આપણામાંના ઘણાં, પશુ - પક્ષીઓ પ્રત્યે દયા - કાળજી ધરાવનારા છીએ અને આ એક સારી પણ બાબત છે. સર્વ જીવો પ્રત્યે સમભાવ - મમતા રાખવાં સરાહનીય છે. પણ આપણાં વડવાઓ કેટલીક સચોટ મજાની કહેવતો કહી ગયાં છે. પરોપકારી વૃત્તિને અનુલક્ષીને એક કહેવત છે કે ધરમ કરતા ધાડ પડી અર્થાત્ આપણે કોઈક બાબત સારા આશય સાથે કરવા જઈએ પણ આફત નોતરી બેસીએ. કબૂતરને ચણ નાખતા આવો જ કઇંક ઘાટ સર્જાય છે. એ અંગે આજે ચર્ચા માંડવી છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે જાહેર જગાઓએ કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાક લોકોએ અને પ્રાણીપ્રેમી-જીવદયા સંસ્થાઓએ આમ થવા પાછળનું મૂળ કારણ જાણ્યા વગર તેનો વિરોધ પણ નોંધાવ્યો છે. પણ કદાચ આજનો લેખ વાંચ્યા બાદ તમે એ પ્રતિબંધનું સમર્થન કરવા માંડશો, તમારા ઘર આંગણે કબૂતરને ચણ નાખવાનું બંધ કરી દેશો.
શું તમને ખ્યાલ છે કે કબૂતરની ચરક કે હગાર જો તરત સાફ ન કરવામાં આવે અને તે સુકાઈ ને પડી રહે તો તેમાં એક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા અને હિસ્ટોપ્લાસ્મા નામની ફૂગ પેદા થાય છે જે તમારા ફેફસાંમાં જાય તો અનેક જાતના રોગ નોતરી શકે છે અને ક્યારેક જીવલેણ સુદ્ધા સાબિત થઈ શકે છે. કબૂતરના સુકાયેલા મળની ઉડતી રજ શ્વસન અંગોમાં અને ફેફસામાં જાય તો સામાન્ય શરદી અને તાવથી લઈ ન્યૂમોનિયા કે ગંભીર ચેપ જેવી બીમારી લાગૂ પડી શકે છે, અસ્થમાના દર્દી કે નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આ બીમારીઓથી વધુ અને જલ્દી પ્રભાવિત થઈ શકે છે. એક સાજી-સારી ગુજરાતી મહિલા આ કબૂતર - પ્રકોપનો ભોગ બની મોતના મુખેથી પાછી ફરી છે તેના જીવનની પ્રેરણાત્મક વાત આ મુદ્દે વધુ જાગૃતિ લાવવાના હેતુ સાથે અહીં રજૂ કરું છું.
નાનકડું કદ પણ મહામોટું મનોબળ ધરાવતી એ નમ્ર મહિલાનું નામ નમ્રતા ત્રિવેદી. ગુજરાતી માધ્યમમાં ભણી ડી. એડ.-બી. એ. નો અભ્યાસ કરી ચૌદ વર્ષ શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ, એર હોસ્ટેસ બનવાની ઇચ્છા ધરાવતી નમ્રતાએ ઐરાવત એવીએશન સંસ્થા દ્વારા એરપોર્ટ હેન્ડલિંગ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ પૂરો કરી અંધેરીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગ્રાઉંડ સ્ટાફર તરીકે ચાર વર્ષ નોકરી કરી. અહીં સુધી જીવનમાં બધું વ્યવસ્થિત ચાલ્યું પણ વર્ષ ૨૦૧૧માં તેને સૂકી ખાંસી થઈ જે મટવાનું નામ જ નહોતી લેતી. છ-એક મહિના સુધી સામાન્ય દવાઓ લીધા કરી, ફેમીલી ડૉક્ટરની દવા લીધી, ઘરેલું ઉપચાર કર્યાં. કાન - નાક - ગળાના ડૉક્ટર ને બતાવ્યું, ટી. બી. નથી તેની ખાતરી કરવા તેના રિપોર્ટ કઢાવ્યાં. છેવટે એક ચેસ્ટ સ્પેશીયલિસ્ટ ડૉક્ટરના મતાનુસાર સી. ટી. સ્કેન રિપોર્ટ કઢાવ્યો, તેમાં તેના ફેફસા પર કરોળિયાના જાળાં જેવાં કાળા થર જામેલા જોવા મળ્યાં. એ જોઈ એક ડોક્ટરે તો તેના માતાપિતા ને એવી આગાહી કરી ગભરાવી માર્યા કે તમારી દીકરી હવે વધુ માં વધુ ત્રણેક વર્ષ જીવશે. ભળતી દવાઓ અને સ્ટેરોઈડસના હેવી ડોઝ લેવાને કારણે તેની તબિયત વધુ કથળી. પણ તેના પતિ દિવ્યેશ અને માતાપિતાનો મજબૂત સહયોગ તેને આવી કપરી પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનું બળ પૂરું પાડી રહ્યો. આખરે હિન્દુજા હોસ્પિટલના ડૉક્ટર ઝરીર ઉદ્વાડીઆએ તેમને બ્રોન્કોસ્કોપી, બાયોપ્સી બાદ રોગનું ચોંકાવનારું ખરું નિદાન કર્યું. તેમને થયેલ વ્યાધિનું કારણ હતું - પીજન ઈન્ડ્યુસ્ડ હાઇપરસેન્સિટિવીટી ન્યૂમોનાઈટીસ. મૂળ વાત એમ હતી કે નમ્રતા જ્યાં રહેતી તે બિલ્ડીંગમાં તેમની બાજુનો જ ફ્લેટ ખાલી હતો. જેમાં કબૂતર રહેતા હતાં. તેમના બિલ્ડીંગમાં આમ પણ કબૂતરો ખૂબ વધારે પ્રમાણમાં રહેતા હતાં. ભોળે ભાવે જીવદયાના વિચારો અનુસરતા નમ્રતાનો પરિવાર પણ કબૂતરોને ચણ નાખતો. પણ યોગ્ય સફાઈના અભાવે અને બાજુના જ બંધ ફ્લેટમાં કબૂતરના ઉપદ્રવને લીધે સૂકાયેલા હગારની રજ - તેમાંની ફૂગ નમ્રતાના ફેફસામાં ગઈ અને તેણે કાળો કેર વર્તાવ્યો. આ ભયંકર બિમારીએ એવો ભરડો લીધો કે તેની ચુંગાલમાંથી બહાર નીકળતા નમ્રતાના જીવનના ચાર - પાંચ વર્ષનો ભોગ લેવાઈ ગયો, સાથે જ શારીરિક - માનસિક યાતના અને પૈસાના પાણી વધારામાં. તે સરખો શ્વાસ ન લઈ શકે, આખી આખી રાત ઉંઘી ન શકે, ઘડી ઘડી ચક્કર ખાઈ પડી જાય - આ બધું ભોગવ્યું. ભારે દવાઓ અને સ્ટેરોઈડસ ની આડ અસર ને કારણે હાડકાં નબળા પડી જાય, દાંત બરડ અને પોલા થઈ જાય, આંખો નબળી પડી જાય આ બધાં ને પરિણામે તેમની મોઢાંની ત્રણેક સર્જરી કરવી પડી. પણ તેનું મનોબળ અકબંધ રહ્યું. જીજીવિષા જીતી ગઈ અને નમ્રતા રાખમાંથી ઉભા થયેલા ફિનિકસ પંખીની માફક બેઠી થઈ.
પાંચેક વર્ષ સારવાર બાદ તેને કબૂતર દ્વારા લાગેલી બિમારી માંથી મુક્તિ મળી. જો કે આજે પણ તેની સારવાર ચાલુ જ છે અને દવાઓ અને સ્ટેરોઈડસને કારણે કેલ્સિયમ સ્ટોન સર્જાતા તેને નાની મોટી સર્જરીઓ કરાવવી પડે છે. તેને નવજીવન મળ્યું તેનો યશ તે આપે છે પોતાના જીવનસાથી દિવ્યેશ, માતાપિતા તથા હિન્દુજા હોસ્પિટલના ડૉ. ઝરીર ઉદ્વાડીઆ અને લીલાવતી હોસ્પિટલના ડૉ. પ્રહલાદ પ્રભુ દેસાઈ તથા ગોરેગામમાં ચાલતા તેમના પલ્મોનરી રીહેબ સેન્ટરને જ્યાં આજે પણ નમ્રતા ઉત્સાહ સાથે ત્યાંની પ્રવૃતિઓમાં સક્રિય ભાગ ભજવે છે.
સતત કઇંક ને કંઈક નવું કરતા રહેવાનો શોખ ધરાવનાર નમ્રતા સ્વચ્છ અને સુઘડ રહેવાનો શોખ પણ ધરાવે છે અને હવે આઠ મહિનાનો બ્યુટીશિયન - હેર સ્ટાઇલિસ્ટનો કોર્સ કરી તે મીરા રોડમાં એક સલૂન મેનેજર તરીકે ફરજ બજાવે છે. કબૂતર દ્વારા ફેલાતી આ બીમારી અંગે જાગૃતિ ફેલાવતી એકોકતી તેઓ ભજવી ચૂક્યા છે - ભજવે છે અને જે સોસાયટી - બિલ્ડિંગ વગેરે ને આ અંગે માર્ગદર્શન જોઈએ તે નમ્રતા ઉત્સાહ પૂર્વક પૂરાં પાડે છે. આ દિશામાં વધુ સારું અને અર્થપૂર્ણ કામ કરવા તે એક એન. જી. ઓ. સ્થાપવાની પણ મહેચ્છા ધરાવે છે.
ફરી કબૂતરને ચણ નાખવાની મૂળ વાત પર પાછા ફરીએ.આ થોડાં-ઘણાં સૂચન ધ્યાનમાં રાખીએ. એક તો કબૂતરને જ્યાં ત્યાં જાહેર જગાએ ચણ ન નાંખીએ. ગંદવાડ ન ફેલાવીએ. પક્ષીને ચબૂતરા કે ચોક્કસ જગાએ ચણ નાંખતા પણ હોઈએ તો આ જગાની સ્વચ્છતા અંગે પૂરેપૂરી તકેદારી લઈએ, કબૂતર કે કોઈ પણ પંખી કે પશુની હગાર કે મળમૂત્ર સુકાવા ન દેતા તેનો તાત્કાલિક નિકાલ કરીએ કે કરાવીએ. આપણા ઘર કે બિલ્ડીંગમાં કબૂતરજાળી લગાડીએ. કેટલાક લોકો દરિયાઈ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે જે આ પક્ષીઓના સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક સાબિત થાય છે. આમ કરવું સદંતર બંધ કરી દઈએ. ઉનાળામાં કાળઝાળ ગરમીથી ત્રસ્ત પશુપક્ષીઓ માટે પાણીના પાત્ર જરૂર મૂકીએ પણ તેની આસપાસ સ્વચ્છતાનું પણ અતિ સજાગતાપૂર્વક ધ્યાન રાખીએ.
તમારો કબૂતર ને ચણ કે આફતને આમંત્રણ બ્લૉગ લેખ વાંચ્યો. આ અછૂતા મુદ્દા અંગે જાગૃતિ લાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું પોતે આ સમસ્યાનો ભોગ બની ચૂકી છું અને લેખમાં જેમનો ઉલ્લેખ હતો તે ડૉક્ટર્સની દવા મેં પણ લીધી છે. મારા ફેફસાં પર પણ કબૂતરના હગારની ફૂગને લીધે જ જાળાં બાઝી ગયા હતાં અને હું હજી સુધી સંપૂર્ણ સાજી થઈ શકી નથી.
જવાબ આપોકાઢી નાખોહું પણ આ કબૂતરથી ફેલાનારા રોગ નો ભોગ બની ચૂકયો છું. હું એક સમયે અમારી રહેણાંક સોસાયટીનો અધ્યક્ષ રહી ચૂક્યો છું અને મેં કબૂતરને સોસાયટીના પ્રાંગણમાં ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવાનો સારો એવો પ્રયાસ કર્યો હતો પણ અમારી સોસાયટીના જ કેટલાક જીવદયા પ્રેમીઓએ મને એમાં સફળ થવા દીધો નહોતો. તેમનો એવો આગ્રહ હતો કે તેઓ પોતાના હાથે જ સોસાયટીના પ્રાંગણમાં જ ચણ નાખે. અમારી સોસાયટીનું બિલ્ડીંગ રી-ડેવલપમેન્ટમાં જવાનું હતું પણ તે આ જીવદયા પ્રેમીઓને લીધે જ શક્ય ના બન્યું. તેમણે એવી માંગણી મૂકી કે સોસાયટીનું બિલ્ડીંગ રી-ડેવલપ થાય ત્યારે તેના પ્રાંગણમાં જ એક કરતાં વધુ ચબૂતરા બનાવવામાં આવે. આ મુદ્દાને લીધે રી-ડેવલપમેન્ટનું કામ આગળ વધી શક્યું નહીં. આશા છે કે તમારો બ્લોગ લેખ વાંચી વધુ ને વધુ સોસાયટીઓ કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવા તૈયાર થાય. સર્વોચ્ચ અદાલતે પણ આ અંગે ચોખવટ કરેલી છે અને પ્રતિબંધનું સમર્થન કરેલું છે. લોકો સમજે અને સ્વચ્છતા પર ધ્યાન આપે.
જવાબ આપોકાઢી નાખોકબૂતરને ચણ નાખવાથી થતા ગેરફાયદા અને તેના પર પ્રતિબંધ અંગેનો બ્લોગ લેખ એક આવકાર દાયક પગલું છે. આ દિશામાં વધુ નક્કર પગલા લેવાની જરૂર છે.
જવાબ આપોકાઢી નાખોકબૂતર ને ચણ કે આફતને આમંત્રણ બ્લૉગ લેખ આંખ ઉઘાડનારો બની રહ્યો. કબૂતરોને લીધે સ્વાસ્થ્ય સામે ઉભા થતા આ ગંભીર ભય અને જોખમને લીધે જ લંડનના ટ્રાફલગર સ્કવેર ખાતે હવે એક પણ કબૂતર જોવા મળતું નથી,જ્યાં અગાઉ કબૂતરો જ પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતાં. આ રોગનો ફેલાવો થતો અટકાવવા જ બ્રિટીશ સરકારે તાત્કાલિક પગલાં લીધાં. તમારી કટાર દ્વારા આ અંગે જાગૃતિ ફેલાવવા બદલ આભાર.
જવાબ આપોકાઢી નાખોઅમારા સગામાં એક યુવાનને બ્લોગ લેખમાં નમ્રતાબેન ને જે રોગની વાત કરી હતી તે જ રોગ લાગુ પડ્યો છે.પ્રાર્થના કે આ દિશામાં નક્કર પગલાં લેવાય અને આ રોગ ફેલાતો અટકાય.
જવાબ આપોકાઢી નાખોબ્લડ પ્રેશર અને ડીપ્રેશન કેમ?કેન્સર કેમ?જુવાન માણસને બ્રેન સ્ટ્રોક કેમ?ડાયાબીટીસ - ડાયાલીસીસ કેમ?કુદરતી આફતો અને દુકાળ કેમ?ધરતી કંપ અને આપઘાત કેમ? કારણ આપણે દયાને દીલમાંથી દેશવટો આપી દીધો છે.દયા પરમ ધર્મનું મૂળ છે.પશુ પંખીને ખવડાવવાથી પુણ્ય થાય છે.પુણ્યથી રોગ આવતા અટકી જાય છે.પાપથી ભયંકર રોગોમાં સપડાઈ જવાય છે.કુપ્રચાર થાય છે કે પંખીને ચણ નાખવાથી રોગ થાય છે.અમદાવાદમાં ખંભાતમાં ગલીએ ગલીએ ચબૂતરા હતાં.જીવતા ભગવાન ગૌમાતા-કબૂતરને ખવડાવવાની મજા ઓર જ છે.
જવાબ આપોકાઢી નાખોલેખની તરફેણમાં વધુ પ્રતિભાવો અને માત્ર એક જ પ્રતિભાવ તેની વિરુદ્ધમાં આવ્યો હોવાની ખુશી છે કારણ તેનો અર્થ લોકો હવે સમજવા લાગ્યા છે કે જીવદયા સારી વાત છે પણ સાથે સ્વચ્છતા અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વનું અને જરૂરી છે.
જવાબ આપોકાઢી નાખો'કબૂતરને ચણ' બ્લૉગ લેખના અનુસંધાનમાં જણાવવાનું કે કોઈ પણ વ્યક્તિને કોઈ રોગ થવાનો હશે તો દુનિયાની કોઈ તાકાત તે થતાં રોકી શકે નહીં. જૈન આશ્રમો તેમજ હિન્દુ શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે. આજે અનેક જગ્યાઓએ અન્નદાન, પાણી દાન અને સદાવ્રત ખાતાઓ ચાલે જ છે. એકલ દોકલ વ્યક્તિને થતાં રોગથી સર્વે ને તેમ જ થશે એમ માનવું અતિશયોક્તિ ભર્યું છે. પૃથ્વીનું તાપમાન પણ વધતું જશે અને નવા રોગો ઉદ્ભવિત થશે માટે શાંતિદૂત - કબૂતરને અપાતા ચણનો વિરોધ ન જ થવો જોઈએ. પહેલા ના જમાનામાં તો ગામે ગામે ચબૂતારા રહેતા અને સવારે સૂર્યોદય સમયે નાખેલ ચણ માત્ર પંદરેક મિનિટમાં કબૂતરો ખાઈ લેતા. ત્યારે બ્લૉગમાં ઉલ્લેખ કર્યો છે તેવા રોગો થતાં નહોતાં. કરોડો લોકોમાંથી બે પાંચ જણને થતાં રોગ હોય તો તે ગમે ત્યાં થવાના જ.
જવાબ આપોકાઢી નાખો