Translate

સોમવાર, 22 ફેબ્રુઆરી, 2010

એક વિશિષ્ટ એડ કેમ્પેઇન

મારી પાસે એક ટી-શર્ટ છે જેના પર લખ્યું છે - "Great Ideas feel right in the gut…"
હું આ વાક્ય સાથે સંપૂર્ણ સહમત થાઉં છું.કોઇ પણ બુદ્ધિશાળી કે અર્થસભર વિચાર મારા મનને સ્પર્શી જાય છે. જ્ઞાનવર્ધક કે હ્રદયસ્પર્શી એવી કોઇક વાત મને ઉત્તેજિત કરી મૂકે છે. ટી.વી. કે રેડિયો કે અખબારમાં આવતી કે પછી રસ્તા પરના કોઇ સાઈનબોર્ડ પરની કે પછી કોઇ પણ જગાએ કોઈ પણ સ્વરૂપે પ્રગટ થતી સારી એડ(જાહેરખબર) પણ એમાં અપવાદ નથી.હટકે એડ્સ હંમેશા હું ભરપૂર માણું છું.

આજકાલ રેલ્વે સ્ટેશનો પર કોઈ એક જ કંપનીની જાહેરખબરોના પાટિયા આખા સ્ટેશન પર જોવા મળે છે.થોડા મહિના અગાઉ આવી જ એક જીન્સ પેન્ટની બ્રાન્ડના ખૂબ સર્જનાત્મક અને વિચારપ્રેરક એડ ધરાવતા બોર્ડ્સ આખા વિલે પાર્લે અને બીજા ઘણા સ્ટેશનોએ મારી નજરે ચડ્યા.ત્રણ-ચાર અલગ અલગ વિચારવસ્તુ સહિતના એ પાટિયા જોવા મારે માટે ખૂબ રસપ્રદ બની રહ્યું.એમાં એવું કંઈક હતું જે તેને બીજી ચીલાચાલુ જાહેરાતોથી જુદા પાડતું હતું.

આ એડ કેમ્પેઇનની લાક્ષણિકતા એ હતી કે દરેક એડવાળા બોર્ડ પર મોટો એવો એક હિન્દી અક્ષર અને તેના થી શરૂ થતો એક શબ્દ તેની બાજુમાં લખેલો હતો જે એ એડનો મુખ્ય વિષયવસ્તુ કે કન્સેપ્ટ દર્શાવે. એક એડમાં લખ્યું હતું - " श - शुरुआत ". સાથે પાંચ-છ યુવાનોને ખુલ્લા એવા એક વિશાળ ખેતરની વાડ પરથી કૂદતા બતાવવામાં આવ્યા હતા.જાણે તેઓ દુન્યવી એવી દરેક ચિંતા,મુશકેલીઓને પાછળ છોડી અઝાદી ભણી દોટ ન મૂકી રહ્યા હોય એમ!ફિલ્મ 'રંગ દે બસંતી' નું પેલું પોસ્ટર યાદ છે?જેમાં એ ફિલ્મના બધા હીરો જ્યારે પોતપોતાના શર્ટ કાઢી આકાશમાં તેમના માથા પરથી થઈને ઉડીને જતા વિમાનને પકડવા દોડતા દોડતા ઉંચી છલાંગ લગાવે છે એ દ્રષ્ય દર્શાવ્યું હતું.બસ બફેલો જીન્સ પહેરેલા એ યુવકોવાળું એડ-બોર્ડ રંગ દે બસંતીના એ પોસ્ટરની જ યાદ અપાવતું હતું.આ એડમાં એવું કોઈક તત્વ હતું કે તરત હું તેની સાથે જોડાણ અનુભવી રહ્યો.


આ કેમ્પેઇનના બીજા એક એડ-બોર્ડ પર એક બંગાળી સ્ત્રી તેના કુટુંબ સાથે કેળના પત્તા પર ભોજનનો આનંદ લઈ રહી હતી અને તેમને ભોજન બફેલો જીન્સ પહેરેલા બે-ત્રણ યુવાન-યુવતિઓ પિરસી રહ્યા હતા.'અતિથી દેવો ભવ:' ઉક્તિની યાદ અપાવતા તથા ભારતીય સંસ્ક્રુતિનું દર્શન કરાવતા એ એડ-બોર્ડ પર લખેલા હિન્દી અક્ષર અને શબ્દ હતાં :
" स – सत्कार "
ત્રીજા એડ-બોર્ડ પર સુંદર એવી હિપ્પી જેવા લાગતા પાંચ-છ ગાતા-નાચતા યુવાનોની તસ્વીર હતી જેમના વાંકડિયા ઝૂલ્ફાઓ હવામાં ઉડતા હતા અને તેઓ કોઈ રોકબેન્ડના સભ્યો હોય એમ ગિટાર, મન્જીરા, કીબોર્ડ વગરે વગાડી રહ્યા હતા તેમજ તેમણે બફેલો જીન્સ તેમજ કુર્તા પહેરલા હતા.અને બીજી રસપ્રદ વાત એ હતી કે તેઓ શાહરૂખ-મલાઈકાના છૈયા છૈયા ગીતની જેમ એક બસના છાપરા પર સુફી સંગીત સર્જી-માણી રહ્યા હતા.તેમની આ તસ્વીરનું મથાળું હતું : " भ – भक्ति "

છેલ્લા હોર્ડિંગ પર પણ હ્રદયસ્પર્શી એવી વરસાદના પાણીમાં તરબોળ બફેલો જીન્સ પહેરેલા ત્રણ-ચાર યુવાનિયાઓની તસવીર હતી જે રસ્તે રઝળતા બાળકોને વરસતા પાણીમાં ફૂટબોલ શિખવી રહ્યાં હતાં.આ એડ પર અંકિત થયેલ હિન્દી અક્ષર અને શબ્દ હતાં: " प - पाठशाला ".

ભલે ઉપલક દ્રષ્ટિએ આ જાહેરાતો સામાન્ય જણાય પણ છતાંયે આ દરેક એડ માં ખાસ એવી કોઈક વિચારશીલ થીમ હતી, અર્થપૂર્ણ કન્સેપ્ટ હતો અને વિશેષમાં તો એ દરેકમાં એક ભારતીયતાની ઝલક હતી જેની સાથે આપણે બધા કનેક્ટ થઈ શકીશું.મને આથી જ આ આખું એડ કેમ્પેઇન ખૂબ સારું લાગ્યું. અભ્યાસ પણ જણાવે છે કે જાહેરાતો ગ્રાહકોના મન પર ઉંડી અસર કરી શક્તી હોય છે.બફેલો જીન્સની આ જાહેરાતોને ચોક્કસ મારી જેમજ ઘણાં એ પસંદ કરી હશે અને તેણે ઘણાંના મન પર અસર પણ કરી હશે.

1 ટિપ્પણી:

  1. hi !!!

    i regularly read yr column in janmabhoomi & like some of the articles , especially about a women who died in santacruz recently . ALSO LIKED YR VIEWS ON THE HOARDING ON RAILWAY STATIONS WZ CREATIVE USE OF ALPAHABETS & WORDS ......KEEP SENDING MORE SUCH INTERESTING READS

    THANKS & BYE

    BHAIRAVI

    જવાબ આપોકાઢી નાખો