Translate

રવિવાર, 24 જાન્યુઆરી, 2010

ગેસ્ટ બ્લોગ : સૌથી મોટો એવોર્ડ

બાળરંગભૂમિ એટલે ફક્ત નાટક જ કરવા કે કરાવવા એટલું જ નહિં પરંતુ બાળકના સર્વાંગી વિકાસમાટેનું એ એક મહત્વનું અંગ છે એની પ્રતિતિ એ પ્રવૃત્તિને માટે સતત કાર્યશીલ રહેતા મને થતી રહી.૧૯૫૬ની સાલમાં લાંબી રજા દરમ્યાન હું તથા મારી સખી રીટા ચોપાટીની રેતીમાં બેઠા હતા.બાળરંગભૂમિ દ્વારા બાળકોના ઉત્કર્ષ માટે નાટક ઉપરાંત કંઈક નવી દિશા માટે વિચારતી હતી ત્યાં ટીનના ડબ્બાના તાલ સાથે ફિલ્મી નાચ-ગીતની નકલ કરતાં થોડા નાનામોટા છોકરાછોકરીઓ ગાતા સંભળાયા - અમારી મજાક કરવાના મૂડમાં જ. "ઇતની બડી દુનિયામે, ન કોઈ કહેતા,આઓ બચ્ચો હમ સે મિલો;અચ્છે કપડે પહેનકર સાબ બનો" - આ બધા હતા ફુગ્ગા વેચતા,ગજરા વેચતા,ઉજળા વર્ગ માટે ઇર્ષા ધરાવી અપશબ્દો બોલનાર. બસ! મને દિશા મળી.આવા બાળકો માટે કંઈ કરી શકાય? બાળમજૂર,સ્ટ્રીટ-ચિલ્ડ્રનની વાતો હજી મારે કાને આવી ન હતી પણ એમને માટે કંઈક કરી એમને સભ્ય બનાવવા!વિચારવુ સહેલુ હતું પણ કામ કરવું અઘરું હતું.એમના માબાપને ડર હતો, અમે એમના છોકરાઓને ભરમાવીશુ તો?એટલે અમે પહોંચ્યા બાળકો પાસે.ભેળ ખવડાવી,સાથે રમ્યા,વિશ્વાસ મેળવ્યો.ગંદાગોબરા,માથામાં જૂ,મોં માં ગાળ - એવા બાળકો અમારી પાસે બેસવા લાગ્યા.રોજ સવારે ઘરમાંથી થર્મોસમાં ચા ભરી,થોડો નાસ્તો લઈ અમે એમની મંડળી બનાવી.ઊઘરાવેલા કપડાંથી એમના અર્ધખુલ્લા શરીર ઢાંકવા મથતા અમે મિત્રતાના મંડાણ કર્યા.માબાપને પણ અમારામાં વિશ્વાસ બેઠો.થોડીક સ્થિરતા આવતા,સ્વચ્છતાથી શરૂઆત કરી અમે અક્ષરગ્નાન સુધી પહોંચ્યા.ચોમાસામાં અમારી ટોળી વિખરાતી.પાછા ભેગા થઈએ ત્યારે જૂના થોડા જ હોય.કોઈ સ્થળાંતર કરી ગયા હોય.બે સભ્યો પણ હોય તો વળી બાર પણ થાય.આ છોકરાઓ પાસેથી સાચો પ્રેમ મળતો.વિલ્સન કોલેજના એક સહ્રદયી ફાધર અમારુ કામ જોતા.એમણે કોલેજના ગ્રાઉંડ ફ્લોર પર આવેલા એક સ્ટોરરૂમનો થોડો ભાગ અમારી પ્રવૃત્તિ માટે આપ્યો.ફાધરની પ્રેરણાથી અમને ગાંધીજીના આદર્શને પગલે ચાલવાનું દિશાસૂચન મળ્યુ.બુનિયાદી તાલીમના પાઠ શરૂ કર્યા.ઉષાબેન મહેતાએ સહકાર આપી વણાટકામ,રેંટિયાની તાલીમનું શિક્ષણ આપવામાં મદદ કરી.અમારો ઉત્સાહ વધ્યો.બાળકોને રાત્રિશાળામાં અમારા ખર્ચે મોકલતા.પછીથી હસ્તકામ,વણાટકામ,મિકેનિકલ કામ શિખવતા.બાળરંગભૂમિની પ્રવૃત્તિ શરૂ કરાવી. એકોક્તિ - નાટિકા,એમના હસ્ત ઉદ્યોગની ચીજવસ્તુઓનું વેચાણ ચાચા નહેરૂ દિને કરાવવા શરૂ કર્યા. ૧૯૫૬થી શરૂ થયેલી આ યાત્રા ૧૯૮૦ સુધી ક્યારેક પુરજોશમાં તો ક્યારેક મંદ ગતિએ તો ક્યારેક સાવ બંધ એમ ચાલતી રહી.રીટા પરણીને પરદેશ ગઈ.એકલે હાથે મારી પોતાની શિક્ષિકા તથા નાટ્ય પ્રવૃત્તિ ને કારણે 'રસ્તે રઝળતાં રતન'નો સાથ જાળવવો અઘરો થતો હતો,છતાં આ બાળકોની પ્રેરણાએ મને નવો જ માર્ગ ચીંધ્યો એ કેમ ભૂલુ? વિચાર્યું કે હવે આ અભિયાન બંધ કરુ - ત્યાં બેપાંચ તેજસ્વી કિશોર-કિશોરી એક નવા વર્ષની સવારે મારી પાસે આવી કહેવા લાગ્યા,"દીદી!તમે અમને ઘણું શીખવ્યું.જીવન જીવવાનો રસ્તો બતાવ્યો.આજે ઇશુખ્રિસ્તના નવા વરસે અમે બધા પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે જીવવા માટે એ જ રસ્તો અપનાવીશું." પ્રતિજ્ઞા લેવાઈ.અમે છૂટા પડ્યા.સંપર્ક તૂટી ગયો.પણ ૧૯૭૬માં બરેલીમાં હિન્દી નાટક કરાવવા ગઈ,ત્યાંથી અચાનક વિચાર આવતા દિલ્હીથી હરિદ્વાર થઈ બદરીનાથ જવા હું મારા ભાઈ સાથે ઉપડી. રસ્તામાં બસ બગડી.સાંજ પડવા આવી હતી.લોકલ ઉતારુઓએ બસમાંથી ઉતરી ચાલવા માંડ્યુ.અમારા જેવા બેપાંચ ઉતારુઓ ક્યાં જાય?પાસે ગરમ કપડાં નહિં. દેવપ્રયાગમાં ખાવાનું ક્યાંથી મળે?બસમાં પડી રહ્યાં.ત્યાં હિમાલય પરિવહન નિગમનો કોઈ અધિકારી બસ ડ્રાઈવર સાથે બસમાં કોણ કોણ છે એ ચકાસવા ટોર્ચને અજવાળે ચડ્યો."દીદી ! આપ?" વર્ષોનો પડદો હટી ગયો.ચોપાટીની રેતીમાં રાત્રિશાળામાં મોકલી, ગરાજમાં મિકેનિકલ કામ શીખેલો એ હતો ઇકબાલ વરસો પહેલા મેં થોડાક કોળિયા ભરાવ્યા હશે,માંગી આણેલા કપડાંથી એનુ શરીર ઢાંક્યુ હશે.એણે અમને ગરમ રસોઈ જમાડી,ગરમ ધાબળા આપી,અણધારી મદદ કરી.એ અહિં પરિવહન વિભાગનો મોટો અધિકારી બની ચૂક્યો હતો;એટલું જ નહિં ત્યાં એની પત્ની સાથે મળી પ્રૌઢ શિક્ષણ સાથે બાળકોને નાટક,અક્ષરજ્ઞાન આપતો.એની આજે ઉજવણી હતી.સભામાં એણે જાહેર કર્યુ કે "વર્ષો પહેલા નવા વરસે અમે પ્રતિજ્ઞા લીધી હતી કે અમે રસ્તે રખડતા હતા ત્યાંથી દીદીની દોરવણીથી જીવનમાં સ્થિર થયા,તે જ રીતે બીજાઓને સ્થિર કરવા પ્રયત્નશીલ રહીશું.આ અમારી નવા વરસની ગુરૂદક્ષિણા છે." આનાથી મોટો એવોર્ડ જીવનમાં બીજો હોઈ શકે ભલા?

- વનલતા મહેતા 'દીદી' (મુંબઈ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો