રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011
સમાજ માટે લાલબત્તી
આ બ્લોગ લખતી વેળાએ હું સ્તબ્ધ છું, શોકમાં ગરકાવ છું.મારા પાડોશમાં થોડે જ દૂર રહેતાં સોળ વર્ષના એક ઉગતા યુવાને એક રીઢા ગુનેગારની જેમ આયોજન કરી પોતાની દાદીનું કાસળ કાઢી નાંખ્યાની ચોંકાવનારી કમનસીબ ઘટના બની છે.જે અખબારોમાં વાંચી હું અતિ અસ્વસ્થ બની ગયો છું. સિનિયર સિટીઝન્સની હત્યાની પાછલા એક જ મહિનામાં બનેલી આ છઠ્ઠી ઘટના છે.આ એક આઘાતજનક સત્ય છે.આપણે ક્યાં જઈ રહ્યા છીએ?સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે.આ બધી ઘટનાઓમાં ગુનેગાર કે હત્યાનો ભોગ બનનાર સમાજના નીચલા વર્ગમાં ગણાતા હિસ્સાનો જ ભાગ નથી.ઉપર જે સોળ વર્ષના યુવાનની વાત કરી તે અતિ શ્રીમંત પરિવારનો વંઠેલ કે પછી ખોટા લાડ થકી છકી ગયેલ યુવાન છે.આપણે ખૂબ ચેતી જવાની જરૂર છે.આ યુવાનને મહિને બે થી ત્રણ હજાર રૂપિયા પોકેટમની અપાતા હતાં.આજકાલના દરેક જુવાનિયાને મા બાપ મોબાઈલ અપાવે છે.મોંઘીદાટ ભેટો આપે છે.મોહમ્મદ અઝરુદ્દિને પોતાના ઓગણીસ વર્ષના સૌથી યુવાન પુત્રને લાખ રૂપિયાથીયે વધુ કિંમતની સ્પોર્ટ્સ બાઈક બર્થડે ભેટ તરીકે આપી જેના પર બેસીને જ એ ઓગણીસ વર્ષના આશાસ્પદ યુવાને જીવ ખોયો.ફક્ત પોતાના એકલાના જ નહિં,પણ તે પોતાના કિશોર વયના પિત્રાઈ ભાઈના અપમૃત્યુનું પણ તે નિમિત્ત બન્યો.
બાળકના ઘડતરમાં માતાપિતાના વર્તનનો પડઘો પડતો હોય છે. નાનપણથી તેનામાં સારા સંસ્કારનું સિંચન થાય એ માટે માતાપિતા એ પોતે સારું વર્તન કરવાની અને પોતાના સંતાનોને સૌથી મૂલ્યવાન સમય આપવાની જરૂર છે.તેને પૈસા આપી દઈ,મોંઘીદાટ ભેટો આપી કે આડા રવાડે ચડેલા મિત્રોના કે બહારના વર્ગો,ટ્યુશનના ભરોસે છોડી દેવાનું પરિણામ ગંભીર જ આવે.તમારા સંતાનની દરેક પ્રવૃત્તિમાં રસ લઈ તે ક્યાં જાય છે,કોની સાથે રહે છે,ફરે છે,ભણે છે આ બધું આજના યુગમાં એક જવાબદાર માતાપિતા માટે અતિ આવશ્યક નહિં પણ અનિવાર્ય બની ગયું છે.આજે મિડીયાનો પ્રભાવ વધ્યો છે,ઇન્ટરનેટના આ જમાનામાં તમારું બાળક ખોટા રવાડે ખૂબ જલ્દી ચડી જઈ શકે છે.ક્રાઈમ પેટ્રોલ, સી.આઈ.ડી. જેવી ટી.વી. સિર્રિયલો પણ ગુનાનું આબેહૂબ ચિત્રણ કરી લોકોને ખોટા માર્ર્ગે જતા રોકવાને બદલે ગુનો કરવાની પ્રેરણા આપનાર સમાન વધુ બની રહે છે.
સોળ-સત્તર વર્ષના યુવાન સવા દોઢ લાખ રૂપિયાના બાઈક માટે થઈ ઘરે કોઈ ન હોય એ સમયે લૂંટ ચલાવવાનો પ્લાન ઘડી કાઢ્યો,આંગળીઓના નિશાન ન પડે એ માટે ગ્લોવ્સ અને ગળું દબાવી હત્યા કરવા નાયલોનની રસ્સી ખરીદ્યા. આટલું શેતાની દિમાગ આ પ્રકારના આયોજનની તાલીમ તો મેળવતું નથી તો તેને આટલી ચોકસાઈથી ગુનો કરવાની પ્રેરણા કઈ રીતે મળે?મિડીયાનાં ખોટા પ્રસાર અને પ્રચાર દ્વારા જ. અખબારો,ટી.વી. ચેનલો એ ગુનાની સિલસિલા બદ્ધ હકીકતો રજૂ કરવાને બદલે, ગુનાના દુષ્પરિણામો કે તે કર્યા બાદ ગુનેગારને થતા પારાવાર પસ્તાવા કે તેને મળતી આકરી સજાનું લંાબાણ અને વિસ્તારથી પ્રસારણ કે પ્રચાર કરવા જોઇએ.રામ ગોપાલ વર્મા જેવા તો નીરજ ગ્રોવર હત્યા કાંડ જેવા વિષય પર આખી ફિલ્મ બનાવતા પણ અચકાતા નથી.એમાંથી ગેરમાર્ગે દોરાયા વગર શું શિખવાની અપેક્ષા રાખી શકાય?
જે બે યુવાનોએ મળી તેમાંના એકની સગી દાદીની હત્યા કરી તેને સરકારે બાળ સુધાર ગ્રુહમાં મોકલી દીધાં.આ યુવાનો ક્રિમીનલ્સને પણ આંબી જાય એમાંના હોવા છતાં તેમને હળવી સજા થશે કાં તો એ પણ નહિં થાય કારણ તેઓ બાળકો છે.શું આ યોગ્ય છે? જન્મ આપનાર જનેતાની નિઘૃણ હત્યા કરનાર પોતાના સંતાનને સૌ પ્રથમતો તેના પિતાએ સર્વ પ્રસાર માધ્યમોની હાજરીમાં કે જાહેર જનતા વચ્ચે પોતાની સંપત્તિ માંથી બેદખલ કરી તેને નાહી નાખવો જોઇએ અને સરકારે પણ કાનૂને બનાવેલા નિયમોનો અંધપણે અવિચારી પ્રયોગ કરવાને બદલે સમાજમાં દાખલો બેસે એ માટે આવા કેસમાં એ બંને યુવાનોને દેહાંત દંડની અથવાતો આજીવન કારાવાસની સજા ફરમાવવી જોઇએ.
ત્રણ વર્ષની ગણપતિ જોવા ગયેલી બાળકી પર બળાત્કાર બાદ તેની પત્થરથી માથુ છૂંદી નાંખી કરેલી હત્યા,પોતાનાથી મોટી યુવાન બહેનનું અફેર ચાલતુ હોવાની ખબર પડતા યુવાની તેને ઢોર માર માર્યો અને યુવતિનું મૃત્યુ થયું, રૂપિયાની લાલચથી પ્રેરાઈ મિત્રનું અપહરણ કર્યું,દેવુ વધી જતા સંતાનોની તેમજ પત્નીની હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા આવા તો સમાચારોની વણઝાર ચાલુ જ રહેશે જો આપણે થોડા જવાબદાર નાગરિક નહિં બની જઈએ તો...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
આજ કાલ સવારમાં જયારે પેપર હાથમાં લઇ ત્યારે આવા જ સમાચાર જોવા મળે છે કે લાશ વાડી માંથી મળી, ભત્રીજા એ જ ખૂન કરી નાખ્યું, પૈસા માટે મિત્ર દ્વારા મિત્રનું ખૂન કરવામાં આવ્યું વગેરે, .. પણ આ લોકોને સજા શું મળે છે? આ ક્રોધ માટે જવાબદાર કોણ? નાના બાળકોમાં પણ વાતવાતમાં આ લક્ષણ જોવા મળે છે. માત્ર વાહન ટચ થઇ જતા પણ મારામારી પર આવી જાય છે અને છરી-ચપ્પા પર આવી જાય છે. અને આ રીતે કોઈ એકના જીવનનો અંત આવે છે. તે લોકોને ખ્યાલ નથી કે ઘરના સભ્યો પર તેની શું અસર થશે.
જવાબ આપોકાઢી નાખો