Translate

રવિવાર, 16 એપ્રિલ, 2017

પાષાણી પથરીની પારાવાર પીડા (ભાગ - ર)

શુક્રવારની મહાશિવરાત્રિની રાતે ઉપડેલા પથરીના દુખાવાનું શનિવારે નિદાન થયા બાદ શનિવારની રાત પણ જેમતેમ પસાર કરી અને યુરોલોજિસ્ટ ડોક્ટર સાથે લાંબી ચર્ચા બાદ રવિવારે સવારે ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયો.હોસ્પિટલ ઘર પાસે હોવાનો એક મોટો ફાયદો કે તમે અને ઘરના અન્ય સભ્યો ચાલીને પણ આવ-જા કરી શકો. હોસ્પિટલમાં લાંબો સમય રહેવાનું નહોતું પણ મેડિકલ ઇન્સ્યોરન્સ હોવાને લીધે મેં એક ખાનગી રૂમ પસંદ કર્યો જ્યાં માનસિક શાંતિ અને સંતોષકારક આરામ મળી શકે તથા મારી સાથે રહેનાર બહેન (જે શાળામાં શિક્ષિકા છે) ને પણ પોતાનું કામ ખલેલ વગર સાથે સાથે કરવાની મોકળાશ -  સુવિધા રહે. જોકે મેડિકલ ઇન્સ્યોરન્સનો એક મોટો ગેરફાયદો પણ છે. હોસ્પિટલવાળાને જાણ થાય કે તમે ઇન્સ્યોર્ડ છો એટલે તમારું બિલ મસમોટું આવવાનું. પછી  નાની હોસ્પિટલ હોય કે મોટી.   
જરૂરી મેડિકલ ટેસ્ટ્સ કરાવ્યા બાદ મને ફાળવાયેલા કક્ષમાં મેં થોડી વાર આરામ ફરમાવ્યો. સલાઈન ચડાવવા માટે સોય હાથમાં ખોસાઈ ગઈ હતી અને સલાઈનનો એક બાટલો ચડાવાઈ પણ ગયો. અડધા - એક કલાક બાદ મને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો અને ત્યાં વાતવાતમાં યુવાન એનેસ્થેટીસ્ટ ડોક્ટરે ઇન્જેકશન આપી ક્યારે મારું કમર નીચેનું અડધું અંગ બહેરું કરી નાંખ્યું તેની જાણ સુદ્ધા થઈ! જો કે ઇન્જેકશનનો ઝટકો જોરદાર હતો.લાગતા જાણે એવી અનુભૂતિ થાય કે શરીરમાંથી વિજળી જેવી એક લહેર પસાર થઈ ગઈ! અને થોડી ક્ષણોમાં તો પાર્શ્યલ એનેસ્થેશિયાએ અડધું અંગ એટલી હદે જડ બનાવી મુક્યું કે ભાગ પર હથોડી મારો કે સોય ભોંકો, તેની અસર વર્તાય.
પછી તો ડોક્ટરે મૂત્રમાર્ગમાંથી સૂક્ષ્મ દૂરબીન દાખલ કર્યું અને પથરી સુધી પહોંચવા પ્રયાસ કર્યો જેથી એના પર લેસરનો મારો ચલાવી તેને તોડી પાડી શકાય,પણ અફસોસ પથરી નળી અને કિડનીના જોડાણ પાસે હતી અને દૂરબીન તેના સુધી જે નળી પર બેસાડી લઈ જવાયું હતું તેના સ્પર્શથી કે ધકકાથી એ કિડનીની અંદર ચાલી ગઈ. ખેર ડોક્ટરે શક્યતા મારી આગળ અગાઉ વ્યક્ત કરી હતી. તેમણે સ્ટેન્ટ (લાંબો પ્લાસ્ટીકનો આવરણ ધરાવતો વાયર) મૂત્રવાહિનીમાં બેસાડી દીધો જેથી સાંકડો માર્ગ પહોળો થઈ જાય.આનાથી હવે પછી જ્યારે લેસર દ્વારા શસ્ત્રક્રિયા કરવાની થાય ત્યારે કામ થોડું આસાન બની જાય અને મૂત્રવાહિનીનો માર્ગ પહોળો બની જતા મને જે દુખાવો થતો હતો,આંતરીક સોજો હતો,કિડનીને નુકસાન થવાની શક્યતા હતી તે બધામાંથી છૂટકારો મળી ગયો. ડોક્ટરે સ્ટેન્ટ શરીરમાંજ રહેવા દઈ એક અઠવાડિયા પછી ઓપરેશન માટે બોલાવ્યો. લોકલ એનેસ્થેશિયાની અસર થોડા કલાક રહ્યા બાદ મને ખોટું પડી ગયેલું અંગ ફરી સજીવન થયેલું લાગવા માંડ્યુ. ડોક્ટરે એક વાત કરી એથી મને થોડી ચિંતા થઈ.અચાનક તેમને યુરોલોજીસ્ટ્સના એક વૈશ્વિક સંમેલનમાં જવાનો પ્રસંગ ઉભો થયો અને તેમણે જાણ કરી કે લેસર દ્વારા પથરી દૂર કરવાની શસ્ત્રક્રિયા તો પોતે કરશે પણ મહિના બાદ સ્ટેન્ટ શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા તે પોતે હાથ ધરી શકશે નહિ.તેમણે અંગે જેન્યુઈન અફસોસ વ્યક્ત કર્યો પણ મેં પહેલા તો તેમને તક સાંપડવા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમણે તેમના અન્ય યુરોલોજીસ્ટ મિત્ર મારી સ્ટેન્ટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરશે અને પ્રક્રિયા સાવ સરળ અને સામાન્ય હોય છે એવી હૈયાધારણ આપી મારી ચિંતા થોડી હળવી કરી નાંખી. મૂત્રવાહિની સાથે એક નળી જોડેલી હતી અને તેની સાથે પેશાબની થેલી જેમાં થોડા કલાકો આપમેળે મૂત્ર જમા થતું જાય એવી વ્યવસ્થા કરેલી.થોડા કલાકમાં નર્સે આવીને નળી દૂર કરી.થોડો દુખાવો થયો પણ પછી મૂત્રનિકાલ પ્રક્રિયા અને રૂટીન નોર્મલ થઈ ગયાં. એક રાત હોસ્પિટલમાં રોકાઈ બીજે દિવસે હું ઘેર પાછો ફર્યો.
રવિવારના ઓપરેશન બાદ સોમવારે ઘેર આરામ ફરમાવી મંગળવારે ઓફિસ જોઇ કરી લીધી.સ્ટેન્ટ પેટમાં બેસી ગયેલું અને તેની હાજરીનો સતત અહેસાસ કરાવતું રહ્યું પણ અઠવાડિયા દરમ્યાન અનુભવાયેલ ડિસકમ્ફર્ટ અને પીડા પ્રમાણમાં ઠીક ઠીક અને સહ્ય રહ્યાં. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ બે-ત્રણ દિવસ લોકલ એનેસ્થેશિયાને કારણે માથું સતત દુખતુ રહ્યું. ડોક્ટર અને અન્યોને સલાહ અનુસરતા હવે પ્રવાહી વધુ પ્રમાણમાં ખાવાપીવામાં લેવાનું શરૂ કર્યું.એન્ટીબાયોટીક ગોળીઓ તેમની અસર (કે આડ અસર?!) બતાવતી રહી. પછીના શનિવારે મુખ્ય લેસર સર્જરી માટે ફરી હોસ્પિટલમાં દાખલ થયો.
બીજા ઓપરેશન વેળાએ ફુલ એનેસ્થેશિયા આપવામાં આવ્યું અને બે-ત્રણ પળમાં તો હું ઉંડી ઉંઘમાં સરી પડ્યો. ત્રણેક કલાક બાદ હોશમાં આવ્યો ત્યારે હોસ્પિટલના મારા અલાયદા રૂમમાં બેડ પર હતો. મૂત્રવાહિની સાથે બાહ્ય નળી જોડેલી હતી અને પેશાબ તેના દ્વારા થેલીમાં ભરાય એવી વ્યવસ્થા કરેલી હતી. ડોક્ટર થોડી વાર બાદ મને મળવા આવ્યાં અને તેમણે ઓપરેશન દ્વારા તોડીને બે ભાગમાં વિભાજીત કરી શરીર બહાર કાઢેલી પથરી મને બતાવી.પહેલો સ્ટેન્ટ બહાર કાઢી બીજો સ્ટેન્ટ બેસાડવામાં આવ્યો હતો જે હજી બીજા ત્રણ-ચાર અઠવાડિયા મારા પેટમાં રહેશે એમ ડોક્ટરે સરસ રીતે સમજાવ્યું. તમે ડોક્ટર હોવ અને આ વાંચી રહ્યા હોવ તો એક ટીપ યાદ રાખજો.હસતા ચહેરે પ્રેમથી તમારા પેશન્ટ સાથે વાત કરજો.એનું અડધું દરદ આ રીતે જ ભાગી જશે! સોગિયા મોઢા સાથે ગંભીર રીતે વાત કરતા ડોક્ટરની ટ્રીટમેન્ટ પણ કદાચ સાચી હશે તો ધીમે ધીમે અસર કરશે પણ જો પ્રેમાળ હસમુખા ચહેરે પેશન્ટલી (ધીરજપૂર્વક) પેશન્ટ સાથે વાત કરી હશે તો એ દર્દી જલ્દી તો સાજો થશે જ અને તમને બીજા પાંચ-દસ દર્દીઓ પણ નવા ક્લાયેન્ટ બનાવી મોકલી આપશે એ નક્કી! મારા યુરોલોજીસ્ટ ડોક્ટરે મને ઓપરેશનની થોડી વિગતો કહી.ઓપરેશન દરમ્યાન ઓક્સીજન લેવામાં તકલીફ ઉભી થતાં તેમજ સ્વરનળી સંકોચાઈ જતા મને વધુ ઓક્સીજન નળી વાટે આપવાની જરૂર ઉભી થઈ હતી અને સ્વરતંત્ર નોર્મલ થવામાં એકાદ દિવસ લાગી જવાની સંભાવના હતી એ તેમણે સમજાવ્યું અને અન્ય જરૂરી સૂચનાઓ આપી.
રાતે નળી તથા થેલીને કારણે ઉંઘવામાં તકલીફ પડી તેમજ ગળામાં પણ ખાસ્સી અગવડ અનુભવાઈ પણ જેમતેમ કરી રાત પસાર કરી નાંખી! સવારે જ્યારે નર્સે મૂત્રવાહિની સાથે જોડેલી નળી દૂર કરી ત્યારે હળવી ચીસ જ પડાઈ ગઈ! આ પ્રક્રિયા આ વેળાએ પહેલા ઓપરેશન બાદ જેટલી સરળ નહોતી. પણ એ પછી ધીમે ધીમે દર્દ ઓછું થતું ગયું અને યુરીન સામાન્ય થતું ગયું. માત્ર એક પરેશાની કાયમ રહી - સ્ટેન્ટ દ્વારા સર્જાઈ રહેલા ડિસ્કમ્ફર્ટ અને પેઇનની. એક મહિના જેવો આ સમય સ્ટેન્ટની સાથે જ ચાલવામાં,ઓફિસ જવામાં,ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં જે મુશ્કેલી પડી છે તે જીવનભર યાદ રહેશે. વધુ ચાલવામાં આવે કે હલનચલન વધી જાય તો બ્લીડીંગ થાય,લાંબુ ટ્રાવેલ કર્યા બાદ પેટની હાલત ખરાબ થાય,એન્ટીબાયોટીક્સને કારણે કે સ્ટેન્ટ જેવી ફોરેન બોડીની સતત હાજરીને કારણે દિવસમાં ત્રણ - ચાર વાર જાજરૂ જવું પડે અને પાણી - પ્રવાહી વધારે જ પીવા પડતા હોઈ કુદરતી રીતે પેશાબ પણ ઘણી બધી વાર જવું પડે અને દરેક વેળાએ પેલું સ્ટેન્ટ ખૂંચે!
આ બધી પીડા લગભગ એકાદ મહિનો ભોગવ્યા બાદ આખરે અન્ય યુરોલોજીસ્ટ ડોક્ટર દ્વારા સ્ટેન્ટ કાઢવાનું ત્રીજું ઓપરેશન (આ વખતે પણ ફુલ એનેસ્થેશિયા સાથે પણ માત્રા ઓછી હોવાને કારણે માત્ર કલાકેક જેટલાજ સમય ગાળા માટે બેહોશીના અનુભવ સાથે) હાથ ધરાયું અને મને સ્ટેન્ટ તેમજ તેના દ્વારા ઉભી થતી અગવડ-પીડામાંથી પણ છૂટકારો મળ્યો અને હાશ અનુભવાઈ!
આ લાંબા જટીલ ઓપરેશનો બાદ દૂર થઈ હતી ડાબી બાજુની ૯ મિમિ. કદ ધરાવતી પથરી પણ હજી જમણી બાજુએ ત્રણેક મિમિની સાઈઝની નાનકડી પથરીનું તો રહસ્ય અકબંધ જ છે! પ્રભુને પ્રાર્થના કે એ આપમેળે ડોક્ટરે મને જે પ્રમાણે કહ્યું હતું એમ મારી જાણ બહાર જ શરીરમાંથી બહાર નિકળી જાય અને ફરી ક્યારેય આ પાષાણી પથરીની પીડાની પરેશાની ન ભોગવવી પડે!
બ્લોગ વાંચી તમને સૌને એક જ સલાહ આપવાની કે આજથી જ પાણી પીવાની માત્રા વધારી દે જો અને દિવસમાં દર થોડે થોડે કલાકે પાણી પીતા રહેજો.પથરી એક વાર જેને થાય તેને વારંવાર થવાની શક્યતા રહેતી હોય છે આથી એક વાર થઈ હોય તો બીજ વાળા તેમજ પાલક વગેરે જેવા શાક,માંસાહાર અને ધૂમ્રપાન કે મદીરાપાન ત્યજી દેજો - તેમની માત્રા ઓછી કરી દેજો.


(સંપૂર્ણ)

1 ટિપ્પણી:

  1. પથરી વિશેની બ્લોગ-પોસ્ટ બે ભાગમાં વાંચી. મને વર્ષ 1972થી પથરી થાય છે. મારો અનુભવ છે કે એલોપથી, હોમિયોપથીમાં એનો કોઈ ઈલાજ નથી, પણ આયુર્વેદમાં છે. કળથી નામનું ધાન્ય આવે છે. મરાઠી ભાષામાં એને कुलीथ કહેવાય છે. ચપટા મગના દાણા જેવું આવે છે. એ લગભગ બે ચમચા જેટલું લઈ સાફ કરી પાણીમાં ગરમ કરવાનું. દાણો નરમ થઈ જાય ત્યારે એ પાણી પીવાનું. એ રીતે દિવસમાં બે વખત લેવાનું. બીજા દિવસે તાજી કળથી લેવાની. એનાથી પથરી ભૂક્કો થઈને નીકળી જાય છે. સમય લાગે છે, પણ મૂળથી નીકળી જાય છે. એ રીતે પાષાણભેદ પાન આવે છે. એક પાન એક મરી નાખીને નરણે કોઠે ચાવી જવાનું. બાકી તબીબો કેલ્શિયમ ધરાવતી વસ્તુઓ ખાવાની મનાઈ કરે છે. તાંદળજાની ભાજી, દૂધ, ટમેટા, કોબી વગેરે. મેં શરૂઆતમાં એ કરેલું, પણ તેની આડઅસર એ થઈ કે દાંતમાંથી ઝીણી ઝીણી કણી નીકળતી ગઈ કેમ કે દાંતને કેલ્શિયમની આવશ્યકતા છે. બાકી એ ન થાય, તે માટે છૂટથી પાણી પીવું જરૂરી. સામાન્ય રીતે મને બહુ નાની પથરી થાય છે, પણ દસેક વર્ષ પહેલાં હું ઈગતપૂરી વિપશ્યના માટે ગયો હતો, ત્યારે દુખાવો શરૂ થયો. આઠ દસ મિનિટે પેશાબ કરવા જવું પડતું હતું. છેવટે ત્રણેક કલાક પછી લગભગ આઠેક મિલિમીટર લંબગોળ આકારની પથરી નીકળી. સામાન્ય રીતે જો હું ડોક્ટર પાસે ગયો હોત અને xray કરાવાયું હોત તો ઓપરેશનની જ સલાહ મળી હોત. હવે દુખાવો થાય છે ત્યારે ડોક્ટર પાસે નથી જતો, પણ કળથી શરૂ કરી દઉં છું.

    જવાબ આપોકાઢી નાખો