દસેક વર્ષ પહેલાં એક ગુજરાતી નાટકનું GR (ગ્રાંડ રિહર્સલ - નાટકનાં પ્રથમ શો પહેલા વ્યવસ્થિત ડ્રેસ-મેક અપ વગેરે સાથે થતી તેની ભજવણી જે ખરું નાટક જ ભજવાતું હોય એ રીતે જ કરવામાં આવે છે) ચાલી રહ્યું હતું.મારા પિતા એ નાટકમાં એક ભુમિકા ભજવી રહ્યાં હતાં એટલે પહેલી વાર એ મને GR શું અને કેવું હોય તે જોવા લઈ ગયાં હતાં.હું ખાલી એવા મોટા ઓડિટોરિયમમાં અંધારામાં બેસી GR જોઈ-માણી રહ્યો હતોં.નાટકો અને રંગમંચ પ્રત્યે આમ પણ મને પહેલેથીજ એક તીવ્ર આકર્ષણ રહ્યું હતું.ભજવાઈ રહેલાં સીનના મૂડ પ્રમાણે કલાકારોનાં ચહેરાઓ તેમજ રંગમંચ પર ફેંકાતી લાલ, લીલા, ભૂરા એમ જુદા જુદા રંગની લાઈટ્સ મારા મનમાં એક અજબ જ પ્રકારની અકથ્ય લાગણી જન્માવી રહી.
લગભગ ખાલી જ કહી શકાય એવા ઓડિટોરિયમને ભરી દેતું મોટેથી વાગી રહેલું નાટકનું બેકગ્રાઉંડ મ્યુઝિક મારા પર જાદુઈ અસર કરી રહ્યું.હું અભિભૂત થઈ માણી રહ્યો નાટકનાં દરેક સીનને. નાટકનો એ પ્રવાહ મને કોઇક નવી જ દુનિયામાં તાણી ગયો. એ નવી દુનિયાની પ્રત્યેક ક્ષણ, ત્યાંની દરેક અનુભૂતિ મારું સમગ્ર ચિત્તતંત્ર એકાગ્ર થઈ માણી રહ્યું હતું.એ દિવસે ત્યાં ઓડિટોરિયમમાં એ ક્ષણો દરમ્યાન એક સ્વપ્ન જન્મયું. મેં જોયું એ સ્વપ્ન - ત્યાં - રંગમંચ પર અભિનય કરવાનું, એ જુદા જુદા રંગોભરી રોશનીને મારા ચહેરા પર ઝીલવાનું, ત્યાં રેલાઈ રહેલાં એ સુમધુર સંગીતની ધૂનો વચ્ચે અભિનય કે નૃત્ય કરવાનું. એક સ્વપ્ન મેં જોયું ત્યાં એ સમયે. એ પ્રસંગ પછી પણ ઘણી વાર હું ગુજરાતી નાટક જોવા ગયો હોઈશ - જે મારો એક શોખ છે. આ દરેક પ્રસંગે જ્યારે જ્યારે હું પપ્પા સાથે બેકસ્ટેજ જતો, કલાકારોનું અભિવાદન કરવા, ત્યારે દરેક વેળાએ પેલું સૂતેલું સ્વપ્ન ફરી જાગ્રુત થઈ જતું. પણ ક્ષણભર માટે જ.
પછી તો મેં મારો એન્જિનીયરિંગનો ડીગ્રી અભ્યાસ પૂરો કર્યો, દેશની એક શ્રેષ્ઠ કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે જોડાયો ને મારી એમ.બી.એ ની ડીગ્રી પણ મેળવી. આ બધા વર્ષો દરમ્યાન પેલું સ્વપ્ન સુષુપ્ત અવસ્થામાં, છતાં જીવિત રહ્યું. વચ્ચે વચ્ચે કેટલીક તક પણ આવી જ્યાં મને મારી અભિનય અને ન્રુત્ય કલા પર હાથ અજમાવવાનો મોકો મળ્યો - કોલેજના કે કંપનીનાં વાર્ષિક સમારંભ કાર્યક્રમમાં કે પછી એવાં જ બીજા કોઈ પ્રસંગે. પણ વર્ષ ૨૦૦૯ સુધી મને પ્રોફેશનલ સ્તરે કંઈ કરવાની તક મળી નહિં.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
થોડાં વર્ષ પહેલાં મેં 'થિયેટ્રીક્સ' નામની એક્ટિંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો હતો જેના દરેક સેશનમાં ખૂબ મજા કરી હતી ને ઘણું શિખ્યું. ચર્નિરોડ ખાતે બિરલા ક્રિડા કેન્ડ્રમાં થિયેટ્રીક્સનાં એક સેશન દરમ્યાન મને ગુજરાતી રંગભૂમિના જાણીતાં વરિષ્ઠ અભિનેતા ઉત્કર્ષ મજુમદાર મળ્યા. જ્યારે મેં તેમને મારી ઓળખાણ ઘનશ્યામ નાયકનાં પુત્ર તરીકે આપી ત્યારે તે ખુશ થઈ ગયાં. ત્યારે તેમણે મને કહેલા શબ્દો મારા માનસપટ પર અંકિત થઈ ગયાં. તેમણે કહેલું : મારે મારા પિતા અને દાદા-પરદાદાઓનાં અભિનયનાં વારસાને આગળ ધપાવવાનો છે. એ પરંપરા મારા પિતા પછી તૂટી ન જાય એ મારે જોવું એવા તેમનાં શબ્દો મારાં હ્રદયને સ્પર્શી ગયાં ને પેલું સુષુપ્ત સ્વપ્ન ફરી સફાળું બેઠું થઈ ગયું...
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
મારા દાદાના પિતા - કેશવલાલ કપાતર. મૂળ નામ શ્રી કેશવલાલ શિવરામ નાયક જેઓ શ્રી દેશી નાટક સમાજનાં અતિ લોકપ્રિય હાસ્યકલાકાર જેમણે 'અરુણોદય' નામનાં અતિ પ્રખ્યાત ગુજરાતી નાટકમાં કંપાઉંડરની ભુમિકા ભજવી અને તે એટલી બધી વિખ્યાત થઈ કે તે શબ્દનાં અપભ્રંશ શબ્દ 'કપાતર'નું તેમને બિરુદ જ મળી ગયું અને તેઓ કેશવલાલ નાયક નહિં પણ કેશવલાલ કપાતર તરીકે જ ઓળખાવા લાગ્યાં.
મારા દાદા - પ્રભાકર કિર્તી. (યાને રંગલાલ નાયક) મૂળ નામ શ્રી પ્રભાકર કેશવલાલ નાયક જેઓ ગુજરાતી રંગભૂમી, ફિલ્મો તથા ટી.વી. અને રેડીઓનાં સુપ્રસિદ્ધ કલાકાર હતા.'સરમુખત્યાર' નાટક્માં હીરોઈન કિર્તીદેવીનું પાત્ર તેમણે એટલી સુંદર રીતે ભજવ્યું કે તેઓ ત્યારબાદ પ્રભાકર કિર્તી તરીકે જ ઓળખાવાં લાગ્યાં.
મારા પિતા - ગુજરાતી 'ભવાઈ'નો 'રંગલો' મૂળ નામ શ્રી ઘનશ્યામ નાયક જેઓ ગુજરાતી રંગભૂમિ ,રેડીઓ તથા ફિલ્મો અને ટી.વી. નાં જાણીતા કલાકાર છે.આજે પણ તેઓ અનેક હિંદી ટી.વી. સિરીયલ્સ (તાજેતરની 'તારક મહેતાકા ઊલ્ટા ચશ્મા'ના નટુકાકા) તેમજ ફિલ્મોમાં અભિનય દ્વારા કાર્યરત છે અને મુંબઈમાં આજે પણ જેમણે ગુજરાતી લોકકલા 'ભવાઈ' ને પોતાના લોકલાડીલાં પાત્ર 'રંગલો' દ્વારા જીવંત રાખી છે.
...અને હવે તેમની ચોથી પેઢી એટલે હું - વિકાસ નાયક.
વ્યવસાયે એક સોફ્ટવેર એન્જીન્યિર હોવાં છતાં લોહીમાં રહેલાં અભિનયને હવે વાચા આપવાનાં પ્રયત્નરૂપે મેં પણ હવે અભિનયની દિશામાં પગરણ માંડ્યા છે - સંગીત તથા નૃત્ય મઢ્યા ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' દ્વારા.
ઓફિસના વાર્ષિક સમારંભ કાર્યક્રમની કોરીઓગ્રાફી કરનાર હિતેનભાઈ ગાલાએ મારામાં રહેલ કૌશલ્ય પારખી મને તેમની કોરીઓગ્રાફી ધરાવતા નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે'ના ઓડિશન માટે જવા કહ્યું અને આ નાટકના નિર્માતાઓ નીતાબેન રેશમિયા, છાયાબેન કોઠારી અને હરિભાઈ ઠક્કરે તેમજ દિગ્દર્શક મનિષભાઈ શેઠે મને તરત પસંદ કરી લીધો અને શરૂ થયો મારી અભિનય યાત્રાનો પ્રારંભ...
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
૧૪મી ફેબ્રુઆરી ૨૦૦૯ ના વેલેન્ટાઈન દિવસથી મેં રંગભૂમિ પ્રત્યેના મારા પ્રેમને વાચા આપી. આ દિવસે મારા પ્રથમ ગુજરાતી નાટકનો પ્રથમ શો ભજવાયો મુંબઈનાં બિરલા માતુશ્રી સભાગ્રુહ ખાતે અને આ સાથે મેં શરુ કરી મારી અભિનય યાત્રા, ત્રણ પેઢીના મારા કલાના વારસાને આગળ લઈ જવા. મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો - અભિનેતા તરીકેનો. મેં પણ મેકઅપ કર્યો હતો અને કુલ ૮ પાત્રોનાં કોસચ્યુમ્સ પણ પહેર્યા! હા, આ નાટકમાં હું જુદા જુદા ૮ પાત્રો ભજવું છું! આનાથી વધુ સારી શરુઆત હોઇ શકે ભલા, એક નવા ક્ષેત્રે પદાર્પણ કરવાની?
૮ પાત્રો ને એ પણ ભગવાન સાથે જોડાયેલા વિષયવસ્તુ પર! પ્રથમ શોમાં તખ્તા પર અભિનય કરી, સેંકડોની મેદનીનો સામનો કરતી વેળાએ મેં લાગણીઓનું ઘોડાપૂર અનુભવ્યું. થોડીઘણી નર્વસનેસ્, ઉત્સાહ, ધગશ અને એવું ઘણું બધું એક સાથે અનુભવાયું. ઇશ્વરની ક્રુપાથી મારો અભિનય ઠીકઠીક રહ્યો ને મોટા ભાગના પ્રેક્ષકો,મિત્રો અને સ્નેહીઓએ મને બિરદવ્યો. કોઈ પણ નાટકના પ્રથમ શોમાં થાય એવા નાનામોટા ગડબડ ગોટાળા સાથે મારો પ્રથમ શો ભજવાઈ ગયો અને પ્રેક્ષકો એ તે વખાણ્યો પણ ખરા.મને મારા દેખાવ-અભિનય વિશે પ્રતિભાવ મેળવવાની ઉત્કટ ઇચ્છા હતી!મને પોતાને એ બદલ સંતોષ હતો (કારણ તમે પોતે ક્યાંક કચાશ છોડો તો તમને પોતાને તો એની ખબર પડી જતી જ હોય છે અને મને એવી કોઈ લાગણી થઈ નહિં જ્યાં મે અનુભવ્યું હોય કે મારી કોઇ જગાએ ભૂલ થઈ હોય કે ક્યાંક હું મારી પૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન ન કરી શક્યો હોઉં.)ફક્ત એક યાદ રહી જાય એવો પ્રસંગ બન્યો.
એક સીનમાં મારે એક પાત્રની વેશભૂષા બદલી ઝડપથી દશરથ રાજાના પાત્ર તરીકે તૈયાર થઈ એન્ટ્રી લેવાની હતી,ને હું કોઇક કારણસર એન્ટ્રીની ઘડી આવી પહોંચવા છતા મેક-અપ રૂમમાં જ હતો. મારા ડિરેક્ટરે દોડીને 'વિકાસ ક્યાં છે?સા......તારી એન્ટ્રી છે...'ની જોરથી બૂમ પાડતા પાડતા મેક-અપ રૂમમાં આવવું પડ્યું! હું દોડ્યો ને મે એન્ટ્રી લઈ લીધી ડાયલોગ બોલતા બોલતા. ખૂબ મોડું થયું નહોતું ને ભગવત્ક્રુપાથી એ સીન પણ સારી રીતે ભજવાઈ ગયો! બીજો શો ૨૧મી ફેબ્રુઆરીએ તેજપાલ ઓડિટોરિયમ ખાતે ભજવાયો જ્યાંથી મારા પપ્પાએ તેમની અભિનયક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી.મને ગર્વની લાગણીનો અનુભવ થયો.મારા ઘરેથી બધાએ મારું નાટક જોયું ને તેના ભરપેટ વખાણ કરી મને મારા દાદા સાથે સરખાવ્યો, જે મારા માટે એક મોટું કોમ્પ્લીમેન્ટ હતું! મારા કલાકાર પિતાએ પણ મને કેટલોક કન્સ્ટ્રક્ટીવ ને અભિનેતા તરીકેનો ફીડબેક આપ્યો. બીજા પણ કેટલાક કલા ક્ષેત્રના મહારથીઓએ આપેલા ફીડબેકને પોઝિટીવલી લઈ હું દરેક શો સાથે વધુ ને વધુ સારો દેખાવ કરવાના પ્રયાસ કરું છું.
હવે હું તમને બધાને આમંત્રુ છું મારું આ નાટક જોવા અને મને મારા અભિનય-દેખાવ વિષે ફીડબેક આપવા. ૧ જાન્યુઆરી ૨૦૧૦ થી ૭ જાન્યુઆરી ૨૦૧૦ સુધી બોરિવલીના પ્રબોધનકાર ઠાકરે ઓડિટોરિયમમાં 'ભાગવત મહાયજ્ઞ' સ્વરૂપે મારા નાટકના ૨૧ શો ભજવવામાં આવશે.રોજ સવાર (૧૧ વાગે), બપોર (૪ વાગે) ને સાંજ (૯ વાગે)ના ૩ એમ કુલ ૭ દિવસમાં ૨૧ શો ભજવી અમે ગુજરાતી રંગભૂમિ પર ક્યારેય ન બની હોય એવી ઘટનાનું નિર્માણ કરવા જઈ રહ્યાં છીએ. તો મારા વાચકમિત્રો તમે પણ આ રેકોર્ડ સર્જનાર નાટક જોવા પધારી મને બિરદાવશો એવી આશા રાખું છું.
અમારી વેબસાઈટ : http://www.shrimadbhagawat.com
યુ ટ્યુબ પર મારો પ્રોમો : http://www.youtube.com/watch?v=xvEo3r5WEXU
રવિવાર, 27 ડિસેમ્બર, 2009
મારા જીવનનું એક નવું પ્રકરણ - અભિનેતા તરીકે...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
મિત્ર ,
જવાબ આપોકાઢી નાખોઆ બ્લોગ વાંચી હું તારા મિત્ર હોવા બદલ ગર્વ અનુભવું છું. બસ આમ જ વિકાસ કરતો રહે. ને જો કોઇ નાનકડો રોલ હોય જેવો કે ઝાડ, ટેબલ, ખુરશી કે એવું કંઈક, તો મને ચોક્કસ યાદ કરજે!
તારો શો જોવા હું ચોક્કસ આવીશ.
- ડેનિલ શાહ (મુંબઈ)
હાઈ વિકાસ, તું કેટલી બધી પ્રવ્રુત્તિઓ કરે છે: બ્લોગ લખવાં, પુસ્તક લખવા, અભિનય, રેડિયો પર ન્યુઝ વાંચવાં વગેરે વગેરે. તારામાં આટલો ઉત્સાહ જોઇને ખૂબ આનંદ થાય છે. એક દિવસ તુ મોટો માણસ થઈ જાય ત્યારે મને ભૂલી ન જતો!
જવાબ આપોકાઢી નાખો- જયેશ જોશી (સાઉદી અરેબિયા)
અદભૂત ને અતિ સુંદર...વારસા ને પરંપરાનું સર્જન! મારી શુભ કામનાઓ! હું મુંબઈ આવીશ ત્યારે ચોક્કસ તારું નાટક જોવા આવીશ.ત્યાં સુધી 'ઈમ્પ્રુવ' થતો રહેજે!
જવાબ આપોકાઢી નાખો- દેવેન્દ્ર પૂરબિયા (બેંગ્લોર)
હાઈ વિકાસ, હાર્દિક અભિનંદન! તુ જીવનને માણી રહ્યો છે એ જોઇને ખૂબ ખુશી થઈ.
જવાબ આપોકાઢી નાખોબસ આમ જ આગળ વધતો રહે એવી શુભેચ્છા!
- સમીર (અમેરિકા)
ખૂબ સરસ! જબરદસ્ત!! હાર્દિક શુભેચ્છા! તારા નવા પ્રયાણ માં તને ખૂબ સફળતા મળે એવી શુભકામના!
જવાબ આપોકાઢી નાખો- વિનાયક તેંડુલકર , પરિક્ષીત નાઈક (મુંબઈ)