છેલ્લાં સાતેક દિવસથી સતત મારો ફોન રણકયા કરે છે. સેંકડો ફોન કોલ્સ, મેસેજ સંદેશાઓ પર એક જ પ્રશ્ન - નટુકાકા ને કેમ છે? તેમની તબિયત સારી છે? સગા - સ્નેહી - મિત્રો અને શુભેચ્છકોના આ પ્રેમ જોઈ હું નવાઈ પામ્યો છું, ગદગદિત થયો છું, ક્યારેક થોડો ઘણો કંટાળ્યો પણ છું તો ક્યારેક સંવેદનશીલ બની ઈશ્વરનો આભારી પણ બન્યો છું.
પપ્પા ઘનશ્યામ નાયક એટલે કે તારક મહેતાના નટુકાકા ગત શનિવારથી હોસ્પિટલમાં દાખલ થયા અને એ જ દિવસે એક અંગ્રેજી અખબારમાં આ સમાચાર છપાયા બાદ, આ અહેવાલ અન્ય છાપાઓ, ટી. વી. અને સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં, જાણે લોકોના સંદેશાઓ અને શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે. લાખો ચાહકોની પ્રાર્થનાને પગલે જ તેમની લાળગ્રંથિ નજીક ઉત્પન્ન થયેલી આઠેક ગાંઠ સફળતાપૂર્વક કાઢવાની શસ્ત્રક્રિયા સંપન્ન અને સફળ રહી છે અને ઈશ્વરની અસીમ કૃપાથી હવે પપ્પા સ્વસ્થ છે અને એક મોટી આફતમાંથી તેઓ હેમખેમ પાર ઉતર્યા છે.
આજ કાલ જ્યાં કોરોનાના આંકડા સતત વધવાના અને અનેક લોકો મૃત્યુ પામતાં હોવાના સમાચારો જ ચારેકોર સાંભળવા મળતા હોય છે એવા વાતાવરણમાં પપ્પાની વાત હકારાત્મક છે એટલે હું એ આ માધ્યમથી તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું.
પપ્પાને દોઢેક વર્ષ અગાઉ આંખમાં પાંપણ ઉપર એક ગાંઠ વારંવાર થતી હતી. ત્રણેક વાર એ સામાન્ય ડોક્ટર પાસે કઢાવ્યા બાદ ચોથી વાર તે સર્જરી દ્વારા કઢાવી અને તે વાંધાજનક (મેલિગ્નન્ટ) હોવાનું નિદાન થયું હતું જો કે તે સંપૂર્ણ રીતે કાઢી નાંખવામાં આવી હતી અને અમે ધાર્યું હતું કે એ પ્રકરણ પૂરું થઈ ગયું છે. આ સર્જરી કરનાર કુશળ યુવા ડોક્ટર નિરવ રાઈચૂરાએ ખૂબ કુશળતાથી અને સારી રીતે આંખની પાંપણ પરની એ ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી હતી અને આ દરમ્યાન તેમણે પપ્પાના ડાબા ગાલના કાન પાસે ના ભાગ પર થોડો ઉપસેલો ભાગ જણાતાં તેની ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું, જેનો હિસ્ટોપેથ રિપોર્ટ એ વાંધાજનક ન હોવાનું સૂચન કરતો હતો જેને મેડિકલ ભાષામાં 'બીનાઇન' કહેવામાં આવે છે. ત્યારે તેમણે બીજો અભિપ્રાય લેવા હિન્દુજા હોસ્પિટલ પણ મોકલ્યા અને અન્ય એક આંખ નિષ્ણાત એવા મહિલા ઓપ્થોસર્જન ડો. સાંવરી પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પેટસ્કેન કરાવવાનું સૂચન કર્યું જેમાં આખા શરીર ની ચકાસણી થાય છે અને કોઈ પણ મેલિગ્નન્ટ ગાંઠ કે કેન્સર જેવું તત્ત્વ શરીરમાં હોય તો તેનું સચોટ નિદાન થાય છે. હવે આ ટેસ્ટ થોડો ભારે હોય અને એમાં શરીરમાં કિરણોત્સર્ગ કરવામાં આવતો હોવાથી હું થોડો અચકાતો હતો અને પપ્પાએ પણ ત્યારે આ બાબત ગંભીરતાથી ના લીધી અને અમે આ ટેસ્ટ ન કરાવ્યો. આ ઘટનાના દોઢેક વર્ષ બાદ, ડાબા ગાલ પાસેની પેલી કાન નજીકની ગાંઠ સહેજ મોટી બની અને પપ્પાને થોડું દુખવા પણ માંડ્યું. એટલે એ ગયા સૂચક હોસ્પિટલ. ત્યાં એ ગાંઠ પર વધુ સંશોધન થાય એ પહેલાં કોણ જાણે ક્યાંથી હર્પીસ નામના ચેપી વિષાણુએ ડાબા ગાલ પર જ હૂમલો કર્યો અને પપ્પાનો ડાબો ગાલ અને તેની નીચે ગળા સુધીનો ભાગ પીડાદાયક ફોલ્લાંથી ભરાઈ ગયો. તેની ટ્રીટમેન્ટ માં વીસેક દિવસ નીકળી ગયાં. આ પીડાએ પણ જોકે પપ્પાનું મનોબળ
ડગાવ્યું નહીં. એક તો કોરોના લોક ડાઉન નો કપરો કાળ, કામધંધો પાંચ - છ મહિનાથી બંધ, પંચોતેર વર્ષની ઉંમર - પણ આ વામન કદના માનવીનું મનોબળ, હકારાત્મકતા કોઈ યુવાનને પણ શરમાવે એવા હોઈ તેમની વિરાટતાના દર્શન થયાં. હર્પીસ ગાયબ થયા બાદ ફરી સૂચક હોસ્પિટલ ના ચક્કર શરૂ થયાં. આ હોસ્પિટલ મલાડમાં આવેલી પચાસ વર્ષ કરતાં પણ જૂની, અન્ય પૈસા છાપવાના મશીન ગણાતી પ્રોફેશનલ હોસ્પિટલ કરતાં ઘણી જુદી અને સારી છે. તેના સ્થાપક ડો. અનિલ સૂચક ના પત્ની આભાબેનના પિતા જૂના જમાનાના એક ખૂબ સારા અભિનેતા હતાં અને આ તેનું બીજું પાસું જેના કારણે પપ્પાને આ હોસ્પિટલ ખાસ્સી આત્મીય લાગે છે. અગાઉ તેમનો એક અકસ્માત થયો હતો ત્યારે પણ તેઓ અહીં જ સાજા થયાં હતાં, તેમની અન્ય પણ નાની મોટી સર્જરી અહીં ભૂતકાળમાં સફળ રીતે પાર પડી હતી તેથી તેઓ અહીં આવવામાં બિલકુલ અચકાતા નહોતા. મને કોરોના ના કારણે અત્યારે ઘરની બહાર નીકળવામાં પણ જોખમ જણાતું પણ તેઓ વિના કોઈ ડર કે સંકોચ સાથે અહીં આવતા અને થોડાં ઘણાં જરૂરી ટેસ્ટ કર્યા બાદ જાણ થઈ કે તેમની ડાબા ગાલ પાસેની પેલી ગાંઠ વાંધાજનક છે. અલબત્ત પેટ સ્કેન અને અન્ય ટેસ્ટ માં જણાયું કે આ ગાંઠની આસપાસ અન્ય નાની મોટી ગાંઠ પણ હોઈ શકે છે જે બીનાઇન કે મેલિગ્નન્ટ પણ હોય અને એ વહેલામાં વહેલી તકે કઢાવી નાખવી જોઈએ. કોરોના પ્રભાવિત આવા કપરા કાળમાં અન્ય કોઈ, આ પ્રકારનું નિદાન જાણી ગભરાઈ જાય, પણ ઘનશ્યામ નાયક જેનું નામ! અતિ હળવાશ અને નિર્ભયતાથી તેઓ ડોક્ટરને પૂછે છે ક્યારે કાલે થઈ શકે આ ઓપરેશન?! મારો સ્વભાવ થોડો અલગ, હકારાત્મકતા તો જાણે મને પણ વારસા માં જ મળી છે પણ હું અઢાર ગળણે પાણી પીવામાં માનનારો માણસ. બીજો ઓપિનિયન લેવો જોઈએ? મોટી હોસ્પિટલ માં જવું જોઈએ? ઓપરેશન થતી વેળાએ કોરોના લાગી જાય તો? ઓપરેશન અત્યારે જ કરાવવું જોઈએ? આવા અનેક પ્રશ્નો મને સતાવતા હતાં. પણ પપ્પાએ તો નિર્ણય લઈ લીધો કે સૂચક હોસ્પિટલમાં જ તેઓ શક્ય એટલી જલદી શસ્ત્રક્રિયા કરાવી પેલી વણજોઈતી, વાંધાજનક ગાંઠોને દૂર કરાવશે અને ગત શનિવારે તેઓ હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા!
સદનસીબે અતિ કુશળ એવા યુવાન ઓંકો સર્જન યોગેન છેડા અને તેમના પત્ની અલકનંદાએ સાથે મળી ગત સોમવારે પપ્પાના ગળા પાસે વાઢકાપ કરી સૂચક હોસ્પિટલમાં જ શસ્ત્રક્રિયા દ્વારા આઠેક નાની મોટી ગાંઠ બહાર કાઢી. પપ્પાના આત્મીય એવા સૂચક હોસ્પિટલના ડો. શર્મા પણ સતત ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં તેમની સાથે રહ્યાં. ભગવાનની પરમ કૃપા થકી આ ઓપરેશન સફળ રહ્યું અને અગાઉ જે ભયની મેં ડોક્ટર છેડા સાથે ચર્ચા કરી હતી તે બધાં દૂર થયાં. આ ગાંઠ લાળગ્રંથિની અતિ નજીક આવેલી એક નસ પાસે હતી જે મગજ, આંખ, ગાલ, જીભ-મોઢા અને ગળા જેવા પાંચ અવયવો સાથે જોડાયેલી હોય છે અને અતિ પાતળી અને સંવેદનશીલ એવી આ નસ પર શસ્ત્રક્રિયા સમયે જો અસર પહોંચે તો તેની સીધી અસર આ પાંચ અવયવો કે તેમની કામગીરી પર પડી શકે છે. પપ્પા નું દાયકા અગાઉ બાય પાસ ઓપરેશન પણ થયું હતું અને ડાયાબીટીસ અને પ્રેશરની ગોળીઓ પણ તેઓ નિયમિત લે છે. આ બધી પરિસ્થિતિ ને લઈને હું ભારે ચિંતિત હતો પણ ગાંઠ દૂર કરવાની સર્જરી વિના વિઘ્ન પાર ઉતરી.
છેલ્લાં અઠવાડિયા થી હું પપ્પાની સાથે જ હોસ્પિટલમાં છું અને અન્ય કેટલીક મજેદાર વાતો મને અહીં કરવી ગમશે. જેમકે ઓપરેશન થયા બાદ પપ્પાને બે - ત્રણ દિવસ આઈ. સી. યુ. માં રાખવાના હતાં, પણ બીજે જ દિવસે સવારે તેઓ તેમનાં માટે ફાળવેલા અલાયદા રૂમમાં આવી ગયા. મને કહે "એક બુઢ્ઢો બાજુ માં હતો એ આખી રાત લોહી પી ગયો! તેણે સતત બડ બડ કરી મને અને અન્ય ડોક્ટરોને પરેશાન કરી મૂક્યા. એટલે હું અહીં આવી ગયો." મારી આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. હજી ઓપરેશન ને એક દિવસ થયો છે, તેમને આઈ. સી. યુ. માં રાખવાનું સૂચન થયું હતું અને તેમણે ડોકટરને મનાવી પણ લીધા, તેમને શિફ્ટ કરવા! જો કે તેમની રિકવરી ઘણી સારી અને ઝડપી હોવાથી જ આ શક્ય બન્યું. હવે ઓપરેશન તાજું હોવાથી તેમણે ખોરાક મોઢે થી ચાવી ને લેવાનો નહોતો અને તેમનાં નાકમાંથી એક નળી પસાર કરી સીધી અન્ન નળી સાથે જોડી હતી જેના વાટે તેમને પ્રવાહી ખોરાક લેવાનો હતો. પણ આ ભારે અસુવિધા ભર્યું હતું એટલે જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પૂછે "આ ગણપતિ બાપા ની સૂંઢ ક્યારે દૂર કરવાની છે?! “. તેમને સતત ચાલતા રહેવાની આદત, બેસવું તો ગમે જ નહીં. ઓપરેશન દરમ્યાન અને ત્યાર બાદ પેદા થતું ખરાબ લોહી નીકળી જાય એ માટે એક નળી ગળામાંથી બહાર કાઢી તેનો બીજો છેડો એક થેલી જેવા પાત્ર સાથે જોડેલો હોય એટલે ઉભા થઈ ચાલવું હોય તો આ થેલી સતત હાથમાં પકડી ઉભું થવું પડે કે ચાલવું પડે. જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પોતાના કોમેડી સ્વભાવ મુજબ પૂછે, "હવે આ વરરાજાના સતત હાથમાં રાખવા પડતાં નાળિયેર ને ક્યારે છોડો છો?! “. નર્સ અને ડોક્ટર હસતાં હસતાં રૂમમાંથી બહાર જાય!
તેમને વાતો કરવાનો ભારે શોખ. દવા આપવા જ્યારે પણ જુદી જુદી નર્સ આવે એ દરેક સાથે અચૂક અલક મલકની વાતો કરે. એક નર્સ નું નામ ઉર્વશી એટલે તેને કહે, "હવે તું અહીં રંભા ને પણ બોલાવી લાવ એટલે ઈન્દ્રસભાનું આયોજન કરીએ! “. તેમને કસરત કરાવવા ફિઝિઓથેરાપીસ્ટ એવા યુવા ડો. પ્રતીક શાહ આવે એટલે એમની સાથે પણ જુદા જુદા વિષયો પર ગોષ્ઠી માંડે. ડો. જયેશ શાહ પણ તેમનું બી. પી. અને સુગર ચેક કરવા આવે ત્યારે તેમને પેલી સૂંઢ અને વરરાજાના નાળિયેર વળી વાત કરી હસાવે! ઓપરેશન પછી ત્રીજા દિવસે પેલી સૂંઢમાંથી મુક્તિ મળી અને છઠ્ઠા દિવસે પેલી વરરાજાના નાળિયેર સમી થેલી પણ ડોક્ટરે દૂર કરી! હવે તેઓ બધો ખોરાક પણ લઈ શકે છે અને થોડાં દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. નર્સો કહે છે "કાકા, અમે તમને મિસ કરીશું! “
હવે તેમની ગાંઠનો વિગતપૂર્વકનો રિપોર્ટ આવી ગયા પછી આગળની ટ્રીટમેન્ટ નક્કી થશે. એકાદ મહિનો હજી આરામ કરવાનું ડોક્ટરોએ સૂચવ્યું છે. ત્યારબાદ, નવરાત્રિ સુધી કે નવરાત્રિના શુભ દિવસો દરમ્યાન તેમના પ્રાણવાયુ સમા શો તારક મહેતા માં તેઓ ફરી એન્ટ્રી મારે એવી તેમની ઈચ્છા છે. પ્રાર્થના કરીએ કે નટુકાકાની આ ઇચ્છા પણ અંબામા પૂરી કરે!
Get well soon Natukaka... p. ઘનશ્યાભાઈ..
જવાબ આપોકાઢી નાખોનટુકાકા સાથે પરિચયમાં આવનાર દરેક વ્યક્તિને એમની સકારાત્મકતાનો પરિચય થયો હશે. અતિ ઊર્જાવાન અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતાં નટુકાકા તારક મહેતા શોમાં ફરી પાછાં ખૂબ ઝડપથી કાર્યરત થાય, પોતે પણ ખૂબ હસે અને બીજાને પણ ખૂબ હસાવે એવી શુભેચ્છા. We love u Natukaka. Get well soon
જવાબ આપોકાઢી નાખોજુની રંગ ભુમીના ઘન્શ્યામ નાયક, જલદી સાજા થઇ, અને બધાને ઉલટા ચશ્મા પહેરાવે.
જવાબ આપોકાઢી નાખોGET WELL SOON>