Translate

રવિવાર, 30 ઑક્ટોબર, 2011

તહેવારોની ફોજ !

ગયા બ્લોગમાં તહેવારોના રાજા સમા રોશની પર્વ દિવાળીની વાત કરી. આ બ્લોગમાં નવા વર્ષથી શરૂ થઈ જઈ આપણા જીવનમાં ખુશાલી અને ઉમંગોલ્લાસ ભરી દેનાર અન્ય તહેવારોની ફોજની વાત કરવી છે!


દિવાળી બાદ શરૂ થતા આપણાં ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆતમાં જ લાભ પાંચમ સુધી દિવાળીનો મૂડ બરકરાર રહે! એનાથી ધરાયા ન હોઈએ તેમ પંદર દિવસ બાદ કારતક સુદ પૂનમે આવે દેવદિવાળી અને તુલસી વિવાહ! બાળકો થોડા ઘણાં ફટાકડા આ રાત માટે સાચવીને રાખ્યા હોય એ ફોડે અને આ દિવસે સાંજે તુલસીના છોડને સરસ વાઘા પહેરાવી,સજાવી શણગારી કૃષ્ણ ભગવાન સાથે પરણાવવામાં આવે!

આપણે ગુજરાતી વર્ષના અંતને દિવાળી દ્વારા ઉજવીએ એટલાં જ ઉત્સાહથી ખ્રિસ્તીઓ અંગ્રેજી કેલેન્ડર વર્ષના અંતને ક્રિસ્મસ કે નાતાલ દ્વારા ઉજવે.ભગવાન ઇશુ ખ્રિસ્તનો જન્મ નાતાલના દિવસે સાંજે માસ પ્રેયર દ્વારા અને રોશની તેમજ પાર્ટી કરીને ઉજવાય અને ૩૧મી ડિસેમ્બરની રાત પણ આપણે સૌ કોઈ મહા ઉત્સવની જેમજ ઉજવીએ!અંગ્રેજી કેલેન્ડરના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ ઓફિસ જવાનો મારી જેમ જ સૌને ભારે કંટાળો આવતો હશે!આ દિવસે જો શનિ-રવિની રજા મળે તો તો જલસા જ પડી જાય!

આ પછી ફરી પાછો હિન્દુ તહેવાર મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) આવે! પતંગ ઉડાવવાની અને ચિક્કીની મજા માણવાનો આ અવસર પણ ભાગ્યે જ કોઈ ઉત્સવપ્રિય જણ ચૂકતો હશે! ગુજરાતમાં તો ધાબે ચડી આખો પરિવાર આ પર્વની મજા માણે!મુંબઈગરા પાસે આવું ધાબાનું સુખતો હોતું નથી પણ તેઓ યે કોઈ તહેવારની મજા માણવામાં કચાશ છોડતાં નથી!

ફેબ્રુઆરી-માર્ચમાં વસંત ઋતુ આવે અને સાથે રંગોના તહેવાર હોળી - રંગપંચમી લઈને આવે. પ્રકૃતિ પણ આ ઋતુમાં તો સોળે કળાએ ખિલી હોય એમાં હોળી-ધૂળેટી જેવા તહેવારમાં આબાલવૃદ્ધ સૌ કોઈ મન ભરીને એકબીજાના તનને ગુલાલ,કેસૂડા તેમજ અન્ય રંગોથી રંગી દઈ ધરાઈને માણે! હોળીની સાંજે હોળિકા દહન કરી જ્યારે આપણે અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે એ શરીરમાંથી કફ છૂટો પાડી આરોગ્ય માટે પણ મદદરૂપ સાબિત થાય છે જેની ઘણાં ઓછાંને ખબર હશે.આમ હોળીની પૂજા અને પ્રદક્ષિણા સ્વાસ્થ્ય માટે પણ સારી સાબિત થાય છે.



પછી થોડાં વિરામ બાદ શ્રાવણ માસ આવે એટલે ફરી વ્રત-તહેવારોની મોસમ શરૂ થઈ જાય. બોળચોથ,નાગપાંચમ,રાંધણ છઠ,શીતળા સાતમ,ગોકુલાષ્ટમી,રક્ષા બંધન,શ્રાવણિયા સોમવાર અને આ બધા પવિત્ર દિવસો-પર્વો એક અજબની અનુભૂતિ કરાવે છે. બોળચોથે ખાંડવા કે દળવાનું નહિં. નાગપાંચમે ઘેર નાગના ચિત્ર દોરી, તેમની પૂજા કરી ફૂલહાર અને દૂધ તથા કુલેરના લાડવા પ્રસાદમાં ધરાવાય (વર્ષમાં આ એક જ દિવસે મીઠ્ઠી સ્વાદિષ્ટ જુવારના લોટ અને ગોળમાંથી બનતી કુલેર ખાવા મળતી હશે!), સાચા નાગને દૂધ જરાયે ભાવતું ન હોવા છતાં મદારીઓ આ દિવસે નાગોને પરાણે દૂધ પાઈ પૈસા ઉઘરાવતા હોય છે.સાચા નાગોને પરાણે દૂધ પાવવાની આ પ્રથા બંધ થવી જોઇએ. રાંધણ છઠ્ઠે બીજા દિવસ માટેનું ખાવાનું બનાવી રાખવાનું અને શીતળા સાતમે વ્રતકથાઓમાંથી દેરાણી-જેઠાણી અને શીતળામાની વાર્તા વાંચી-સાંભળી આખો દિવસ ચૂલો કે ગેસ પેટાવ્યા વગર ઠંડું ખાવાનું. શ્રાવણ વદ સાતમની રાતે કૃષ્ણ જન્મની તૈયારીઓ કરી શણગાર વગેરે કરી કૃષ્ણ જન્મ કરાવવાનો અને બીજે દિવસે મટકી ફોડતા ગોવિંદાઓને જોઈ અચંબો પામવાનું!

શ્રાવણ સુદ પૂનમે આવતો રક્ષા બંધનનો તહેવાર ભાઈબીજ તથા વીરપસલીની જેમ જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમો તહેવાર છે. હેતપૂર્વક બહેન ભાઈના હાથે રાખડી બાંધી ભગવાનને તેની રક્ષા કરી તેને સુખસમ્રુદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ તહેવારને દિવસે જે ભાઈઓને બહેન નથી કે જે બહેનોને ભાઈ નથી તેમના મનમાં કેવી લાગણી થતી હશે એવો વિચાર ઘણી વાર આવે છે. આ દિવસ નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા અર્ચના કરીને ઉજવાય છે.

ત્રણ વર્ષે એક વાર હિન્દુ કેલેન્ડરમાં બીજા મહિનાઓ વચ્ચે સમાઈ જતો અધિક માસ પણ ઘરનું વાતાવરણ ધાર્મિક બનાવી દે છે.ઘરની સ્ત્રીઓ આ પૂરા મહિના દરમ્યાન નાનકડા ખેતરની પ્રતિક્રુતિ બનાવી તે ખેડે છે અને કાંઠાગોરમાની ભાવ અને ભક્તિ પૂર્વક પૂજા કરે છે.હું નાનો હતો ત્યારે આ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા મહિના દરમ્યાન અમારી ચાલીના કોઈ એક પાડોશીને ત્યાં થતી પૂજામાં રોજ મારી મમ્મી અને બહેનો સાથે જતો અને ત્યારે પૂજા કરતી વખતે તેઓ જે ગીતો ગાતા 'આંબુડુ જાંબુડુ..કેરી ને કોઠીમડું...' , 'ગોરમા ગોરમા રે...સુખડા લ્યો...'વગેરે મને હજી યાદ આવે ત્યારે મારું મન મલકાઈ ઉઠે છે!

આ પછી આવે દેવાધિદેવ ગણરાયાનુ ભક્તિ પર્વ ગણેશોત્સવ જેની ગણના લાંબા ચાલનારા તહેવારોમાં કરી શકાય. આ સાર્વજનિક તહેવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાતો હોવા છતાં હવે તો એ ફક્ત દેશમાં જ નહિં, એન.આર.આઈઓ દ્વારા વિદેશ સુધી જઈ પહોંચ્યો છે! મુંબઈમાં તો લોકો ઘેર ઘેર દૂંદાળા દેવની પધરામણી કરે છે અને યથા શક્તિ દોઢ,ત્રણ,પાંચ,ગૌરી સાથે હોય તો છ,સાત કે દસ દિવસે ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે વિસર્જન કરે છે. વિસર્જન પણ વાજતે ગાજતે કરવાની પરંપરા દ્વારા આ તહેવાર એક અતિ મહત્વનો જીવનપાઠ નથી શિખવતો?

ગણેશ ચતુર્થી સમયે જ જૈનોનો મહાપર્વ ગણાતો પર્યુષણ અને સંવત્સરી તહેવાર પણ ધામધૂમથી ઉજવાય છે. આપણે સૌ 'મિચ્છામી દુક્કડં' બોલી એકમેકની ક્ષમા નથી યાચતા?નાની કે મોટી ઉંમરના અનેક સાધકો આઠ દિવસની ઉગ્ર તપ સાધના કરી અઠ્ઠાઈ કરે ત્યારબાદ ઉપવાસ પૂરાં કરતી વેળાએ પારણું કરે.આવા ઘણાં મિત્રોએ કરેલાં પારણાંમાં જઈ તેમની શાતા પૂછયાનું મને યાદ છે.

ગણેશ ઉત્સવ પછી ગણત્રીના દિવસોમાં જ આવે નવલા નોરતાની રમઝટ ભર્યો નવરાત્રોત્સવ.વેરિયેશન જોયુ?!દિવસે ઉજવાતા તહેવાર ઘણાં બધાં છે તો રાતે ઉજવાતા તહેવાર પણ એક બે તો હોવા જોઇએ ને?નવ નવ રાત સુધી યુવા હૈયાઓને ઘેલુ લગાડનાર સ્ત્રી શક્તિનો મહિમા વધારનાર અંબેમાની ભક્તિનું આ પર્વ પણ લાંબો ચાલનારો તહેવાર છેંવ રાત્રિ સુધી ઘરમાં કે મંડપમાં માતાજીના કાણા વાળા સુશોભિત ગરબાની સ્થાપના કરી નવ રાત્રિઓ સુધી ગરબા ને દાંડિયાના તાલે ઝૂમવાનું! આથી જ આ તહેવાર આબાલવૃદ્ધ સૌનો મનપસંદ તહેવાર છે અને ફક્ત ગુજરાતીઓ જ નહિં પણ અન્ય જાતિના અન્ય ધર્મના લોકો પણ આ તહેવાર નાચીકૂદીને ધામધૂમ થી ઉજવે છે!નવરાત્રિઓ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દશેરા ઉજવાય છે.આ દિવસને પણ આપણે ફાફડા જલેબી ખાઈ અને નવી ચીજવસ્તુઓની ખરીદી કરી અને રાવણ દહન કરી ઉજવીએ છીએ. નવરાત્રિમાં ગરબા રાસ રમી ધરાયા ન હોઈએ તેમ તરત પાછળ આવતી શરદ પૂનમની રાતે પણ દૂધ પૌં આ ખાઈ આપણે રાસની રમઝટ બોલાવી મન ભરીને (કે મન મૂકીને) નાચીએ છીએ! અને પછી તો થોડાં જ દિવસોમાં તહેવારોના રાજા દિવાળીની આગતા સ્વાગતામાં લાગી જઈએ છીએ!

રાષ્ટ્ર ભક્તિ અને દેશદાઝની યાદ અપાવતા સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજા સત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો ઉજવતી વખતે પણ આપણે અનેરો જુસ્સો અનુભવીએ છીએ. મહારાષ્ટ્ર/ગુજરાત દિન, આંબેડકર જયંતિ, બાલદિન (નહેરૂ જયંતિ), શિક્ષક દિન, ગુરૂ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, શિવાજી જયંતિ, મહાવીર જયંતિ જેવા ખાસ દિવસોની પણ આપણે ઉત્સવની જેમજ ઉજવણી કરીએ છીએ.

સંકષ્ટિ ચતુર્થીઓ અને મોળાકાત,જયા પાર્વતી,ગોર્યો,વટસાવિત્રી,કડવા ચોથ,દિવાસો,કેવડા ત્રીજ,વૈભવ લક્ષમી,સંતોષી માના શુક્રવાર,સોળ સોમવાર,સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર, ગાય તુલસી, એવરત-જીવરત, ધરો આઠમ, ગૌરી વ્રત, મંગળાગૌરી વ્રત, ફૂલકાજલી વ્રત,ચાંલ્લા વ્રત,ચોખા કાજળી વ્રત,સામા પાંચમ, કોયલ વ્રત, અલૂણા વ્રત, સૂર્યનારાયણ વ્રત, દશામા વ્રત, અન્નપૂર્ણા વ્રત, જીવન્તિકા વ્રત, સરસ્વતી સપ્તમી, રંભા વ્રત,ગૂડી પડવો,દુર્ગાષ્ટમી,જયા પંચમી, સિંદૂર ત્રીજ, વસંત પંચમી, સીતા વ્રત, હુતાશની,સંતાન જયંતિ જેવા વ્રત-તહેવારો પણ વર્ષ ભર સમયાંતરે આવ્યા જ કરે તો રામનવમી,જલારામ જયંતિ,હનુમાન જયંતિ, દત્ત જયંતિ, પરશુરામ જયંતિ,વિશ્વકર્મા જયંતિ, ગીતા જયંતિ, ઠંડી ને શિવ શિવ કરીને ભગાડતી મહા શિવરાત્રિ વગેરે જેવા ધાર્મિક દિવસો પણ આપણે તહેવાર જેટલા જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ.

હિન્દુ તહેવારો ઓછા હોય તેમ આપણે ભારતની ઉત્સવઘેલી પ્રજા વિદેશી તહેવારો કે 'ડે' ઝ ઉજવવાનું પણ ચૂકતા નથી! અંગ્રેજી ન્યુ યર ડે (૧લી જાન્યુઆરી), પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડે, સ્ત્રી શક્તિનું ગૌરવ કરતો વુમન'સ ડે,માતા પિતાને સન્માનવા મધર્સ',ફધર્સ' અને પેરેન્ટ્સ ડે, મિત્રતાની મહિમા ગાવા ફ્રેન્ડશીપ ડે અને હેલોવીન જેવા તહેવારો પણ આપણે ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.

સાથે જ અન્ય ધર્મ અને જાતિઓના ગુડ ફ્રાઈડે,ઇદ,પતેતી,નવરોઝ,ગુરુનાનક જયંતિ, ચેટી ચાંદ, બૈસાખી, પોંગલ, ઓણમ વગેરે જેવા તહેવારો તો ખરા જ!

ખુશાલીના તહેવાર સાથે જ શ્રાદ્ધ પક્ષ,મોહરમ,મહાનુભાવોના નિર્વાણ દિન વગેરે જેવાં કેટલાંક દુ:ખ કે માતમના પ્રસંગો પણ ઉજવવાનું વલણ તો મારા ખ્યાલથી ભારતમાં જ જોવા મળતું હશે!

આ તહેવારો જ આપણાં જીવનને આનંદમય બનાવી રાખી કંટાળા અને દુ:ખો કે પરેશાનીઓથી થોડા સમય માટે આઝાદીનો અહેસાસ કરાવે છે.જો તહેવારો ન હોત તો આપણું જીવન કેટલું બોરીંગ અને મોનોટોનસ બની રહેત એ વિચાર આવતાં પણ હું ધ્રુજી ઉઠું છું!

આપણે સૌએ દરેક તહેવાર ઉત્સાહ,ઉમંગ અને જોશભેર અને ખરા મનથી ઉજવવો જોઇએ એ જ જીવન જીવવાની સાચી રીત છે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો