Translate

Monday, January 11, 2010

ખુશી ફેલાવો અને ઉત્સાહપૂર્વક જીવો...

આજે બ્લોગમાં મારે એવી એક વ્યક્તિ વિષે વાત કરવી છે જેના વિશિષ્ટ સ્વભાવે મને ઘણો પ્રભાવિત કર્યો છે અને જેની આ ખાસ લાક્ષણિકતાને લીધે તેમનું વ્યક્તિત્વ રસપ્રદ બની રહે છે. આપણે સૌ રોજબરોજની જિંદગીમાં ઓફિસમાં,ઘરે કે ટ્રેનમાં,બસમાં કે પછી ગમે ત્યાં દૈનિક ઘટમાળ દરમ્યાન અનેક લોકોનાં સંપર્કમાં આવીએ છીએ, પણ કેટલીક ખાસ વ્યક્તિઓને તેમની ખાસ વિશેષતાઓને લીધે ક્યારેય ભૂલી શકતા નથી.તેમને ફક્ત ધ્યાનપૂર્વક જોઇનેય આપણે ઘણું શીખી શકીએ છીએ.
આવી જ એક વ્યક્તિ છે અનિલ જવાહરાની. તેઓ મારી ઓફિસમાં જ ઓનલાઈન પરિક્ષા આયોજતા વિભાગમાં કામ કરે છે.તેઓ એટલા હસમુખા, મશ્કરા અને જીવંતતાનાં પ્રતિકસમા વ્યક્તિ છે કે કોઈ ક્યારેય તેમને મળીને બોર ન થઈ શકે!તે લગભગ પચાસેક વર્ષનાં હશે.પણ જુવાન કે વ્રુદ્ધ દરેક તેમની કંપની સરખી જ માણે એવું મિલનસાર છે એમનું વ્યક્તિત્વ.તેમની આસપાસ જાણે ખુશી અને હકારાત્મકતાનું એક વર્તુળ સદાયે રચાયેલું રહે છે! દુ:ખ,ઉદાસી અને નિરાશા તો આ માણસથી જોજનો દૂર હોય એવું લાગે!
તેમની નોકરીનાં ભાગરૂપે તેમણે અમારી N.S.E. ની N.C.F.M. ઓનલાઈન પરિક્ષામાં પરિક્ષક બનવાનો વારો આવે. હવે પરિક્ષા મોટાં ભાગનાં લોકો માટે ભયનું કારણ હોય છે.પણ જો N.C.F.M. ની પરિક્ષામાં સદનસીબે અનિલ તમારા પરિક્ષક તરીકે આવ્યાં તો તમે પરિક્ષાનો ભય શું છે એ ભૂલી જશો. અનિલ તેમની લાક્ષણિક રીતમાં પરિક્ષાર્થીઓનું ઉમળકા અને ઉષ્માભેર સ્વાગત કરશે અને પછી રમૂજી એવી પોતાની આગવી અદામાં તેમને ઓનલાઈન પરિક્ષા માટેનાં જરૂરી સૂચનો આપશે.પરિક્ષાર્થીઓનું બધું ટેન્શન અનિલને મળતાં જ છૂમંતર થઈ જાય! દરેક જરૂરી સૂચના પછી અનિલ એકાદ કોમેડી પંચ લાઈન બોલી બધાને હાસ્યમાં તરબોળ બનાવી દેશે અને પરિક્ષાખંડ જેવી ગંભીર જગા પણ હાસ્યમાં હિલોળા લેવા લાગશે! પરિક્ષા ચાલુ હોય ત્યારે પણ તે પોતાનાં ચાતુર્યભર્યા ટૂચકા દ્વારા વાતાવરણ સતત હળવું રાખશે.
ઘણી વાર પરિક્ષકની ફરજ પર ના હોય ત્યારે પણ તેમના જોબ-રૂટીનનાં ભાગ રૂપે અનિલે દેશભરમાંથી આવતા ઉમેદવારોનાં ફોન અટેન્ડ કરવાના હોય છે. કોઈ પણ દિવસ હોય અનિલ ફોન કરનારને 'હેપ્પી બર્થડે' અથવા 'હેપ્પી ન્યુ યર' કહી તેનો દિવસ સુધારી નાંખશે! પહેલા તો ફોન કરનાર, એક અજાણી વ્યક્તિ પાસેથી શુભકામના મેળવી આશ્ચર્ય અનુભવશે અને એ પણ વળી જ્યારે નથી તેનો જન્મદિવસ કે નથી નવાં વર્ષ નો દિવસ ત્યારે! પણ થોડી ક્ષણો બાદ તે ફોન કરનાર જ અનિલ સાથે વધુ વાત કરવા ઇચ્છશે! અને કેમ નહિં? કોને એક સતત રમૂજ કરતા જીવંત વ્યક્તિ સાથે વાત કરવી ન ગમે?
કેટલીક વાર મારે પણ કામથી અનિલની જગાએ જવાનું થાય એ દરેક વખતે તે મને કોઈ નવા જ નામથી સંબોધશે - ક્યારેક 'બડે ભૈયા' તો ક્યારેક 'ડોક્ટરસાહેબ' તો ક્યારેક 'હીરો' અથવા 'પ્યારે મોહન'!!! ક્યારેક તે રમૂજી હરકત કે ચેનચાળા પણ કરે! એ જોઇને તમને હસવું આવ્યા વિના ન રહે! હવે જ્યારે આખો દિવસ ઓફિસમાં સ્ટ્રેસભર્યું કામ કરવાનું હોય ત્યારે કોણ અનિલ જેવા મળવા જેવા માણસની સોબત પસંદ ન કરે? આપણે સૌ બોરિંગ, સદાયે ફરિયાદ જ કરતાં કે દુખી લોકોને ટાળતા નથી હોતા? દુનિયામાં કેટલી નકારાત્મક્તા પ્રવર્તમાન છે જ અને દરેકના જીવનમાં સમસ્યાઓની કોઇ કમી નથી તો પછી શા માટે તે નકારાત્મક બાબતો વિષે વાત પણ કરવી અને તેમાં રચ્યાપચ્યા રહેવું? ઊલટું દુનિયામાં અનિલ જેવા માણસોની સંખ્યા વધવી જોઇએ જેથી વધુ ખુશી અને સારી અને હકારાત્મક લાગણીઓ વધુ પ્રસરે...
અનિલના જીવનમાં પણ રોજબરોજની સમસ્યાઓ અને પળોજણ હશે જ.એ પણ આખરે એક માણસ છે.પણ તેને તમે ક્યારેય ખરાબ મૂડમાં જોઈ શકશો નહિં.તે હંમેશા ખુશમિજાજ અને રમૂજ કરતાં જ જોવા મળશે.હંમેશા ચહેરા પર સરસ મજાના સ્મિત સાથે!તમારે થોડો સમય હળવાફૂલ થઈ જવું છે?ચિંતામુક્ત બની જવું છે? તો અનિલને એક વાર મળો..!

અનિલજી, ઇશ્વરને અંત:કરણ પૂર્વક પ્રાર્થના કે તમને હંમેશા સાજાસારા અને આમ જ હસતા-હસાવતા રાખે...

3 comments:

 1. હા...હું તમારી સાથે સંપૂર્ણ સહમત થાઉં છું. મેં એક વાર ની N.C.F.M.ની પરિક્ષા આપી હતી N.S.E. માં અને તમારા વર્ણન પરથી હું ધારું છું કે અનિલ જ મારા પરિક્ષક તરીકે ત્યારે ફરજ પર હાજર હતાં. હું મારી જાતને એ બદલ સદનસીબ ગણું છું!

  - રુચિતા

  ReplyDelete
 2. ખૂબ સરસ બ્લોગ લખ્યો છે વિકાસ. અનિલ મારા જ ડીપાર્ટ્મેન્ટ્માં છે અને હું તારા બ્લોગ સાથે ચોક્કસ સહમત થાઉં છું.

  - સંગીતા હરિદાસ

  ReplyDelete
 3. વાહ વિકાસ. સરસ વિષય પર લખ્યું છે.

  - ડેનિલ શાહ

  ReplyDelete