Translate

શનિવાર, 3 માર્ચ, 2018

ગેસ્ટ બ્લોગ :જીવનના નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી

આ ગેસ્ટ બ્લોગ લખનાર કિશોર દવેનું ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અવસાન થયું છે.તેમણે થોડા મહિના અગાઉ પોતાનો આ લેખ ગેસ્ટ બ્લોગ તરીકે પ્રકાશિત કરવા મારી સાથે શેર કર્યો ત્યારે ખબર નહોતી કે આ તેમનો છેલ્લો લેખ બની રહેશે. જીવ્યાં ત્યાં સુધી મુખ પર સ્મિત, હ્રદયમાં સતત નવું જાણતા અને શિખતા રહેવાની જિજ્ઞાસા વૃત્તિ અને જીવનના અંત સુધી સતત પ્રવૃત્તિશીલ રહેવાની તેમની સુટેવ એ ૯૭ વર્ષનાં યુવાન કિશોરભાઈની ઓળખાણ હતાં.સ્વ.કિશોરભાઈ સ્વર્ગમાં દેવી-દેવતાઓ સાથે પ્રશ્નોત્તરીની રમત રમતા હશે! તેમનાં આત્માને ઇશ્વર ચિર શાંતિ બક્ષે એવી પ્રાર્થના...

**************************************************************

આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્રણના આંકડાની વિશિષ્ઠતા બતાવી છે તેમાંથી જાણ ખાતર જણાવું તો ત્રણ ગુણ સત્વ-રજસ-તમસ, ત્રણ લોક સ્વર્ગ-પૃથ્વી-પાતાળ, ત્રણ દેવ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, ત્રણ અવસ્થા બાળપણ-યુવાની-વૃધ્ધાવસ્થા, ત્રણ કાળ ભૂત-વર્તમાન-ભવિષ્ય, ત્રણ ઋતુ શિયાળો-ઉનાળો-ચોમાસું અને આવા અનેક દાખલા મળી આવે, પણ તેમાં એક નવું, આપણા જીવનમાં વણાઇ ગએલ, સૌથી પરિચિત -  ‘નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી’ જે આજે સામાન્ય માનવી પણ જાણે છે. આજે આપણા જીવનમાં તેનું કેવું સ્થાન છે તે જોઇએ.
            બાળપણ-ઘડપણ વચ્ચે તફાવત હોય તો એટલો જ કે બાળપણ પાસે અફાટ ભવિષ્યકાળ છે. જ્યારે ઘડપણ પાસે ભવ્ય ભૂતકાળ છે. બાળપણ પાસે બેફિકરા દિવસોનો સંચય હોય છે અને ઘડપણમાં વાત્સલ્યનું વળગણ હોય છે. અને તેમાં પણ એક વિશિષ્ઠ જાતનું ગળપણ હોય છે. તેનો સ્વાદ કેવો હોય તે તો તમે કોઇ વૃધ્ધને પૂછશો તો તે કહી શકશે.
સમયની સરી જતી રેતી અને કેલેંડરનાં ફાટતાં પાનાં વચ્ચે જીવનનાં અમૂલ્ય વર્ષો વહી ગયાં તેનો આપણને ખ્યાલ રહેતો નથી, તેના પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. મૃત્યુ ક્યારે આવે છે? કેમ આવે છે? તે પ્રશ્નોનો ઉત્તર આજના દોડતા સમયમાં અને આ સંસારની અનેકવીધ પ્રવૃત્તિમાં ડૂબેલા આપણે તેને વધુ મહત્વ આપતાં નથી. જ્યારે કોઇ માંદગી કે અકસ્માત થાય ત્યારે આપણી આંખો ખૂલે અને થોડી સમજણ પડે કે અરે! આપણે તો આ જીવનના છેડે પહોંચી ગયા છીએ, અને હવે તો આપણો વારો! આપણે કબ-ક્યું ઔર કહાં? ના વિશિષ્ઠ વર્તુળમાં આવી ગયા છીએ ત્યારે આપણને આપણા જીવનના નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી ‘હમણા જ વાગશે’ નો એહસાસ થાય છે. ત્યારે મોડું મોડું પણ આપણને ભાન થાય છે – કાંઇક વિચારવાનું – એટલું થાય તો પણ બસ છે. પીગળી ગએલ ભૂતકાળમાં નજર કરીએ તો જીવનની કિતાબ કોરી જ રહી ગઈ છે. કે એમાં કાંઇ કામનું લખી જીવન સાર્થક કર્યું છે? નહિતર વળી અફસોસ રહી જશે કે આપણું જીવન તો પૂરના ધસમસતા પાણીમાં વહી ગયું અને છેવટ સમુદ્રમિલનનો સમય આવ્યો ત્યારે જાગ્યા. એટલે હવે સમય થોડો જ બાકી છે તેમાં કંઈક એવું કરીએ કે સમગ્ર જીવન સાર્થક થઈ જાય, કારણકે હવે સમયમાં કોને અગ્રતાક્રમ આપી તેનો અમલ કરીએ કે ‘આપણે કાંઈ નથી કર્યું’ એવો અફસોસ ન રહી જાય.
            વૃધ્ધાવસ્થાના એ સમયમાં જરા આંખો મીંચીને એ વિચારો તમે તમારા કુટુંબ પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે? જીવનમાં યોગ્ય જગ્યાએ દાન-પુણ્ય-સહાનુભૂતિ કે સદભાવનાનો અમલ કર્યો છે, એવા જીવનના અનેક કાર્યો બદલ થોડો સમય ભૂતકાળને ભેદી તેમાંથી યોગ્ય ઉત્તર મેળવવાના પ્રયાસ કરવા જરૂરી છે.
            આજકાલ વર્તમાનપત્રો-સામયિકોમાં વૃધ્ધોને માટે એટલા સૂચન ભર્યા લેખો આવે છે કે કોઇ પણ વૃધ્ધ તેને અનુસરે તો તેને માનસિક શાંતિ જરૂર મળે જ. સ્વભાવને કેવી રીતે કેળવવો – પોતાની જુની ટેવોને બદલી પોતાના સંતાનોના સંસારમાં કેમ અનુકૂળ થઈ રહેવું, સંસારમાં પરિવર્તન આવ્યું છે એ ન્યાયે અત્યારના સંતાનો પોતાની મુશ્કેલીઓનો જાતે નિર્ણય લેવા સક્ષમ છે તે સમયે ‘અમોને કોઇ પૂછતું નથી’ એમ લાગે, પરંતુ એ બધું ‘જતું કરવું’ જોઇએ.સંતાનોએ પણ જાણવું જોઇએ કે આપણે રાત્રે મોડા પડીએ ત્યારે જાગતા રહી આપણી કોઇ વાટ જોતું હશે કે કોઇવાર થાકેલા ઘેર આવીએ ત્યારે માતાપિતાનો હાથ માથે ફેરવતાં – પ્રકૃતિની પૂછા કરતાં હોય એવા પ્રસંગો બને ત્યારે બંને પક્ષે સુખનાં-પ્રેમનાં આંસુ વહેતાં હોય છે. ટૂંકમાં બંને પેઢીએ સંયમ-ઉદારતા-ભક્તિ-વડીલો પ્રત્યેની ફરજ અને સેવાની ભાવના અને હૃદયની સંવેદના વીકસે ત્યારે જ બની શકે.
            જીવનની ત્રણે અવસ્થાઓમાંથી પસાર થયા બાદ આપણે અંતિમ મુકામે પહોંચીએ છીએ ત્યારે ‘સ્વર્ગ ક્યાં છે? કોઇ સ્થળમાં? કોઇ વસ્તુમાં?’ ના. પરંતુ સત્કાર્યોથી-સુંદર સ્વભાવથી જીવનની પરિપૂર્ણતાને પામવી એ જ છે ખરું સ્વર્ગ અને એ જ છે શ્રીરામ અને શ્રીકૃષ્ણની પદરજ જે માથે ચઢાવી તમે જીવન સાફલ્યની અનુભૂતિ કરી શકશો.
            પછી ભલે ને જીવનના નાટ્યપ્રયોગની ત્રીજી ઘંટડી પૂરા જોરથી વાગે કે તેને બદલે મોટો ઘંટ વાગે તો પણ કોઇ ફરક પડતો નથી કારણકે આપણે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર અને સુસજ્જ છીએ, અને પછી ઘંટડીના અવાજની શાંતિ પછી ધીમેથી રંગમંચ પરની જ્વનિકા ખૂલે ત્યારે રંગમંચના ઝાંખા - ભૂરા પ્રકાશમાં – સમાધિમાં પદ્માસનસ્થિત તમે તમે બેઠા હો અને મધુર સંગીતમાં ‘શ્રી કૃષ્ણ શરણં મમ’ ના સૂર પ્રસરી રહ્યા હોય, એ કેવું અદભૂત-અલૌકિક-અવિસ્મરણીય અને દિવ્ય દૃશ્ય? અસ્તુ...

-       કિશોર દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો