Translate

લેબલ 'Marathon' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'Marathon' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 3 ઑક્ટોબર, 2020

વર્ચ્યુઅલ મેરેથોન

    દોડવાનો શોખ હોય તેમને માટે મેરેથોન શબ્દ નવો નથી. ફૂલ મેરેથોનમાં લગભગ ૪૨ કિલોમીટર જેટલું અંતર દોડીને કાપવાનું હોય છે અને હાફ મેરેથોનમાં લગભગ ૨૧ કિલોમીટર જેટલું. છેલ્લાં કેટલાંક વર્ષોથી દસ, પાંચ કિલોમીટરની શ્રેણી પણ મુંબઈમાં દર જાન્યુઆરી માસમાં યોજાતી મેરેથોનમાં ઉમેરવામાં આવી છે, સાથે જ અન્ય પણ અનેક નવા પ્રકારની મેરેથોન દોડ છેલ્લાં કેટલાક વર્ષોમાં જોવા મળી છે જેમકે રાત્રે અંધારામાં યોજાતી નિઓન દોડ, વરસાદમાં પલળતા દોડવાની ભીની મેરેથોન, હોળીના રંગો ઉડાડતાં દોડવાની રંગ મેરેથોન, વિઘ્ન દોડ મેરેથોન વગેરે. વિશ્વભરમાં મેરેથોન યોજાતી આવી છે અને દોડવીરો પોતાના દેશ સિવાયની અન્ય દેશમાં યોજાતી પ્રચલિત મેરેથોનમાં ભાગ લેવા પણ હોંશે હોંશે જાય છે. દર વર્ષે મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાતી મેરેથોનમાં દોડવા ઈચ્છતા દોડવીરો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પાછલા વર્ષના જુલાઈ - ઓગષ્ટમાં જ સંપન્ન થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે, હજી સુધી મુંબઈ મેરેથોન ૨0૨૧માં તેના મૂળ સ્વરૂપે યોજાશે કે કેમ તે સ્પષ્ટના હોવાથી નોંધણી પ્રક્રિયા ના કોઈ અહેવાલ નથી. કારણ મેરેથોનમાં હજારો દોડવીરો એક સાથે એક સ્થળે દોડવા ભેગા થાય છે અને એક જ સમયે એક જ માર્ગ પર ભેગા દોડે છે. કોરોનાને પગલે હાલ પૂરતી તો આ બાબત શક્ય જ નથી. એટલે કદાચ વિશ્વમાં અન્ય જગાઓએ જેની શરૂઆત થઈ ચૂકી છે તે અહીં મુંબઈ અને ભારતમાં પણ અન્ય સ્થળોએ જોવા મળે તો નવાઈ નહીં લાગે - એ છે વર્ચ્યુઅલ મેરેથોન.

  વર્ચ્યુઅલ મેરેથોનમાં વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણેથી કોઈ ચોક્કસ જગાએ યોજાતી મેરેથોનમાં નામ નોંધાવી, ભાગ લઈ શકે છે. જેમ કે હું અહીં મુંબઈમાં રહીને પણ અમેરિકા ખાતે ન્યૂયોર્કમાં યોજાનારી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું. મારે મારી અનુકૂળતા પ્રમાણે જગા અને સમય નક્કી કરી નિયત અંતર દોડી લેવાનું અને તે સત્તાવાર મોબાઈલ એપમાં નોંધી તેની વિગત આયોજકોને મોકલી આપવાની. યોગ્ય ચકાસણી બાદ તેઓ મને મારું સર્ટિફિકેટ ઓનલાઇન અને મેડલ કૂરિયર દ્વારા મોકલી આપે! લાગે છે ને મજેદાર વાત? હા, આ હવે વાસ્તવિકતા બની છે. હું મારા ઘરમાં જ ટ્રેડ મિલ પર પણ ૨૧ કે ૪૨ કિલોમીટર દોડી મેરેથોનમાં દોડ્યાનો અનુભવ કરી શકું, એના ફાયદા અને લાભ (સર્ટિફિકેટ કે મેડલ) મેળવી શકું. ઘેર ટ્રેડ મિલ ના હોય તો મારી આસપાસ ના સુરક્ષિત વિસ્તારમાં પણ ચોક્કસ સમયે એક સાથે નિયત અંતર દોડી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું.

  આ રીતે દોડવામાં શું શું ના મળે જે મૂળ રિયલ મેરેથોનમાં દોડતાં મળી શકે? આનો જવાબ છે રિયલ મેરેથોન વખતે માર્ગમાં તમારા ઉત્સાહને બિરદાવતા, હર્ષની ચિચિયારીઓ પાડતાં નાનામોટાં સેંકડો સાચા લોકો! તમને ઓળખતા પણ ના હોય તો પણ વહેલી સવારથી કેળાં, સંતરાના ટુકડા કે બિસ્કીટ કે મીઠું, સાકર વગેરે લઈ રસ્તાની બંને બાજુએ આ પ્રેક્ષકો ગોઠવાઈ ગયાં હોય અને માત્ર પ્રેક્ષકના બની રહેતાં તે ખાદ્ય પદાર્થો આપી કે તાળી આપી કે ઉત્સાહ વધારનાર હાથે લખેલા બેનર્સ બતાવી , દોડવીરોનું દોડવું આસાન બનાવે! આ મેરેથોનમાં દોડવાની સૌથી મહત્વની ઉપલબ્ધિ ગણી શકાય જે વર્ચ્યુઅલ મેરેથોનમાં તમે ના પામી શકો. હા, તમે બહાર દોડવાના હોવ તો તમારા પરિવારજનોને ફિનિશ લાઇન પાસે ઊભા રહી તમને ચિયર કરવાની વિનંતી તમે કરી શકો. પણ એમાં રિયલ મેરેથોન જેવી મજા તો ન જ આવે. બીજું, રિયલ મેરેથોનમાં મેડિકલ ઈમરજન્સી હેન્ડલ કરવા ડોક્ટર વગેરે હાજર હોય, પાણી, એનર્જી ડ્રિન્ક વગેરે પૂરા પાડતા સ્ટોલ થોડે થોડે અંતરે હાજર હોય જે વર્ચ્યુઅલ દોડ વખતે તમને ન મળી શકે. પાણી, દવા કે એનર્જી આપતા બિસ્કીટ - ફળ વગેરે તમારે પોતે ઉંચકી દોડવું પડે જેનું વજન વધતાં દોડવામાં મુશ્કેલી આવી શકે, એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા તમે શિસ્ત અને પ્રમાણિકતાના ચૂસ્ત આગ્રહી હોવા જોઈએ. સેલ્ફ મોટિવેટર હોવું અહીં ખૂબ જરૂરી બની રહે છે.

  વર્ચ્યુઅલ મેરેથોનનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં કોઈ સરહદનું બંધન નથી. તમને વિદેશી મેરેથોનમાં ભાગ લેવાની ઈચ્છા હોય તો તે તમે અહીં તમારે ઘેર રહી પૂરી કરી શકો અને દોડ પૂર્ણ થયે ત્યાંનું સર્ટિફિકેટ મેળવી સંતોષ પ્રાપ્ત કરી શકો છો. બીજું, તમારા આરોગ્ય વિષયક લક્ષ્યાંક તમે નક્કી કરી પાર પાડી શકો. મેરેથોન થાય જ નહીં તો તમે દોડો નહીં અને ઘેર બેસી રહો તો સ્વાસ્થ્યને લગતો લાભ ના મળે, પણ વર્ચ્યુઅલ રેસમાં નામ નોંધાવી પ્રેક્ટિસ કરો અને ખરેખર દોડી સ્વાસ્થ્યને થતાં ફાયદાનો લાભ મેળવી શકો.

સ્ટાર્વા, ગાર્મીન, રનકીપર, મેપ માય રન વગેરે જેવી ઘણી મોબાઈલ એપ જે તે વર્ચ્યુઅલ મેરેથોનનોના આયોજકોએ મંજૂર કરેલી હોય છે જેની માહિતી તમે નામ નોંધાવો ત્યારે મેળવી લેવાની રહે છે અને પછી દોડતી વખતે તે એપ મોબાઈલ પર ચાલુ રાખવાની રહે છે અને દોડ પૂરી થયે તેના પર નોંધાયેલી માહિતી આયોજકોને મોકલી આપવાની રહે છે.

