હજી
દસમા ધોરણના એસ. એસ. સી. બોર્ડના પેપર ફૂટયાનાં સમાચાર જૂના નથી થયા અને આ અપરાધમાં
સંડોવાયેલા બધાં અપરાધી કદાચ પકડાયા પણ નથી ત્યાં સી. બી. એસ. સી. (જે ગુણવત્તા અને
અભ્યાસક્રમની દ્રષ્ટિએ એસ. એસ. સી. બોર્ડ કરતાં ઉંચુ ગણાય છે) ના દસમા ના ગણિત અને
બારમાના અર્થશાસ્ત્રના પેપર ફૂટી જતાં તેની પરીક્ષા ફરી પાછી યોજાશે એવી અટકળો વચ્ચે
આ બાબતનો જોરદાર વિરોધ ચાલુ છે. આવી સંવેદનશીલ બાબતે પણ વિરોધ પક્ષ પેપર ફૂટવાની બદનસીબ
ઘટના માટે સરકારને જવાબદાર ઠેરવી આ મુદ્દે રાજકારણ રમી લેવાનું ચૂક્યો નથી, કેમ જાણે
તેમની સરકાર ના કાળમાં પેપર ફૂટતાં જ નહોતાં. પણ ખરું જુઓ તો આ માટે કોને જવાબદાર ગણી
શકાય?ભ્રષ્ટ અને લાલચુ શિક્ષક કે શિક્ષણ તંત્રની પરીક્ષાઓ સાથે સંકળાયેલી વ્યક્તિની
લાલચને કે ખોટું કરી પાસ થઈ જવાની નેમ રાખતા વિદ્યાર્થીઓની અનિતિ અને કુસંસ્કારોને?માબાપોની
પોતાના સંતાનો પ્રત્યેની બેકાળજીને કે શિક્ષણ તંત્રની સરીયામ નિષ્ફળતાને? વિચાર કરો
શિક્ષણનું કામ છે વિદ્યાર્થીઓને સાચું અને સારું શિખવી નિતીમત્તાને માર્ગે લઈ જવાનું
અને એ માટે જ અનિતીનો ખોટો રસ્તો?કેવો વિરોધાભાસ?
થોડાં દિવસ પહેલા જ રાણી મુખર્જીની બ્લેક ફિલ્મ
બાદ ફરી એક વાર અફલાતૂન અભિનયવાળી સુંદર ફિલ્મ હીચકી જોઈ. અહીં જાણે ફિલ્મનું એક મુખ્ય
પાત્ર હોય તેવી રાણીના પાત્ર ને હોય છે તેવી ટ્યુરેટ સિન્ડ્રોમ ની બીમારી સાથે જ શિક્ષણ
ક્ષેત્ર અંગે નાં અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓની પણ સરસ ગૂંથણી કરી છે જેમાં પેપર ફૂટયાના
મુદ્દાની પણ વાત છે. નવમા ધોરણમાં ભણતાં ઝૂંપડપટ્ટી માં રહેતાં બાળકોના હાથ માં પરીક્ષાના
આગલા દિવસે બે અઘરા વિષયના ફૂટી ગયેલા પેપર આવી જાય છે જેનો બે વિદ્યાર્થીઓ સિવાય આખો
વર્ગ બહિષ્કાર કરે છે, વિરોધ કરે છે, તેમના માટે આ પરીક્ષામાં પાસ થવું અતિ જરૂરી હોય
છે તેમ છતાં. અંતે તેઓ મહેનતના જોરે જ પાસ થઈ જાય છે અને પ્રમાણિકતા દાખવવા બદલ શ્રેષ્ઠ
વિદ્યાર્થીઓનાં બેચ નો ખિતાબ પણ પ્રાપ્ત કરે છે. જોકે આ આદર્શ ઘટના ફિલ્મ નો ભાગ છે.
શું વાસ્તવિકતા માં પણ આપણે આવું આદર્શ વર્તનના દાખવી શકીએ?
આવતી
કાલ નાં ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓની ઉગતી પેઢી સાથે આ પ્રકારના ભ્રષ્ટાચારનું વર્તન
આચરી આપણે તેમના માટે કયો દાખલો બેસાડીએ છીએ? તેઓ કદાચ જો આ ખોટી રીતે પાસ થઈ પણ ગયા
તો આગળ તેઓ ખોટું જ કરવાનું શીખી આવતી કાલ ના નાગરિક બનશે અને ભારત ને કઈ દિશા માં
લઈ જશે?
આતંકવાદી
હૂમલા કે બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ પાછળ જેમ કોઈક આપણું જ નાગરીક ફૂટી ગયું હોય છે
કે પછી બેંક ગોટાળા કે કોઈ મોટા કૌભાંડ પાછળ પણ જેમ કોઈકની લાલચ જવાબદાર હોય છે તેમ
આવી મોટી બદીઓ પાછળ શાળા કે કૉલેજ જીવન દરમ્યાન હાથ ધરેલી પેપર ફોડવા જેવી બાબત કારણભૂત
હોઈ શકે છે.
આપણે
વાલી તરીકે આપણા બાળકો આવી કોઈ ખોટી બાબત સાથે સંકળાયેલા નથી ને એ સુનિશ્ચિત કરી શકીએ
છીએ. આપણે પોતે પણ ખોટી રીતો ન આચરી તેમનાં માટે દાખલા રુપ બની શકીએ છીએ. નિયમિત રીતે
તેમની પ્રવૃત્તિઓ પર, તેમના મિત્ર વૃંદ પર નજર નાખતા રહેવું જોઈએ. તેમની સતત જાસૂસી
કરવાની વાત નથી પણ તેમના પર નજર રાખતા રહેવાની સતત જરુર છે. તેમને ટ્યુશન માટે જ્યાં
મોકલીએ છીએ તે જગા અને વ્યક્તિઓ યોગ્ય તો છે ને તેની ચકાસણી આપણે ચોક્કસ કરી શકીએ.
કદાચ મોબાઈલ પર ફરતું ફરતું ફૂટેલું પેપર વોટ્સેપ દ્વારા કે પછી અન્ય કોઇ માધ્યમથી
હાથમાં આવી પણ ચડે તો તેનો ઉપયોગ ના કરવાનું આપણે આપણાં બાળકો ને જરૂર શીખવી શકીએ.
ખોટું કે પાપ આખરે તો છાપરે ચડીને પોકારે જ છે અને સત્યનો રાહ કદાચ મોડો પણ જીવનમાં
હંમેશા સુખ અને સંતોષ આપનારો બને રહે છે એ યાદ રાખવાની અને આપણાં બાળકોને શિખવવાની
જરૂર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો