મેં વખતે પરીવારને લઈ નજીકની જગાએ ટુંકા વેકેશન પર જઈ ત્યાં નમ્યાનો જન્મદિવસ ઉજવી તેને યાદગાર બનાવી દેવાનું નક્કી કર્યું. દૂરની જગા નક્કી કરવાનું એક કારણ પણ હતું કે મારા મમ્મીની તબિયત ખુબ સારી હોવાથી તે લાંબી મુસાફરે ખેડી શકે એમ નહોતું અને વરસાદ પણ સમયે ખુબ સારો પડી રહ્યો હતો.આથી મેં મુંબઈની આસપાસના સ્થળોની યાદી પર નજર દોડાવી. અને મને મારી પસંદગી મુજબ નું સ્થળ હું રહું છું મલાડથી ખુબ નજીક એવી જગાએ જડી આવ્યું - મનોરી સ્વરૂપે!
મનોરી બે રીતે જઈ શકાય.એક મલાડના માર્વે બીચ પરથી ફેરી બોટમાં બેસી સામે કિનારે પહોંચી રીક્ષા કે ઘોડાગાડી જેવા વાહનમાં બેસી મનોરી ગામ પહોંચી શકાય અથવા બીજું મીરા-ભાઈંદર માર્ગે ગોરાઈ પહોંચી તે માર્ગે આગળ મનોરી જઈ શકાય. મેં બીજો વિકલ્પ પસંદ કરી ઉબર ગાડી બુક કરી અને મારા બંને બાળકો,પત્ની,માતા અને બે બહેનોના કુલ સાત જણના કાફલા સાથે રોડ માર્ગે મનોરી જઈ પહોંચવા પ્રયાણ કર્યું ૨૫મી જૂનની રવિવારી વરસાદી ભીની ભીની સવારે! નમ્યાનો જન્મદિવસ હોઈ અમે બધા ખુબ ખુશ હતા અને દોઢેક કલાકમાં તો અમે જઈ પહોંચ્યા મનોરીબેલ રીસોર્ટ! મનોરીના શાંત અને સ્વચ્છ દરીયાકાંઠે આવેલી રમણીય રીસોર્ટ ખુબ સુંદર અને તનમનને તાજી હવા અને અનેરી ઉર્જાથી ભરી દેનાર સાબિત થાય એવી છે. અહિં સી-ફેસિંગ, ગાર્ડન ફેસિંગ, ક્લસ્ટર્ડ એમ જુદા જુદા વિકલ્પ સહિતના સારા એવા રૂમ્સ બનાવાયા છે. રજાનો સમયગાળો હોવાથી અમને દરીયાકાંઠા તેમજ ત્યાંની રેસ્ટોરેન્ટથી થોડા દૂર એવા બે રૂમ મળી શક્યા પણ એટલા સુંદર અને સરસ હતા કે અમને તેની કોઈ ફરીયાદ રહી નહિં. સદનસીબે વરસાદ સારી એવી માત્રામાં પડી રહ્યો હોવા છતાં જ્યારે જ્યારે જરૂરી હોય ત્યારે થોડી ક્ષણો માટે થોભી જતો હતો તેથી મને રૂમ્સમાં ચેક-ઇન કરવામાં અને આખી જગાનો તાગ મેળવી લેવામાં તથા એડવાન્સ ચુકવી સામાન્ય ફોર્માલીટીઝ પતાવવામાં સરળતા રહી. રૂમમાં સામાન ગોઠવી, ફ્રેશ થઈ અમે તરત બહાર આવી લટાર મારવા લાગ્યાં અને આસપાસની લીલોતરી અને રમણીયતાનો લુત્ફ ઉઠાવી રહ્યાં! અહિની ઇન-હાઉસ સુંદર રેસ્ટોરેન્ટમાં ગરમાગરમ ચા પીધી અને ત્યાંથી દ્રષ્યમાન થતાં દરીયાદેવના દૂરથી દર્શન કર્યાં. ચાપાણી પતાવી રેસ્ટોરેન્ટમાંથી દાદરા ઉતરી ત્યાંના ખુબ સારી રીતે જાળવણી કરેલા ગાર્ડનમાં ટહેલવા લાગ્યાં.અહિં છૂટાછવાયા નાળિયેરી-ખજૂરી-બદામડી વગેરેના વૃક્ષો હતાં.સામે ત્રણ નાનકડી ઝૂંપડી જેવી ખુલ્લી ઓરડીઓ બનાવેલી હતી જેને નાળિયેરીના પત્તા વગેરેમાંથી બનાવેલ છાપરા હતાં અને મધ્યે આવેલા થાંભલાની ફરતે ગોળાકારે સાત-આઠ ખુરશીઓ ગોઠવેલી હતી. 

અહિં મેં એક આધેડ વયના દંપતિને બેઠેલું જોયું જેઓ એક દિશામાં દરીયા સામે મોં રહે એમ બેસી ધ્યાન મુદ્રામાં બેઠાં હતાં. તેમણે બંને એક સરખા રંગ અને છાપના કપડા પહેર્યાં હતાં. ઘૂઘવતા સમુદ્રનાં મોજાંનો અવાજ જાણે સુંદર ચિત્રમાં સ્વરની કમી પૂરી પાડી રહ્યો હતો. સમગ્ર દ્રષ્ય મનને એક અનેરી શાતા અને આનંદસભર લાગણીનો અનુભવ કરાવી રહ્યું.
અહિં એક જગાએ નાનકડું કિચન-ગાર્ડન હતું જ્યાં ભીંડા-પાલક-ટામેટા વગેરે શાકભાજી ઉગાડેલા હતાં. રેસ્ટોરેન્ટમાં તાજા નૈસર્ગિક શાકભાજી રાંધી પીરસવામાં આવતા હતાં. અહિં મનોરી ગામમાં રહેતા સ્થાનિક લોકો સ્ટાફ તરીકે નોકરી કરતા હતાં. ગાર્ડનની આસપાસ કમળ પુષ્પો ઉગાડવા બે સુંદર ગોળાકાર ક્યારીઓ બનાવાયેલી હતી.

થોડે દૂર નાળિયેરીના ઝાડના થડ વચ્ચે બે હેમોક-ઝૂલા બાંધ્યા હતાં જેના પર બે દિવસ દરમ્યાન મારા પરીવારે સારો એવો સમય પસાર કર્યો - બસ  ઝૂલા પર લંબાવીને આકાશભણી તાકવામાં!ઘરની-દુનિયાની સઘળી સમસ્યાઓ-ચિંતાઓ-જંજાળો ક્ષણો પૂરતી ભૂલી જઈને!
ગાર્ડનમાંથી એક નાનકડો દરવાજો દરીયાકાંઠે દોરી જતો હતો.ત્યાં થોડા પગથિયા હતાં ઉતરો એટલે સામે અગાધ સાગર! ભરતી હોવાને લીધે અને વરસાદનું પાણી ઉમેરાતા દરીયો જાણે તોફાને ચડયો હતો અને મનોરીબેલના પગથિયા પાસેથી લાકડાના નાનાનાના બે ગેટમાંથી એક ગેટ પણ આગલી રાતે ખેંચી ગયો હતો. સમયે તો દરીયા કાંઠે જવું શક્ય નહોતું કારણ કાંઠા પર રેતી તો દેખાતી નહોતી.બધે પાણી ફરી વળ્યું હતું.
અમે ત્યાંથી ફરી, ગાર્ડનમાં વચ્ચે બદામડીના એક ઝાડ પાસે આવ્યાં જેના પર ઉંચે મચાન બનાવેલ હતું અને ઉપર ચઢી જવા માટે ખાસ દાદરા બનાવેલા હતાં.એના પર ચઢી અમે ઉપર ગોઠવેલી ખુરશીઓ પર બેઠાં




ઝાડની મજબૂત ડાળીઓ પર બનાવેલા મચાન પરથી ઉંચાઈથી દ્રશ્યમાન થઈ રહેલ સુંદર નજારાને અમે મનભરી માણ્યો. પછી લંચ માટે ફરી રેસ્ટોરન્ટમાં જઈ બેઠાં. તેમનાં સ્થાનિક ખાસ ફ્રોકના પહેરવેશમાં સજ્જ મહિલાઓ ખાવાનું પીરસી રહી હતીવેજિટેરિયન લોકો માટે વિકલ્પો ઓછા હોવા છતાં પસંદગીના ઓર્ગેનિક શાકભાજીનો સ્વાદ માણવાની મજા આવી



નોન-વેજ ખાણીપીણી ધરાવતા લોકો માટે તો અહિ સી-ફૂડની ખાસ્સી વાનગીઓ પ્રાપ્ય હતી. રેસ્ટોરન્ટ ખાસ સ્થળે એવી રીતે બનાવાઈ છે કે ગાર્ડન તેમજ દરીયાને જોતા જોતા તમે સુખેથી ભોજનની મોજ માણી શકો.


 













 

અહિં ટેબલ-ટેનિસ,કેરમ,ચેસ વગેરે રમતો ઇન્ડોર્સ રમી શકો એવી પણ સગવડ છે અને સાઈકલ પણ ચલાવી શકોતેમજ બોક્સ ક્રિકેટ કે ફૂટબોલ પણ રમી શકો.કોર્પોરેટ ક્લાયેન્ટ્સ માટે કોન્ફરન્સ હોલ પણ છે અને ટીવીના શોખીન લોકો માટે એક ખાસ જગાએ ટીવી પણ ગોઠવેલું છે.
જમ્યા બાદ સારું એવું ફર્યા અને ચાર-સાડા ચારના સુમારે સાંજે જોયું તો દરીયામાં હવે ઓટને કારણે પાણી ખાસ્સું પાછું ચાલ્યું ગયેલું.અમે ગાર્ડનના ગેટમાં થઈ પગથિયા ઉતરી ખુલ્લા પગે દરીયા કાંઠે રેતી પર ચાલ્યાં. મોજાના આગળપાછળ થતાં પાણીમાં પગ પણ પલાળ્યાં. જમીન-દરિયો અને આકાશ સાથે મળી અહિં એટલું અનુપમ નૈસર્ગિક જીવંત ચિત્ર ઉભું કરી રહ્યાં હતાં કે તેની સુંદરતાનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે. એમ થાય કે જાણે બસ સમય અહિ થંભી જાય!  







સુભગ પરમ-શાંતિની અનુભૂતિ કરતા કરતા તમે એટલી ક્ષણો પૂરતા બહારના જગત સાથેથી જાણે ડિસકનેક્ટ થઈ ગયાં.અહિ લોકો પણ ખુબ ઓછાં-ગણ્યાંગાંઠ્યા નજરે ચડતા હતાં અને એટલે કદાચ ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી હતી. મને દરીયાકાંઠે પરમ ક્ષણો માણતી વખતે ગણપતિ-પુલે,ચિપલૂણ અને ગોવાના આવા જ દરીયા કિનારાઓ યાદ આવી ગયાં. દોઢ-બે કલાક સ્વર્ગીય સુખસમી અનુભૂતિ કરાવતા દરીયાકિનારે પસાર કર્યા બાદ મનોરીબેલ ફરી પાછા આવ્યાં. સદનસીબે વરસાદ પણ અમે મજા માણી શકીએ એટલે પોરો ખાતો હતો! હવે નમ્યાનો બર્થડે મનાવવા કેક લાવવી હતી.પણ અહિં કોઈ ઓનલાઈન ઓર્ડર કરતા ડીલીવરી આપવા આવે એમ નહોતું એટલે હું અને અમી નિકળી પડ્યા પગે ચાલીને આસપાસ ગામમાંથી કેક લઈ આવવા. નજીકમાં કરજાદેવીનું મંદીર હતું ત્યાં દર્શન કર્યા. એટલામાં ગામમાં સમૂહલગ્ન નો પ્રસંગ હશે એટલે લોકોનું એક ટોળું વાજતેગાજતે મંદીર પાસેથી પસાર થતું દીઠુંચારેક વર-કન્યા તેમના લાક્ષણિક લગ્ન-પ્રસંગના જોડામાં સજ્જ હતાં અને તેમની આગળ જાનૈયાઓ બેન્ડબાજાના તાલે મસ્તીમાં નાચી-ઝૂમી રહ્યાં હતાં. પાછળ એકસરખા સફેદ ટપકા વાળા લાલ ફ્રોક્સમાં સજ્જ મહિલાઓ પૈકી એક તો એજ હતી જેણે બપોરે અમને ભોજન પીરસ્યું હતું. અમને ઓળખી જતા તેણે સુંદર સ્મિત આપ્યું. અમને પણ નોખું દ્રશ્ય જોવાની મજા આવી. પછી અમે ત્રણેક કિલોમીટર દૂર ગોરાઈ ગામમાં આવેલી બેકરીમાં જઈ કેક લઈ આવ્યાંનમ્યા કેક જોઈ ખુબ ખુશ થઈ અને પછી અમે તેની પાસે કેક કપાવડાવી તેના જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો. રાતે જમવાનું રૂમમાં મગાવ્યું અને નમ્યાનો જન્મદિવસ એક સુંદર યાદગાર અનુભવ બની પૂરો થયો.રાતે ઉંઘ સરસ આવી.
સવારે ગરમ પાણી રૂમમાં ગિઝરમાં ખરાબી ઉદભવી હોવાને કારણે નહોતુ આવી રહ્યું પણ અમને બાજુનો રૂમ ખોલી આપવામાં આવ્યો જ્યાં ગરમ પાણી પ્રાપ્ય હતું.હોટલનો સ્ટાફ અને તેમની સર્વિસ અમને ગમ્યાં.ચા-પાણી પીધાં બાદ બીજો દિવસ પણ અમે હોટલના સુંદર વાતાવરણમાં આરામપૂર્વક પસાર કર્યો અને સાંજે બોટ-ફેરી લઈ માર્વે દરીયા કાંઠે પહોંચી ત્યાંથી મલાડ - ઘરે પાછા ફર્યાં સુખદ સ્મૃતિઓનો ખજાનો મનમાં એકઠો કરી.


(સંપૂર્ણ) 

1 ટિપ્પણી:

  1. મનોરી આઇલેન્ડ વિશેનો લેખ વાંચી ઘણો આનંદ થયો.વર્ણન એટલું રોચક હતું કે જાણે અમે પોતે ત્યાં પ્રવાસ કરી રહ્યાં હોઇએ એવી લાગણી થઈ. અમે નક્કી કર્યું છે કે અમારે પણ ત્યાં જવું જ!

    જવાબ આપોકાઢી નાખો