તમે થિયેટરમાં
ફિલ્મ જોઈ રહ્યાં હોવ, પડદા પર ગાડી પૂરપાટ ઝડપે જઈ રહી હોય અને તમારી સીટ પણ સાથે
ધ્રૂજે જેથી તમને પણ તમે એ ગાડીમાં પ્રત્યક્ષ બેઠાં હોવ તેવો અનુભવ થાય, વચ્ચે કોઇ
અડચણ આવે તો તમે પણ તમારી સીટ પર બેઠાં બેઠાં આંચકો અનુભવો, ગાડી જમણે કે ડાબે વળે
તો તમારી સીટ પણ એ રીતે હલે કે તમને તમે પોતે એ ગાડીમાં બેઠાં હોવ એવું જ લાગે! સ્ક્રીન પર ધુમાડો આવે એવો સીન હોય તો તમારી બેઠકની
આસપાસ પણ સાચો ધુમાડો છોડવામાં આવે. સ્ક્રીન પર સૂસવાટા મારતો પવન વાતો હોય તો તમારી
સીટની આસપાસ પણ એ રીતે હવા છોડવામાં આવે કે તમને એ પવનનો સ્પર્શ અનુભવાય! પિક્ચરમાં
વિજળી પડે એવો સીન હોય તો થિયેટરમાં પણ એવી લાઈટ ઇફેક્ટ્સ પ્રયોજવામાં આવે કે તમને
તમારી આસપાસ સાચે વિજળી થઈ રહી હોવાનો અનુભવ થાય. આ છે નવી ટેક્નોલોજી ૪ડીએક્સ ની કમાલ!
થ્રીડી
ફિલ્મ તમારે ખાસ પ્રકારનાં ગોગલ પહેરી જોવી પડે જેમાં સ્ક્રીન પરની વસ્તુઓ તમારી પર
સાચે આવી પડતી હોય તેવો ભાસ ઉભો કરાય, તેનાથી પણ એક ડગલું આગળ વધી ૪ડીએક્સ દ્વારા મોશન
પિક્ચર રજૂ કરતી વખતે તમારી સીટ ધ્રુજાવી, પવન, વરસાદ, પ્રકાશ અને વાસ જેવી પર્યાવરણીય
અસરો ભેળવી તમને થતાં અનુભવમાં એક નવું પરિમાણ ઉમેરાય છે જેથી તમારો અનુભવ વધુ મમળાવવાલાયક
અને યાદગાર બની રહે.
૪ડીએક્સ
એક મોશન પિક્ચર ટેક્નોલોજી છે જે સીજે ગ્રુપની દક્ષિણ કોરિયાઈ કંપની સીજે ૪ડીપ્લેક્સ
દ્વારા વિક્સાવાઈ છે. લોનાવાલા નજીક આવેલ થીમ પાર્ક ઇમેજીકા એડલેબ્સમાં બે-ત્રણ રાઈડ્સ
તમને આ ૪ડીએક્સ નો અનુભવ કરાવે છે પણ એટલે બધે લાંબે ન જવું હોય તો મુંબઈનાં કેટલાક
થિયેટર્સમાં હવે આ ટેક્નોલોજી ઉપલબ્ધ છે. મલાડનાં ઇન્ફિનીટી અને ઇનઓર્બીટ મોલમાં, થાણેના
વિવિયાના મોલમાં, કુર્લાનાં ફિનિક્સ માર્કેટ સીટી મોલમાં આ ટેક્નોલોજી ધરાવતા થિયેટર્સ
છે જ્યાં તમે હાલમાં ચાલી રહેલી અવેન્જર્સ
શ્રેણીની અંતિમ ફિલ્મ કે ડીટેક્ટીવ પિકાચુ જેવી સ્પેશિઅલ ઇફેક્ટ્સ ધરાવતી ફિલ્મો ૪ડીએક્સ
ઈફેક્ટ્સ સાથે માણી શકો છો. ટિકીટના ભાવ આ થિયેટર્સમાં થોડાં વધુ હોય પણ સવારનાં શો
ની ટિકીટના ભાવ પછીના સામાન્ય શો ની ટિકીટના ભાવ કરતાં ઓછા હોય છે. ૪ડીએક્સમાં પિક્ચરની
મજાનો અનુભવ ચોક્કસ માણવા જેવો ખરો!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો