Translate

Monday, February 15, 2010

જીવનનું એક મહામૂલુ સંભારણું...'ૐ શ્રીમદ ભાગવત અક્ષરદેહ રૂપે' મહાયજ્ઞ (ભાગ-૨)

આખા નાટકની ભજવણીના ત્રણેક કલાકના સમયગાળા દરમ્યાન સ્ટેજ પર,બેક સ્ટેજ બધે ધમાલ જ ધમાલ જોવા મળે! કલાકારોથી માંડી સેટવાળા,બેકસ્ટેજથી માંડી અમારા નિર્માતાઓ નીતબેન - છાયાબેન, ડાન્સર્સથી માંડી મેક અપ આર્ટીસ્ટ્સ અને સાઉન્ડથી માંડી લાઈટ્સવાળાઓ સુધી દરેકે દરેક વ્યક્તિ એક અનેરા ઉત્સાહ,ઉચાટ અને ત્વરાથી ભરેલા જોશનો અનુભવ કરતા.
અમારા આ નાટકનું પહેલું જ દ્રશ્ય એટલે પડદો ખુલતાની સાથે જ બેકગ્રાઉંડમાં કર્ણપ્રિય સુમધુર સંગીત સાથે વિષ્ણુ ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન.અદભૂત લાઈટ ઇફેક્ટ્સ ના કારણે આ દ્રશ્યથી જ પ્રેક્ષકો એક અનેરી ભક્તિસભર અનુભૂતિ કરતાં અને તાળીઓ પડે એટલે વિંગમાં છાયાબેન અને શુકદેવજીના ગેટ અપમાં ઉભેલા હું ખુશ થઈ પ્રેક્ષકો આખું નાટક આમ જ માણે એવી પ્રાર્થના મનોમન કરી લેતા!મારા માટે બીજી ખુશીની વાત એ બનતી કે નાટકનાં મધ્યાંતર બાદ પડદો ખુલે ત્યારે સ્ટેજ પર હું જ હોઉં (દશરથ રાજા તરીકે) અને નાટક પૂરું થાય અને પડદો પડે ત્યારે પણ સ્ટેજ પર શુકદેવજી બનેલો હું અને પરિક્ષિત બનતો અનિકેત હોઇએ!અને જેવો પડદો આખો પડી જાય એટલે દોડીને છાયાબેન સ્ટેજ પર મને અને અનિકેતને સ્નેહ્પૂર્વક ભેટે ત્યારે જે પરમ સંતોષ,ધન્યતા અને હર્ષની લાગણી અનુભવાતી એ અપ્રતિમ અને બેજોડ રહેતી.
રોજ પહેલા શો બાદ અમે બધાં સાથે મળી જમતાં. નીતાબેન અમારા સૌ કલાકારો સાથે એટલી આત્મિયતા ધરાવે કે અમે સૌ તેમને 'માતે' ના હૂલામણા નામે જ સંબોધતા.છાયાબેન કડકપણે સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખતા પણ એમનોય અમારા બધા પ્રત્યે સ્નેહ નીતાબેન કરતા જરાયે ઓછો નહોતો.એક્બીજાને કોળિયા ભરાવતા સહભોજનનો આનંદ માણી થોડો જ સમય વિતે એટલે બીજા શો નો સમય થઈ જાય.એ થોડા સમય ગાળામાં પણ કેટલાક કલાકારો સરસ ઉંઘ ખેંચી કાઢતા!ફરી મેક અપ માટે લાઈન લાગી જતી!
બીજો શો પતે લગભગ સાડાસાતની આસપાસ.ત્યારબાદ અમે ફ્રેશ થવા માટે ઓડિટોરિયમના પાછળના ભાગમાં થોડી ખુલ્લી હવાનો અનુભવ કરવા બહાર ઓટલા પર બેસી વાતચીત કરતા.અડધા કલાકમાં ફરી ત્રીજા શો માટે તૈયાર થવા લાઈન લગાડવા જવાનું.ત્રીજો શો રાત્રે હોય એટલે એમાં ઓડિયન્સ સૌથી વધુ હોય અને એટલે બે શો કર્યા બાદ થાક લાગ્યો હોવા છતાં એ વર્તાય નહિં અને કદાચ દિવસ દરમ્યાનના બે શો ના અનુભવને લીધે ગણો તો એ કારણથી અમારો છેલ્લો ત્રીજો શો સૌથી સરસ ભજવાતો.
ત્રણે શો પતે એટલે લગબગ બારેક વાગે બધુ સમેટી ઝટ્પટ મોઢાપર કોપરેલ તેલ ચોપડી મેક અપ કાઢ્યા બાદ બે ત્રણ ગાડીના વારાફરતી રાઉન્ડ્સ દ્વારા અમે પહોંચી જઈએ ઉતારાના બંગલે.રાતે કારમાં ભીંસાઈને બેસી જવુ પડતુ હોવા છતા ધમાલ કરતા કરતા જવાની મજાજ કંઈક ખાસ રહેતી!હું, કૃષ્ણ અને પરિક્ષિત બનતા અનિકેત, વિષ્ણુ,નંદ અને અર્જુન બનતા અંકિત અને નારદ બનતા પરેશ એમ અમારા ચારની ચંડાળ ચોકડી મસ્તી કરવા માટે ખૂબ ફેમસ! જોક્સ કહેતા, ગાતા, એકબીજાની ટીખળ કરતા કરતા બંગલે પહોંચી પછી શરૂ થતુ અમારું સમૂહ બૂફે ડિનર.બધા ગોળમાં ખુરશી ગોઠવી અલકમલકની વાતો અને દિવસ દરયાન થયેલા ખાસ અનુભવોની આપલે કરતાં.આ રીતે સાથે સ્વાદિષ્ટ ભોજન લેવાનો આનંદ અવર્ણનીય રહેતો!અમારી ચંડાળ ચોકડી, નીતાબેન-છાયાબેન તથા અમારા નાટકના સંગીતકાર જયેશભાઈ મોટે ભાગે સાથે બેસતા અને બીજા દિવસના શો માટે જરૂરી ફેરફારોની પણ ચર્ચા કરતા.સતત સાત દિવસ સુધી પરફોર્મ કરવાનું હોવાથી અમારા બધા કલાકારોના ગળા સાફ રહે એ માટે ખાસ ગરમાગરમ હળદરવાળા દૂધ અને મધની વ્યવસ્થા કરવામાં આવતી.દોઢ-બે વાગે અમે સૂવા માટે પોતપોતાના રૂમમાં જતા.પણ જઈને તરત સૂઈ થોડું જવાય?!રૂમમાં ગયા પછી તો અમારી ધમાલ મસ્તી શરૂ થતી.ક્યારેક પ્રેમ જેવા ગહન વિષય પર ચર્ચા તો ક્યારેક પાછલા રસપ્રદ અનુભવોની વાતચીત,ક્યારેક પાના રમવાના તો ક્યારેક એક્બીજાની ટાંગ ખેંચવાની.એક રાતે તો અમે ટ્રૂથ-ડેરની રમત રમી,ડાન્સ અને ફેશન શોની પણ મજા માણી અને પાંચ વાગે સૂતા!તો એક રાતે બંગલાની અગાશી પર જઈ ચંદ્ર,તારા,ગ્રહો તેમજ નક્ષત્ર દર્શન કરી ઠડી હવા માણવાનો પણ અનુભવ લીધો!
સવારે અચૂક વહેલા ઉઠી વારાફરતી નિત્યક્રમ પતાવી, સરસ બ્રેકફાસ્ટ ખાઈ સવાદસ-સાડાદસ સુધી ગાડી અમને બંગલેથી ઓડિટોરિયમ પહોંચાડી દે અને ફરી શરૂ થાય અમારો નવો દિવસ અને અત્યાર સુધી વર્ણવેલ ઘટનાક્રમનું પુનરાવર્તન! મહાયજ્ઞનાં આ સાત દિવસ સુધી અમારો બહારના વિશ્વ સાથે જાણે સંપર્ક જ કપાઈ ગયો હતો. ન અમે અખબાર વાંચવા પામતા કે ન ટી.વી. જોવા. પણ છતા એ અલગ અને નવા વિશ્વમાં અમે બધા સાથે અને ખૂબ ખુશ હતાં!
હિન્દીમાં પણ અમારે બે શો ભજવવાના હતા જેનું અમને ખૂબ ટેન્શન હતું કારણ એના વધુ રિહર્સલ્સ અમે કરી શક્યા નહોતા.પણ એ બે શો જ અમારા માટે અતિ યાદગાર બની રહ્યા.આ બન્ને શો શાળા અને કોલેજ દ્વારા પ્રાયોજિત હતા અને અમારા માટે ફક્ત બાળકો અને યુવાનોના સંપૂર્ણ ઓડિયન્સ સામે અમારું નાટક ભજવવાનો આ પહેલો અનુભવ હતો. હજી તો શો શરૂ પણ થાય એ પહેલા આખું ઓડિટોરિયમ શાળાના વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠયું.જેવી નાટકની શરૂઆત થઈ ત્યારથી લઈને દરેક દ્રશ્યમાં જો હો-હો કરીને અમને બિરદાવ્યા હોય તો તે આ બાળ-પ્રેક્ષકોએ!અમારો હિન્દીમાં ડાયલોગ્સ બોલવાનો જે એક ભય-સંકોચ હતો એ પૂરી રીતે દૂર થઈ ગયો.બે વાર તો અમારા સંગીતકાર અને સરસ મજાની સેન્સ ઓફ હ્યુમર ધરાવતા જયેશભાઈએ વચ્ચે ઉભા થઈ નાટક બંધ કરાવી દેવાને ધમકી આપવી પડી.ગંભીર દ્રશ્ય ભજવવામાં અમને તકલીફ પડી પણ આ અનુભવ અમારા બધા માટે ખૂબ સારો રહ્યો!અરે આ બે શો દરમ્યાન કેટલીક રમૂજી કમેન્ટ્સ ઓડિયન્સમાંથી આવતા અમે કલાકારો સ્ટેજ પર નાટક ભજવતા ભજવતા માંડ્માંડ હસવું રોકી શક્યા!જેમ કે સીતા સ્વયંવરના દ્રશ્યમાં રાવણ જ્યારે શિવધનુષ ઉપાડી શક્તો નથી ત્યારે કોઈક ટીખળી બાળક મોટેથી કહે 'જા બોર્નવીટા પીકે આ..!!!' કે પછી કૃષ્ણ-સુદામાના લાગણીસભર દ્રશ્યમાં સુદામા પૌઆ સંતાડે ત્યારે કૃષ્ણ પૂછે કે ક્યા છીપા રહે હો? તો ઓડિયન્સમાંથી કોઈક યુવાન કહે "વડાપાવ" તો વળી બીજો કહે "પારલે જી"!!!
એકવીસ શો દરમ્યાન અમારા દરેક જણ સાથે કોઈક અલગ પ્રકારની ઘટના બન્યાનો યાદગાર અનુભવ બન્યો જ હશે જેમ કે એક શો માં આત્મદેવની ભૂમિકા ભજવતી વેળાએ મારી મેક અપથી લગાડેલી મૂછ અડધી નિકળી ગઈ!તો એક હિન્દી શોમાં મને શુકદેવજીના ડાય્લોગ્સ યાદ જ ન આવ્યા એટલે કંઈક ભળતી જ લાઈન્સ હું બોલી આવ્યો (અહિં ઓડિયન્સતો નાટક પહેલી જ વાર જોતી હોવાથી તેમને આ વાતનો ખ્યાલ પણ ન આવે!) તો વળી બીજા એક શો દરમ્યાન કૈકૈઈના અને એક શો માં રાજા પરિક્ષિત તેમના ડાયલોગ્સ બોલે એ પહેલા જ મારા ડાયલોગ્સ એક સાથે બોલી જઈ મેં એ દ્રશ્ય જલ્દી જ પૂરા કરી નાંખ્યા! આમ આ બધી ધમાલ અને મસ્તી કરતા કરતા ક્યારે આખા સાત દિવસ અને અમારા ૨૧ શો પૂરા થઈ ગયા તેનો અમને ખ્યાલ જ ન આવ્યો!
છેલ્લા બે શો માં અમારા નાટકના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને મને આ નાટકમાં લઈ આવનાર હિતેનભાઈ ગાલા ના સૂચનથી નાટકના અંતિમ ગીત પૂરું થયે બધા કલાકારો તેમના છેલ્લા પાત્રના વેશમાં અમારા નિર્માતા,દિગ્દર્શક તેમજ સમગ્ર ટીમ સાથે સ્ટેજ પર ગોઠવાઈ ગયા ત્યારે જે માહોલ રચાયો અને અમારા બધા સહિત ઓડિયન્સને પણ પોઝીટીવ એનર્જીનો સાક્ષાત અનુભવ થયો હતો અને એ બધા કલાકારો સ્ટેજ પર જ સ્થિર ઉભા રહી મારા શુકદેવજીના તેમજ પરિક્ષિત બનતા અનિકેતના છેલ્લા સંવાદો સાંભળતા હોય અને પડદો પડે અને આશ્રયપદ બેકગ્રાઉન્ડમાં વાગતું હોય અને પડદો પડે ત્યારે મને અને અનિકેતને જે અલૌકિક અનુભૂતિ થતી એનું વર્ણન શબ્દોમાં નહિ થઈ શકે.
ભગીરથ કાર્ય સમા આ ભાગવત મહાયજ્ઞ પહેલા અનેક શંકાકુશંકાઓ સાથે કેટલાક લોકો એ જે ભય વ્યક્ત કર્યો હતો એ બધા ખોટા સાબિત થયા અને અમે સફળતાપૂર્વક આ સંપૂર્ણ કાર્યક્રમ ટીમવર્કના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની પાર પાડ્યો.અમને પણ ડર હતો કે સાત દિવસ દરમ્યાન કંઈક અઘટિત બન્યું તો? કે કોઈકની તબિયત ખરાબ થઈ ગઈ તો? પણ ખરું પૂછો તો દરેક શો પૂરો થયા બાદ અમારી શક્તિ વધતી ચાલી અને અમારું પર્ફોરમન્સ પણ વધુ સારું થતું ગયું.સારા કાર્યમાં ઇશ્વર પણ તમારી ચોક્કસ મદદ કરે જ છે.
ભાગવત મહાયજ્ઞનો આ અનોખો પ્રયોગ અમારા સૌના જીવનનું એક મહામૂલુ સંભારણું બની રહેશે.
(સંપૂર્ણ)

No comments:

Post a Comment