Translate

શનિવાર, 17 માર્ચ, 2018

મેરેથોન દોડ અને તેની તૈયારી (ભાગ - ૨)


 ૧ માઈલ એટલે ૧.૬૦૯ કિલોમીટર. આખી મેરેથોન દોડવા માટે તમારે કુલ ૨૬.૨૧૯ માઈલ્સ એટલે કે ૪૨.૧૯૫ કિલોમીટર દોડવું પડે. હવે આ અંતર કઈ રીતે નક્કી થયું અને મેરેથોનની શરૂઆત કઈ રીતે થઈ - મેરેથોન શા માટે દોડવામાં આવે છે એ પાછળ રસપ્રદ ઈતિહાસ છે. ચાલો એમાં ડોકિયું કરીએ.
મેરેથોન મૂળ ગ્રીક સિપાઇ દૂત ફિડીપાઈડ્સની સ્મૃતિમાં ઉજવવાની શરૂઆત થઈ. દંતકથા મુજબ ખ્રિસ્ત પૂર્વેના વર્ષ ૪૯૦માં પર્શિયા અને એથેન્સ વચ્ચે ગ્રીસમાં આવેલ મેરેથોનની ભૂમિ પર યુદ્ધ થયેલું જેમાં ફિડીપાઈડ્સ લડ્યો હતો અને યુદ્ધ જીતી ગયા બાદ તેને જીતનો સંદેશો એથેન્સ સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાઈ. છવ્વીસેક માઈલનું આખું અંતર તે અટક્યા વગર દોડ્યો અને રાજસભામાં પહોંચતા "આપણે જીતી ગયા!" એટલું બોલી ત્યાં ઢળી પડ્યો અને મરણ પામ્યો.
પ્રથમ સત્તાવાર દોડ સ્પર્ધા મેરેથોન બ્રિજથી એથેન્સના ઓલિમ્પિક સ્ટેડિયમ સુધી અંદજે ૨૪.૮૫ માઈલ એટલે કે આશરે ૪૦ કિલોમીટર અંતર માટે યોજાઈ જેમાં ૨૫ દોડવીરો પૈકી માત્ર ૯ આખી દોડ પુરી કરી શક્યા અને ગ્રીક પોસ્ટલ કામદાર સ્પિરિડોન લુઇસે તે ૨ કલાક ૫૮ મિનિટ ૫૦ સેકન્ડમાં પૂરી કરી જીતી લીધી. ૧૯૦૮ લંડન ઓલિમ્પિક્સમાં મેરેથોન માટેનો માર્ગ વિન્ડસર કેસલથી વ્હાઈટ સિટી સ્ટેડિયમ સુધી નક્કી કરાયો જે ૨૬ માઈલનું અંતર ધરાવતો હતો.પણ ત્યાંના રાજવી પરિવારના ખાસ તૈયાર કરાયેલા નિરિક્ષણ કક્ષમાંથી ફિનિશ લાઈન દેખાય એ હેતુથી સ્ટેડિયમની અંદરના વધારાના ૩૮૫ યાર્ડ મેરેથોનના માર્ગમાં જોડવામાં આવ્યાં.પૂરી મેરેથોન દોડનારાઓ માટે આ છેલ્લા વધારાના ૩૮૫ યાર્ડ જેટલા અંતરને કાપવું અતિશય અઘરું થઈ પડતું હોય છે એટલે જ કદાચ છેલ્લા માઈલમાં "ગોડ સેવ ધ ક્વીન!" બોલવાની મેરેથોનમાં પરંપરા છે.
વર્ષ ૧૮૯૬માં મેરેથોનને ઓલિમ્પિક રમતોત્સવમાં સ્થાન મળ્યું અને વર્ષ ૧૯૨૧માં તે માટેના અંતરને પ્રમાણભૂત માન્યતા પ્રાપ્ત થઇ. આજે ૬૪ જેટલા દેશોમાં દર વર્ષે ૫૦૦થી વધુ મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન થાય છે જેમાં એકલા અમેરિકામાં આશરે સવા ચાર લાખ કરતા વધુ લોકો દોડસ્પર્ધામાં હોંશભેર ભાગ લે છે.
મેરેથોનમાં હાફ મેરેથોન ,દસ કિલોમીટર,પાંચ કિલોમીટર એવી જુદી જુદી કેટેગરીઝ રાખવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો દોડવાના આનંદનો અનુભવ લઈ શકે.મહિલાઓ અને વ્રુદ્ધો પણ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લે છે તો જુદી રીતે સક્ષમ લોકો માટે પણ મેરેથોનમાં ખાસ કેટેગરી રાખવામાં આવે છે.ઘણી જગાએ મેરેથોન ચેરીટી ભંડોળ ઉભું કરવાનું પણ મોટું આકર્ષક મંચ પુરું પાડે છે.
મુંબઈમાં ઘણાં વર્ષોથી દર જાન્યુઆરી માસના ત્રીજા રવિવારે આયોજીત થતી મેરેથોનના મુખ્ય સ્પોન્સર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સંસ્થા હતી જે વર્ષથી ટાટા જૂથ બન્યું છે.
ગત બ્લોગપોસ્ટમાં જણાવ્યા મુજબ ૨૦૧૮ની ૨૧મી જાન્યુઆરીએ યોજાયેલ ટાટા મુંબઈ મેરેથોનની હાફ મેરેથોનમાં ભાગ લઈ હું ત્રીજી વાર ૨૧ કિલોમીટર દોડ્યો અને દર વખતની જેમ વખતે પણ સમગ્ર અનુભવ અતિ યાદગાર બની રહ્યો.
મોટા ભાગના લોકોની જેમ મારો પણ દોડમાં ભાગ લેવાનો આશય સ્પર્ધામાં દોડી ઇનામ જીતવાનો નથી હોતો પણ માટે તૈયારી રુપે થતી કસરતનો લાભ મેળવવાનો અને મેરેથોન દોડતી વખતે કરવા મળતા અતિ મનનીય અનુભવને માણવાનો હોય છે. ઘણાં એવા પણ લોકો મેરેથોનમાં ભાગ લે છે જેમનો હેતુ હોય છે સમય મર્યાદા વગેરે ભૂલી જઈ માત્ર રેસ પૂરી કરવાનો.
 હાફ કે ફુલ મેરેથોનમાં ભાગ લો તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને વહેલી સવારે મેરેથોનના શરૂઆતના પોઇન્ટ પર પહોંચી જવાનું,ત્યાં હજારો ઉત્સાહી મનથી અને તનથી યુવાન લોકો સાથે દોડવાની શરૂઆત કરવાની,વાંદ્રા-વરલી સી-લિન્ક જ્યાં વાહન પણ થોભાવવાની પરવાનગી નથી હોતી રૂટ પર સાત-આઠ કિલોમીટર દોડવાનો માણવાલાયક અનુભવ કરવાનો બધાં મેરેથોનમાં ભાગ લેવાના ફાયદા!પાંચ- કિલોમીટરની ડ્રીમ રન કેટેગરીમાં તમને ભારે મોટી સંખ્યામાં ભાગ લીધેલા સ્પર્ધકોની ભીડ વચ્ચે ભાગવા તો નહિ મળે પણ ચાલતી વખતે અવનવી વેશભૂષામાં સજ્જ કોઈને કોઈ સામાજીક સંદેશા સાથે ચાલી-દોડી રહેલા લોકો સાથે ચાલી-દોડીને તમે જે ઉર્જા-ઉત્સાહનો ધોધ અનુભવી શકશો ફુલ કે હાફ મેરેથોનથી કમ તો નહિ હોય! વરલી સી ફેસ હોય કે મરીન ડ્રાઈવનો વિસ્તાર ક્યારેક તમને મેરેથોનના માર્ગ પરથી ફંટાઈ દરીયાની લગોલગ પહોંચી જવાનું મન થઈ આવે!પણ શિસ્ત નો મહામૂલો પથ પણ મેરેથોન શિખવે છે.આસપાસના ડિસ્ટ્રેકશન્સ ખાળી દોડવા પર ધ્યાન કેન્દ્રીત કરો તો સમય મર્યાદામાં દોડ પૂરી કરી શકો. જોકે દોડતી વખતે વ્હેલી સવારે માત્ર તમને બિરદાવવા આવેલા રસ્તાની બંને બાજુએ ઉભેલા આબાલવ્રુદ્ધ લોકોની હર્ષની ચિચિયારીઓ તમારા ઉત્સાહને બમણો કરી નાંખે અને ઉર્જાનો તો સતત આખા માર્ગમાં જાણે ધોધ વહી રહ્યો હોય!તમારી બાજુના માર્ગ પર જુદી કેટેગરીમાં દોડી રહેલા અન્ય દોડવીરો હોય કે તમારી સાથે આજુબાજુ દોડી રહેલા અન્ય સ્પર્ધકો, બધાં તમને બિરદાવે!
રસ્તાની બંને બાજુએ પાણીના સ્ટોલ્સ,ફળો કે એનર્જી ડ્રીન્ક્સ્ના સ્ટોલ્સ કે તમને બિરદાવવા આવેલા ઉત્સાહી લોકોમાંના કેટલાક ઘેરથી બિસ્કીટ્સ ,ફળો કે ચોક્લેટ્સ પ્લેટ્સમાં લઈ ઉભા હોય અને પ્રેમથી આગ્રહ પૂર્વક તમને ઓફર કરે. નાચ-ગાનનાં મંચ,ચેરીટી સંસ્થાઓના સભ્યો પોતપોતાની સંસ્થાના સામાજીક સંદેશા લખેલાં પોસ્ટર્સ સાથે ઉભા ઉભા લોકોનો ઉત્સાહ વધારતા હોય. કેટલાક ઉત્સાહી લોકો પ્રેરણાત્મક કે રમૂજી સંદેશાઓ લખેલા પોસ્ટર્સ કે પ્લાકાર્ડ્સ લઈ ઉભા ઉભા તમારા ઉત્સાહમાં વધારો કરે તો કેટલાક માત્ર તાળી પાડી કે જોમવર્ધક સૂત્રો ઉચ્ચારી તમને મોટીવેટ કરવાનો પ્રયત્ન કરે,કોઈ પ્રકારના સ્વાર્થ વગર!મારા માટે બધી બાબતોનો અનુભવ કરવો મેરેથોનમાં ભાગ લેવા માટેનું બીજું મોટું સબળ કારણ હોય છે. અંધારામાં દોડવાની શરૂઆત કરી હોય અને કુમાશ ભર્યો તડકો છવાઈ જાય ત્યાં સુધી દોડી તમે જ્યારે રેસ પૂરી કરો ત્યારે ફિનિશ લાઈન પર જે દ્રષ્યો જોવા-અનુભવવા મળે પણ અદભૂત હોય. મેં નક્કી કર્યા મુજબ વખતનું એક્વીસ કિલોમીટરનું અંતર હું ત્રણ કલાક કરતા ઓછા સમયમાં દોડી શક્યો વાતની મને બેહદ ખુશી છે.મનમાં એક વાર ફુલ મેરેથોન દોડવાની પણ ઇચ્છા ખરી!જોઇએ ક્યારે અને કેમ શક્ય બને છે!
  



(સંપૂર્ણ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો