અત્યાર સુધી ઘણા પ્રવાસ લેખ લખ્યાં બ્લોગમાં.વિદેશ પ્રવાસના લેખો માત્ર વાંચ્યા હતાં કારણ વિદેશ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહોતું!આખો એક પાસપોર્ટ કોરો કોરો જ એક્સપાયર થઈ ગયેલો ૨૦૧૧માં!એટલે નિર્ધાર કરેલો પાસપોર્ટ રીન્યુ કરાવતી વખતે કે હવે આ નવા પાસપોર્ટમાં તો વિદેશી વિઝા નો થપ્પો લઈને જ જંપીશ! સદનસીબે ઇશ્વરે આ ઇચ્છા ફળીભૂત કરી! મે મહિનામાં મેં મારો પ્રથમ વિદેશ પ્રવાસ ખેડ્યો - ફ્રાન્સ અને સ્વિતઝરલેન્ડ માં. દરેક પ્રથમ વસ્તુઓનું જીવનમાં નોખું અને વિશેષ મહત્વ રહેતું હોય છે! એ કારણથી પણ આ પ્રવાસ માત્ર સાત-આઠ દિવસની ટૂંકી અવધિનો જ હોવા છતાં અવિસ્મરણીય
બની રહ્યો. તેના વિશે વાત કરીશ હવે પછીના બે-ત્રણ સપ્તાહ સુધી બ્લોગ થકી.
પ્રથમ વાર પરદેશની ભૂમિ પર પગ મૂકવાનો હતો અને પ્રથમ વિદેશ પ્રવાસ વિશેષ પણ હોવો જોઇએ એ આશયથી ફ્રાન્સ પર પસંદગી ઉતારી. ત્યાં મારી પિત્રાઈ બહેન નેહા રહે છે. તેના દોઢેક વર્ષ અગાઉ ભૌમિક સાથે લગ્ન થયા છે અને તેઓ બંને ત્યાં જ પેરીસ ખાતે સ્થાયી થયાં છે. વિશ્વના સૌથી સુંદર અને અન્ય અનેક લાક્ષણિકતાઓ
ધરાવતા સ્વિતઝરલેન્ડનું આકર્ષણ ભાગ્યે જ કોઈ ને નહિ હોય! નેહા-ભૌમિક પણ ત્યાં અત્યાર સુધી ગયા નહોતા એટલે ત્યાં જવાનો પણ અમે વિચાર કર્યો. સાત-આઠ દિવસમાં હજી વધુ દેશોનો સમાવેશ શક્ય નહોતો નહિતર મેં તો હજી બીજા બે-ત્રણ ખાસ દેશો મુલાકાત લેવાના દેશોની એ યાદીમાં ઉમેરી દીધા હોત! ખુબ વધુ ફર ફર કરવાની જગાએ એક ચોક્કસ જગાની લિજ્જત વધુ સારી રીતે માણવામાં વધુ ડહાપણ છે. ચાર દિવસ ફ્રાન્સ અને ત્રણ દિવસ સ્વિતઝરલેન્ડ એમ નક્કી થયું. ભૌમિક આઠસો-એક કિલોમીટરનું
અંતર ડ્રાઈવ કરી ફ્રાન્સ-પેરીસથી સ્વિતઝરલેન્ડ લઈ જવાનો હતો. એમાં પણ આવવા જવાના અઢારેક કલાક ગણી લેવાના.એટલે મેં બે દેશોનો જ પ્રવાસ કરવાનું નક્કી કરી મન મનાવ્યું!
વિદેશ પ્રવાસની તૈયારી જેટલી જલ્દી કરો એટલું વધુ સારું. કારણ અહિ અનેક ફોર્માલીટીસ
કરવી પડતી હોય છે જે સ્થાનિક-દેશની અંદરના જ પ્રવાસ કરતા જુદી અને થોડી જટીલ પણ હોય છે. તમે જેટલું એડવાન્સ પ્લાનિંગ કરો એટલો ફાયદો પણ વધુ થાય. હવાઈ મુસાફરી, હોટલ કે હોમસ્ટે ના દર વગેરે બધામાં નાણાંની બચત થાય. મેં ત્રણ મહિના અગાઉ ફેબ્રુઆરીમાં જ સાઉદી અરેબિયન એરલાઈન્સની રીટર્ન ટિકીટ બુક કરી લીધી. જલ્દી બુકિંગ કરવાને લીધે ટિકીટ ઘણાં સસ્તામાં પડી.
તમે ફ્રાન્સમાં જાવ એટલે વિઝા જોઇએ. ફ્રાન્સ શેનઝેન યુરોપીય દેશના જૂથમાં નો એક હોવાથી ત્યાં જવા શેનઝેન વિઝા માટે અપ્લાય કરવું પડે.આ કોમન વિઝા બેલ્જિયમ, ઇટલી, જર્મની, પોર્ટુગલ,
ડેન્માર્ક, સ્વિત્ઝરલેન્ડ,
સ્વીડન, પોલેન્ડ, ફિનલેન્ડ વગેરે ૨૬ દેશમાં ચાલે. આમાંના કોઈ પણ દેશની મુલાકાતે જવા શેનઝેન વિઝા માટે અપ્લાય કરવું પડે અને એક વાર વિઝા મળ્યા પછી તમે એ જૂથમાં ના કોઈ પણ દેશમાં પ્રવાસ કરી શકો.પણ યુરોપમાં ના લંડન કે અન્ય કોઈ દેશ જે શેન્જેન જૂથનો સમૂહ ન હોય તેના માટે અલગ વિઝા અપ્લાય કરવા પડે. જો કે વિઝા માટે અપ્લાય કરવાની અને એ પછીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન તેમજ તમારી રુબરુ એકાદ-બે ફરજીયાત મુલાકાત સાથે સંપન્ન થઈ જાય. અહિં બાકીની ભારતીય સરકારી પ્રક્રિયાઓ
જેવું ખાતું જોવા ન મળે.વિદેશ સાથે જોડાયેલી બધી બાબતો કેમ સારી અને ચડીયાતી હશે? મને આશા છે પ્રધાનમંત્રી મોદી સાહેબનું ભારતને ઉત્ક્રુષ્ટ રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જલ્દી પરિપૂર્ણ થાય.
ફ્રાન્સમાં
જવું હોય તો તમારે ત્યાંના કોઈ રહેવાસી જે તમારા સગા-કે-મિત્ર હોય તેની પાસેથી ત્યાંના અધિકારી સૂત્રો દ્વારા માન્યતા પ્રાપ્ત ઓથોરીટી લેટર મેળવવો પડે જેમાં એ તમને પોતાના ઘરમાં તમારા ત્યાંના સંપૂર્ણ રોકાણ દરમ્યાન રહેઠાણ પૂરું પાડવાના છે એની બાહેંધરી હોય અથવા તમારે ફ્લાઈટની રીટર્ન ટિકીટ હોય એટલા પૂરા સમય સુધીની હોટલ બુકીંગની સાબિતી આપવી પડે અને સાથે સંપૂર્ણ આઇટીનેરરી
એટલે કે આખું સમયપત્રક જે જણાવે કે તમે ક્યાંથી ક્યાં જવાના છો વગેરે પણ આપવા પડે. તમારા એમ્પ્લોયર પાસેથી તમે પાછા ચોક્કસ તારીખે નોકરીએ જોડાવાના છો અને તમારી આ સમય દરમ્યાનની
રજા તેણે મંજૂર કરી છે એ દર્શાવતો પત્ર પણ તમારે આપવો પડે. આ સાથે તમારા ત્રણેક મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ,પાછલા ત્રણ વર્ષની આયકર રીટર્ન ફાઈલ કર્યાની સાબિતી તેમજ તમે શામાટે જઈ રહ્યા છો તેની વિગત સાથેની જે-તે દેશના કોન્સ્યુલેટને સંબોધીને લખેલી અરજી આટલી બધી વિગતો પૂરી પાડો ત્યારે તમને વિઝા મળે.
મેં વિઝા માટે જરૂરી બધાં દસ્તાવેજો બરાબર આપ્યાં હતાં એટલે જે દિવસે વિઝા અપ્લિકેશન સુપ્રત કરી એના બીજે જ દિવસે વિઝા મળી ગયાં.
સારા કામમાં સો વિઘ્નો આવે એવી આપણામાં કહેવત છે.મારા,મારી
પત્ની અમીના અને પુત્રી નમ્યાનાં ટિકીટ,વિઝા વગરે ખાસ્સી મહેનત કરી મેળવ્યાં બાદ સારૂં
એવું પ્લાનીંગ પણ કર્યું હતું જવાનું પણ છેલ્લી ઘડીએ અમીની તબિયત નાદુરસ્ત થઈ જવાને
કારણે આખો પ્લાન પડતો મૂકવાનો વિચાર કર્યો ત્યારે અમી જ આગ્રહ કર્યો કે મારે વિદેશ
જવાનો પ્લાન કેન્સલ ન કરવો. નમ્યાને લઈ જવાની મારી ઇચ્છા હતી પણ આટલે દૂર તેની માતા
વગર તેને લઈ જવ માટે ઘરનાં અન્ય સભ્યોએ પણ મના ફરમાવી અને હું એકલો રવાના થયો ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની
યાત્રાએ - મારા પ્રથમ વિદેશ પ્રવાસે!
મેં બર્મ્યુડા પહેર્યો હતો અને ફ્રાન્સની મારી ફ્લાઈટ જેદ્દાહ
થઈને જવાની હતી.સારું થયું કે લગેજ ચેક ઇન કરાવતી વખતે સાઉદી અરેબિયન સ્ટાફની યુવતિની
નજર મારા પર પડી અને તેણે કહ્યું જેદ્દાહ કે રીયાધમાં બર્મ્યુડા કે થ્રી-ફોર્થ માન્ય
નથી.મેં તરત ફુલ લેન્થ પેન્ટ પહેરી લીધું!
થોડા ઘણાં ભારતીય નાણાંને ફ્રાન્સ કરન્સીમાં કન્વર્ટ કરી
ફ્રાન્સ યુરોની રકમ સાથે લીધી.હવાઈ મથકો પર આ માટે તમારે ખાસ્સી વધુ ફી ચૂકવવી પડે
આથી સલાહ ભર્યું છે કે તમે પહેલેથી વિદેશની કરન્સીની વ્યવસ્થા અન્ય માન્યતાપ્રાપ્ત
જગાએથી કરી લીધી હોય.તમારા ઇન્ટરનેશનલ ક્રેડીટ કે ડેબીટ કાર્ડને પણ ઇન્ટરનેશનલ ટ્રાન્સેકશન્સ
માટે એનેબલ કરાવવું પડે એ જરૂરી અને ઉપયોગી સાબિત થાય એવું છે.
સ્થાનિક હવાઈ પ્રવાસ
માટે ન કરવી પડે પણ વિદેશપ્રવાસ માટે ફરજિયાત અને અતિ અગત્યની ફોર્માલીટી એટલે ઇમીગ્રેશન
ચેક. જુદી જુદી જાતિના,જુદા જુદા દેશોની રાષ્ટ્રીયતા ધરાવતી લોકોની એક લાંબી કતાર એટલે
આ ઇમીગ્રેશન ચેક માટેની લાઈન.એમાંજ તમારો દોઢેક કલાક નિકળી જાય પછી તમે દેશમાં પ્રવેશી
રહ્યાં હોવ કે દેશ છોડીને જઈ રહ્યાં હોય એમ બંને વખતે અને જે દેશ છોડો તેમાં પણ અને
જે દેશમાં પ્રવેશો તેમાં પણ તમારે આ એક અતિ અગત્યની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે.અને
ભારત હોય કે વિદેશ બધે આ પ્રક્રિયા લગભગ એક સમાન. ફ્રાન્સમાં મને માત્ર એક ફરક જોવા
મળ્યો. ફ્રાન્સમાં ત્યાંના સ્થાનિક રહેવાસીઓ માટે અલાયદી કતાર હતી જેમાં ફ્રાન્સનાં
નાગરીકોને ઓછો સમય લાગે. ભારતમાં આવી કોઈ વિશેષ સુવિધા પોતાના નાગરીકો માટે ન હોવાથી
વિદેશ પ્રવાસેથી પરત થતી વેળાએ પણ ઇમીગ્રેશનની લાંબી કતારમાં ઉભા રહેવું થોડું અકળામણ
ભર્યું બની રહે.
આખરે બધી ફોર્માલીટીઝ પતાવી ફ્લાઈટમાં અનેરા ઉત્સાહ સાથે બેઠો અને શરૂ થઈ મારી પ્રથમ વિદેશ યાત્રા.
(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો