Translate

Monday, March 27, 2017

પદ અને સત્તાનો દુરુપયોગ

સામાન્ય રીતે હું કટાર દ્વારા હકારાત્મક અને સારી વાતો શેર કરતો હોઉં છું અને રાજકારણને લગતી કે રાજકીય વ્યક્તિઓ વિશેની બાબતો મારી પસંદગીના લેખનના વિષયો નથી, પણ તાજેતરમાં ઘટેલી એક ઘટનાએ મને અતિ વ્યથિત કરી મૂક્યો છે અને મારામાં ઘેરા રોષની લાગણી જન્માવી છે તેથી આજે રાજકીય વ્યક્તિને સંડોવતી બાબત અંગે લખી રહ્યો છું.
શિવસેનાના એક ધારાસભ્ય રવિન્દ્ર ગાયકવાડને એર ઇન્ડિયાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની બેઠક મળતા તેણે ફ્લાઈટ ગંતવ્ય સ્થાને પહોંચી જવા છતાં, પોણા-એક કલાક સુધી ફ્લાઈટમાં બેસી રહેવું પસંદ કર્યું અને જ્યારે એર લાઈનના વરિષ્ઠ મેનેજરે તેમનો સામનો કર્યો ત્યારે સડેલા દિમાગ વાળા ધારાસભ્યે ૬૦ વર્ષની ઉંમરના મેનેજરને પોતાના સ્લીપરથી વીસ-પચ્ચીસ વાર માર માર્યો.
વાંચી કે સાંભળીને પણ ઘૃણા જન્માવનારી દુર્ઘટના જેની સાથે બની એના પર શી વીતી હશે તેની મને કલ્પના થતા તેના પ્રત્યે મને સહાનુભૂતિની લાગણી થાય છે અને બેશરમ, ઈગોઈસ્ટીક મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ આટલા વખતથી કઈ રીતે પોતાના પદે રહીને પોતાની ફરજ નિભાવતો હશે તેનો વિચાર આવે છે. નેતાઓને આપણે ચૂંટીએ છીએ આપણી સેવા અર્થે, દેશની સેવા અર્થે. એટલે દેખીતી રીતે આપણા સેવક થયા પણ પ્રજાના સેવકની આવી ઉદ્ધતાઈ, આછકલાઈ અને આટલી તુંડમિજાજી વર્તણૂંક? રાજનેતાને એવું તે કેવું અભિમાન હશે કે તે વિમાનમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી શકે અને માત્ર એકાદ-દોઢ કલાકની મુસાફરી ઇકોનોમી ક્લાસમાં કરી શકે? જે ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની શ્રેણી નથી એમાં કઈ રીતે પોતાને બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરવા મળે એવો આગ્રહ સેવી શકે? હદ તો ત્યારે થાય છે જ્યારે મારઝૂડનું પરાક્રમ કરે છે અને પછી બિનધાસ્ત મિડીયા સમક્ષ પોતાના પરાક્રમની શેખી વઘારે છે,ઉલટું એવી અપેક્ષા રાખે છે કે એર-ઇન્ડિયા તેની પાસે માફી માગે.તેના બદવર્તનને કારણે સેંકડો મુસાફરો પછીની કનેક્ટીંગ ફ્લાઈટ માટે મોડા પડ્યા તે બદલ પસ્તાવાની જગાએ નિર્લજ્જ વ્યક્તિ એવો દાવો કરે છે કે તેણે જે કર્યું બરાબર છે અને પોતે દેશના અને રાજ્યના પ્રવર્તમાન શાસક પક્ષનો નહિ પરંતુ શિવસેનાનો માણસ છે! પોતે મિડીયા સમક્ષ કબૂલ કરે છે કે તેણે એર ઇન્ડિયાના મેનેજરને પચ્ચીસ વાર સ્લીપર માર્યા એટલું નહિ પણ તેના કપડાં પણ ફાડી નાંખ્યા અને પોતે આધેડ વયની વ્યક્તિના ચશ્મા તોડી નાંખ્યા અને પોતાને ઇચ્છા તો એવી થતી હતી કે તે વયોવૃદ્ધ મેનેજરને પોતે ઉંચકીને ફ્લાઈટની બહાર ફેંકી દે.
તેને પોતાની શરમજનક વર્તણૂંક બદલ રતિભારનો પણ પસ્તાવો નથી અને તેણે ઘટના બન્યા બાદ સાંજે મૂડ સારો કરવા દિલ્હીના એક થિયેટરમાં જઈ બદરીનાથ કે દુલ્હનિયા ફિલ્મ જોઈ હતી અને પૂછવામાં આવ્યું કે તેને પોતાની હરકત નો કોઈ પસ્તાવો કે કોઈનો ડર નથી? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે શિવસેનાના અધ્યક્ષ તેને સંભાળી લેશે!
શિવસેનાના અધ્યક્ષે આટલી હદે ઘટના અંગેની વિગતો બહાર આવવા છતાં પોતાના સભ્ય પાસે હજી સ્પષ્ટીકરણ માગ્યું છે, પક્ષના પ્રવક્તાએ કહ્યું છે કે સભ્ય તો ઠરેલ અને પરીપક્વ છે તે આવું કરી શકે નહિ અને અન્ય એક વરીષ્ઠ સભ્યે તો રાજનેતાનો પક્ષ લઈ એવી દલીલ કરી છે કે એક માનદ ધારાસભ્ય સાથે કોઈ પોણા-એક કલાક સુધી વાત કરે તો એમને કેવું ખરાબ લાગે,પછી ગુસ્સે થાય ને!
આપને યાદ અપાવું કે ત્રણેક વર્ષ પહેલા દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં એક ચર્ચાસ્પદ ઘટના બની હતી જેમાં શિવસેનાના ૧૧ ધારાસભ્યોએ ત્યાંની કેન્ટીનના મુસ્લીમ કર્મચારીને તેના રમઝાનના ઉપવાસ ચાલી રહ્યા હોવા છતાં પરાણે - બળજબરીથી ખોરાક ખવડાવવાની ઘૃષ્ટતા આચરી હતી. ગુંડાતત્વો સમાન એમ.પી. પૈકી એક હતો રવિન્દ્ર ગાયકવાડ.
હવે જો આવા દુષ્ક્રુત્ય આચરનાર અસામાજીક તત્વ સામે સમયે કાર્યવાહી થઈ હોત તો આજે જેની ચર્ચા માંડી છે દુર્ઘટના ઘટવા પામી હોત.પણ આપણે સહીષ્ણુ પ્રજા છીએ અને ભૂલકણી પણ. ૧૧ ધારાસભ્યોમાંથી એક પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને એટલે શક્ય છે કદાચ અન્ય ૧૦ મહાનુભાવો દ્વારા બીજી પણ આવી કોઈ દુર્ઘટના આચરવાના સમાચાર વાંચવા મળી શકે!
આપણે જેને ચૂંટીએ છીએ તેના વિશેની જાણકારી મેળવ્યા બાદ મતદાનની પવિત્ર ફરજ બજાવવાની જરૂર છે.અન્યાય સહન કરવાની કોઈ જરૂર નથી.જ્યારે આવી કોઈ ઘટનાના સાક્ષી બનવાનું થાય ત્યારે સત્યનો પક્ષ લઈ માટે પોતાનાથી ઘટતું કરવાની પણ ખુબ ખુબ જરૂર છે.
અગાઉ પણ કેટલાક ઉદ્ધત ધારાસભ્યોએ સામાન્ય લોકો સાથે કે પોતાની ફરજ બજાવી રહેલા અન્ય નાગરીકો સામે અક્ષમ્ય અને અમાનવીય વર્તન આચર્યું હોય એવા ઘણાં કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.છતાં પદ અને સત્તાનો આવો દુરુપયોગ કરવા છતાં તેમની સામે યોગ્ય પગલાં લેવાયા નથી.આવી પરિસ્થીતીમાં પરીવર્તન આજના સમયની તાતી જરૂરીયાત છે.
પદના દુરુપયોગના બીજા એક તાજેતરમાં થયેલા અંગત અનુભવની વાત કરવાનું મને અહિ અસ્થાને નથી લાગતું.તાજેતરની મ્યુનિસિપલ ચૂંટણી દરમ્યાન હું મત આપવા માટે લાંબી કતારમાં ઉભો હતો.મારા પિતા મતદાનમથક બહાર એક ટી.વી.ચેનલને ઇન્ટરવ્યુ અને લોકોને મતદાન કરવાની અપીલ કરવાનો સંદેશ આપ્યા બાદ પોતે મતદાન કરવા આવ્યા અને મારી સાથે કતારમાં ઉભા રહી ગયા. કતાર લાંબી હતી અને મારા પિતાની ઉંમર પણ ૭૨ વર્ષ હોવાથી મેં તેમને આગળ જઈ મતદાન કક્ષમાં સિનિયર સિટીઝન્સ માટે અલગ ટૂંકી કતાર છે કે નહિ તે ચકાસી તેમાં ઉભા રહેવાનું સૂચન કર્યું. તે આગળ ગયા અને મતદાન કક્ષમાં માટેની પૂછપરછ કરવા જઈ શકે પહેલા ત્યાં દરવાજે ઉભેલા ફરજ પરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે તેમને રોક્યા અને ઉદ્ધતાઈપૂર્વક તેમને પાછા હઠવા કહ્યું. એટલું નહિ પણ તેણે મારા પપ્પાને રીતસરના ધક્કે ચડાવ્યાં. પદ અને સત્તાનો આવો દુરુપયોગ જોઈ મારો પિત્તો ગયો અને મેં આગળ જઈ તે વરીષ્ઠ પોલીસને સંભળાવ્યું કે તે ત્યાંની વ્યવસ્થા સંભાળવાની પોતાની ફરજ પર છે અને તેણે કરવું જોઇએ અને એક સિનિયર સિટીઝન સેલીબ્રીટીને ધક્કે ચડાવવા જેવી હરકત કરવી જોઇએ નહિ. સદનસીબે કતારમાં ઉભેલાં અન્ય મતદાતા નાગરીકો પણ બીનાના સાક્ષી હતાં અને તેમણે પણ પેલા પોલીસ અધિકારીની બદવર્તણૂંક જોઈ હતી તેથી તેઓ પણ વચ્ચે પડ્યા અને તેમણે સૌએ મારો પક્ષ લીધો. હવે પોલીસ અધિકારી ઠંડો પડ્યો અને સિનિયર સિટીઝન્સની અલગ કતાર અત્યાર સુધી નહોતી, જે બનાવવામાં આવી અને મામલો થાળે પડ્યો.

ફરી રવિન્દ્ર ગાયકવાડની વાત પર પાછા ફરીએ. શિવસેનાએ ધારાસભ્યને તત્કાળ પાણીચુ આપી દેવું જોઇએ.એર ઇન્ડીયા અને તમામ ખાનગી એર લાઈન્સે રવિન્દ્ર ગાયકવાડને તરત બ્લેકલિસ્ટમાં મૂકી દીધો છે અને તેણે દિલ્હીથી રેલવે લાઈનનો સહારો લઈ ગાડીમાં પાછા ફરવું પડ્યું છે જે સરાહનીય પગલું છે.દિલ્હી પોલીસે એર ઇન્ડીયાની અંગેની ફરીયાદ બાદ કેસ સી.બી.આઈ. ને સોંપી દીધો છે પણ એવી અપેક્ષા રાખીએ કે હવે મામલે કાયદો જલ્દી પોતાનું કામ કરે અને રવિન્દ્ર ગાયકવાડને સજા મળે જેથી અન્ય ધારાસભ્યોમાં પણ અંગે એક કડક દ્રષ્ટાંત મળી રહે કે તેઓ પ્રજાના ચૂંટાયેલા સભ્યો છે અને તેમણે પ્રજાની સેવા કરવાની છે,જોહૂકમી નહિ. જો આમ થશે તો બીજા ત્રણેક વર્ષ પછી ફરી રવિન્દ્રે કે તેના જેવા અન્ય કોઈ એમ.પી. પદ અને સત્તાનો દુરુપયોગ કર્યાનો કોઈ નવો કિસ્સો સાંભળવામાં નહિ આવે!

4 comments:

 1. લાભશંકર ઓઝાApril 4, 2017 at 1:04 AM

  પદ અને સત્તા નો દુરુપયોગ લખવા માટે આપ નો ખુબ ખુબ આભાર. કોઈ કાયદા થી ઉપર નથી. ભારત નાં બંધારણ અને સંવિધાનનો મલાજો અને મર્યાદા જળવાવા જ જોઇયે. કોઈ પણ વ્યક્તિ હોય કે વ્યક્તિ વિશેષ હોય બધા જ કાયદા ના દાયરા ને આધિન છે.

  ReplyDelete
 2. કેશરી શાહApril 4, 2017 at 1:05 AM

  બ્લોગના લેખોનો હું નિયમિત વાચક છું.રવિન્દ્ર ગાઇકવાડ પરનો લેખ લખી તમે દાખવેલી હિંમત કાબેલેતારીફ છે.

  ReplyDelete
 3. રમેશ જસાણીApril 4, 2017 at 1:06 AM

  મારે ત્યાં જન્મભૂમિ પ્રવાસી સોમવારે મળે છે પણ બ્લોગને ઝરૂખેથી નો હું નિયમિત વાચક છું અને તેમાં આવતા માહિતીસભર લેખો મને ખુબ ગમે છે.

  ReplyDelete
 4. બિપીન શાહApril 8, 2017 at 10:07 AM

  રવિન્દ્ર ગાઇકવાડ પરનો બ્લોગ વાંચવાની મજા આવી પણ મને લાગે છે હવે આ પ્રકરણને મિડીઆ દ્વારા વધુ પડતું મહત્વ અપાઈ રહ્યું છે અને એના દ્વારા શિવસેનાને મફતની પબ્લિસીટી મળી રહી છે જે યોગ્ય નથી.

  ReplyDelete