મુંબઈ લોકલ ટ્રેનમાં રોજના નિયમ મુજબ ગર્દીમાં ભીંસાતા ઓફીસ જતી વેળાએ કાનમાં કોઈક ના મોટેથી બોલાયેલા શબ્દો અફળાયા. એ વ્યક્તિ એટલા જોરથી ઘાંટા પાડી કોઈકને ફોનમાં દબાડાવી રહી હતી કે મારું જ નહીં પણ આજુબાજુ એકમેકને ચીપકીને ઉભેલા સૌ કોઈનું ધ્યાન એ વ્યક્તિ તરફ ગયું. પણ એને તો જાણે કોઈની પડી જ નહોતી! એને મન કદાચ દુનિયામાં બે જ વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવતી હતી - એ પોતે અને જેને તે દબાડાવી રહ્યો હતો એ સામી વ્યક્તિ. આમ તો મોટેથી ઘાંટા પાડી જાહેર જગાએ બોલવું જ અસભ્યતાની નિશાની સમું હતું પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે ગંદી ગાળો બોલવું શરૂ કર્યું. વ્યક્તિ આવું સ્વાર્થી વર્તન કરે, બેફામ જે રીતે વર્તવું હોય તેમ જાહેરમાં આસપાસના કોઈની પરવા કર્યા વગર વર્તે એ કેટલી હદે ચલાવી લેવું જોઈએ? આવી વ્યક્તિ વિરુદ્ધ આવા વર્તન માટે કોઈ કાયદો ન હોવો જોઈએ?
મોબાઇલ હાથવગો બન્યા બાદ આ દૂષણ ભારે વધી ગયું છે. ક્યારેક કોઈ જરૂર ન હોય એ વખતે પણ આસપાસના લોકોની પરવા કર્યા વગર કેટલાક લોકો મોટેથી ઘાંટા પાડી ટોળટપ્પા મારશે તો ક્યારેક પરિવારના કોઈ સભ્ય કે સહકર્મચારી સાથે ગુસ્સામાં વાત કરશે. હાથ નીચે કામ કરતી વ્યક્તિથી ઓફિસમાં કોઈક ભૂલ થઈ ગઈ અને તેનો બૉસ ટ્રેનમાં ટ્રાવેલ કરતો કરતો તેની સામે મોબાઇલ પર આવી ગયો તો વગર કોઈ લેવાદેવા આસપાસના સૌને એ ભૂલ કરેલી વ્યક્તિ સાથે, ન સાંભળવાનું સાંભળવું પડશે.
ઉપરોક્ત વર્ણવેલ પ્રસંગ બન્યો અને આવા બીજા બે - ચાર ભૂતકાળમાં નજર સામે બનેલા બનાવો યાદ આવી ગયાં. એક વાર કોઈક આધેડ વયની વ્યક્તિ સ્ટેશન બહાર આંટા મારતાં મારતાં હાંફળીફાંફળી થઈ એટલા જોરથી બૂમો પાડી સામે છેડેની વ્યક્તિને દબાડાવી રહી હતી કે જાણે હમણાં એ આધેડ વ્યક્તિને હાર્ટ એટેક આવી જશે કાં તેનું મગજ ફાટી જશે! એટલી સામાન્ય સમજ આવે વખતે એ વ્યક્તિને કેમ નહીં પડતી હોય કે એ ગમે એટલે મોટેથી બોલશે તો પણ સમસ્યાનો તત્કાળ ઉકેલ આવવાનો નથી તો શા માટે નાહકની રાડો પાડી પોતાનું બ્લડ પ્રેશર વધારવું અને આસપાસની જનતાને તમાશો દેખાડવાનો?
અન્ય એક પ્રસંગે એક ભાઈ પોતાના ધંધાની વાતો મોટે મોટેથી અન્ય કોઈક સાથે કરી રહ્યા હતા. ત્યારે તો જો કે ગાડી સાવ ખાલી હતી અને ફર્સ્ટ ક્લાસ ના એ ડબ્બામાં મારા અને એ ઘાંટા પાડી રહેલી વ્યક્તિ સહિત ગણી ગાંઠી વ્યક્તિઓ જ આ ટોર્ચર સહન કરવા હાજર હતી પણ મને ખાતરી છે કે જો કદાચ ડબ્બો હકડે ઠઠ ભરેલો હોત તો યે આ ભાઈ સાહેબ ને કોઈ ફરક પડ્યો ન હોત, એ આટલા જ ઘાંટા પાડી વાત કરી રહ્યા હોત! મને કે આસપાસના કોઈને જ્યારે તેમની વાત સાથે કોઈ લેવાદેવા ન હોય અને ગાડીમાં ગરદી કે કોલાહલ પણ ન હોય તેવે સમયે મોટેમોટેથી બોલી અન્યોને પરેશાન કરવાની જરૂર ખરી? શું ધંધાની વાત ગાડીમાંથી ઉતર્યા બાદ ખાનગીમાં ન થઈ શકે?
મારી ઓફિસ વાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં છે જ્યાં ડાયમંડ બોર્સ એટલે કે હીરા બજારની ઘણી બધી ઓફિસો પણ આવેલી છે અને મને ઘણી વાર ત્યાં કામે જતાં ગુજરાતી ભાઈઓ ભટકાઈ જાય કારણ અમારો જવાનો માર્ગ એક જ હોય છે. તેઓ પણ ઘણી વાર સાવ બાજુમાં ચાલી રહેલી કે ટ્રેનમાં હોય ત્યારે અડીને ઉભેલી વ્યક્તિ સાથે એટલા મોટા અવાજે વાત કરે કે પાંચ ફૂટ દૂર ઉભેલી વ્યક્તિ પણ એ સાંભળી શકે. આ પણ આસપાસના લોકોને અતિ ખલેલ પહોંચાડનારું અસભ્ય વર્તન છે. તેઓ એ સમજી શકશે?
ટ્રેનમાં ચોક્કસ સમયે એક ચોક્કસ લોકલ પકડનાર ગ્રુપમાં પ્રવાસ કરનારાઓ પણ મોટે ભાગે બેફામ વર્તન કરતાં હોય છે. દોડીને જગા ઝાપટી લેવી, તેમના મિત્રો માટે જગા રોકી રાખવી, ગાળો બોલવી, અશ્લીલ વાતો કરવી (મોટેથી - જાણે આસપાસના લોકોનું મફતમાં મનોરંજન થઈ રહ્યું છે એમ ધારી એમ કરવાનો તેમણે ઠેકો લીધો હોય એ રીતે !) આ બધું નાટક તમને રોજ સહન કરવું પડે જો તમે પણ મજબૂરીના માર્યા એ જ લોકલમાં મુસાફરી કરી રહ્યાં હોવ તો.
વિદેશી લોકો પાસે થી સભ્યતાના પાઠ આ બાબતે આપણે ભણવા જ જોઈએ. ત્યાં તમને આ રીતે ખલેલ પાડી અન્યોને પરેશાની થાય એવું વર્તન કોઈ કરતું જોવા મળશે નહીં.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે આચાર સંહિતા અને શિષ્ટતા રાખવી જરુરી છે. પરદેશમા જાહેર સ્થળોની મુલાકાત લો ત્યારે સૌથી વધુ અવાજ આપણાં ભારતીય ભાઈઓ - બહેનોનો આવશે.એક રમૂજ પમાડે તેવી વાત હમણાં વાંચી. નાયગ્રા ધોધની મુલાકાતે ગયેલા એક ટુર મેનેજરે પોતાના ગ્રુપની બહેનોને કહ્યું કે બહેનો તમારે ધોધનો અવાજ સાંભળવો હોય તો થોડીવાર માટે તમારો અવાજ બંધ કરો. આ કદાચ અતિશયોક્તિ લાગે પણ એક વાત જરૂર સખેદ સ્વીકારવી પડે કે આપણે પશ્ચિમી દેશોની સારી બાબતોનું અનુકરણ કરવામાં ઉણા ઉતર્યા છીએ.
જવાબ આપોકાઢી નાખોસહપ્રવાસીઓનો આવો ત્રાસ માત્ર લોકલ ટ્રેનો પૂરતો સિમીત નથી, લાંબા અંતરની ટ્રેનોમાં પણ ખાસ કરીને ગુજરાત,રાજસ્થાન કે દિલ્હી જતી વખતે સહપ્રવાસીઓનાં અશિસ્ત અને બદવર્તનને કારણે અન્ય પ્રવાસીઓને ઘણું સહન કરવું પડે છે. કોંકણ રેલવેની દક્ષિણ તરફ જતી ટ્રેનોમાં આ બાબતે અનુભવ વધુ સારો રહે છે.
જવાબ આપોકાઢી નાખોલાંબા અંતરની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારને અલગ અલગ અનુભવ થતા હોય છે. કેટલાક માથાભારે પ્રવાસીઓ સીટ મેળવવા આગળનાં સ્ટેશન પર ચઢીને પોતાનો અડ્ડો જમાવી બેસે છે, કેટલાક યુવાનોને સીટ મળતા તેઓ પોતાના મોબાઇલની દુનિયામાં ખોવાઇ જાય છે. તમાકુ અને માવા ખાવાની ટેવવાળા બારી પાસે પોતાની સીટ લઇને વારંવાર બારીમાંથી આજુબાજુની પરવા કર્યા વગર થુંકતા હોય છે તો કોઇ પ્રવાસીઓ પોતાના ગુપમાં આવીને સમય પસાર કરવા માટે લાંબા અને મોટા અવાજથી વાતચીત કરીને બીજાઓને તકલીફ આપતા હોય છે. કોઇ પોતાના ઘંઘાની વાતચીત બીજાની સાથે શાંતથી કે શિષ્ટતા સાથે ન કરતા મોટેથી લાંબા સમય સુઘી કરતા હોય છે. ખરેખર લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પોતાની રીતે આચાર સંહિતા બતાવવાની જરુર છે. પ્રવાસ કરતી વખતે વુદદજનોને બેસવા માટે સુવિઘા આપવી, દરવાજા પાસે ઉભા ન રહેવું જોઇએ અને બીજાઓને બને એટલી ઓછી તકલીફ આપવી જોઇએ.
જવાબ આપોકાઢી નાખો