ગઈ કાલે ૨૬મી નવેમ્બર હતી.આ તારીખ મુંબઈના ઇતિહાસમાં લખાઈ ગઈ છે.૨૦૦૮ની એ ગોઝારી રાતના આતંકવાદી હૂમલાની દુર્ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે.આ આતંકવાદી હૂમલામાં સંડોવાયેલો જીવંત પકડાઈ ગયેલો એક માત્ર આતંકવાદી અજમલ કસાબ હજી ભારતની જેલમાં કેદ ભોગવી રહ્યો છે. એ પાકિસ્તાનનો નાગરિક હોવા છતાં પાકિસ્તાન સુદ્ધાએ તેને ફાંસીએ ચડાવી દેવાનું સૂચન કર્યા બાદ પણ ભારત સરકાર ભગવાન જાણે કોની રાહ જોઈ રહ્યું છે?અરે અજમલ કસાબને તો હજી ત્રણ વર્ષ થયા છે ભારતની જેલમાં પણ સંસદ પર હૂમલો કરનાર અફઝલ ગુરૂનેતો જેલમાં દસકો વીતી જવા છતાં હજી સુધી દેહાંતદંડની સજા થયા બાદ પણ હજી સુધી ફાંસીને માંચડે ચડાવાયો નથી.
આ એક હાસ્યાસ્પદ છતાં દુ:ખદ બાબત છે કે ભારતમાં ન્યાય પ્રક્રિયા ગોકળગાય કરતાં પણ ધીમી ગતિએ ચાલે છે.સાત વર્ષ પહેલાં થયેલું ઇસરત ઝા એન્કાઉન્ટર નકલી હતું એ જાહેર કરતાં ઉચ્ચ ન્યાયાલયને સાત વર્ષ જેટલો લાંબો સમય લાગે છે. ગોધરાકાંડ જેવા હત્યાકાંડનો ફેંસલો સુણાવતા પણ ન્યાયાલયને નવ-નવ વર્ષ જેટલો સમય લાગે છે.લગભગ વીસેક વર્ષ અર્થાત બે દાયકા જેટલો સમય વીતી જવા છતાં મુંબઈના કોમી રમખાણોનો ચુકાદો હજી સુધી સંપૂર્ણ થઈ શક્યો નથી. તો ત્રણેક દાયકા પહેલા ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટનાનો ચુકાદો પણ સાવ અન્યાયી લાગે એ રીતે આટલાં વર્ષો બાદ થોડાં સમય અગાઉ સુણાવાયો હતો.
હમણાં થોડા સમય અગાઉ એક સમાચાર વાંચવામાં આવ્યા. 'જેસિકા લાલ' નામની મહિલાની દિલ્હીના એક ડિસ્કોક્લબમાં સેંકડો લોકોની હાજરીમાં માત્ર એક ડ્રિન્ક સર્વ કરવાની ના પાડવા બદલ બંદૂકની ગોળી મારી હત્યા કરી નાંખનાર અતિ વગ ધરાવનાર પરિવારના નબીરો મનુ શર્મા (આ અતિ ચર્ચાસ્પદ કિસ્સા પર 'નો વન કિલ્ડ જેસિકા' નામની વિદ્યા બાલન અને રાણી મુખર્જી અભિનીત એક ફિલ્મ પણ પ્રદર્શિત થઈ ચૂકી છે) હાલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો છે. આ સડેલા મગજ ધરાવતા ગુનાખોરને સરકારે તેના ભાઈના લગ્નમાં હાજરી આપી શકે એ માટે પેરોલ પર કેટલાક દિવસની છૂટ આપી છે, જે મુજબ તેને થોડા દિવસ જેલમાંથી મુક્તિ મળશે અને તેના ઘેર જવા મળશે જેથી તે પોતાના ભાઈના લગ્ન-જલસામાં ભાગ લઈ મોજ મજા કરી શકે. જો કે એક વાતનું સરકારે ધ્યાન રાખ્યું છે તેની નોંધ લેવી જોઇએ! આ પહેલા પણ એક વાર આ મનુ શર્માને પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે ફરી એક ડિસ્કોબારમાં જઈ ધમાલ કરી હતી અને પોલિસે વચ્ચે પડવાની ફરજ પડી હતી. આથી આ વખતે પેરોલ ગાળા દરમ્યાન તેને કોઈ પણ ડાન્સબારમાં જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે! અરે ભાઈ એ ગુનેગાર છે, એને પૂરેપૂરા જલસા થોડા કરવા દેવાય?
બીજો એક ચોંકાવનારો કિસ્સો સાંભળો. જેસિકા લાલ મર્ડર કેસમાં મનુ શર્માના સાગરિત એવા વિકાસ યાદવ (બીજો એક રાજકીય વગ ધરાવનાર છકેલ નબીરો) (મને તેની સાથે સરખું જ નામ ધરાવવા બદલ પસ્તાવો થાય છે!) ને પણ આ અગાઉ એક વાર પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને ત્યારે તેણે એક જણની હત્યા કરી નાંખી હતી.
અહિં એક પ્રશ્ન થાય.આવા ખૂંખાર સમાજ માટે ખતરા રૂપ ગુનેગારોને પેરોલ પર ગમે તે કારણ હોય, રજા આપવાની કોઈ જરૂર ખરી? તેઓ કોઈ ગુના માટે જ સજા કાપી રહ્યા હોય ત્યારે તેમના પર દયા ખાઈ તેમને ગમે તે કારણ સર જેલમાંથી મુક્તિ મળવી જ શા માટે જોઇએ? મહારાષ્ટ્રમાં આ રીતે પેરોલ પર છૂટી ભાગી જનારા કે ગુમ થઈ જનારા કેદીઓનો આંકડો ચોંકાવનારી હદે વધી ગયો છે એવા એક સમાચાર પણ વાંચ્યા. શા માટે ન્યાય પ્રક્રિયામાં લોકો ગેરલાભ લઈ શકે એવી જોગવાઈઓ રાખવી જ જોઇએ?
જામીનની વ્યવસ્થાનો પણ સૌથી વધુ ગેરલાભ ઉઠાવાય છે.પૈસા ભરો અને ગુનો કરી છટકી જાઓ. દેશમાં લાખો બેકાર યુવાનો નોકરી માટે ટળવળે છે ત્યારે તેમાંના મોટા ભાગનાને જો યોગ્ય ટ્રેઇનિંગ આપી ન્યાયવ્યવસ્થાનું જ્ઞાન અપાય અને તેમની મદદથી વર્ષો સુધી ચાલતા કેસોનો ઝડપી ફેંસલો લવાય તો દેશની એક મોટી સમસ્યા એવી બેરોજગારીનો ઉકેલ તો આવે અને સાથે સાથે ન્યાય વ્યવસ્થા અને ન્યાય તંત્રમાં પણ ખૂબ સારો સુધારો જોવા મળે!સરકારે પેરોલ, જામીન જેવી અન્યાયી છૂટછાટ બંધ કરી,કસાબ-અફઝલ ગુરુ જેવાને જલ્દી ફાંસીને માંચડે ચડાવી,મોટા ભાગના બેરોજગાર યુવકો માટે ન્યાયતંત્ર ક્ષેત્રે નોકરીની વિપુલ તઓ ઉભી કરવી જોઇએ.
રવિવાર, 27 નવેમ્બર, 2011
ન્યાયતંત્રમાં સુધારો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
પ્રિય વિકાસભાઈ,
જવાબ આપોકાઢી નાખોશત શત અભિનંદન 'બ્લોગને ઝરૂખેથી...'ની 'સેન્ચુરી' પૂરી કરવા બદલ!તમારા બ્લોગ્સ હર હંમેશ વાંચું છું.તા.૨૭-૧૧-૧૧ નો બ્લોગ 'ન્યાયતંત્રમાં સુધારો' અક્ષરશ: સત્ય છે.તે વાચકો સમક્ષ દ્રષ્ટાંતસહિત રજૂ કરવા બદલ ધન્યવાદ.
કાયદાનો અમલ સત્વરે થતો નથી.કેટલાંક કેસોમાં નિર્ણય આપવા છતાં એનું અમલીકરણ પાછું ઠેલાય છે.વર્ષોના વર્ષો કેટલાંક કેસો વણ ઉકેલ્યા જ રહે છે.એ શું દર્શાવે છે?ડર,કાયરતા કે ભ્રષ્ટાચાર?આને શું ન્યાય કહેવાય?
ભારતમાં ન્યાયતંત્ર શિથિલ અને રીઢું છે.તેને સક્ષમ અને પારદર્શક બનાવવા પ્રજાએ જ કંઈક કરવું રહ્યું.વિદેશોમાં ન્યાયતંત્ર અતિ સબળ અને સ્વતંત્ર છે.દરેક કેસો,રોજરોજ તેમની છણાવટ કરી તેમનો નિકાલ, ત્વરીત ચુકાદો આપવામાં આવે છે.જ્યારે ભારતનું ન્યાયતંત્ર ખોટકાયેલું અને ગબડેલું છે.એને ફરીથી પાટા પર લાવવા સુધારો અત્યંત આવશ્યક છે.સજા અને દંડની બાબતમાં પણ સખ્તી દર્શાવવામાં આવતી નથી.
ન્યાયાલય એક મંદિર છે અને ન્યાયધીશ પૂજારી સમાન છે તો ન્યાય આપવામાં આટલી કચાશ અને ઢીલ શા માટે?કાયદા સુધારક સમિતિની આંખો ક્યારે ખુલશે?ખેર આમ જનતા કલમના સહારે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યે રાખે અને રખેને એની કોઈક અસર થાય અને ન્યાયતંત્રમાં ખરેખર સુધારો આવે એ જ અભ્યર્થના.
- ગોપા ખાંડવાલા, સાંતાક્રુઝ (પ.), મુંબઈ