      વિશ્વની છ દેશોની મેરેથોન પ્રખ્યાત ગણાય છે - ટોક્યો, બોસ્ટન, લંડન, બર્લિન, શિકાગો અને ન્યૂયોર્ક. આમાંથી બોસ્ટન, શિકાગો અને ન્યૂયોર્ક તો આ વખતે વર્ચ્યુઅલ મેરેથોન જ યોજવાનું પસંદ કર્યું છે. સવાસો વર્ષોથી મેરેથોન યોજતા બોસ્ટનમાં વર્ચ્યુઅલ મેરેથોન સાતમીથી ચૌદમી સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ ગઈ તો શિકાગો મેરેથોન પાંચમી થી અગિયારમી ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. તો ન્યૂયોર્ક વર્ચ્યુઅલ મેરેથોન ઓક્ટોબર સત્તરથી નવેમ્બર પહેલી વચ્ચે યોજાશે.

    મન હોય તો માળવે જવાય અને દોડવું જ હોય તો વર્ચ્યુઅલ મેરેથોનમાં દોડાય!!  

શનિવાર, 17 માર્ચ, 2018

મેરેથોન દોડ અને તેની તૈયારી (ભાગ - ૨)


 ૧ માઈલ એટલે ૧.૬૦૯ કિલોમીટર. આખી મેરેથોન દોડવા માટે તમારે કુલ ૨૬.૨૧૯ માઈલ્સ એટલે કે ૪૨.૧૯૫ કિલોમીટર દોડવું પડે. હવે આ અંતર કઈ રીતે નક્કી થયું અને મેરેથોનની શરૂઆત કઈ રીતે થઈ - મેરેથોન શા માટે દોડવામાં આવે છે એ પાછળ રસપ્રદ ઈતિહાસ છે. ચાલો એમાં ડોકિયું કરીએ.
મેરેથોન મૂળ ગ્રીક સિપાઇ દૂત ફિડીપાઈડ્સની સ્મૃતિમાં ઉજવવાની શરૂઆત થઈ. દંતકથા મુજબ ખ્રિસ્ત પૂર્વેના વર્ષ ૪૯૦માં પર્શિયા અને એથેન્સ વચ્ચે ગ્રીસમાં આવેલ મેરેથોનની ભૂમિ પર યુદ્ધ થયેલું જેમાં ફિડીપાઈડ્સ લડ્યો હતો અને યુદ્ધ જીતી ગયા બાદ તેને એ જીતનો સંદેશો એથેન્સ સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાઈ. છવ્વીસેક માઈલનું એ આખું અંતર તે અટક્યા વગર દોડ્યો અને રાજસભામાં પહોંચતા "આપણે જીતી ગયા!" એટલું બોલી ત્યાં જ ઢળી પડ્યો અને મરણ પામ્યો.
પ્રથમ સત્તાવાર દોડ સ્પર્ધા મેરેથોન બ્રિજથી એથેન્સના ઓલિમ્પિક સ્ટેડિયમ સુધી અંદજે ૨૪.૮૫ માઈલ એટલે કે આશરે ૪૦ કિલોમીટર અંતર માટે યોજાઈ જેમાં ૨૫ દોડવીરો પૈકી માત્ર ૯ આખી દોડ પુરી કરી શક્યા અને ગ્રીક પોસ્ટલ કામદાર સ્પિરિડોન લુઇસે તે ૨ કલાક ૫૮ મિનિટ ૫૦ સેકન્ડમાં પૂરી કરી જીતી લીધી. ૧૯૦૮ લંડન ઓલિમ્પિક્સમાં મેરેથોન માટેનો માર્ગ વિન્ડસર કેસલથી વ્હાઈટ સિટી સ્ટેડિયમ સુધી નક્કી કરાયો જે ૨૬ માઈલનું અંતર ધરાવતો હતો.પણ ત્યાંના રાજવી પરિવારના ખાસ તૈયાર કરાયેલા નિરિક્ષણ કક્ષમાંથી ફિનિશ લાઈન દેખાય એ હેતુથી સ્ટેડિયમની અંદરના વધારાના ૩૮૫ યાર્ડ મેરેથોનના માર્ગમાં જોડવામાં આવ્યાં.પૂરી મેરેથોન દોડનારાઓ માટે આ છેલ્લા વધારાના ૩૮૫ યાર્ડ જેટલા અંતરને કાપવું અતિશય અઘરું થઈ પડતું હોય છે એટલે જ કદાચ છેલ્લા માઈલમાં "ગોડ સેવ ધ ક્વીન!" બોલવાની મેરેથોનમાં પરંપરા છે.
વર્ષ ૧૮૯૬માં મેરેથોનને ઓલિમ્પિક રમતોત્સવમાં સ્થાન મળ્યું અને વર્ષ ૧૯૨૧માં તે માટેના અંતરને પ્રમાણભૂત માન્યતા પ્રાપ્ત થઇ. આજે ૬૪ જેટલા દેશોમાં દર વર્ષે ૫૦૦થી વધુ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન થાય છે જેમાં એકલા અમેરિકામાં જ આશરે સવા ચાર લાખ કરતા વધુ લોકો આ દોડસ્પર્ધામાં હોંશભેર ભાગ લે છે.
મેરેથોનમાં હાફ મેરેથોન ,દસ કિલોમીટર,પાંચ કિલોમીટર એવી જુદી જુદી કેટેગરીઝ રાખવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો દોડવાના આનંદનો અનુભવ લઈ શકે.મહિલાઓ અને વ્રુદ્ધો પણ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લે છે તો જુદી રીતે સક્ષમ લોકો માટે પણ મેરેથોનમાં ખાસ કેટેગરી રાખવામાં આવે છે.ઘણી જગાએ મેરેથોન ચેરીટી ભંડોળ ઉભું કરવાનું પણ મોટું આકર્ષક મંચ પુરું પાડે છે.
મુંબઈમાં ઘણાં વર્ષોથી દર જાન્યુઆરી માસના ત્રીજા રવિવારે આયોજીત થતી મેરેથોનના મુખ્ય સ્પોન્સર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સંસ્થા હતી જે આ વર્ષથી ટાટા જૂથ બન્યું છે.
ગત બ્લોગપોસ્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૮ની ૨૧મી જાન્યુઆરીએ યોજાયેલ ટાટા મુંબઈ મેરેથોનની હાફ મેરેથોનમાં ભાગ લઈ હું ત્રીજી વાર ૨૧ કિલોમીટર દોડ્યો અને દર વખતની જેમ આ વખતે પણ આ સમગ્ર અનુભવ અતિ યાદગાર બની રહ્યો.
મોટા ભાગના લોકોની જેમ મારો પણ આ દોડમાં ભાગ લેવાનો આશય સ્પર્ધામાં દોડી ઇનામ જીતવાનો નથી હોતો પણ એ માટે તૈયારી રુપે થતી કસરતનો લાભ મેળવવાનો અને મેરેથોન દોડતી વખતે કરવા મળતા અતિ મનનીય અનુભવને માણવાનો હોય છે. ઘણાં એવા પણ લોકો મેરેથોનમાં ભાગ લે છે જેમનો હેતુ હોય છે સમય મર્યાદા વગેરે ભૂલી જઈ માત્ર રેસ પૂરી કરવાનો.
 હાફ કે ફુલ મેરેથોનમાં ભાગ લો તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને વહેલી સવારે મેરેથોનના શરૂઆતના પોઇન્ટ પર પહોંચી જવાનું,ત્યાં હજારો ઉત્સાહી મનથી અને તનથી યુવાન લોકો સાથે દોડવાની શરૂઆત કરવાની,વાંદ્રા-વરલી સી-લિન્ક જ્યાં વાહન પણ થોભાવવાની પરવાનગી નથી હોતી એ રૂટ પર સાત-આઠ કિલોમીટર દોડવાનો માણવાલાયક અનુભવ કરવાનો આ બધાં મેરેથોનમાં ભાગ લેવાના ફાયદા!પાંચ-છ કિલોમીટરની ડ્રીમ રન કેટેગરીમાં તમને ભારે મોટી સંખ્યામાં ભાગ લીધેલા સ્પર્ધકોની ભીડ વચ્ચે ભાગવા તો નહિ મળે પણ ચાલતી વખતે અવનવી વેશભૂષામાં સજ્જ કોઈને કોઈ સામાજીક સંદેશા સાથે ચાલી-દોડી રહેલા લોકો સાથે ચાલી-દોડીને તમે જે ઉર્જા-ઉત્સાહનો ધોધ અનુભવી શકશો એ ફુલ કે હાફ મેરેથોનથી કમ તો નહિ જ હોય! વરલી સી ફેસ હોય કે મરીન ડ્રાઈવનો વિસ્તાર ક્યારેક તમને મેરેથોનના માર્ગ પરથી ફંટાઈ દરીયાની લગોલગ પહોંચી જવાનું મન થઈ આવે!પણ શિસ્ત નો મહામૂલો પથ પણ મેરેથોન શિખવે છે.આસપાસના ડિસ્ટ્રેકશન્સ ખાળી દોડવા પર જ ધ્યાન કેન્દ્રીત કરો તો જ સમય મર્યાદામાં દોડ પૂરી કરી શકો. જોકે દોડતી વખતે વ્હેલી સવારે માત્ર તમને બિરદાવવા આવેલા રસ્તાની બંને બાજુએ ઉભેલા આબાલવ્રુદ્ધ લોકોની હર્ષની ચિચિયારીઓ તમારા ઉત્સાહને બમણો કરી નાંખે અને ઉર્જાનો તો સતત આખા માર્ગમાં જાણે ધોધ જ વહી રહ્યો હોય!તમારી બાજુના માર્ગ પર જુદી કેટેગરીમાં દોડી રહેલા અન્ય દોડવીરો હોય કે તમારી સાથે આજુબાજુ દોડી રહેલા અન્ય સ્પર્ધકો, બધાં તમને બિરદાવે!
રસ્તાની બંને બાજુએ પાણીના સ્ટોલ્સ,ફળો કે એનર્જી ડ્રીન્ક્સ્ના સ્ટોલ્સ કે તમને બિરદાવવા આવેલા ઉત્સાહી લોકોમાંના કેટલાક ઘેરથી બિસ્કીટ્સ ,ફળો કે ચોક્લેટ્સ પ્લેટ્સમાં લઈ ઉભા હોય અને પ્રેમથી આગ્રહ પૂર્વક તમને એ ઓફર કરે. નાચ-ગાનનાં મંચ,ચેરીટી સંસ્થાઓના સભ્યો પોતપોતાની સંસ્થાના સામાજીક સંદેશા લખેલાં પોસ્ટર્સ સાથે ઉભા ઉભા લોકોનો ઉત્સાહ વધારતા હોય. કેટલાક ઉત્સાહી લોકો પ્રેરણાત્મક કે રમૂજી સંદેશાઓ લખેલા પોસ્ટર્સ કે પ્લાકાર્ડ્સ લઈ ઉભા ઉભા તમારા ઉત્સાહમાં વધારો કરે તો કેટલાક માત્ર તાળી પાડી કે જોમવર્ધક સૂત્રો ઉચ્ચારી તમને મોટીવેટ કરવાનો પ્રયત્ન કરે,કોઈ જ પ્રકારના સ્વાર્થ વગર!મારા માટે આ બધી બાબતોનો અનુભવ કરવો એ મેરેથોનમાં ભાગ લેવા માટેનું બીજું મોટું સબળ કારણ હોય છે. અંધારામાં દોડવાની શરૂઆત કરી હોય અને કુમાશ ભર્યો તડકો છવાઈ જાય ત્યાં સુધી દોડી તમે જ્યારે રેસ પૂરી કરો ત્યારે ફિનિશ લાઈન પર જે દ્રષ્યો જોવા-અનુભવવા મળે એ પણ અદભૂત હોય. મેં નક્કી કર્યા મુજબ આ વખતનું એક્વીસ કિલોમીટરનું અંતર હું ત્રણ કલાક કરતા ઓછા સમયમાં દોડી શક્યો એ વાતની મને બેહદ ખુશી છે.મનમાં એક વાર ફુલ મેરેથોન દોડવાની પણ ઇચ્છા ખરી!જોઇએ એ ક્યારે અને કેમ શક્ય બને છે!
  



(સંપૂર્ણ)