Translate

રવિવાર, 18 ડિસેમ્બર, 2011

ડિફરન્ટલી એબલ્ડ

આવતા રવિવારે ગેસ્ટ બ્લોગ છપાવાનો હોવાથી આ વર્ષનો આ મારો અંતિમ બ્લોગ છે એટલે એ કંઈક ખાસ હોવો જોઇએ એવી મારી ઇચ્છા હતી.મેં અનેક વિચારો કર્યા કે આ બ્લોગ કયા વિષય પર લખું જે લોકોના દિલોદિમાગ પર કંઈક છાપ છોડી જાય.એકાદ બે વિષય વિશે વિચાર પણ કર્યો જેનાથી હું પૂરેપૂરો કનવિન્સ્ડ નહોતો ત્યાં મારા આ કટારના એક નિયમિત વાચક શ્રી નિતીન મહેતાએ મને પ્રતિભાવ લખી મોકલ્યો અને મને મારા ખાસ બ્લોગનો વિષય મળી ગયો!


સારા કાર્યોનું આવું જ હોય છે! તમે મનથી કંઈક સારું કરવા ધારો અને તમને ખાસ આઈડિયા ન હોય કે તે તમે કઈ રીતે કરવાના છો ત્યારે ઇશ્વર તમને ચોક્કસ મદદ કરે છે.એ તમને અપ્રત્યક્ષ કે પ્રત્યક્ષ રીતે કોઈક હિન્ટ દ્વારા એ કાર્ય પૂર્ણ કરવા માટેનો માર્ગ સરળ કરી આપે છે! ઓમ શાંતિ ઓમ નો પેલો શાહરૂખ ખાનનો ડાયલોગ યાદ છે ને? : ‘કેહતે હૈ અગર કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પુરી કાયનાત ઉસે તુમસે મિલાનેકી કોશિશમે લગ જાતી હૈ’ ગાંધીજી એ પણ ખૂબ સારી રીતે કહેલું : 'ફાઈન્ડ ધ પરપઝ, મીન્સ વિલ ફોલો...'(તમે કોઈ ઉમદા હેતુ નક્કી કરો,તેને પૂર્ણ કરવાના સ્રોતો આપોઆપ જડી આવશે.)

નિતીનભાઈએ એક અતિ સંવેદનશીલ મુદ્દા પર બ્લોગ લખવા સૂચન કર્યું જે વિષે હું પહેલાં ઘણી વાર હ્રદયપૂર્વક ઉંડાણથી વિચાર કરી ચૂક્યો છું અને આજે આ વિષેના મારા થોડા ઘણાં વિચારો આજના આ બ્લોગ થકી તમારા સૌ સાથે ચર્ચીશ.

મનુષ્ય બ્રહ્માંડનું સર્વશ્રેષ્ઠ પ્રાણી ગણાય છે.કારણ તેની પાસે આગવું વિચારી શકવા મન છે,બુદ્ધિ છે.અને આ દ્રષ્ટીએ વિચારીએ તો આપણે સૌથી વધુ નસીબદાર છીએ અને આપણું વર્તન અન્ય મનુષ્યો પ્રત્યે,અન્ય પ્રાણીઓ,જીવો પ્રત્યે સૌથી વધુ પુખ્ત,સૌજન્યશીલ અને પ્રેમાચારભર્યું હોવું જોઇએ.પણ શું આપણું વર્તન એવું હોય છે? ઇન ફેક્ટ આપણાંમાંના કેટલાક લોકોનું વર્તનતો આનાં કરતા તદ્દન વિપરીત હોય છે.

