Translate

સોમવાર, 16 એપ્રિલ, 2018

જસ્ટીસ ફોર અસિફા

લોહી ઉકળી રહ્યું છે. ફરી એક વાર બે માસૂમ બાળકીઓ પર અત્યાચારની ગોઝારી ઘટના ચર્ચાસ્પદ બની છે. એક ઘટનાતો ત્રણ મહીના જૂની છે પણ તેને પ્રકાશમાં આવતા આટલો લાંબો સમય લાગ્યો છે. આ દુર્ઘટનાની વિગતો એટલી હીચકારી છે કે એ સાંભળી કે વાંચી ક્રોધાવેશમાં ધ્રુજી ઉઠાય છે, સાથે જ એ અંગે પોતે પણ કાંઈ કરી ન શકવાની લાચારી અને ન એ અંગે સરકાર કે આ દેશની ન્યાય વ્યવસ્થા કોઈ પગલાં નથી લઈ શકી, નથી લઈ રહી એ વાત નો અપાર ગુસ્સો છે. નિર્ભયા સાથે જે કમનસીબ અને પાશવી દુર્ઘટના ઘટી હતી તેને પાંચેક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પરિસ્થિતિ માં કોઈ જ સુધારો નથી, ઉલટાનું કદાચ એ વધુ વણસી છે. ફરી ઓનલાઇન પીટીશન્સ સાઈન થશે, મીણબત્તી કૂચ યોજાશે અને થોડા સમય બાદ ફરી બધું ભૂલાઈ જશે અને બળાત્કાર ની હીન દુર્ઘટનાઓ બન્યા કરશે.
 નિર્ભયાના કેસમાં પણ સૌથી વધુ ઘાતકી ગુનેગાર નાબાલિગ હતો અને છૂટી ગયો હતો (આજે પણ એ કદાચ કોઈ નવી ઓળખ સાથે આ જ દેશમાં ક્યાંક જીવી રહ્યો છે, કદાચ એણે બીજો એકાદ બળાત્કાર પણ કરી લીધો હોઈ શકે છે જે પ્રકાશમાં આવી શકે છે અથવા એ એમ કરવા માં માહિર થઈ ગયો હોય અને એ ઘટના પ્રકાશમાં જ ન આવે એવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી) અને આસિફા નાં કિસ્સા માં પણ એક મુખ્ય શકમંદ સગીર છે એટલે એ કદાચ છૂટી જઈ શકે છે. જ્યાં સુધી આ અંગે નો કાનૂન નહીં બદલાય ત્યાં સુધી આમજ ગુનાહિત માનસ ધરાવતા સગીરો બળાત્કાર કરતાં રહેશે અને કર્યા બાદ છૂટતા રહેશે.
નિર્ભયા વખતે પણ ફાસ્ટ ટ્રેક પદ્ધતિથી એ કેસ નો ખટલો ચલાવવાની વાતો ચર્ચાતી હતી અને આ વખતે પણ આવી ઠાલી વાતો સાંભળવા મળશે તો નવાઈ નહીં લાગે. હવે આ પ્રકાર ના કિસ્સાઓ પણ એટલી હદે અને એટલી સંખ્યામાં બનવા માંડ્યા છે કે આપણી સંવેદનશીલતા બુઠ્ઠી થવા માંડી છે અને કદાચ ટૂંક સમય બાદ આવા કિસ્સા વાંચી કે સાંભળી આપણને કોઈ ફરક જ નહીં પડે.
રાજકારણીઓ ને તો ગાળ આપવાનું મન થાય છે. આવા બદનસીબ કિસ્સાઓમાં પણ તેઓ પોતાની રોટલી શેકવાનું નફ્ફટ કાર્ય નિર્લજ્જતા પૂર્વક કરતાં બિલકુલ ખચકાતા નથી.પોલીસ નું કામ છે જનતાનું રક્ષણ કરવાનું પણ આસિફા ના કિસ્સામાં ગેંગરેપ કરનાર ની યાદીમાં અને આ કિસ્સો પ્રકાશમાં જ ના આવે તેના પ્રયત્નો કરવાની યાદી ના અપરાધી ઓ માં એક કરતાં વધુ પોલીસ ઑફિસરો નાં નામ છે.
મારે પણ લગભગ આસિફા ની ઉંમર ની જ એક દીકરી છે પણ તેને ઘર ની આસપાસ ક્યાંક એકલી મોકલતા અમારો જીવ નથી ચાલતો તે ઘર ની બહાર એકલી કે તેની હમઉમ્ર મિત્રો સાથે રમી રહી હોય ત્યારે અમારો ઘર વાળાઓ નો જીવ સતત એક ભય ના ઓથાર હેઠળ રહેતો હોય છે.
મને લાગે છે હવે ફિલ્મોમાં જેમ બતાવે છે તેમ આમ આદમીએ, પબ્લિકે જ કઇંક કરવું પડશે. તો જ આ દિશામાં કોઈ પરિવર્તન આવશે. ગુનેગારો ના ફોટા સુદ્ધા અખબારો માં છપાયાં છે. તેઓ આપણી વચ્ચે જ હોય છે. મીણબત્તી માર્ચ કરવા કરતાં ગુનેગારો પર ઘેરો ઘાલવા એક થવું પડશે અને તેમને કઈ રીતે સજા આપવી એના વિશે મારે કંઈ લખવાની જરૂર છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો