૭મી
એપ્રિલ 'વર્લ્ડ હેલ્થ ડે' તરીકે ઉજવાય છે.આ દિવસે આપણે આપણી તંદુરસ્તી અને આરોગ્ય વિષે
સભાન પણે વિચારવું જોઇએ.આમ તો આપણે આખું વર્ષ આપણી તબિયત પ્રત્યે આંખ આડા કાન કરતા
હોઇએ છીએ કે તેની કાળજી કરતા હોતા નથી. પણ આજના સમયમાં જ્યારે ઋતુઓ વધુ ને વધુ વિષમ
થતી ચાલી છે, જ્યારે આપણે ભેળસેળ વાળું ખાવા પામતા હોઇએ છીએ અને પ્રદૂષણ યુક્ત હવા
શ્વાસમાં લઈ રોજ ભાગમભાગ કરી તાણયુક્ત જીવન જીવતા હોઇએ છીએ ત્યારે મારે એક વાર યાદ
અપાવવું છે કે વચ્ચે વચ્ચે થોભો. તમારી તબિયતનું ધ્યાન રાખો.વર્ષમાં ઓછામાં ઓછી એક
વાર આખા શરીરનું ચેક અપ કરાવી લો અને શરીર તથા તબિયતનું ખુબ સારી રીતે ધ્યાન રાખો.
તાજેતરમાં જ થયેલ એક પીડાદાયી અનુભવમાંથી પસાર થવાને કારણે આજે હું આ વિચારો શેર કરી
રહ્યો છું. મેં જે ભૂલ કરી હતે તે તમારામાંથી કોઈ આજની આ પોસ્ટ વાંચ્યા પછી ન કરે તો
મારી આ મહેનત લેખે લાગશે.
નોકરી
શરૂ કર્યાને પંદરેક વર્ષ થઈ ગયા અને મારે એ.સી. ઓફિસમાં બેસીને જ કામ કરવાનું હોવાથી
આમ તો હું તંદુરસ્ત રહેવા માટે નિયમિત યોગ કરું છું, ચાલવાની કસરત નિયમિત કરું છું,
વર્ષમાં એકાદ-બે મેરેથોનમાં દસ-વીસ કિલોમીટર દોડવાનું રાખું છું. પણ એ.સી.માં બેસવાને લીધે તરસ ઓછી લાગે એટલે નિયમિત
પૂરતી માત્રામાં પાણી પીવાનું હું ચૂકી જતો. સવારે ઉઠતા વેત બે-ત્રણ ગ્લાસ પાણી એક
સાથે પી જવાની આદત ખરી પણ આખા દિવસ દરમ્યાન શરીરને નિયમિત રીતે થોડે થોડે સમયને અંતરે
પાણી મળતું રહેવું જોઇએ એ ખ્યાલ હું ન રાખી શક્યો અને મને જાણ ન થાય એમ શરીરમાં પાછલા
બે-એક વર્ષમાં બંધાઈ ગઈ પાષાણી પથરી!
બે વર્ષ પહેલા ફુલ-બોડી ચેક અપ કરાવ્યું
ત્યારે અલ્ટ્રા-સોનોગ્રાફીનો રીપોર્ટ નોર્મલ આવ્યો હતો, પથરીનું નામોનિશાન નહોતું.પણ
માત્ર છેલ્લા એકાદ-બે વર્ષમાં મારી કિડનીમાં નવ મિલિમીટર કદની પથરીએ આકાર લીધો અને
તેનો નાશ અને નિકાલ કરતી વેળા પૂરો એક મહિનો જે હેરાનગતિ ભોગવી તે અનુભવ આજની આ પોસ્ટ
થકી તમારા સૌ સાથે શેર કરું છું જેથી તમે એમાંથી કંઈક શિખી શકો અને તમારે આવા યાતનામય અનુભવમાંથી પસાર થવાનો વારો ન આવે.
મહાશિવરાત્રિની
શુક્રવારની રાતે પોણા
બારે અચાનક પેટમાં ડાબી બાજુએ દુખાવો ઉપડયો. દુખાવો પણ કેવો? કદાચ
પહેલી જ વાર આટલો
અસહ્ય દુખાવો હું અનુભવી રહ્યો હતો. મારાથી બેસી શકાતુ નહોતું અને સૂઈ જવાની કોશિષ કરી એનાથી પણ રાહત ન
અનુભવાઈ. જાજરૂ જઈ આવ્યો પણ
કંઈ રાહત નહિ, ઉલટી થઈ અને બધું
ખાધેલું નિકળી ગયું અને આશા બંધાણી કે હવે કદાચ
સારું થઈ જશે પણ
આ ઉલટી કેટલીક વાર મને થતી હોય છે તેવી પિત્તની ઉલટી નહોતી અને તેથી મને ઉલટી કર્યા
બાદ પણ રાહત ન થઈ. આ
પીડા તો મારો કેડો
જ નહોતી મૂકતી. દુખાવો ડાબી બાજુએ હોવાથી હાર્ટ એટેક તો નહિ હોય
એવો છૂપો ભય પણ ઓલરેડી
ધ્રુજી રહેલા શરીરમાં ભયની માત્રામાં વધારો કરી ગયો.આટલી મોડી રાતે ફેમિલી ડોક્ટર પણ ચાલ્યા ગયા
હોય તો ક્યાં જવું?
હજી આ વિચાર લાંબો
ચાલે એ પહેલા તો
દુખાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો અને હવે પસીનો પણ વળવા માંડ્યો.
હું સીધો બહેનને સાથે લઈ ઘર નજીક આવેલી હોસ્પિટલ જઈ પહોંચ્યો. ત્યાં
ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી અને લક્ષણો પરથી એવું તારણ કાઢ્યું કે આ અસહ્ય
પીડાનું મૂળ કારણ હતી પાષાણી પથરી!
રાતે
તો ડોક્ટરે પેઇન કિલર ઇન્જેકશન અને દવાની ટિકડી આપી કહી દીધું કે હવે સવાર
સુધી તો પરેશાની નહિ
થાય અને બીજે દિવસે વિગતવાર રીપોર્ટ કઢાવી પછી આગળની પ્રોસેસ નક્કી કરીશું.પણ ઘેર આવ્યા
બાદ બે-એક કલાક
બાદ ફરી એ પીડાએ મને
પરેશાન કરી મૂક્યો. ત્રણ-ચાર વાર જાજરૂમાં જઈ આવ્યા બાદ
પણ ચેન ન પડ્યું. જેમતેમ
કરી સવાર પાડી!
સવારે
પેટની સોનોગ્રાફી કરાવી.પહેલા તો સોનોગ્રાફી કરનાર
ડોક્ટર બહેન કહે પેટ ભરપૂર પાણી ભરેલું હોવું જોઇએ જેથી બ્લેડર ફુલ હોય અને રીપોર્ટ બરાબર આવે પણ મને ઉલટી
- ઉબકા આવી રહ્યા હતા એની એમને ક્યાંથી ખબર? જેટલું પીવાય એટલું પાણી પીધા બાદ સોનોગ્રાફી કરાવી અને તેમાં સ્પષ્ટ દેખાયું કે ૯ મિલિમીટરની પથરી
મૂત્રાશયની નળીના પ્રવેશદ્વારની આસપાસ ક્યાંક બેઠેલી હતી! યુરોલોજીસ્ટ ડોક્ટરે કહ્યું સોનોગ્રાફીને આધારે ઓપરેશનનો નિર્ણય ન લેવાય કારણ
ઓછા કદની પથરી હોય તો દવા વાટે
પણ તેનો નિકાલ થઈ શકે અને
સોનોગ્રાફી ચોકસાઈ પૂર્વક કદનું નિદાન કરવા માટે પૂરતી નથી. આથી ગયો એમ.આર.આઈ.
કરાવવા. ત્યાં લાંબી લાઈન.આ પ્રોસેસ પણ
પાછી લાંબી એટલે એક દર્દી રીપોર્ટ
માટે જાય એ અડધા-પોણા
કલાકે બહાર આવે. એમ.આર.આઈનું
યંત્ર પણ કેવું ડરામણું!
ઓછા માં પૂરતી ત્યાં હિમાલય પર પડતી હોય
એવી ઠંડી. મારે પેટનો સ્કેન રીપોર્ટ કઢાવવાનો હતો એટલે અહિ પણ બ્લેડર ફુલ
કરવા ભરપૂર પાણી પીવા સૂચન થયું. પાણી તો ત્રણચાર ગ્લાસ
પી લીધું પણ હજી બે-ચાર દર્દી પછી મારો નંબર આવવાનો હતો એટલે મારી સ્થિતી જોવા જેવી હતી! એક સારી બાબત
એ હતી કે હવે પથરીનો
દુખાવો નહોતો થઈ રહ્યો. ક્રિયેટીન
ઓછું હોવાથી અન્ય ખાસ પ્રકારની દવા ઇન્જેકશન દ્વારા આપ્યા બાદ એમ.આર.આઈ
સ્કેન થયો. હું તો રીતસર ધ્રૂજી
રહ્યો હતો એટલી ઠંડી હતી.એમાં મશીનનું ભૂંગળુ ઘડીક આગળ લઈ જાય તો
ઘડીક પાછળ, ક્યારેક મને ઉંધા સૂવાનું કહે તો ક્યારેક ચત્તા,
એમાંયે ઘડી ઘડી શ્વાસ રોકવાનો. જોરદાર બાથરૂમ જવાનું પ્રેશર આવ્યું હોય અને એમાં આવી બધી કવાયત. મારી બહેન સતત મારી સાથે જ હતી. જો
કોઈ દર્દી એકલું હોય તો એને માટે
તો આ બધી માથાકૂટ
ભારે પડે. ખેર આટલી મથામણ પછી યે હજી ડોક્ટરને
સંતોષ ન થયો એટલે
એક પેરામીટર ફરી તપાસવા રાતે આઠ વાગે બોલાવ્યો.
બપોરના સાડા ત્રણ-ચાર થયા હોવા છતા હજી સુધી મેં સવારે ચાનાસ્તામાં બે ભાખરી સિવાય
કંઈજ ખાધું નહોતું.ખેર ઘેર જઈ થોડું જમ્યા
બાદ જેમતેમ સમય પસાર કર્યો અને આઠ વાગે ફરી
રીપોર્ટ કઢાવવા આવ્યો.પૂરો રીપોર્ટ લઈ યુરોલોજીસ્ટ ડોક્ટરને
બતાવવા ગયો અને ત્યાં નિદાન થયું કે ડાબી કિડનીમાં
બે-ત્રણ નાની મોટી પથરીઓ ચોંટીને તેમણે બનાવેલું મોટું નડતર ડાબી
બાજુની મૂત્રવાહિની પાસે ઉભું હતું. જમણી બાજુએ પણ નાની ત્રણેક
મિલિમીટરની એક પથરી હતી.
ડોક્ટરે ખુબ સરસ રીતે સમજાવ્યું કે પુરતું પાણી
ન પીવાને કારણે અમુક ચોક્કસ પ્રકારનો (જેમ કે બી વાળા
શાક) ખોરાક ખાવામાં સતત આવતો હોય તો આ સમસ્યા
થઈ શકે. મારે તો હેરીડિટરી પણ
આ સમસ્યા આવી હોઈ શકવાની સંભાવના હતી. પણ હવે તેનું
કદ એટલું મોટું હતું કે ઓપરેશન દ્વારા
જ તેને દૂર કરવી એવું સૂચન ડોક્ટરે કર્યું. સદનસીબે આટલી મોટી પથરી હોવા છતાં તેણે મારી કિડનીને નુકસાન પહોંચાડ્યું નહોતું.જો ઓપરેશન ન
કરીએ અને દવા દ્વારા તેને બહાર લાવવાનો પ્રયત્ન પણ કરીએ તો
એ મોટા કદ અને તેના
કાંટાળા આવરણ વાળા શરીરને લીધી કિડની તથા સાવ પાતળી મૂત્રવાહિનીની દિવાલોને ચિરતી, તેમને નુકસાન પહોંચાડતી નીચે બહાર આવે એવી શક્યતા હતી આથી મેં બીજે દિવસે રવિવારે સવારે ઓપરેશન કરાવી નાંખવાનું જ મુનાસીબ માન્યું
અને શનિવારની એ બીજી રાત
પણ જેમતેમ પીડા સાથે વિતાવી.
(ક્રમશ:)
પથરી પરનો આપનો બ્લોગ વાંચ્યો.તમારી પીડા જાણી દુખ થયું પરંતુ તમે આ અનુભવ બીજાઓ સાથે વહેંચ્યો એ બદલ આભાર.લોકોને શિખવા મળશે કે ખુબ પાણી પીવું જોઇએ.
જવાબ આપોકાઢી નાખો