Translate

રવિવાર, 15 એપ્રિલ, 2018

વનલતા દીદીને આદરાંજલિ સાથે અલવિદા...

ગુજરાતી રંગભૂમિ અને સિનેજગતનાં પીઢ કલાકાર,બાળ રંગભૂમિ અને બાળ નાટક લેખન - સાહિત્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન કરનાર વનલતા મહેતા જેને તેમનાં સહકર્મીઓ અને વિદ્યાર્થીઓ વનુબેન કે દીદીના હૂલામણાં નામે બોલાવતાં, તેમનું ચોથી એપ્રિલ ૨૦૧૮ના દિવસે અવસાન થયું અને આ દુખદ સમાચાર સાંભળી મને એક અજબ આંચકો લાગ્યો અને એક ઉંડી ખાલીપાની લાગણીનો અનુભવ થયો.આ લાગણીઓ સાથે એક પસ્તાવાની લાગણી પણ ભળી.નોકરીએ એક દિવસ રજા મૂકી હું તેમના ઘેર જઈ ચડ્યો પણ દીદી તો ચાલ્યા ગયા હતાં,હંમેશ માટે. કાશ હું આ મુલાકાત થોડા દિવસ અગાઉ લઈ શક્યો હોત.
હું દસ-બાર વર્ષનો હતો અને પ્રથમ વાર કંઈક લખવાની શરૂઆત કરી ત્યારે વનલતા દીદીએ મને પોતે પોસ્ટકાર્ડ લખી પ્રોત્સાહન આપ્યું હતું, બિરદાવ્યો હતો.જો એ ન થયું હોત તો કદાચ મેં લખવાની શરૂઆત જ ન કરી હોત. આજે હું જે કંઇ થોડું ઘણું લખી જાણું છું અને જીવનમાં જે મુકામ સુધી પહોંચી શક્યો છું  તેનો પૂર્ણ શ્રેય હું વનલતા દીદીને આપીશ તો એ અતિશયોક્તિ નહિ ગણાય. મારા પર વનલતા દીદીને અપાર હેત. મારી કટાર નિયમિત વાંચી મને અવારનવાર પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યાં કરે અને મારા સંતાનો માટે પણ વ્હાલપૂર્વક આશિર્વાદની છડીઓ વરસાવતા રહે. નમ્યાને તો મેં દીદી સાથે ત્રણ-ચાર વાર મેળવી હતી પણ હિતાર્થને હું દીદીને ન મેળવી શક્યો અને તેમનો મમતાભર્યો હાથ તેના માથા પર ને ફેરવી શક્યાનો પસ્તાવો મને હવે જિંદગીભર રહેશે. હિતાર્થના પ્રથમ જન્મદિન વખતે તેનો ફોટો અખબારમાં આપ્યો હતો તે જોઇ દીદીના હરખનો પાર નહોતો રહ્યો અને તરત તેમણે મને ફોન કરી હિતાર્થ માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારે જ મને તીવ્ર ઇચ્છા થઈ આવી હતી કે જલ્દી જ હું સપરીવાર દીદીની મુલાકાત લઉં અને તેમની રુબરુ ભેટ હિતાર્થ સાથે કરાવું પણ આ વિચારને મેં બે-ત્રણ મહિના સુધી મનમાં જ મમળાવ્યે રાખ્યો, તેને અમલમાં મૂક્યો નહિ અને દીદી ચાલ્યા ગયા સદાય માટે. હવે હું હિતાર્થને ક્યારેય તેમના પ્રત્યક્ષ દર્શન કરાવી શકીશ નહિ.આ વાતનો પસ્તાવો મને સદાયે રહેશે.
જન્મભૂમિની યુવાભૂમિ પૂર્તિમાં પ્રશ્નોત્તરીની કટાર વર્ષો સુધી લખનાર સ્વ.કિશોર દવેનું ફેબ્રુઆરીમાં અવસાન થયું તેના થોડા દિવસ અગાઉ જ મારી તેમની સાથે વાતચીત થયેલી અને અમે પ્રત્યક્ષ મળવાનું નક્કી કર્યું હતું પણ દૈનિક જીવનની ઘરેડમાં અને વ્યસ્તતાને કારણે અગ્રતા ફરી પાછલી પાટલીએ બેસી જતાં એ અંતિમ મુલાકાત થઈ જ ન શકી અને કિશોર ભાઈ પણ પરમ ધામે સિધાવી ગયાં. આ વાત પણ આજે મને દુખી કરી મુકે છે .
આ વાતો શેર કરવાનું કારણ એ જ છે કે હું ઇચ્છું છું કે તમે મનમાં ઉદભવતી મહત્વની બાબતોને જીવનમાં  અગ્રતા આપી તરત અમલમાં મૂકો અને અપાર પસ્તાવાની લાગણીનો અનુભવ કરવામાંથી બચી શકો.
વિતેલો સમય પાછો ફરતો નથી એ હકીકત આપણે સૌ જાણીએ છીએ છતાં કેટલીક વાર આપણે અમુક મહત્વની વાત ને જરુરી અગ્રતા આપવાનું ચૂકી જઈએ છીએ અને પછી રહી જાય છે આપણી પાસે નર્યો પસ્તાવો. એમ.બી.એ.ના અભ્યાસમાં અગ્રતા (પ્રાયોરીટી)ને ખુબ મહત્વ આપવામાં આવે છે અને કોર્પોરેટ વર્લ્ડમાં પણ આ બાબત અતિ અગત્યનો ભાગ ભજવે છે.
ઘણી વાર આપણે આપણાં કામમાં - વર્ક લાઈફમાં એટલા વ્યસ્ત થઈ જતા હોઇએ છીએ કે આપણે આપણાં પરિવારજનોને - મિત્રોને મળવાનું,તેમની સાથે સમય ગાળવાનું ટાળતા હોઈએ છીએ પણ એ યાદ રાખવું જરૂરી છે કે કપરા કાળમાં એ લોકો જ છે જે આપણને સાચો સાથ - સહકાર આપી જરૂરી પીઠબળ પુરું પાડવાના છે. માટે તેમની આપણે ક્યારેય અવગણના કરવી જોઇએ નહિ.એટલું જ નહિ , તેમના પ્રત્યેની લાગણી યોગ્ય રીતે દર્શાવવી - વ્યક્ત કરવી પણ એટલી જ જરૂરી છે.
જીવનમાં યોગ્ય બાબતોને અગ્રતા આપવી અને તેનો સમયસર અમલ કરવો ખૂબ જરૂરી છે.આપણાં સ્નેહીજનો અને મિત્રોને સમય અને અગ્રતા આપવા જ રહ્યાં કારણ કામ કામ અને કામ કરતાં જો તેમને મહત્વ આપવાનું અને અગ્રતા આપવાનું ભૂલી જઈશું તો પછી સમય વહી જતાં થતો પસ્તાવો કોરી ખાશે અને તેનું દુ:ખ કાયમ મનને ગ્લાનિ આપતું રહેશે.માટે જ જીવન ગમે તેટલું વ્યસ્ત હોય પણ વચ્ચે બ્રેક લેતાં શિખવું જોઇએ અને વર્ક- લાઈફ બેલેન્સ જાળવવું જોઇએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો