Translate

લેબલ health સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ health સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 3 ઑક્ટોબર, 2020

વર્ચ્યુઅલ મેરેથોન

    દોડવાનો શોખ હોય તેમને માટે મેરેથોન શબ્દ નવો નથી. ફૂલ મેરેથોનમાં લગભગ ૪૨ કિલોમીટર જેટલું અંતર દોડીને કાપવાનું હોય છે અને હાફ મેરેથોનમાં લગભગ ૨૧ કિલોમીટર જેટલું. છેલ્લાં કેટલાંક વર્ષોથી દસ, પાંચ કિલોમીટરની શ્રેણી પણ મુંબઈમાં દર જાન્યુઆરી માસમાં યોજાતી મેરેથોનમાં ઉમેરવામાં આવી છે, સાથે જ અન્ય પણ અનેક નવા પ્રકારની મેરેથોન દોડ છેલ્લાં કેટલાક વર્ષોમાં જોવા મળી છે જેમકે રાત્રે અંધારામાં યોજાતી નિઓન દોડ, વરસાદમાં પલળતા દોડવાની ભીની મેરેથોન, હોળીના રંગો ઉડાડતાં દોડવાની રંગ મેરેથોન, વિઘ્ન દોડ મેરેથોન વગેરે. વિશ્વભરમાં મેરેથોન યોજાતી આવી છે અને દોડવીરો પોતાના દેશ સિવાયની અન્ય દેશમાં યોજાતી પ્રચલિત મેરેથોનમાં ભાગ લેવા પણ હોંશે હોંશે જાય છે. દર વર્ષે મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાતી મેરેથોનમાં દોડવા ઈચ્છતા દોડવીરો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પાછલા વર્ષના જુલાઈ - ઓગષ્ટમાં જ સંપન્ન થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે, હજી સુધી મુંબઈ મેરેથોન ૨0૨૧માં તેના મૂળ સ્વરૂપે યોજાશે કે કેમ તે સ્પષ્ટના હોવાથી નોંધણી પ્રક્રિયા ના કોઈ અહેવાલ નથી. કારણ મેરેથોનમાં હજારો દોડવીરો એક સાથે એક સ્થળે દોડવા ભેગા થાય છે અને એક જ સમયે એક જ માર્ગ પર ભેગા દોડે છે. કોરોનાને પગલે હાલ પૂરતી તો આ બાબત શક્ય જ નથી. એટલે કદાચ વિશ્વમાં અન્ય જગાઓએ જેની શરૂઆત થઈ ચૂકી છે તે અહીં મુંબઈ અને ભારતમાં પણ અન્ય સ્થળોએ જોવા મળે તો નવાઈ નહીં લાગે - એ છે વર્ચ્યુઅલ મેરેથોન.

  વર્ચ્યુઅલ મેરેથોનમાં વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણેથી કોઈ ચોક્કસ જગાએ યોજાતી મેરેથોનમાં નામ નોંધાવી, ભાગ લઈ શકે છે. જેમ કે હું અહીં મુંબઈમાં રહીને પણ અમેરિકા ખાતે ન્યૂયોર્કમાં યોજાનારી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું. મારે મારી અનુકૂળતા પ્રમાણે જગા અને સમય નક્કી કરી નિયત અંતર દોડી લેવાનું અને તે સત્તાવાર મોબાઈલ એપમાં નોંધી તેની વિગત આયોજકોને મોકલી આપવાની. યોગ્ય ચકાસણી બાદ તેઓ મને મારું સર્ટિફિકેટ ઓનલાઇન અને મેડલ કૂરિયર દ્વારા મોકલી આપે! લાગે છે ને મજેદાર વાત? હા, આ હવે વાસ્તવિકતા બની છે. હું મારા ઘરમાં જ ટ્રેડ મિલ પર પણ ૨૧ કે ૪૨ કિલોમીટર દોડી મેરેથોનમાં દોડ્યાનો અનુભવ કરી શકું, એના ફાયદા અને લાભ (સર્ટિફિકેટ કે મેડલ) મેળવી શકું. ઘેર ટ્રેડ મિલ ના હોય તો મારી આસપાસ ના સુરક્ષિત વિસ્તારમાં પણ ચોક્કસ સમયે એક સાથે નિયત અંતર દોડી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું.

  આ રીતે દોડવામાં શું શું ના મળે જે મૂળ રિયલ મેરેથોનમાં દોડતાં મળી શકે? આનો જવાબ છે રિયલ મેરેથોન વખતે માર્ગમાં તમારા ઉત્સાહને બિરદાવતા, હર્ષની ચિચિયારીઓ પાડતાં નાનામોટાં સેંકડો સાચા લોકો! તમને ઓળખતા પણ ના હોય તો પણ વહેલી સવારથી કેળાં, સંતરાના ટુકડા કે બિસ્કીટ કે મીઠું, સાકર વગેરે લઈ રસ્તાની બંને બાજુએ આ પ્રેક્ષકો ગોઠવાઈ ગયાં હોય અને માત્ર પ્રેક્ષકના બની રહેતાં તે ખાદ્ય પદાર્થો આપી કે તાળી આપી કે ઉત્સાહ વધારનાર હાથે લખેલા બેનર્સ બતાવી , દોડવીરોનું દોડવું આસાન બનાવે! આ મેરેથોનમાં દોડવાની સૌથી મહત્વની ઉપલબ્ધિ ગણી શકાય જે વર્ચ્યુઅલ મેરેથોનમાં તમે ના પામી શકો. હા, તમે બહાર દોડવાના હોવ તો તમારા પરિવારજનોને ફિનિશ લાઇન પાસે ઊભા રહી તમને ચિયર કરવાની વિનંતી તમે કરી શકો. પણ એમાં રિયલ મેરેથોન જેવી મજા તો ન જ આવે. બીજું, રિયલ મેરેથોનમાં મેડિકલ ઈમરજન્સી હેન્ડલ કરવા ડોક્ટર વગેરે હાજર હોય, પાણી, એનર્જી ડ્રિન્ક વગેરે પૂરા પાડતા સ્ટોલ થોડે થોડે અંતરે હાજર હોય જે વર્ચ્યુઅલ દોડ વખતે તમને ન મળી શકે. પાણી, દવા કે એનર્જી આપતા બિસ્કીટ - ફળ વગેરે તમારે પોતે ઉંચકી દોડવું પડે જેનું વજન વધતાં દોડવામાં મુશ્કેલી આવી શકે, એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા તમે શિસ્ત અને પ્રમાણિકતાના ચૂસ્ત આગ્રહી હોવા જોઈએ. સેલ્ફ મોટિવેટર હોવું અહીં ખૂબ જરૂરી બની રહે છે.

  વર્ચ્યુઅલ મેરેથોનનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં કોઈ સરહદનું બંધન નથી. તમને વિદેશી મેરેથોનમાં ભાગ લેવાની ઈચ્છા હોય તો તે તમે અહીં તમારે ઘેર રહી પૂરી કરી શકો અને દોડ પૂર્ણ થયે ત્યાંનું સર્ટિફિકેટ મેળવી સંતોષ પ્રાપ્ત કરી શકો છો. બીજું, તમારા આરોગ્ય વિષયક લક્ષ્યાંક તમે નક્કી કરી પાર પાડી શકો. મેરેથોન થાય જ નહીં તો તમે દોડો નહીં અને ઘેર બેસી રહો તો સ્વાસ્થ્યને લગતો લાભ ના મળે, પણ વર્ચ્યુઅલ રેસમાં નામ નોંધાવી પ્રેક્ટિસ કરો અને ખરેખર દોડી સ્વાસ્થ્યને થતાં ફાયદાનો લાભ મેળવી શકો.

સ્ટાર્વા, ગાર્મીન, રનકીપર, મેપ માય રન વગેરે જેવી ઘણી મોબાઈલ એપ જે તે વર્ચ્યુઅલ મેરેથોનનોના આયોજકોએ મંજૂર કરેલી હોય છે જેની માહિતી તમે નામ નોંધાવો ત્યારે મેળવી લેવાની રહે છે અને પછી દોડતી વખતે તે એપ મોબાઈલ પર ચાલુ રાખવાની રહે છે અને દોડ પૂરી થયે તેના પર નોંધાયેલી માહિતી આયોજકોને મોકલી આપવાની રહે છે.

      વિશ્વની છ દેશોની મેરેથોન પ્રખ્યાત ગણાય છે - ટોક્યો, બોસ્ટન, લંડન, બર્લિન, શિકાગો અને ન્યૂયોર્ક. આમાંથી બોસ્ટન, શિકાગો અને ન્યૂયોર્ક તો આ વખતે વર્ચ્યુઅલ મેરેથોન જ યોજવાનું પસંદ કર્યું છે. સવાસો વર્ષોથી મેરેથોન યોજતા બોસ્ટનમાં વર્ચ્યુઅલ મેરેથોન સાતમીથી ચૌદમી સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ ગઈ તો શિકાગો મેરેથોન પાંચમી થી અગિયારમી ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. તો ન્યૂયોર્ક વર્ચ્યુઅલ મેરેથોન ઓક્ટોબર સત્તરથી નવેમ્બર પહેલી વચ્ચે યોજાશે.

    મન હોય તો માળવે જવાય અને દોડવું જ હોય તો વર્ચ્યુઅલ મેરેથોનમાં દોડાય!!  

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2020

નટુકાકાની તબિયત કેમ છે?

     છેલ્લાં સાતેક દિવસથી સતત મારો ફોન રણકયા કરે છે. સેંકડો ફોન કોલ્સ, મેસેજ સંદેશાઓ પર એક જ પ્રશ્ન - નટુકાકા ને કેમ છે? તેમની તબિયત સારી છે? સગા - સ્નેહી - મિત્રો અને શુભેચ્છકોના આ પ્રેમ જોઈ હું નવાઈ પામ્યો છું, ગદગદિત થયો છું, ક્યારેક થોડો ઘણો કંટાળ્યો પણ છું તો ક્યારેક સંવેદનશીલ બની ઈશ્વરનો આભારી પણ બન્યો છું. 

   પપ્પા ઘનશ્યામ નાયક એટલે કે તારક મહેતાના નટુકાકા ગત શનિવારથી હોસ્પિટલમાં દાખલ થયા અને એ જ દિવસે એક અંગ્રેજી અખબારમાં આ સમાચાર છપાયા બાદ, આ અહેવાલ અન્ય છાપાઓ, ટી. વી. અને સોશિયલ મિડીયામાં વાઈરલ થતાં, જાણે લોકોના સંદેશાઓ અને શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે. લાખો ચાહકોની પ્રાર્થનાને પગલે જ તેમની લાળગ્રંથિ નજીક ઉત્પન્ન થયેલી આઠેક ગાંઠ સફળતાપૂર્વક કાઢવાની શસ્ત્રક્રિયા સંપન્ન અને સફળ રહી છે અને ઈશ્વરની અસીમ કૃપાથી હવે પપ્પા સ્વસ્થ છે અને એક મોટી આફતમાંથી તેઓ હેમખેમ પાર ઉતર્યા છે. 

  આજ કાલ જ્યાં કોરોનાના આંકડા સતત વધવાના અને અનેક લોકો મૃત્યુ પામતાં હોવાના સમાચારો જ ચારેકોર સાંભળવા મળતા હોય છે એવા વાતાવરણમાં પપ્પાની વાત હકારાત્મક છે એટલે હું એ આ માધ્યમથી તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું. 

    પપ્પાને દોઢેક વર્ષ અગાઉ આંખમાં પાંપણ ઉપર એક ગાંઠ વારંવાર થતી હતી. ત્રણેક વાર એ સામાન્ય ડોક્ટર પાસે કઢાવ્યા બાદ ચોથી વાર તે સર્જરી દ્વારા કઢાવી અને તે વાંધાજનક (મેલિગ્નન્ટ) હોવાનું નિદાન થયું હતું જો કે તે સંપૂર્ણ રીતે કાઢી નાંખવામાં આવી હતી અને અમે ધાર્યું હતું કે એ પ્રકરણ પૂરું થઈ ગયું છે. આ સર્જરી કરનાર કુશળ યુવા ડોક્ટર નિરવ રાઈચૂરાએ ખૂબ કુશળતાથી અને સારી રીતે આંખની પાંપણ પરની એ ગાંઠ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી હતી અને આ દરમ્યાન તેમણે પપ્પાના ડાબા ગાલના કાન પાસે ના ભાગ પર થોડો ઉપસેલો ભાગ જણાતાં તેની ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું, જેનો હિસ્ટોપેથ રિપોર્ટ એ વાંધાજનક ન હોવાનું સૂચન કરતો હતો જેને મેડિકલ ભાષામાં 'બીનાઇન' કહેવામાં આવે છે. ત્યારે તેમણે બીજો અભિપ્રાય લેવા હિન્દુજા હોસ્પિટલ પણ મોકલ્યા અને અન્ય એક આંખ નિષ્ણાત એવા મહિલા ઓપ્થોસર્જન ડો. સાંવરી પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પેટસ્કેન કરાવવાનું સૂચન કર્યું જેમાં આખા શરીર ની ચકાસણી થાય છે અને કોઈ પણ મેલિગ્નન્ટ ગાંઠ કે કેન્સર જેવું તત્ત્વ શરીરમાં હોય તો તેનું સચોટ નિદાન થાય છે. હવે આ ટેસ્ટ થોડો ભારે હોય અને એમાં શરીરમાં કિરણોત્સર્ગ કરવામાં આવતો હોવાથી હું થોડો અચકાતો હતો અને પપ્પાએ પણ ત્યારે આ બાબત ગંભીરતાથી ના લીધી અને અમે આ ટેસ્ટ ન કરાવ્યો. આ ઘટનાના દોઢેક વર્ષ બાદ, ડાબા ગાલ પાસેની પેલી કાન નજીકની ગાંઠ સહેજ મોટી બની અને પપ્પાને થોડું દુખવા પણ માંડ્યું. એટલે એ ગયા સૂચક હોસ્પિટલ. ત્યાં એ ગાંઠ પર વધુ સંશોધન થાય એ પહેલાં કોણ જાણે ક્યાંથી હર્પીસ નામના ચેપી વિષાણુએ ડાબા ગાલ પર જ હૂમલો કર્યો અને પપ્પાનો ડાબો ગાલ અને તેની નીચે ગળા સુધીનો ભાગ પીડાદાયક ફોલ્લાંથી ભરાઈ ગયો. તેની ટ્રીટમેન્ટ માં વીસેક દિવસ નીકળી ગયાં. આ પીડાએ પણ જોકે પપ્પાનું મનોબળ 

ડગાવ્યું નહીં. એક તો કોરોના લોક ડાઉન નો કપરો કાળ, કામધંધો પાંચ - છ મહિનાથી બંધ, પંચોતેર વર્ષની ઉંમર - પણ આ વામન કદના માનવીનું મનોબળ, હકારાત્મકતા કોઈ યુવાનને પણ શરમાવે એવા હોઈ તેમની વિરાટતાના દર્શન થયાં. હર્પીસ ગાયબ થયા બાદ ફરી સૂચક હોસ્પિટલ ના ચક્કર શરૂ થયાં. આ હોસ્પિટલ મલાડમાં આવેલી પચાસ વર્ષ કરતાં પણ જૂની, અન્ય પૈસા છાપવાના મશીન ગણાતી પ્રોફેશનલ હોસ્પિટલ કરતાં ઘણી જુદી અને સારી છે. તેના સ્થાપક ડો. અનિલ સૂચક ના પત્ની આભાબેનના પિતા જૂના જમાનાના એક ખૂબ સારા અભિનેતા હતાં અને આ તેનું બીજું પાસું જેના કારણે પપ્પાને આ હોસ્પિટલ ખાસ્સી આત્મીય લાગે છે. અગાઉ તેમનો એક અકસ્માત થયો હતો ત્યારે પણ તેઓ અહીં જ સાજા થયાં હતાં, તેમની અન્ય પણ નાની મોટી સર્જરી અહીં ભૂતકાળમાં સફળ રીતે પાર પડી હતી તેથી તેઓ અહીં આવવામાં બિલકુલ અચકાતા નહોતા. મને કોરોના ના કારણે અત્યારે ઘરની બહાર નીકળવામાં પણ જોખમ જણાતું પણ તેઓ વિના કોઈ ડર કે સંકોચ સાથે અહીં આવતા અને થોડાં ઘણાં જરૂરી ટેસ્ટ કર્યા બાદ જાણ થઈ કે તેમની ડાબા ગાલ પાસેની પેલી ગાંઠ વાંધાજનક છે. અલબત્ત પેટ સ્કેન અને અન્ય ટેસ્ટ માં જણાયું કે આ ગાંઠની આસપાસ અન્ય નાની મોટી ગાંઠ પણ હોઈ શકે છે જે બીનાઇન કે મેલિગ્નન્ટ પણ હોય અને એ વહેલામાં વહેલી તકે કઢાવી નાખવી જોઈએ. કોરોના પ્રભાવિત આવા કપરા કાળમાં અન્ય કોઈ, આ પ્રકારનું નિદાન જાણી ગભરાઈ જાય, પણ ઘનશ્યામ નાયક જેનું નામ! અતિ હળવાશ અને નિર્ભયતાથી તેઓ ડોક્ટરને પૂછે છે ક્યારે કાલે થઈ શકે આ ઓપરેશન?! મારો સ્વભાવ થોડો અલગ, હકારાત્મકતા તો જાણે મને પણ વારસા માં જ મળી છે પણ હું અઢાર ગળણે પાણી પીવામાં માનનારો માણસ. બીજો ઓપિનિયન લેવો જોઈએ? મોટી હોસ્પિટલ માં જવું જોઈએ? ઓપરેશન થતી વેળાએ કોરોના લાગી જાય તો? ઓપરેશન અત્યારે જ કરાવવું જોઈએ? આવા અનેક પ્રશ્નો મને સતાવતા હતાં. પણ પપ્પાએ તો નિર્ણય લઈ લીધો કે સૂચક હોસ્પિટલમાં જ તેઓ શક્ય એટલી જલદી શસ્ત્રક્રિયા કરાવી પેલી વણજોઈતી, વાંધાજનક ગાંઠોને દૂર કરાવશે અને ગત શનિવારે તેઓ હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયા! 

  સદનસીબે અતિ કુશળ એવા યુવાન ઓંકો સર્જન યોગેન છેડા અને તેમના પત્ની અલકનંદાએ સાથે મળી ગત સોમવારે પપ્પાના ગળા પાસે વાઢકાપ કરી સૂચક હોસ્પિટલમાં જ શસ્ત્રક્રિયા દ્વારા આઠેક નાની મોટી ગાંઠ બહાર કાઢી. પપ્પાના આત્મીય એવા સૂચક હોસ્પિટલના ડો. શર્મા પણ સતત ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં તેમની સાથે રહ્યાં. ભગવાનની પરમ કૃપા થકી આ ઓપરેશન સફળ રહ્યું અને અગાઉ જે ભયની મેં ડોક્ટર છેડા સાથે ચર્ચા કરી હતી તે બધાં દૂર થયાં. આ ગાંઠ લાળગ્રંથિની અતિ નજીક આવેલી એક નસ પાસે હતી જે મગજ, આંખ, ગાલ, જીભ-મોઢા અને ગળા જેવા પાંચ અવયવો સાથે જોડાયેલી હોય છે અને અતિ પાતળી અને સંવેદનશીલ એવી આ નસ પર શસ્ત્રક્રિયા સમયે જો અસર પહોંચે તો તેની સીધી અસર આ પાંચ અવયવો કે તેમની કામગીરી પર પડી શકે છે. પપ્પા નું દાયકા અગાઉ બાય પાસ ઓપરેશન પણ થયું હતું અને ડાયાબીટીસ અને પ્રેશરની ગોળીઓ પણ તેઓ નિયમિત લે છે. આ બધી પરિસ્થિતિ ને લઈને હું ભારે ચિંતિત હતો પણ ગાંઠ દૂર કરવાની સર્જરી વિના વિઘ્ન પાર ઉતરી. 

  છેલ્લાં અઠવાડિયા થી હું પપ્પાની સાથે જ હોસ્પિટલમાં છું અને અન્ય કેટલીક મજેદાર વાતો મને અહીં કરવી ગમશે. જેમકે ઓપરેશન થયા બાદ પપ્પાને બે - ત્રણ દિવસ આઈ. સી. યુ. માં રાખવાના હતાં, પણ બીજે જ દિવસે સવારે તેઓ તેમનાં માટે ફાળવેલા અલાયદા રૂમમાં આવી ગયા. મને કહે "એક બુઢ્ઢો બાજુ માં હતો એ આખી રાત લોહી પી ગયો! તેણે સતત બડ બડ કરી મને અને અન્ય ડોક્ટરોને પરેશાન કરી મૂક્યા. એટલે હું અહીં આવી ગયો." મારી આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. હજી ઓપરેશન ને એક દિવસ થયો છે, તેમને આઈ. સી. યુ. માં રાખવાનું સૂચન થયું હતું અને તેમણે ડોકટરને મનાવી પણ લીધા, તેમને શિફ્ટ કરવા! જો કે તેમની રિકવરી ઘણી સારી અને ઝડપી હોવાથી જ આ શક્ય બન્યું. હવે ઓપરેશન તાજું હોવાથી તેમણે ખોરાક મોઢે થી ચાવી ને લેવાનો નહોતો અને તેમનાં નાકમાંથી એક નળી પસાર કરી સીધી અન્ન નળી સાથે જોડી હતી જેના વાટે તેમને પ્રવાહી ખોરાક લેવાનો હતો. પણ આ ભારે અસુવિધા ભર્યું હતું એટલે જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પૂછે "આ ગણપતિ બાપા ની સૂંઢ ક્યારે દૂર કરવાની છે?! “. તેમને સતત ચાલતા રહેવાની આદત, બેસવું તો ગમે જ નહીં. ઓપરેશન દરમ્યાન અને ત્યાર બાદ પેદા થતું ખરાબ લોહી નીકળી જાય એ માટે એક નળી ગળામાંથી બહાર કાઢી તેનો બીજો છેડો એક થેલી જેવા પાત્ર સાથે જોડેલો હોય એટલે ઉભા થઈ ચાલવું હોય તો આ થેલી સતત હાથમાં પકડી ઉભું થવું પડે કે ચાલવું પડે. જ્યારે પણ નર્સ કે ડોક્ટર આવે ત્યારે પોતાના કોમેડી સ્વભાવ મુજબ પૂછે, "હવે આ વરરાજાના સતત હાથમાં રાખવા પડતાં નાળિયેર ને ક્યારે છોડો છો?! “. નર્સ અને ડોક્ટર હસતાં હસતાં રૂમમાંથી બહાર જાય!

 તેમને વાતો કરવાનો ભારે શોખ. દવા આપવા જ્યારે પણ જુદી જુદી નર્સ આવે એ દરેક સાથે અચૂક અલક મલકની વાતો કરે. એક નર્સ નું નામ ઉર્વશી એટલે તેને કહે, "હવે તું અહીં રંભા ને પણ બોલાવી લાવ એટલે ઈન્દ્રસભાનું આયોજન કરીએ! “. તેમને કસરત કરાવવા ફિઝિઓથેરાપીસ્ટ એવા યુવા ડો. પ્રતીક શાહ આવે એટલે એમની સાથે પણ જુદા જુદા વિષયો પર ગોષ્ઠી માંડે. ડો. જયેશ શાહ પણ તેમનું બી. પી. અને સુગર ચેક કરવા આવે ત્યારે તેમને પેલી સૂંઢ અને વરરાજાના નાળિયેર વળી વાત કરી હસાવે! ઓપરેશન પછી ત્રીજા દિવસે પેલી સૂંઢમાંથી મુક્તિ મળી અને છઠ્ઠા દિવસે પેલી વરરાજાના નાળિયેર સમી થેલી પણ ડોક્ટરે દૂર કરી! હવે તેઓ બધો ખોરાક પણ લઈ શકે છે અને થોડાં દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. નર્સો કહે છે "કાકા, અમે તમને મિસ કરીશું! “ 

  હવે તેમની ગાંઠનો વિગતપૂર્વકનો રિપોર્ટ આવી ગયા પછી આગળની ટ્રીટમેન્ટ નક્કી થશે. એકાદ મહિનો હજી આરામ કરવાનું ડોક્ટરોએ સૂચવ્યું છે. ત્યારબાદ, નવરાત્રિ સુધી કે નવરાત્રિના શુભ દિવસો દરમ્યાન તેમના પ્રાણવાયુ સમા શો તારક મહેતા માં તેઓ ફરી એન્ટ્રી મારે એવી તેમની ઈચ્છા છે. પ્રાર્થના કરીએ કે નટુકાકાની આ ઇચ્છા પણ અંબામા પૂરી કરે! 


રવિવાર, 9 એપ્રિલ, 2017

પાષાણી પથરીની પારાવાર પીડા (ભાગ - ૧)

૭મી એપ્રિલ 'વર્લ્ડ હેલ્થ ડે' તરીકે ઉજવાય છે.આ દિવસે આપણે આપણી તંદુરસ્તી અને આરોગ્ય વિષે સભાન પણે વિચારવું જોઇએ.આમ તો આપણે આખું વર્ષ આપણી તબિયત પ્રત્યે આંખ આડા કાન કરતા હોઇએ છીએ કે તેની કાળજી કરતા હોતા નથી. પણ આજના સમયમાં જ્યારે ઋતુઓ વધુ ને વધુ વિષમ થતી ચાલી છે, જ્યારે આપણે ભેળસેળ વાળું ખાવા પામતા હોઇએ છીએ અને પ્રદૂષણ યુક્ત હવા શ્વાસમાં લઈ રોજ ભાગમભાગ કરી તાણયુક્ત જીવન જીવતા હોઇએ છીએ ત્યારે મારે એક વાર યાદ અપાવવું છે કે વચ્ચે વચ્ચે થોભો. તમારી તબિયતનું ધ્યાન રાખો.વર્ષમાં ઓછામાં ઓછી એક વાર આખા શરીરનું ચેક અપ કરાવી લો અને શરીર તથા તબિયતનું ખુબ સારી રીતે ધ્યાન રાખો. તાજેતરમાં જ થયેલ એક પીડાદાયી અનુભવમાંથી પસાર થવાને કારણે આજે હું આ વિચારો શેર કરી રહ્યો છું. મેં જે ભૂલ કરી હતે તે તમારામાંથી કોઈ આજની આ પોસ્ટ વાંચ્યા પછી ન કરે તો મારી આ મહેનત લેખે લાગશે.
            નોકરી શરૂ કર્યાને પંદરેક વર્ષ થઈ ગયા અને મારે એ.સી. ઓફિસમાં બેસીને જ કામ કરવાનું હોવાથી આમ તો હું તંદુરસ્ત રહેવા માટે નિયમિત યોગ કરું છું, ચાલવાની કસરત નિયમિત કરું છું, વર્ષમાં એકાદ-બે મેરેથોનમાં દસ-વીસ કિલોમીટર દોડવાનું રાખું છું.  પણ એ.સી.માં બેસવાને લીધે તરસ ઓછી લાગે એટલે નિયમિત પૂરતી માત્રામાં પાણી પીવાનું હું ચૂકી જતો. સવારે ઉઠતા વેત બે-ત્રણ ગ્લાસ પાણી એક સાથે પી જવાની આદત ખરી પણ આખા દિવસ દરમ્યાન શરીરને નિયમિત રીતે થોડે થોડે સમયને અંતરે પાણી મળતું રહેવું જોઇએ એ ખ્યાલ હું ન રાખી શક્યો અને મને જાણ ન થાય એમ શરીરમાં પાછલા બે-એક વર્ષમાં બંધાઈ ગઈ પાષાણી પથરી!
            બે વર્ષ પહેલા ફુલ-બોડી ચેક અપ કરાવ્યું ત્યારે અલ્ટ્રા-સોનોગ્રાફીનો રીપોર્ટ નોર્મલ આવ્યો હતો, પથરીનું નામોનિશાન નહોતું.પણ માત્ર છેલ્લા એકાદ-બે વર્ષમાં મારી કિડનીમાં નવ મિલિમીટર કદની પથરીએ આકાર લીધો અને તેનો નાશ અને નિકાલ કરતી વેળા પૂરો એક મહિનો જે હેરાનગતિ ભોગવી તે અનુભવ આજની આ પોસ્ટ થકી તમારા સૌ સાથે શેર કરું છું જેથી તમે એમાંથી કંઈક શિખી શકો અને તમારે  આવા યાતનામય અનુભવમાંથી પસાર થવાનો વારો ન આવે.
મહાશિવરાત્રિની શુક્રવારની રાતે પોણા બારે અચાનક પેટમાં ડાબી બાજુએ દુખાવો ઉપડયો. દુખાવો પણ કેવો? કદાચ પહેલી જ વાર આટલો અસહ્ય દુખાવો હું અનુભવી રહ્યો હતો. મારાથી બેસી શકાતુ નહોતું અને સૂઈ જવાની કોશિષ કરી એનાથી પણ રાહત ન અનુભવાઈ. જાજરૂ જઈ આવ્યો પણ કંઈ રાહત નહિ, ઉલટી થઈ અને બધું ખાધેલું નિકળી ગયું અને આશા બંધાણી કે હવે કદાચ સારું થઈ જશે પણ આ ઉલટી કેટલીક વાર મને થતી હોય છે તેવી પિત્તની ઉલટી નહોતી અને તેથી મને ઉલટી કર્યા બાદ પણ રાહત ન થઈ. આ પીડા તો મારો કેડો જ નહોતી મૂકતી. દુખાવો ડાબી બાજુએ હોવાથી હાર્ટ એટેક તો નહિ હોય એવો છૂપો ભય પણ ઓલરેડી ધ્રુજી રહેલા શરીરમાં ભયની માત્રામાં વધારો કરી ગયો.આટલી મોડી રાતે ફેમિલી ડોક્ટર પણ ચાલ્યા ગયા હોય તો ક્યાં જવું? હજી આ વિચાર લાંબો ચાલે એ પહેલા તો દુખાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો અને હવે પસીનો પણ વળવા માંડ્યો. હું સીધો બહેનને સાથે લઈ ઘર  નજીક આવેલી હોસ્પિટલ જઈ પહોંચ્યો. ત્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી અને લક્ષણો પરથી એવું તારણ કાઢ્યું કે આ અસહ્ય પીડાનું મૂળ કારણ હતી પાષાણી પથરી!
રાતે તો ડોક્ટરે પેઇન કિલર ઇન્જેકશન અને દવાની ટિકડી આપી કહી દીધું કે હવે સવાર સુધી તો પરેશાની નહિ થાય અને બીજે દિવસે વિગતવાર રીપોર્ટ કઢાવી પછી આગળની પ્રોસેસ નક્કી કરીશું.પણ ઘેર આવ્યા બાદ બે-એક કલાક બાદ ફરી એ પીડાએ મને પરેશાન કરી મૂક્યો. ત્રણ-ચાર વાર જાજરૂમાં જઈ આવ્યા બાદ પણ ચેન ન પડ્યું. જેમતેમ કરી સવાર પાડી!
સવારે પેટની સોનોગ્રાફી કરાવી.પહેલા તો સોનોગ્રાફી કરનાર ડોક્ટર બહેન કહે પેટ ભરપૂર પાણી ભરેલું હોવું જોઇએ જેથી બ્લેડર ફુલ હોય અને રીપોર્ટ બરાબર આવે પણ મને ઉલટી - ઉબકા આવી રહ્યા હતા એની એમને ક્યાંથી ખબર? જેટલું પીવાય એટલું પાણી પીધા બાદ સોનોગ્રાફી કરાવી અને તેમાં સ્પષ્ટ દેખાયું કે ૯ મિલિમીટરની  પથરી મૂત્રાશયની નળીના પ્રવેશદ્વારની આસપાસ ક્યાંક બેઠેલી હતી! યુરોલોજીસ્ટ ડોક્ટરે કહ્યું સોનોગ્રાફીને આધારે ઓપરેશનનો નિર્ણય ન લેવાય કારણ ઓછા કદની પથરી હોય તો દવા વાટે પણ તેનો નિકાલ થઈ શકે અને સોનોગ્રાફી ચોકસાઈ પૂર્વક કદનું નિદાન કરવા માટે પૂરતી નથી. આથી ગયો એમ.આર.આઈ. કરાવવા. ત્યાં લાંબી લાઈન.આ પ્રોસેસ પણ પાછી લાંબી એટલે એક દર્દી રીપોર્ટ માટે જાય એ અડધા-પોણા કલાકે બહાર આવે. એમ.આર.આઈનું યંત્ર પણ કેવું ડરામણું! ઓછા માં પૂરતી ત્યાં હિમાલય પર પડતી હોય એવી ઠંડી. મારે પેટનો સ્કેન રીપોર્ટ કઢાવવાનો હતો એટલે અહિ પણ બ્લેડર ફુલ કરવા ભરપૂર પાણી પીવા સૂચન થયું. પાણી તો ત્રણચાર ગ્લાસ પી લીધું પણ હજી બે-ચાર દર્દી પછી મારો નંબર આવવાનો હતો એટલે મારી સ્થિતી જોવા જેવી હતી! એક સારી બાબત એ હતી કે હવે પથરીનો દુખાવો નહોતો થઈ રહ્યો. ક્રિયેટીન ઓછું હોવાથી અન્ય ખાસ પ્રકારની દવા ઇન્જેકશન દ્વારા આપ્યા બાદ એમ.આર.આઈ સ્કેન થયો. હું તો રીતસર ધ્રૂજી રહ્યો હતો એટલી ઠંડી હતી.એમાં મશીનનું ભૂંગળુ ઘડીક આગળ લઈ જાય તો ઘડીક પાછળ, ક્યારેક મને ઉંધા સૂવાનું કહે તો ક્યારેક ચત્તા, એમાંયે ઘડી ઘડી શ્વાસ રોકવાનો. જોરદાર બાથરૂમ જવાનું પ્રેશર આવ્યું હોય અને એમાં આવી બધી કવાયત. મારી બહેન સતત મારી સાથે જ હતી. જો કોઈ દર્દી એકલું હોય તો એને માટે તો આ બધી માથાકૂટ ભારે પડે. ખેર આટલી મથામણ પછી યે હજી ડોક્ટરને સંતોષ ન થયો એટલે એક પેરામીટર ફરી તપાસવા રાતે આઠ વાગે બોલાવ્યો. બપોરના સાડા ત્રણ-ચાર થયા હોવા છતા હજી સુધી મેં સવારે ચાનાસ્તામાં બે ભાખરી સિવાય કંઈજ ખાધું નહોતું.ખેર ઘેર જઈ થોડું જમ્યા બાદ જેમતેમ સમય પસાર કર્યો અને આઠ વાગે ફરી રીપોર્ટ કઢાવવા આવ્યો.પૂરો રીપોર્ટ લઈ યુરોલોજીસ્ટ ડોક્ટરને બતાવવા ગયો અને ત્યાં નિદાન થયું કે ડાબી કિડનીમાં બે-ત્રણ નાની મોટી પથરીઓ ચોંટીને તેમણે બનાવેલું મોટું નડતર  ડાબી બાજુની મૂત્રવાહિની પાસે ઉભું હતું. જમણી બાજુએ પણ નાની ત્રણેક મિલિમીટરની એક પથરી હતી. ડોક્ટરે ખુબ સરસ રીતે સમજાવ્યું કે પુરતું પાણી ન પીવાને કારણે અમુક ચોક્કસ પ્રકારનો (જેમ કે બી વાળા શાક) ખોરાક ખાવામાં સતત આવતો હોય તો આ સમસ્યા થઈ શકે. મારે તો હેરીડિટરી પણ આ સમસ્યા આવી હોઈ શકવાની સંભાવના હતી. પણ હવે તેનું કદ એટલું મોટું હતું કે ઓપરેશન દ્વારા જ તેને દૂર કરવી એવું સૂચન ડોક્ટરે કર્યું. સદનસીબે આટલી મોટી પથરી હોવા છતાં તેણે મારી કિડનીને નુકસાન પહોંચાડ્યું નહોતું.જો ઓપરેશન ન કરીએ અને દવા દ્વારા તેને બહાર લાવવાનો પ્રયત્ન પણ કરીએ તો એ મોટા કદ અને તેના કાંટાળા આવરણ વાળા શરીરને લીધી કિડની તથા સાવ પાતળી મૂત્રવાહિનીની દિવાલોને ચિરતી, તેમને નુકસાન પહોંચાડતી નીચે બહાર આવે એવી શક્યતા હતી આથી મેં બીજે દિવસે રવિવારે સવારે ઓપરેશન કરાવી નાંખવાનું જ મુનાસીબ માન્યું અને શનિવારની એ બીજી રાત પણ જેમતેમ પીડા સાથે વિતાવી.


(ક્રમશ:)