રવિવાર, 30 જુલાઈ, 2017
બી.એમ.સી. તુલા સ્વત: વર ભરોસા નાહિ કાય?
રેડ એફ.એમ. ની આખાબોલી ચુલબુલી રેડિયો જોકી મલિષ્કા મારી મનપસંદ આર.જે. છે. એનો તાજેતરમાં ઇન્ટરનેટ પર ફરતો થયેલો વિડીઓ 'સોનુ તુલા બી.એમ.સી. વર ભરોસા નાહિ કાય?' મેં તો ફેસબુક પર જોતાવેંત 'લાઈક' કરી લીધેલો પણ ત્યારે ખબર નહોતી કે આટલો વાઈરલ થઈ જશે અને ચર્ચાસ્પદ પણ!
આ વિડીઓમાં તેણે વ્યંગાત્મક રીતે મુંબઈ મહાનગર પાલિકાની ઠેકડી ઉડાડી છે અને લાખો મુંબઈગરાઓને ચોમાસા દરમ્યાન વેઠવી પડતી હાલાકીને વાચા આપી છે. ચોમાસા દરમ્યાન રસ્તાઓ પર પડતાં મોટાં મોટાં ખાડા અને તેને પગલે નિર્માણ થતા ચક્કાજામ ટ્રાફિક તેમજ પરિણામે સામાન્ય નાગરિકોને ઉઠાવી પડતી હાલાકીનો રમૂજી રીતે મરાઠી ભાષાના એક જોડકણાં જેવા ધમાલગીત દ્વારા ઉલ્લેખ કરી મલિષ્કાએ તેના રેડિયોની ઓફિસમાં જ તેના બોય્સીઝ તેની પાછળ વાંકાચૂકા ચેનચાળા કરતા હોય એવો મજેદાર વિડીઓ તૈયાર કર્યો છે અને તેને ઇન્ટરનેટ પર વહેતો કર્યો છે જે અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ અને વખાણી ચૂક્યો છે!એના પરથી અને એ જે મૂળ મરાઠી ગીતની પ્રેરણા છે એવા પણ અનેક ગીતોના વિડીઓ લોકોએ બનાવીને ઇન્ટરનેટ પર ફરતાં કર્યાં છે.બી.એમ.સીના ખુદના કાર્યકરોએ પણ એ જ શૈલીમાં મલિષ્કાને જવાબ આપતા હોય તેવો એક વિડીઓ બનાવી મિડીયામાં મૂક્યો હતો પણ એ નહોતો અસરકારક કે નહોતો મજેદાર!
આટલા બધા લોકોએ મલિષ્કાનો આ વિડીઓ જોયો અને વખાણ્યો છે એટલે પોતાની નિષ્ક્રિયતા અને નિરાસરકારકતાને લીધે બી.એમ.સી. અને શિવસેનાને માઠું લાગ્યું છે, તેમના પેટમાં તેલ રેડાયું છે.
એક સરસ વાત વાંચેલી કે કોઈ તમારા પર પથરો ફેંકે તો તેનો તમારા વિકાસ માટે દાદરો બનાવવા ઉપયોગ કરો.કોઈ તમારા કાર્યની ટીકા કરે ત્યારે પણ તેમાંથી શિખો અને એનો સકારાત્મક ઉપયોગ તમારી વ્રુદ્ધિ માટે કરો.પણ બી.એમ.સી.અને શિવસેનાએ તો આ મજાકમાંથી પાઠ શિખવાને બદલે મલિષ્કાના ઘેર તેની ગેરહાજરીમાં દરોડો પાડી તેની માતાને નામે નોટીસ ફટકારવાનું પસંદ કર્યું છે. તેના ઘરે છોડનાં કૂંડા નીચે મૂકવામાં આવેલી પ્લેટમાં ભરાયેલું પાણી રોગ પેદા કરતાં મચ્છરોનું આશ્રય સ્થાન છે એવો આક્ષેપ મલિષ્કા પર મૂક્યો છે.
આટલું ઓછું હોય તેમ મલિષ્કા પર ૫૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પણ માંડવાનું યુવાસેના અને બી.એમ.સી. વિચારી રહ્યાં હોવાના અહેવાલ મિડીયામાં વહેતા થયાં હતાં. જોકે મુંબઈ ભરમાં આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા ઉભી થયા બાદ તેઓ એમ કરે છે કે નહિ એ જોવાનું રહ્યું.
એક તો પોતાનું કામ બરાબર કરવાનું નહિ અને એ અંગે આપણાં લોકશાહી રાષ્ટ્રમાં કોઈ પ્રશ્ન કરે તો તેને ખોટી રીતે હેરાન કરવાનું વલણ આ શાસક પક્ષ અને સંસ્થાને શોભતું નથી.
મલિષ્કા હાલમાં તો ન્યુયોર્કમાં છે પણ તેણે આવા અન્ય છ વિડીઓ તૈયાર હોવાનો દાવો કર્યો છે!એ કાંઈ ગાંજી જાય એવી નથી! અને એને મારા જેવા લાખો સમર્થકોનો ટેકો છે!
છેવટે મલિષ્કાની જ સ્ટાઈલમાં બી.એમ.સી. ને પૂછવાનું મન થાય છે કે "બી.એમ.સી. તુલા સ્વત: વર ભરોસા નાહિ કાય?"
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ખુશીની વાત છે કે મલિષ્કાના વિડીઓ અને તેના પ્રત્યેના બી.એમ.સી. ના અસહિષ્ણુ પ્રતિભાવની વાત તમે બ્લોગમાં ચર્ચી. વિવેચન કે સમાલોચના તો લોકશાહીના પાયા સમા છે. છેલ્લા કેટલાક સમયથી સતત જુદા જુદા માધ્યમમાં વ્યક્ત થતા અવાજને દાબી દેવાનો ,સત્યનો અસ્વીકાર કરવાનો,પોતાનાથી જુદો અભિપ્રાય સહન ન કરી શકવાનો અને એટલે મૌખિક કે શારીરિક હિંસા આચરવાનો ટ્રેન્ડ થઈ ગયો છે.આ સહિષ્ણુતા જેવા સામાજીક મૂલ્યો અને વિચાર અને વાણી સ્વાતંત્ર્ય જેવા લોકશાહીના મૂળભૂત અધિકારોનું હનન છે જે ખરેખર નિંદનીય છે.
જવાબ આપોકાઢી નાખો