આ તો સમાન બુદ્ધિમત્તા કે ક્ષમતા ધરાવતા અન્ય મનુષ્યો કે પ્રાણીઓ સાથેના વર્તનની વાત કરી પણ કરુણા,દયા,ઉદારતા વગેરે જેવા ઉમદા ગુણો પણ એક માત્ર મનુષ્ય જ ધરાવતો હોવા છતાં તેનું અન્ય ઓછી ક્ષમતા ધરાવતા કે અક્ષમ કે જરા જુદી રીતની ક્ષમતા ધરાવતા લોકો પ્રત્યે વલણ કેવું હોય છે?સમાજના મોટા ભાગના લોકો આવા લોકો પ્રત્યે બેફિકરા હોય છે કે કેટલાક તેમને માત્ર દયાની દ્રષ્ટીએ નિહાળે છે.કેટલાક અસંવેદનશીલ લોકોતો આવા લોકોને તેમની જે તે ખોડ કે ખામીને લઈને બૂરા શબ્દો બોલી કે મજાક-મશ્કરી ઉડાવી તેમનું અપમાન પણ કરી બેસતા હોય છે.આ એક દુ:ખદ પણ સત્ય બાબત છે કે આવા લોકોની ખોડખાંપણ કે ખામીને તેમની ઓળખ બનાવી દઈ તેમને એ નામથી જ બોલાવાય છે.'પેલો આંધળો' કે 'પેલો લંગડો' કે 'પેલી વાંઝણી' કે 'પેલી ખૂંધી કે ઢૂબી' જેવા શબ્દો છૂટથી વપરાતા આપણે રોજબરોજ સાંભળીએ જ છીએ.આવે વખતે શું આ પ્રકારના શબ્દો બોલતી વખતે બોલનારને સામી વ્યક્તિની સંવેદનાનો બિલકુલ અનુભવ નહિં થતો હોય?આપણી સંસ્કૃતિમાં તો કહ્યું જ છે કે 'લંગડાને લંગડો ન કહીએ અને કાણા ને કાણો ન કહીએ.' તો આપણે જ્યારે આવા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ ત્યારે એ આપણી કયા પ્રકારની માનસિકતાની ચાડી ખાય છે?

આપણો અભિગમ મદદશીલ હોવો જોઇએ. જેનામાં કોઈ ઉણપ હોય તેને સાચવી લઈ તે કઈ રીતે શ્રેષ્ઠ જીવન જીવી શકે એ માટેના પ્રયત્ન આપણે કરવા જોઇએ.સુદામાને શ્રી ક્રુષ્ણે પોતાનો પરમ સખો બનાવ્યો હતો.આપણા બાળકોને પણ આપણે કોઈ પ્રકારના ભેદભાવ વગર સૌને આદર આપતા અને સૌ સાથે સમાન રીતે વર્તતા શીખવવું જોઇએ.બાળકો સમક્ષ માત્ર ડાહી ડાહી વાતો કરી, વર્તન જુદું રાખીશું તો પણ બાળકો એ વર્તન જોઈ ખોટું જ આચરણ કરવાના. આથી આપણે સદાયે સંયમપૂર્વક અને યોગ્ય વર્તન જ કરવું જોઇએ.

અંગ્રેજી ભાષામાં એક બહુ સુંદર શબ્દ પ્રયોગ છે 'ડિફરન્ટલી એબલ્ડ' મને જાણ નથી ગુજરાતી, હિન્દી કે મરાઠીમાં આવો કોઈ શબ્દ હોય.આપણે 'અપંગ' કે 'વિકલાંગ' જેવા શબ્દો વાપરીએ છે જે 'નેગેટીવ' છે,ઉતારી પાડનારા છે.'ડિફરન્ટલી એબલ્ડ' શબ્દ 'પોઝીટીવ' છે,પ્રોત્સાહક છે.ખરેખર વ્યક્તિમાં કોઈક એવી છૂપી શક્તિ ધરબાયેલી હોય જ છે જે સમાજના તિરસ્કાર કે અણગમાને લીધે તે વ્યક્તિમાં જન્મેલી લઘુતા ગ્રંથિને કારણે દબાઈ ગઈ હોય છે.આપણે આવી શક્તિને પ્રોત્સાહન આપી બહાર લાવવાની જરૂર છે.

આ દિશામાં ઘણું સારુ કાર્ય થયું છે અને થાય પણ છે.તેમાં આપણે સહકાર આપવાની જરૂર છે.આ સહકાર આર્થિક જ હોય એ જરૂરી નથી.મૂકબઘિર વિદ્યાર્થીઓ માટેની કે પછી માનસિક રીતે અવિકસીત કે અલ્પવિકસીત વિદ્યાર્થીઓ માટેની ઘણી શાળાઓ મુંબઈમાં ચાલે છે.ત્યાં જઈ આપણે આ વિદ્યાર્થીઓને કંઈક શિખવી શકીએ કે પછી તેમની સાથે થોડો સમય ગાળી શકીએ.રસ્તામાં કોઈ ચક્ષુહીન વ્યક્તિને રસ્તો ક્રોસ કરાવવાની નાનકડી ચેષ્ટા બાદ પણ જે આનંદ અને સંતોષ અનુભવાય છે તે ક્યારેક લેવાનો પ્રયત્ન કરી જો જો.સ્ટેશન પર લાકડીને સહારે ભીડભાડમાં આગળ વધી સ્ટેશન બહાર નિકળતી ઘણી આવી વ્યક્તિઓને સ્ટેશન બહાર સુધી તેમનો હાથ પકડી લઈ જવાના જાત અનુભવ પરથી હું આ કહી રહ્યો છું.તેમની સાથે વાત કરશો તો તેમને તો ક્ષણિક આનંદ મળશે જ પણ તમને પણ કંઈક સારું કર્યાનો પરમ સંતોષ ચોક્કસ અનુભવાશે.કેટલીક સંસ્થાઓ કે ઓફિસોમાં ફરજિયાત કેટલીક સંખ્યામાં ચક્ષુહીન કે ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિઓ માટે નોકરી અનામત રખાય છે જે આવકાર્ય ગાણાય.શાળાઓમાં પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આવા બાળકોને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ પ્રવેશ અપાવો જોઇએ.જે જે સંસ્થાઓ આવી વ્યક્તિઓ માટે સારું કાર્ય કરી રહી હોય તેમાં યથા શક્તિ ધનનું કે જરૂરી-ઉપયોગી ચીજવસ્તુઓનું દાન આપી આપણે આપણાંથી જૂદી રીતે સક્ષમ એવા સમાજના વર્ગ માટે આપનો ફાળો નોંધાવી તેમની પરિસ્થિતીમાં પરિવર્તન લાવી શકીએ.આખરે જનસેવા એ જ પ્રભુ સેવા છે અને જેને મદદની વધારે જરૂર છે એવી વ્યક્તિને મદદ કરનાર સ્વર્ગમાં સ્થાન પામે કે ન પામે પણ તેનું જીવન ચોક્કસ સફળ થયું ગણાશે.

1 ટિપ્પણી:

  1. સ્નેહી શ્રી વિકાસ ભાઈ,
    આપની કોલમ 'બ્લોગ ને ઝરૂખેથી...' નો હું ચાહક છું.આ કોલમે 'શતાબ્દિ' પૂરી કરી એ બદલ આપને અંત:કરણ પૂર્વકના અભિનંદન.આ કોલમ દ્વારા તમે ખૂબી પૂર્વક વિવિધ વિષયોને આવરી લો છો તે અત્યંત પ્રશંસનીય છે.'બ્લોગ ને ઝરૂખેથી...' દ્વારા ઘણું જાણવા મળે છે.આ સાથે એક સૂચન કરવાનું મન થાય છે કે તમે વિકલાંગોના પ્રશ્નો અને સમસ્યાઓની છણાવટ કરો તે તેમને પણ ન્યાય મળશે.
    વિકલાંગોના કલ્યાણ માટે સરકારથી લઈ અનેક સામાજિક સંસ્થાઓ કાર્ય કરે છે પણ હેતુ સિદ્ધ થતો નથી પરિણામે કેટલાક અપંગો પોતાના અધિકારોથી વંચિત રહી ગયા છે.મને વિશ્વાસ છે કે આપની કોલમ દ્વારા પ્રજામાં જાગ્રુતિ આવશે.વિકલાંગોમાં પણ ઘણી સુષુપ્ત શક્તિઓ છૂપાયેલી હોય છે તેને બહાર લાવવામાં સમાજને જાગ્રુત કરવાની જરૂર છે. જે આપની આ કોલમ દ્વારા અવશ્ય થશે, તેની મને શ્રદ્ધા છે.આભાર...
    - નીતિન વિ. મહેતા , મુંબઈ

    જવાબ આપોકાઢી નાખો