સૌથી મોટો ફરક ભારત અને અન્ય કેટલાક યુરોપીય દેશો વચ્ચે હોય
તો એ છે સાંજના સમયે અજવાળાનો. આપણે ત્યાં શિયાળો હોય,ઉનાળો હોય કે ચોમાસુ,સાંજે સાત-સાડા
સાત સુધી અંધારૂ થઈ ગયું હોય, પણ ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડમાં રાતે નવ વાગે પણ ભારતમાં
સાડા-પાંચ છ વાગે હોય એવું અજવાળું જોવા મળે.
હું, નેહા અને ભૌમિક સાથે પેરીસની ઓળખના પર્યાય સમા ગણાતા
એફીલ ટાવર પહોંચ્યો ત્યારે રાતના સાડા આઠ-નવ વાગ્યા હતાં પણ અહિંના સાડા-પાંચ છ થયા
હોય એટલું અજવાળું હતું! મને ઘડિયાળ માં જોતા ઘણી નવાઈ લાગતી હતી! આ અનુભવ મારા માટે
તદ્દન નોખો હતો!
ફ્રેન્ચ ક્રાંતિના સો વર્ષની ઉજવણી કરવા ગુસ્ટેવ એફીલ નામના
ઇજનેર દ્વારા બંધાવાયેલા, દુનિયાનાં સૌથી ઉંચા સ્થંભો અને મકાનોમાં અગ્ર સ્થાન ધરાવતાં
એફીલ ટાવર એફીલ ટાવરનું ઐતિહાસિક મહત્વ અને અદકેરૂં આકર્ષણ છે.તેમાં લિફ્ટ દ્વારા ટોચ
સુધી જવાની સગવડ છે. આ ટાવરમાં ઉંચાઈ પ્રમાણે સ્ટોપ્સ બનાવ્યાં છે. પ્રથમ સ્ટોપ સુધી
જવાની ટિકીટ ૧૧ યુરો. બીજા ટોચ સુધી જવાના સ્ટોપની ટિકીટ ૧૭ યુરો.આ યુરોનું ગણિત આપણને
ભારતીયોને થોડું આકરું લાગે! એક યુરોના લગભગ પંચોતેર રૂપિયા લેખે સત્તર યુરો એટલે પોણા તેરસો રૂપિયા થાય! પણ વિદેશ કંઈ વારંવાર થોડા
જતા હોઇએ?એટલે એ યુરો માંથી ભારતીય રૂપિયાનું કન્વર્ઝન મનમાં સતત ચાલતું હોવા છતાં
તેના પર ઝાઝું ધ્યાન આપ્યાં વિના કતારમાં જુદા જુદા દેશનાં પર્યટકો વચ્ચે ઘણાં ભારતીય
ચહેરાં પણ દેખતા દેખતા એફીલ ટાવરની ટોચ સુધી જવાની અને પાછા ફરવાની લિફ્ટની રીટર્ન
ટિકીટ લઈ જ લીધી!
કોઈ પણ સ્ટોપ સુધી જાવ, એટલે ત્યાં ટાવરની ફરતે આખા પેરીસનો
સુંદર વ્યુ મળે એવી ગેલરીની વ્યવસ્થા.સાથે ખરીદી કરવા શોપ્સ અને ખાણીપીણીની દુકાનોયે
ખરી!
ટોચ પર જઈએ ત્યાંથી પેરીસ નગરીયાનો જે અદભૂત નજારો દેખાય
એતો એફીલ ટાવરની ટોચ પર જાવ તો જ ખબર પડે! સુંદર ઇમારતો રંગીન બાકસ એક્બીજાની આજુબાજુ
ગોઠવ્યાં હોય એવું લાગે,તો બીજી બાજુથી દેખાતી નદી અને તેમાં ફરતી બોટો રમકડાં જેવી
લાગે! મેદાનો,ઉંચી નીચી ઇમારતો,નદીઓ,પુલો અને કીડી જેવા લાગતા માણસો આ બધું સાથે મળે
એટલું મનોહર દ્રષ્ય સર્જે કે એફીલ ટાવરની ટોચ પરથી નીચે આવવાનું મન જ ન થાય! ત્યાં
ઠંડી પણ ખુબ લાગતી હતી.
ત્યાં ટોચ પર એક શેમ્પેનની દુકાન જ્યાં લોકોની લાઈન લાગી
હતી! ખાસ ત્રિકોણાકાર કોન જેવા ગ્લાસમાં મળતું શેમ્પેન લોકો પીતા પીતા ફોટા પડાવવાનું
ચૂકતા નહોતા.સેલ્ફીનું તો જાણે આખા જગતમાં બધાને ઘેલું જ લાગ્યું છે! પાછા ઉતરવા માટે
તો લિફ્ટની એટલી બધી લાંબી લાઈન હતી કે હું ત્રીસેક માળ જેટલા દાદરા સડસડાટ ઉતરીને
જાતે જ નીચે આવી ગયો!
સાડા દસ-પોણા અગિયાર જેવો સમય થયો હતો. થોડી વાર ઉભા રહેવા
ભૌમિકે જણાવ્યું અને બરાબર અગિયાર વાગે થોડે દૂર ઉભા રહી અમે એફીલ ટાવરનું જે સ્વરૂપ
જોયું એ જીવન-ભર ભૂલી નહિ શકાય એવું હતું! દર કલાકે અંધારૂં થાય ત્યાર બાદ આખા એફીલટાવર
પર ખાસ પ્રકારની સફેદ લાઈટ્સ ચાલુ-બંધ કરી અમુક સેકન્ડસ માટે અદભૂત નજારો પ્રવાસીઓ
માટે પેશ કરાય છે. સામાન્ય પીળી નિયોન લાઈટ્સથી અંધારામાં દૂર સુધી દ્રષ્યમાન થતાં
એફીલટાવર પર જ્યારે નવ-દસ-અગિયાર-બાર એમ દરેક કલાકે અમુક સેકન્ડ્સ માટેની રજત રોશનીની
ઝાક ઝમાળ કરવામાં આવે ત્યારે ઘડી-બે ઘડી જે કંઈ કરતા હોઈએ એ બાજુએ મૂકી દઈ,આ અદભૂત
નજારાનું આકંઠ પાન કરીએ ત્યારે અનેરી ધન્યતા અનુભવાય! આ મજા માણવા એક વાર તો પેરીસ
જવું જ જોઇએ!
એફીલટાવરનું આ ઝગમગતું સ્વરૂપ આંખોમાં અને હ્રદયમાં ભરી અમે પાછા ઘેર આવ્યાં ત્યારે રાતના બારેક વાગી ગયા હતા.
બીજે દિવસે સવારે અમે સ્વિત્ઝરલેન્ડ જવા નિકળ્યાં.આઠસો કિલોમીટરનું અંતર ગાડીમાં રોડ માર્ગે કાપવાનું હતું.ભૌમિકને ગાડી ચલાવવાનો શોખ છે અને તે ખુબ સરસ ગાડી ચલાવે છે તેનો અનુભવ આ રોડટ્રીપ દરમ્યાન થયો.
હાઈવે પર એક-બે અવનવી વસ્તુ જોવા મળી.ત્યાં ઘણી જગાએ ફ્રેન્ચ યુવાન-યુવતિ હાથમાં કોઈક જગાનું નામ લખેલા બોર્ડ સાથે ઉભા રહેલા જોવા મળ્યાં.ખભે લટકાવેલી ટ્રેકીંગ પર જતા હોઇએ ત્યારે લઈ જઈએ એવી બેકપેક. નેહાએ જણાવ્યું કે તે હાઈકીંગ પર જવા ઇચ્છતાં યુવાન - યુવતિ હતાં.ભણતા હોય એટલે લિમિટેડ પોકેટમની હોય તેમાંથી ટ્રાવેલિંગનો ખર્ચ બને એટલો ઓછો થાય એ હેતુ થી તેઓ આ રીતે લિફ્ટ માંગે અને એ જ માર્ગે જનાર વટેમાર્ગુ ગાડીમાં જગા હોય તો તેમને લિફ્ટ આપે પણ ખરાં! અમારી સમાંતર ચાલી રહેલી અવનવી ડીઝાઈનની ગાડીઓ જોતા જોતા અચાનક ધ્યાન ગયું એકદમ ભંગારમાં જ કાઢી નાખવા લાયક કટાઈ ગયેલી હોય તેવી ગાડી ઉપર.આ ગાડી ચલાવી રહેલા ફ્રેન્ચ ભાઈએ જોયું કે હું અને નેહા તેની ગાડી સામે આશ્ચર્યથી જોઈ રહ્યાં છીએ કે તરત તેણે મારી સામે જીભડા કાઢ્યાં! નાના બાળકો એકબીજા સામે રમત કરતાં કાઢે એમ! અને સડસડાટ તેની ગાડી આગળ નિકળી ગઈ.
મને આ સર્વિસ ખુબ ગમી. અમે જ્યાં રોકાયેલા એ સેન્ટર પર માથે છાપરું ધરાવતા બેસવાના સરસ સુશોભિત ઓટલા હતાં, જ્યાં બેઠા બેઠાં બપોરનું ભોજન લેવાની અમને ખુબ મજા પડી! આજુ બાજુ સરસ મજાનાં ફૂલ-છોડ પણ હતાં અમે નાની એવી લટાર મારી થોડા ઘણાં ફોટા પાડ્યાં અને ફ્રેશ થઈ આગળ વધ્યાં.
બપોરે દોઢેક વાગે ભૌમિકે ગાડી રસ્તાની એક બાજુએ લીધી.એ હતું એ.પી.આર.આર. નો રેસ્ટ એરીઆ જ્યાં રોડ માર્ગે પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ માટે ઘણી સારી સુવિધાઓ પ્રાપ્ય હતી. ફ્રાન્સમાં દરેક મોટર-વે પર આ રીતે થોડે થોડે અંતરે આવેલાં સુંદર સર્વિસ એરીઆ હોય જ્યાં ડ્રાઈવર થાક ઉતારી શકે, પ્રવાસીઓ જમવા કે આરામ કરવા થોભી શકે,બાળકો રમી શકે અને ત્યાં ટોયલેટ્સ સાથે, ફૂલછોડ ધરાવતા ગાર્ડન્સ અને કેટલાક મોટા સેન્ટરમાં તો હોટેલ, શોપીંગ તેમજ ઇંધણ ભરાવવાની સુવિધાયે ખરાં.
મને આ સર્વિસ ખુબ ગમી. અમે જ્યાં રોકાયેલા એ સેન્ટર પર માથે છાપરું ધરાવતા બેસવાના સરસ સુશોભિત ઓટલા હતાં, જ્યાં બેઠા બેઠાં બપોરનું ભોજન લેવાની અમને ખુબ મજા પડી! આજુ બાજુ સરસ મજાનાં ફૂલ-છોડ પણ હતાં અમે નાની એવી લટાર મારી થોડા ઘણાં ફોટા પાડ્યાં અને ફ્રેશ થઈ આગળ વધ્યાં.
નેહા ફોન પર હિન્દી ગીતો ડાઉનલોડ કરી પોતે સાંભળી રહી હતી અને અમને પણ સંભળાવી રહી હતી.વચ્ચે વચ્ચે અમે સૂકો નાસ્તો કરી લેતા કે કોલ્ડ ડ્રીન્ક પી લેતા અને આ રીતે ખાસ્સો એવો રસ્તો કપાઈ ગયો.હવે સાંજ પડવા આવી હતી.અહિ તો રાત સુધી અજવાળુ પથરાયેલું જ રહે એટલે અંધારાની સમસ્યા નહોતી.હવે શરૂ થયો હતો થોડો ગ્રામીણ વિસ્તાર.અહિની નાની મોટી શેરીમાંથી ડ્રાઈવ કરીને જવાનો અનુભવ પણ ઘણો રોચક અને મજેદાર હતો.
(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો