Translate

રવિવાર, 17 જાન્યુઆરી, 2010

અંધેરી લોકલનો એક અનુભવ

હું મલાડ સ્ટેશનેથી સવારના ૦૮:૫૯ની અંધેરી લોકલના ફર્સ્ટ ક્લસ્સ કોચમાં જેમતેમ કરી ચઢી ગયો.આજે લોકલ ૧૦-૧૫ મિનિટ મોડી હતી.હંમેશની જેમ એમાં ખૂબ ભીડ હતી.બહાર વરસાદ પડવો શરૂ થયો અને લોકલમાં પ્રવાસીઓ વધુ સંકડાશનો અનુભવ કરી રહ્યાં કારણ દરવાજા પર ઉભેલાઓએ પણ પલળે નહિં એ માટે અંદર તરફ ધક્કા મારવા શરૂ કર્યા.અંધેરી લોકલમાં મલાડ અને અંધેરી વચ્ચે ગોરેગામ અને જોગેશ્વરી એમ માત્ર બે જ સ્ટેશન બચ્યા હોઈ ગોરેગાવ ઉતરનારા પ્રવાસીઓની સંખ્યા સારી એવી રહેતી હોય છે અને એ લોકો જેમણે ગોરેગામ ઉતરવું હોય તે બીજાઓનો જરા સરખો પણ વિચાર કર્યા વગર ધક્કામુક્કી કરી ગોરેગામ સ્ટેશન પર ઉતરતા હોય છે. નદીના ધસમસતા પૂરની જેમ જ! તમારે ગોરેગામ ન ઉતરવું હોય છતાં તમે ભૂલથી વચ્ચે ઉભા હોવ કે એ પૂરની અડફેટમાં આવી જાવ તો તમારે પણ ફરજિયાત ગોરેગામ ઉતરી જ જવું પડે અને જો તમે આનાકાની કરો કે હઠીલા થઈ વચ્ચે ઉભા રહો તો ચોક્કસ તમારો સ્ટેશન પર ખેંચાઈને પડી જવાનો જ વારો આવે.આ વાતથી હું સારી રીતે વાકેફ હોઇ મે લોકલમાં પ્રવેશી તરત બને એટલું અંદર જઈ પીઠને ટેકો મળે એવી જગા પકડી લીધી.ગોરેગામ સ્ટેશન આવ્યું અને ઘણાં બધાં લોકો એક્બીજાને ધક્કો મારતા,ગાળો ભાંડતા ઉતરી ગયાં.લોકલે ગોરેગામ સ્ટેશન છોડ્યું અને ગતિ પકડી ત્યાં મેં નોંધ્યું કે એક યુવાન બીજા એક યુવકને બોચીએથી પકડી તેને ગાળો ભાંડતા ભાંડતા કોચમાં અંદર તરફ ખેંચી ગયો જ્યાં બીજા પ્રવાસીઓ બેઠા હતાં.આ બન્ને જણ મારી બરાબર બાજુમાં થઈ થોડા આગળ એવી જગાએ ઉભા જ્યાંથી હું તેમને બરાબર જોઇ શકતો હતો.હજી મને કંઈ વિચારવાનો સમય મળે એ પહેલા તો બીજા પાંચ-છ બેઠેલા પ્રવાસીઓએ પણ ઉભા થઈ બાબત શું હતી એ જાણ્યા વગર જ પેલા ગરીબ બોચીએથી પકડાયેલા યુવાનને માથા પર જોર જોર થી મારવા માંડ્યુ.મને ખૂબ ગુસ્સો આવ્યો.
હું સમસમી ગયો.આ જે દ્રશ્ય વર્ણવ્યું એ મુંબઈની ટ્રેનોમાં જોવા મળતુ એક ખૂબ સામાન્ય દ્રશ્ય છે.કોઈક પકડાય એટલે સાચે એ ગુનેગાર છે કે નહિં એ જાણવાની પણ તસ્દી લીધા સિવાય લોકો પોતાના 'હાથ સાફ' કરવા માંડશે.મને નથી સમજાતુ કે તેમને આવા કૃત્ય દ્વારા કયા પ્રકારનો પાશવી આનંદ મળતો હશે.કે પછી આ દ્વારા તેઓ પોતાનું ફ્રસ્ટ્રેશન, હતાશા, નિરાશા, દુ:ખ કે હારની લાગણીઓ પ્રદર્શિત કરી રાહત અનુભવતા હશે?ગાડીની ગિર્દી, મોંઘવારી, પોતાને મળેલી કોઈક નિષ્ફળતા કે પછી ઘરમાં થયેલા ઝગડાને પરિણામે તેઓ આવું વર્તન કરતા હશે?આ સદંતર ખોટુ છે.એક તો લોકોને બે જણ વચ્ચેની માથાકૂટમાં પડવાનો કોઈ હક્ક નથી અને બીજુ તેમને કોઈને ય પાઠ ભણાવવાનો પણ કોઇ હક્ક નથી.લોકલ ટ્રેનમાં કે સ્ટેશન પર કંઈક થાય તો વચ્ચે પડવાનો હક્ક અને જવાબદારી રેલવે પોલિસના છે.તો પછી કોઇ ઝઘડામાં વચ્ચે પડી વાંકગુના વાળા કે ક્યારેક તો કોઇ જ વાંક વગરના કોઈ ગરીબને ઢોર માર લોકોએ શા માટે મારવો જોઇએ?એમાં ક્યારેક કોઈ માણસ પોતાનો જીવ પણ ગુમાવી બેસી શકે છે.
મૂળ વાત પર આવીએ.મેં અંધેરી લોકલમાં પેલા ગરીબડા યુવાનનો પક્ષ લીધો જેને પાંચ-છ જણ મળીને ઢીબી રહ્યાં હતાં.મને શું બાબત હતી એની જાણ નહોતી પણ એ તો મારવાવાળા પેલા અસામાજિક તત્વો જેવા યુવાનોને પણ ક્યાં કોઈ વાતની ખબર હતી?મે પેલા ગરીબડા યુવાનને બચાવતા પ્રશ્ન કર્યો કે બધા શા માટે તેને મારી રહ્યાં હતાં?એવું લાગ્યું કે કદાચ એની પાસે ફર્સ્ટ ક્લાસનો પાસ નહોતો અને તે ગોરેગામ ઉતરતા પ્રવાસીઓની અડફેટે ચઢી ગયો હતો અને ટ્રેન ચાલુ થતા જ એક તોફાની યુવક તેને બોચી પકડી અંદર ખેંચી લાવ્યો હતો.આ કોઈ બાબત હતી એક માણસને પકડીને મારવા માંડવા માટેની?બીજા સામાન્ય નાગરિકોને શો હક્ક છે કાનૂન પોતાના હાથમાં લઈ કોઈને સજા આપવાનો?એ યુવાન અજાણતાથી ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચઢી ગયો હોય અથવા કદાચ એની કોઈ મજબૂરી પણ રહી હોઈ શકે જેથી એણે આ ડબ્બામાં ચઢી જવુ પડ્યુ હોય.આપણે માણસ બનવું જોઇએ.મેં બધા વચ્ચે થોડા સમય પહેલા જ બની ગયેલો એક કિસ્સો કહી સંભળાવ્યો જેમાં ગુસ્સામાં બેકાબૂ બનેલા બે યુવાનો એ ત્રીજા એક યુવાનને સેન્ટ્રલ રેલ્વેની એક ટ્રેનમાં એટલી બૂરી રીતે ફટકાર્યો કે તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો.લોકો ટોળુ બન્યા બાદ હિંસક,ક્રૂર અને ઘાતકી બની જતા હોય છે.તેઓ સાચાખોટાનું ભાન ભૂલી જતા હોય છે.આપણે સૌએ પુખ્ત અને જવાબદાર નાગરિક બનવું જોઇએ અને પ્રાણી જેવા બની કોઈને મારી પાશવી આનંદ ન લેવો જોઇએ.જો કદાચ કોઈ મોબાઈલ કે પર્સ ચોરી કરતા પકડાઈ પણ જાય તો તેને ઉતાવળે રઘવાયા થઈ મારવા ન માંડતા પકડીને પોલિસને સોંપી દેવો જોઇએ જેથી એ તેને યોગ્ય સજા અપાવી શકે.પેલા અંધેરી લોકલવાળા મારી રહેલા યુવાનો આ બધુ સાંભળી મારા પર ગુસ્સે થઈ પૂછવા લાગ્યા કે હું શા માટે પેલા ગરીબડા યુવકનો પક્ષ લઈ રહ્યો હતો.મેં તેમને જવાબ આપ્યો કે ન હું એ ગરીબડા યુવકનો સગો હતો કે ન તો તેઓ બધા મારા દુશ્મન હતાં.મારે ફક્ત એક જ વાત સ્પષ્ટપણે સમજાવવી હતી કે આપણે ભેગા મળી ટોળું બનાવી કોઈક એકલી વ્યક્તિને શા માટે મારવા માંડવું જોઇએ જ્યારે શક્ય છે એ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ પણ હોય?
પછી તો આ ચર્ચામાં બીજા પણ કેટલાક પ્રવાસીઓ જોડાયા જેમણે મારો પક્ષ લીધો.પેલો ગરીબડો યુવાન વધુ માર ખાવામાંથી બચી ગયો.તોફાની ટોળામાંના એકે મને 'ગાંધીજી' બનવાનો પ્રયત્ન કરું છું એવી ટીપ્પણી સાથે 'સમાજસેવા'ના સેમિનાર આપવાની સલાહ આપી.મેં જવાબ આપ્યો કે જો ટ્રેનમાં જગા મળે તો મને રોજ 'માણસ કઈ રીતે બનવું અને ટ્રેનમાં કઈ રીતે વર્તવું' આ વિષય પર એક પાવરપોઈંટ પ્રેઝેન્ટેશન આપવામાં કોઈજ વાંધો નથી! રખે ને એકાદ જણ પણ એ જોઈ-સાંભળી સુધરી જાય તો મારું મિશન સફળ થઈ જાય!આ પછી ઝગડો પૂરો થઈ ગયો.
આપણે ક્યારેક દૈનિક જીવનની ઘરેડમાં સાથી મનુષ્ય પ્રત્યે ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ અને ઘણી વાર તો અમાનવીય વર્તન પણ આચરી બેસીએ છીએ.જરૂર છે થોડા આત્મસંશોધનની અને અયોગ્ય અભિગમને બદલવાની.

3 ટિપ્પણીઓ:

  1. સરસ બ્લોગ... સરસ વર્ણન. છેલ્લે સુધી મને જકડી રાખ્યો આ પ્રસંગે.તમારા વધુ બ્લોગનો ઇંતઝાર રહેશે હવે. રેલવે ટ્રેનમાં મુસાફરી પણ એક ગજબનો અનુભવ છે!

    - અજય પોહરે

    જવાબ આપોકાઢી નાખો
  2. હેય વિકાસ...તને ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત! હમણાં જ પૂરી થયેલી પરિક્ષા પછી લાંબા અરસા બાદ કંઈક આખું અને લાંબુ વાંચ્યું હોય તે એ છે તારો આ બ્લોગ! તારા જેવા બીજાઓની મદદ માટે સદાયે તત્પર રહેતા લોકો જોઇને ખુબ ખુશી થાય છે...માણસાઈ.... અતિશય સુંદર ...આવા સરસ સરસ બ્લોગ લખતો રહેજે.... ઇશ્વર તારું ભલુ કરે.......

    - નિરવ (મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો
  3. સરસ!!!! મોટે ભાગે આપણે સૌ ટ્રેનમાં આપણા પોતાનામાં જ ગુલતાન થઈ જતા હોઇએ છીએ, આજુબાજુ વાળા પ્રત્યે દુર્લક્ષ સેવતા હોઇએ છીએ. આવા ઝઘડા શાંત પાડવા માટે તો તમારા પોતાનામાં જબરી હિંમત હોવી જરૂરી છે.

    - વિરલ (મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો