કહે છે ને અંત ધમાકેદાર હોવો જોઇએ! આ પ્રથાને જ આપણું હિન્દુ કેલેન્ડર અનુસરતું હોય એમ લાગે છે! હિન્દુ વર્ષનો છેલ્લો તહેવાર દિવાળી ખરા અર્થમાં ધમાકેદાર રીતે આપણે સૌ ઉજવીએ છીએ. ફટાકડા ફોડી, ઘરોને સાફસુથરા કરી દઈ - રંગરોગાનથી ચકાચક બનાવી દઈ, ઝગમગતા દિવડાઓનો પ્રકાશ રેલાવી તેમજ કંડીલ જેવી કૃત્રિમ પણ સુંદર રોશની દ્વારા, આંગણે જાતજાતની કલાત્મક સુશોભિત રંગોળી બનાવી, પોતે નવા વાઘા પહેરી, પરિવાર માટે ઘણું બધું શોપિંગ કરી, એકબીજાને મીઠાઈ તથા શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરી, પોતના કર્મચારી વર્ગને બોનસ કે ભેટસોગાદની લહાણી કરી વગેરે વગેરે...આટલું લાંબુ લિસ્ટ લખ્યું હોવા છતાં મને ખાતરી છે હજી આ યાદીમાં હું થોડી ઘણી આઈટમ ચૂકી ગયો હોઈશ! આવો ધમાકેદાર તહેવાર છે દિવાળી! વર્ષના ક્લાઈમેક્સ જેવો! તહેવારોના રાજા તરીકે દિવાળીને લેખાવીએ તો એ યથા યોગ્ય જ ગણાશે!
ભારતની પ્રજા તો ઉત્સવપ્રિય છે જ! જેમ હિન્દુ કેલેન્ડરમાં વર્ષનો અંત તહેવારથી આવે તેમજ વર્ષની શરૂઆત પણ તહેવારથી જ થાય! નવા વર્ષની શરૂઆત આપણે સાલમુબારકની શુભેચ્છા એક બીજાને પાઠવીને હર્ષોલ્લાસ સાથે તહેવારની જેમજ ઉજવીને કરીએ છીએ! હવે કદાચ થોડું ઘણું પરિવર્તન આવ્યું હશે પણ મને યાદ છે હું જ્યારે શાળામાં જતો એવડો હતો ત્યાં સુધી (વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં) નવા વર્ષનો સપરમો દિવસ ખૂબ વિશિષ્ટ રીતે ઉજવાતો. મને રંગોળી બનાવવાનો ખૂબ શોખ એટલે દિવાળીની રાતે રંગોળી પાડવા માટે ઘરના આંગણાની જમીન પર ગેરુના ગાંગડાને પાણીમાં બોળી લાલાશભર્યા માટીના રંગનું ચોરસ બનાવવાનું અને પછી એ સૂકાય ત્યાં સુધી ફટાકડા ફોડવાની મજા માણવાની! પછી આવીને ગેરુવાળા ચોરસ પર સફેદ ચિરોટીથી ટપકાં પાડવાના અને રંગોળીની ડિઝાઈનની ચોપડીમાંથી પસંદ કરેલી એકાદ મોટી રંગોળી બનાવવાની પછી એમાં રંગ પૂરવાનાં. આમાં જ રાતના એક-દોઢ વાગી જાય પછી તો બીજા દિવસે નવું વર્ષ હોય એટલે સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાનું નવા નક્કોર સિવડાવેલા કપડાની જોડી ઠઠાવવાની. વહેલી સવાર શુકન અને આસોપાલવના તોરણ વેચવા નિકળેલી બાઈ પાસેથી મમ્મી એ ખરીદે અને તોરણ ઘરનાં બારણે ટાંગે. તૈયાર થઈ ગયા બાદ મારે મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાના. ઘરમાં બધા મોટાઓને પગે લાગી તેમના આશિર્વાદ અને 'ભેટ' (અગિયાર,એકવીસ કે એકાવન રૂપિયા) મેળવવાના. પછી ચાલીના મિત્રોની મોટી ફોજ બનાવી નિકળી પડવાનું પોતપોતાની તેમજ આજુબાજુની દરેક ચાલીના બધા ઘરોમાં સાલ મુબારક વિશ કરવા! દરેક જણે ઘરમાં ટેબલ પર સરસ પાત્ર કે થાળી કે વાડકામાં જાતજાતની મિઠાઈ,પીપરો,ફરસાણ વગેરે મૂક્યું હોય એ ઝાપટવાનું! પેટ ભરાઈ જાય તેમજ પગ થાકી જાય ત્યાં સુધી આ રીતે મિત્રો સાથે ટોળકીમાં ઘેર-ઘેર ફરીને નૂતન વર્ષાભિનંદન વ્યક્ત કરવાની ખૂબ મજા પડતી. આમાં અજાણ્યાઓના ઘરમાં જઈને પણ ક્યારેક તો સાલમુબારક વિશ થતું અને તેઓ પણ સહર્ષ મિઠાઈ વગેરે બાળકોની ટોળીને હોંશે હોંશે ખવડાવતાં! ઘણાં વર્ષો સુધી મેં આ રીતે જ દિવાળીની છેલ્લી રાત અને નવા વર્ષના પહેલા દિવસ ઉજવ્યા હતાં! મારા સ્મૃતિ પટ પર એ યાદો હજી તાજી છે!
ફિલ્મની જેમ જ્યારે આ જૂની યાદો તાજી કરી રહ્યો છું ત્યારે ફિલ્મી ઢબે જ ચાલો થોડાં રિવર્સમાં જઈએ! ભાઈબીજથી પાછાં દિવાળીની શરૂઆત તરફ!
ખરી રીતે તો પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થતી હોવા છતાં આપણે ત્યાં તો અગિયારસથી જ દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ જાય. આમ દિવાળી ખાસ્સો લાંબો તહેવાર ગણી શકાય! વાઘબારસ પણ દિવાળીના પ્રકાશપર્વ સાથે જ જોડાયેલો દિવસ. આ દિવસને વાઘ સાથે જોડવાના કારણની તો મને ખબર નથી (જેને ખબર હોય એ મારા તથા બીજા વાચકોની જાણ ખાતર આ બ્લોગના કમેન્ટ તરીકે એ પોસ્ટ કરી શકે છે અથવા મને મારા ઇમેલ એડ્રેસ પર લખી શકે છે.) પણ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં આ દિવસ સ્ત્રીશક્તિને અર્પિત કરી ઉજવવામાં આવે છે અને આ દિવસે સ્ત્રી શક્તિની મહિમા ગાઈ તેમને નવા વસ્ત્રો અને ઘરેણાં ભેટ આપવામાં આવે છે.
ધનતેરસે લક્ષ્મીપૂજાનું અનેરૂં મહત્વ છે. કાળી ચૌદશે કજિયાકંકાસના વડા ચાર રસ્તે મૂકી આવી ભગવાનને પ્રાર્થના કરવાની કે આવનારા નવા વર્ષમાં એમાંથી અમને મુક્તિ આપજો અને સુખશાંતિ ભર્યું જીવન આપજો. કાળી ચૌદસની રાત અઘોરી બાવાઓ, તાંત્રિકો માટે પણ સ્મશાનમાં જઈ સાધના કરવા માટે પ્રખ્યાત છે.દિવાળીના બધા દિવસોમાં ઘણાં લોકો તંત્ર-મંત્ર-જાપ કરી વિવિધ દેવીદેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. દિવાળીની રાતે ચોપડા પૂજન અને આખી રાત સૌથી વધુ ફટાકડા ફૂટતાં હોય છે.
હિન્દુ વર્ષનો બીજો દિવસ પણ ભાઈબીજનો તહેવાર લઈને આવે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન જેવો જ બીજો પારિવારિક તહેવાર એટલે ભાઈબીજ. આ દિવસે ભાઈ બહેનના ઘેર જમવા જાય અને બહેનને યથાશક્તિ ભેટસોગાદ આપે. રાક્ષસ નરકાસુરને માર્યા બાદ શ્રી ક્રુષ્ણ બહેન સુભદ્રાને ઘેર પધાર્યા ત્યારે સુભદ્રાએ તેમના કપાળ પર તિલક કરી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું એ દિવસથી ભાઈબીજ ઉજવાતી હોવાનું મનાય છે.યમ દ્વિતિયા તરીકે પણ ઓળખાતો આ તહેવાર મ્રુત્યુના દેવ યમ અને તેમની બહેન દ્વિતિયાની આ દિવસે થયેલી ખાસ મુલાકાતની યાદમાં મનાવાતી હોવાની પણ એક લોકકથા પ્રખ્યાત છે. બહેન ભાઈબીજના દિવસે ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન તેમજ સારા આરોગ્ય માટે પ્રાર્થના કરે છે.
ભારતની ઉત્સવપ્રિય પ્રજા માટે દિવાળી વર્ષનો અંતિમ તહેવાર હોવા છતાં નવું વર્ષ પણ આ બાબતે તેમને નિરાશ કરતું નથી! નવું વર્ષ પણ ભાઈબીજથી તો ફક્ત શરૂઆત કરી, આપણાં સૌ માટે ઢગલાબંધ તહેવારો લઈને આવે છે જે સમયાંતરે આપણાં જીવનને નીરસ બનતું અટકાવી તેમાં આનંદ અને ઉત્સાહના રંગો ભરતું રહે છે.આ અન્ય તહેવારો વિષે વાત કરીશું આવતા બ્લોગમાં...
…ત્યાં સુધી સૌને હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યુ યર!!!
સોમવાર, 24 ઑક્ટોબર, 2011
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
નમસ્તે વિકાસભાઈ,
જવાબ આપોકાઢી નાખોજ.પ્ર. માં આવતી આપની કોલમ "બ્લોગને ઝરુખેથી "નિયમિત વાંચું છું આમતો જ.પ્ર.કદાચ ૫૦-૬૦ વર્ષ થી વાંચું છું વાઘબારસ અંગે જણાવવાની ઈચ્છા છે ખરેખર વાઘબારસ નથી પણ વાક્કબરસ હશે એમ માનું છું" વાક્ક" એટલે" વાચા"હોવી જોઈએ.
- હરગોવિંદ દેવજી
સુજ્ઞ હરગોવિંદભાઈ,
જવાબ આપોકાઢી નાખોતમારું અનુમાન કંઈક અંશે સાચું છે. વાઘબારસ એ વાક્બારસનું અપભ્રંશ સ્વરૂપ છે.વાક એટલે વાણી, સરસ્વતી. દિવાળીની શરૂઆત આ દિવસથી જ્ઞાનના દેવીની આરાધના કરીને કરવામાં આવે છે એવું બીજા એક જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડાના તાજેતરમાં દિવાળી પરના તેમના લેખમાં વાંચ્યું. જવાબ લખી મોકલવા તમારો પણ ખૂબ આભાર.
- વિકાસ ઘનશ્યામ નાયક