Translate

મંગળવાર, 4 એપ્રિલ, 2017

ગેસ્ટ બ્લોગ : વિદેશી અને દેશી બેન્કનો પ્રતિભાવ

                                                - મીના જોશી

    ‘પદ અને સત્તાનો દુરુપયોગબ્લોગ લેખ ખુબ ગમ્યો. તમે દેશના મોટાભાગના લોકોની મનોસ્થિતિ ને વાચા આપી છે. તમારી પોઝિટિવ વાતો શેર કરવાની વાત સારી છે પરંતુ દેશના એક જાગૃત નાગરિક તરીકે આવી ઘૃણાસ્પદ ઘટનાનો વિરોધ કરવો રહ્યો.આપણે જેમને સાંસદ તરીકે ચૂંટીને લોકસભામાં મોકલીએ છીએ, એમની બેશરમ હરકતનો નિષેધ કરવો જોઈએ.આવી વર્તણુક પછી પણ મીડિયા સમક્ષ લાજવાને બદલે જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોઈ એમ ગાજવું બિલકુલ આવકાર્ય નથી. એમના મતવિસ્તારના લોકોએ પોતાની પસંદગી માટે પ્રશ્ચાતાપ કરવો જોઈએ.

       પખવાડિયા પહેલાનો યુદ્ધ અને શાંતિ પરનો લેખ પણ બહુ ગમ્યો.હું જે કહેવા માંગુ છું તેમાં કોઈ પણ દેશના લોકોનો વખાણ કરવાનો અથવા વખોડવાનો ઈરાદો નથી. મારુ માનવું છે કે સારા ખરાબ લોકો બધે છે એમાં પ્રમાણ ઓછું વધતું હોઈ શકે. પાકિસ્તાનમાં પણ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં માનનારા લોકો પણ હશે .ત્યાં કટ્ટરવાદી અને ધર્માન્ધ લોકોની સાથે ઉદાર મતવાદી લોકો પણ હશે. તેમનું પ્રમાણ ઓછું વધતું હોઈ શકે.

       જાન્યુઆરીમાં અમે દુબઇ, શારજાહ અને અબુધાબીની ફેમિલી ટૂર પર ગયા હતા. હોટેલના સ્ટાફમાં મોટાભાગના પાકિસ્તાની હતા. એમનો અમારી સાથેનો વ્યવહાર ઘણો સૌજન્યશીલ અને સહકારપૂર્ણ રહ્યો.ક્યાંય પણ એમના વર્તનમાં જરાપણ અમે ભારતીય હોવાથી પરાયાપણું કે કડવાશ નહોતી. ત્યાં ડેઝર્ટ સફારીમાં પણ ઇન્ડિયન છીએ એમ જાણ્યા પછી બ્લૉચિસ્તાનના અને પાકિસ્તાન મૂળના લોકોનો વ્યવહાર પોતીકો હતો. કદાચ ધંધાકીય સંબંધ ધારી લઈએ તો પણ એક અનુભવ હું શેર કરીશ. અમે ટૂરના છેલ્લા  દિવસે મલ્ટી કરંસી   ફોરેક્સ કાર્ડથી હબીબ બેંકના  (જે એક પાકિસ્તાની બેંક છે) .ટી.એમ.નો ત્યાં ૨૦૦૦ દેહરામ ઉપાડવા માટે ઉપયોગ કર્યો. બદનસીબે વખતે તકનીકી કારણોથી દેહરામ મશીનની બહારના આવ્યા. પછી અમે બેલેન્સ માટે ફરી ચેક કર્યું તો ખબર પડી કે ૨૦૦૦ દેહરામ (જે લગભગ ભારતીય રૂપિયા ૩૭૦૦૦ જેટલા થાય) ડેબિટ થયા છે. અમારું શોપિંગ એના પર આધારિત હતું. અમે ત્યાં અંદર બેન્કની શાખામાં અધિકારીનો સંપર્ક કરી જાણ કરી. ત્યાં સેક્યુરીટી સ્ટાફથી મેનેજર  સુધી બધાનો વ્યવહાર ઘણો સહકારપૂર્ણ રહ્યો. અમે ખુબ   ટેન્શન માં હતા.અમે બનતી મદદ કરવા વિનંતી કરી. શાખાનો સમય ત્યાંના બપોરે બે વાગ્યા સુધીનો હોવાથી અમને ચાર વાગે આવવાનું કહ્યું. જયારે અમે ચાર વાગે ગયા તો  જોયું બે અધિકારી એટીમ મશીન બંધ કરીને બેલેન્સ ચેક કરી રહ્યા હતા, જેમાંથી એક નેપાળી અધિકારી પણ હતા. તેમણે અમને જણાવ્યું કે એમની પાસે કેશ ટ્રાન્સેક્શન હિસાબે ૨૦૦૦ દેહરામ વધુ છે.એમના કોમ્પ્યુટર થી અમને ડિસ્પ્યૂટ ફોર્મ ભરવા કહ્યું. અમે અહીં ભારત પાછા આવ્યા પછી પણ ટેલિફોન અને ઇમેઇલ દ્વારા તેમણે મને હંમેશા તુરંત અને સંતોષકારક જવાબ આપ્યા.જયારે અહીંની કાર્ડ ઇસ્સુઇંગ બેંક - એક્સિસ બેંક નો પ્રતિભાવ ખુબ અસંતોષજનક રહ્યો. દરેક વખતે અલગ અને ઉડાઉ  જવાબ મળ્યો.પછીથી એક્સિસ બેંકના  નોડલ ઓફિસર ફોન પર જવાબ આપવાનું ટાળતા રહ્યા.અમને ત્રણ દિવસ થી લઇ ૧૨૦ દિવસનો સમય લાગશે એમ કહેવામાં આવ્યું (દરેક વખતે અલગ). ૨૨ ફેબ્રુઆરી ના રોજ અમને હબીબ બેંકે ઇમેઇલ દ્વારા જણાવ્યું કે એમની તરફથી ચાર્જબેક રિક્વેસ્ટનું સેટલમેન્ટ થઇ ગયું હોવાથી રિવર્સલ (દેહરામ જમા માટે) એક્સિસ બેંક નો સંપર્ક કરવો (જેમાં એક થી વધારે અધિકારીને ટેગ કર્યા હતા). આજ વાત ફોન પર પણ કન્ફર્મ કરી. ૧૬ માર્ચ સુધી એક્સિસ બેંકના જવાબદાર અધિકારી દ્વારા ઇમેઇલ થી જવાબ મળ્યો કે ત્યાં સુધી એમને ક્રેડિટ મળી નથી અને પણ લખ્યું કે રિવર્સલનો અર્થ નથી કે ફોરેન બેન્કે રકમ પાછી આપી છે. ૨૯ જાન્યુઆરી ના ડેબિટ થયેલા ૨૦૦૦ દેહરામ ૧૮ માર્ચ ના રોજ ક્રેડિટ થયા. જયારે દેહરામ નો ભાવ પણ, પ્રતિ દેહરામ એક રૂપિયો ઓછો થયો છે. ખાતાકીય કાર્યવાહી લાંબી અને જટિલ હોઈ શકે પરંતુ જેના પૈસા અટવાયા હોય એમને સહાનભૂતિપૂર્વક અને જવાબદારીથી પ્રતિભાવ આપવો જોઈએ. ફરીથી પુનરાવર્તન કરું છું કે અંગત અનુભવ હોઈ શકે. કોઈને પણ સારા  કે ખરાબ ચીતરવાનો ઈરાદો નથી.
                                                             
                                                          - મીના જોશી

1 ટિપ્પણી:

  1. બ્લોગ ને ઝરૂખેથી દ્વારા અન્ય વાચક/લેખક મિત્રોના પણ વિચારો વ્યક્ત થાય છે જે વાચવાની મજા આવે છે.અનુભવો તો બધાને થતા હોય છે પણ તેને કાગળ પર ઉતારી અન્યો સાથે વહેંચવા એ કાબેલેતારીફ છે.આ માટે બ્લોગને ઝરૂખેથી દ્વારા એક સશક્ત પ્લેટફોર્મ પુરું પાડવા માટે આભાર! ગત સ્પતાહે મીનાબેનનો દેશી અને વિદેશી બેન્કો સાથેનો અનુભવ ગેસ્ટબ્લોગમાં વાંચી સારું લાગ્યું અને પોતાના અંગત અનુભવ યાદ આવ્યાં.

    જવાબ આપોકાઢી નાખો