Translate

ગુરુવાર, 4 ફેબ્રુઆરી, 2010

એક અનોખો પ્રયોગ - 'ૐ શ્રીમદ ભાગવત અક્ષરદેહ રૂપે' મહાયજ્ઞ (ભાગ-૧)

જીવનમાં કેટલાક પ્રસંગો મનનાં કચકડામાં કાયમને માટે કેદ થનારા બની રહે છે.આવા જ એક પ્રસંગ - એક ઘટનાને આજે આ બ્લોગ થકી તમારા સૌ સમક્ષ લખી વર્ણવવો છે.આ પ્રસંગ એટલે ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે મહાયજ્ઞ.
આ ગુજરાતી નાટક દ્વારા જ મેં ગુજરાતી રંગભૂમિ પર અભિનયક્ષેત્રે મારી નવી કારકિર્દી પર પગરણ માંડ્યા. ગયા વર્ષ દરમ્યાન તેના ૧૫ શો યોજ્યા બાદ અમારા નાટકના નિર્માતાઓ છાયાબેન કોઠારી, નીતાબેન રેશમિયા અને હરિભાઈ ઠક્કરે ભાગવત મહાયજ્ઞ યોજવાની યોજના ઘડી, જે મુજબ અમારે આ નાટકના ૨૧ શો ફક્ત સાત દિવસમાં એક જ જગાએ ભજવવાના હતા. પહેલી જાન્યુઆરીથી સાતમી જાન્યુઆરી ૨૦૧૦ સુધી મુંબઈ-બોરિવલીના પ્રબોધનકાર ઠાકરે સભાગૃહમાં એક દિવસનાં ત્રણ શો લેખે સતત સાત દિવસ સુધીમાં કુલ ૨૧ શો! ગુજરાતી રંગભૂમિ પર આ પહેલા ક્યારેય આ બન્યું નહોતું. પણ અમારા ચાલીસેક કલાકારો અને ડાન્સર્સના કાફલામાં મોટા ભાગના યુવાન-યુવતિ હોઈ બધાએ આ મહાયજ્ઞ પાર પાડવા જબરો ઉત્સાહ દાખવ્યો.સામાન્ય શો કરતા અડધા પેમેન્ટની વાતે મોટા ભાગના કલાકાર-ડાન્સર્સને નિરાશ કર્યા પણ છતા કેટલાક અપવાદોને બાદ કરતા અમે બધા આ મહાયજ્ઞમાં જોડાવા ઉત્સાહભેર તૈયાર થઈ ગયા. મારા માટે સોફ્ટ્વેર એન્જિનીયર તરીકેની મારી ફૂલટાઈમ જોબમાં ૭ સળંગ દિવસની રજા લેવાનું મને મુશ્કેલ લાગ્યું પણ આઠ વર્ષની નોકરી દરમ્યાન કારણ વગરની રજાઓ લીધી ન હોવાને કારણે અને મારા ખૂબ સારા સ્વભાવના બોસની કૃપાથી મને રજા મળી ગઈ! હું ખૂબ ખુશ હતો. ૨૦૧૦ના નવા વર્ષની શરૂઆત તદ્દન નોખી રીતે થવાની હતી! એ પણ એવી એક પ્રવૃત્તિ દ્વારા જે મારા હ્રદયને પ્રિય હતી. આથી રૂડું બીજું શું હોઈ શકે?
૧૫ શો કર્યા હોવા છતા મોટા ભાગના કલાકારોએ ડિસેમ્બરના છેલ્લા ૧૫ દિવસ નિયમિત રીતે રિહર્સલ્સ પણ કર્યા. અમારા દિગ્દર્શક મનિષ શેઠના દિગ્દર્શનમાં સહેજે કચાશ નહોતી છતા, છાયાબેનના આગ્રહને વશ થઈ ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર-દિગ્દર્શક કમલેશ મોતા અમારા નાટક અને અમારા સૌના અભિનયને વધુ નિખારવા-મઠારવા ખાસ યોગદાન આપી કેટલાક રિહર્સલ સેશન્સમાં ખાસ પધાર્યા હતા અને અમે તેમની પાસેથી ઘણું શિખ્યા.કેટલાક નાના નાના ફેરફાર દ્વારા તેમણે અમારા સુંદર નાટકને વધુ સુંદરતા અર્પી. નક્કી એમ થયું હતું કે છેલ્લા થોડા દિવસ આરામ કરી મહાયજ્ઞની શરૂઆત કરીશું, પણ અમારા પ્રોડક્ટને શ્રેષ્ઠ બનાવવાના આશયથી અને મહાયજ્ઞમાં ૨ શો હિન્દીમાં પણ ભજવવાના હોવાને કારણે હિન્દીમાં અમારા રિહર્સલ્સ પૂરતા ન થયા હોઈ અમે ૩૧ ડિસેમ્બર સુધી રિહર્સલ્સ કરતા રહ્યા!
નિયત થયા મુજબ પહેલી જાન્યુઆરી ૨૦૧૦ના સવારે ૧૧ વાગે અમારો પ્રથમ પ્રયોગ ભજવાયો.રોજ સવારે ૧૧ વાગે, બપોરે ૪ વાગે અને રાતે ૦૮:૩૦ વાગે એમ ત્રણ શો ભજવવાના હતાં. મોટા ભાગના શોમાં વૈષ્ણવ સંપ્રદાયના મહાગુરૂઓ અમને તથા પ્રેક્ષકોને આશિર્વચન આપવા પધાર્યા હતા. કેટલાક શોમાં ગુજરાતી તેમજ હિન્દી રંગભૂમિ અને સિનેજગતના કેટલાક સિતારાઓ જેવા કે મનોજ જોશી,ઇશ્વર પટેલ,હેમાંગિની ઝવેરી, મારા પિતાશ્રી ઘનશ્યામ નાયક, લીલા પટેલ વગેરેની હાજરીએ પણ સારું એવું આકર્ષણ જમાવ્યું હતું.
૪૦ જણના કાફલાને સાત દિવસ સુધી સાચવવો અને તેમને ૨૧ શો સરસ રીતે ભજવી શકે એ માટે મોટીવેટ કરવા એ એક ખૂબ અઘરૂ કામ હતું. પણ નીતાબેન,છાયાબેનની જોડી એ આ ભગીરથ કાર્ય પાર પાડવાની પૂર્ણ તૈયારી કરી હતી. બોરિવલીમાં જ સભાગ્રુહ નજીક અમને ઉતારો આપવામાં આવ્યો હતો. અમારા યુવા કલાકારો માટે તો આ સાત દિવસનો સહવાસ પિકનિક જેવો પણ બની રહ્યો.સાત દિવસનો સમયગાળો સાથે રહી પસાર કરવાનો હોય અને આટલા બધા જુદા જુદા પ્રકારના મગજ ધરાવતા કલાકારો ભેગા હોય ત્યારે થોડી ઘણી ચઢભઢ,ગેરસમજ વગેરે તો થવાનાં જ પણ એનું પ્રમાણ અમારા મહાયગ્નના ૭ દિવસ દરમ્યાન નહિવત રહ્યું.
ઉતારાનો બંગલો ખૂબ સુંદર અને વિશાળ હતો.અમને જુદા જુદા દસેક ખંડ રહેવા આપવામાં આવ્યા હતા.એક ખંડમાં ૪-૫ જણ. રોજ સવારે વહેલા ઉઠી તૈયાર થવા માટે લાઈન લાગતી!પણ ઝઘડા થતા નહોતા!નાહીધોઈ સરસ બ્રેકફાસ્ટ કરી ગાડીમાં સભાગ્રુહે પહોંચી જતાં.૨-૩ રાઉન્ડ કરી ગાડી અમને બધાંને લગભગ ૧૦ વાગ્યા સુધીમાં સભાગ્રુહે પહોંચાડી દેતી.ત્યારબાદ મેક અપ રૂમમાં મેક અપ માટે લાઈન લાગતી! ૪-૫ મેક અપ આર્ટીસ્ટની ટીમના બધા સભ્યો પણ અમારી જેમજ યુવાન એટલે ગપ્પા મારતા મારતા મેક અપ રૂમમાં જોક્સ વગેરેની આપલે કરતા તો ક્યારેક શાયરીની મહેફીલ જમાવી અમે ધમાલ કરતા!ખૂબ મજા પડતી.શો ચાલુ થાય ત્યારથી શો પતે ત્યાં સુધી મેક અપ આર્ટીસ્ટોએ ખડે પગે તૈયાર રહેવું પડતું કારણ અમારામાંના મોટા ભાગના કલાકારો અને ડાન્સર્સ બે ત્રણ થી લઈને સાત આઠ જુદીજુદી ભૂમિકાઓ ભજવતાં. દરેક ભુમિકાના વસ્ત્ર પરિધાન અને મેક અપ જુદા જુદા! એટલે શો ચાલુ થાય ત્યારથી એ પતે ત્યાં સુધી બેકસ્ટેજ્પ પર તો યુદ્ધ જેવી પરિસ્થિતી સર્જાતી. શુકદેવજીમાંથી આત્મદેવ બ્રાહ્મણ અને ત્યારબાદ બ્રહ્માજી બનવા માટે હું રીતસર દોડતો જોવા મળું!બ્રહ્માજીમાંથી દેવ બનતા કે પછી દશરથ રાજામાંથી વસુદેવ ત્યારબાદ ભૂદેવ અને છેવટે વળી પાછા શુકદેવજી બનતા બનતા ક્યારેક રાવણ બનતા વિશાલ સાથે તો ક્યારેક કલિ બનતા ચિરાગ સાથે ભટકાઉં પણ ખરો!અંધારામાં શુકદેવજીએ નિયત જગાએ જ બેસવાનું હોઈ પરિક્ષિત બનતાં અનિકેતનો હાથ પકડી ઝડપથી સ્ટેજ પર એન્ટ્રી લેવાની એમાં પણ ક્યારેક સામેથી અંધારામાં સામેથી એક્ઝીટ લઈ રહેલ કલાકાર સાથે કે સેટ બદલી ઝડપથી પાછા ફરતા સેટના માણસ સાથે ભટકાવાનું!પણ યોગ્ય જગાએ ગોઠવાઈ જવાનું એ ચોક્કસ અને કદાચ થોડા આઘાપાછા પણ બેઠા તો બિલ્કુલ મૂંઝાયા વગર ડાયલોગ્સ બરાબર રીતે અને નિયત સમયે જ શરૂ કરી દેવાના! કેટ્લાક પાત્રો તો એટલા જલદી બદલાતા કે તેમના માટે એકાદ મેક અપ આર્ટીસ્ટે સ્ટેજની વિંગમાં જ ઉભા રહેવું પડતું.આ બધું વાતાવરણ મને એટલું કોઠે પડી ગયેલું અને મને જ નહિં પણ અમારામાંના દરેક ને એની એટલી આદત પડી ગયેલી કે અમને મહાયજ્ઞ પૂરો થયા બાદ થોડા દિવસો સુધીતો બહારનું સામાન્ય જગત કોઈક નવી જ દુનિયા જેવું લાગેલું!
શો દરમ્યાન નાના બાળકો બેકસ્ટેજમાં તેમનો રોલ ન હોય ત્યારે સ્કૂલનું લેસન કરતાં પણ જોવા મળે અથવા રોલ ન હોય એ વેળાએ કલાકારો ટોળટપ્પા મારવામાં, ગોસિપ કરવામાં, ફોટા પડાવવામાં કે વચ્ચે આવતા ચા-કોફી-નાસ્તાની જયાફત ઉડાવતા જોવા મળે!તેમના નેક્સ્ટ રોલનાં વસ્ત્ર-પરિધાનમાં જ તો વળી!ઘણાં રોલ માટે અમે એકબીજાના કપડાં, ઘરેણાં કે પ્રોપર્ટીઝ પણ ઉછીના લેતા. બધાની કોસ્ચ્યુમ બેગ સાથેની સાત દિવસ દરમ્યાન મેક અપ હોલના અલગ અલગ ખૂણે જગા ફિક્સ્ડ!ત્યાં જ તેમના વસ્ત્રોનો ઢગલો પડ્યો હોય!

(ક્રમશ:)

1 ટિપ્પણી: