કોરોના થતા પહેલાં ડરવું જરૂરી છે જેથી જરૂરી સાવચેતી લઈ શકાય, પણ થઈ ગયા પછી ડરવું અને રડવું બંને નોટ અલાઉડ. ડર અને દુઃખ કે પછી નેગેટિવિટી, એ પરિસ્થિતિમાં બળતામાં ઘી હોમે છે. બસ આવું બધું સુષ્ઠુ સુષ્ઠુ વિચારીને જ મારી નાનકડી તૈયાર કરેલી બૅગ છાતીએ ચોંટાડી, ઘરમાં કોઈને મળ્યા વિના, કશે અડ્યા વિના મેઇનડોરની બહાર નીકળવા ગઈ કે હું અટકી ગઈ. શું મારા પગ આ પગથિયાં પાછા ચડશે? આ ઘર, આ કુટુંબ બધાંને પાછી જોઈ શકીશ? કે પછી પ્લાસ્ટિક બૅગમાં લપેટાઈ અંતિમ ગંતવ્ય સ્થાને.... આખું શરીર ધ્રૂજી ઊઠ્યું અને આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. પણ જેવી ટૅક્સીમાં બેઠી કે તરત જ પ્લાસ્ટિશિલ્ડમાં હાથ નાખી મેં એમને લૂછી નાખ્યા. બસ એ પહેલું અને છેલ્લું રડી છું એ બીમારી દરમ્યાન. ખરેખર તો ડરવા અને રડવા માટે કારણ હતા અને એ પણ ત્રણ ત્રણ. હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને ઍલર્જિક બ્રૉન્કાઇટિસનો માર સહી સહીને નબળા પડેલા ફેફસાં પણ મારી સાથે જ હોસ્પિટલ આવી રહ્યા હતા. હજુ કશુંક ધીમે ધીમે ઊગીને ઊભું થઈ રહ્યું હતું અને એ હતી પોઝિટિવિટી. એ એક જ એવું હથિયાર હતું જે પેલા ત્રણેય જૂનાને એક બાજુએ ચૂપચાપ બેસાડી, નવા આવેલા કોરોના નામના મહેમાનને ઝપાટામાં લઈ લે એમ હતું. ઘરેથી ઑક્સિજન બંધ કરીને નીકળેલી એટલે અત્યારે તો શ્વાસ પર ધ્યાન રાખવું જરૂરી હતું, જોકે આંગળીઓ પર લાગેલ ઑક્સિમીટર કહી રહ્યું હતું કે હજુ થોડી વાર વાંધો નહીં આવે.
કુટુંબના વડીલોની સાથે ઘણી વખત એમને દાખલ કરવા હોસ્પિટલ ગયેલી પણ ડિલિવરીને બાદ કરતા મારા માટે હું પહેલીવાર જઈ રહી હતી, અને એ પણ સાવ એકલી.
આ રોગ જ એવો છે. “એકલી જાને રે” શબ્દોને બરાબર સાર્થક કરે. એક પોઝિટીવ રિપોર્ટ અને એક ક્ષણમાં તમે અનટચેબલ થઈ જાવ, એટલું જ નહીં અલોન પણ થઈ જાવ. દિવસો સુધી રૂમ ખાવા ધાય. મોડર્ન ટેક્નોલૉજી, ફોન, ટી.વી., કશું જ કામમાં ન આવે. ઢગલો બુક્સ વંચાવા માટે આવા સમયની રાહ જોતી પડી હોય પણ એમને વાંચવાનું તો ઠીક અડવાનું ય મન ન થાય. એના બદલે વારેઘડીએ ઑક્સિજન મશીન અને થર્મોમીટર પર આંગળીઓ ફર્યા કરે.
જેવી હોસ્પિટલ પહોંચી કે લેઝર ગનથી ટેમ્પરેચર માપ્યું ને લે, નૉર્મલ આવ્યું. શું મારું થર્મોમીટર જ ખરાબ હતું? કે પછી તાવ હોસ્પિટલથી ડરીને ભાગી ગયો? રિપોર્ટ પોઝિટિવ ના હોત કે સૂંઘવાની શક્તિ ગાયબ ના થઈ હોત તો જરૂર ઘરે પાછી જતી રહી હોત. તે દિવસે સવારે અચાનક યાદ આવેલું, વાસ કે સુગંધ કશું જ કેમ ખબર નથી પડતી? ઝંડુ બામ, યુ ડી કોલોન, સ્ટ્રોંગ પર્ફ્યૂમ એમ હું સુગંધનો ડોઝ વધારતી જ ગઈ પણ નાક તો હતું હડતાળ ઉપર. પછી હડતાળે જોર પકડ્યું અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગેલી.
હોસ્પિટલમાં છેલ્લો એક જ સિંગલ રૂમ ખાલી હતો જે મારા નસીબે મને મળ્યો, પણ હવે ચિંતા થઈ સ્ટાફની. હું રૂમમાં ગઈ કે તરત જ સૌ મને મળવા આવ્યા. નવાઈની વાત એ કે સૌ મને વહાલથી અડવા ગયા પણ મેં એમને કશું ના લાગે એના ડરથી હાથ પાછો ખેંચી લીધો. પછી તેઓ સૌ મને પસવારતા પ્રેમાળ હસ્યા અને બોલ્યા, “આજથી અમે જ તમારી ફેમિલી ઓકે? અડધી રાત્રે પણ કંઈ પણ જરૂર પડે તો અમને યાદ કરવા.” ઘણા દિવસો બાદ કોઈના મોઢા જોયા, વાત કરી, સ્પર્શ પામી. સારું લાગ્યું. મેં ડૉક્ટરને કહ્યું, “ત્રણ જુના દુશ્મન અને એક નવો દુશ્મન તો લાવી છું, પણ સાથે સાથે એક હથિયાર લાવી છું પોઝિટિવિટીનું. નાઉ બોલ ઈઝ ઇન યોર કોર્ટ.”
ત્યારે એમને પણ કદાચ આ શબ્દો ઠાલા લાગ્યા હશે પણ જ્યારે સૌએ મને જુના ફિલ્મી ગીતો ગણગણતા સાંભળી, ઑક્સિજન સપોર્ટ સાથે રૂમમાં ગીતો સાથે ઝૂલતા જોઈ કે પેટમાં ઇન્જેક્શન લેતા ય મસ્તી કરતા જોઈ ત્યારે તેઓ અચંબિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે તમારા રૂમમાં આવવું ગમે છે. બાકી બીજાના રૂમમાં તો જાણે મોત મંડરાતું હોય છે.
એવું નહોતું કે મને એ દેખાયું નહોતું. એ મારા રૂમમાં, મારી આંખોમાં આંખો નાંખીને ઊભેલું ત્યારે ટટ્ટાર ઊભા થઈ હું બોલેલી, "લેવા આવ્યું છે? તો ચાલ તૈયાર છું. આવીશ, પણ હસતા હસતા. તું પાડો લઈને આવ પાછળ પાછળ, હું આગળ જતી થાઉં છું." બોલતા તો બોલી દીધું પણ એક શૂળ ઊપડી હૃદયમાં. હજુ ક્યાં બધું વાંચી લીધું છે? ક્યાં જે લખવું છે તે લખ્યું પણ છે? નવલકથા પણ પૂરી થઈ પ્રકાશિત થવા રાહ જોઈને પડી છે એ જો મરણોત્તર પ્રકાશિત થાય તો ભાવકના પ્રતિભાવ હું કઈ રીતે જાણી શકીશ?
પણ આ બધા વિચારો ખંખેરીને મેં ધ્યાન મારી ટ્રીટમેન્ટ પર જ કેન્દ્રિત કર્યું. રાત અને દિવસ. હોસ્પિટલમાં આમેય રાતદિવસ, વાર, તારીખ બધું જ નક્કામું.
ઍક્સરેએ ચુકાદો આપ્યો, તમને ન્યુમોનિયા થઈ ચૂક્યો છે. મારા ફેફસાં મૂંઝાયા. અત્યાર સુધી એક ફેફસાની બીમારીને સાચવતા હતા અને હવે આ? એમણે ભાડુઆતને કહ્યું, થોડાક જ દિવસનો કોન્ટ્રાક્ટ થશે ચાલશે ને? હું ડરી ગઈ ને મેં ફેફસાંને ડાર્યા, કાગળ પત્તર કર્યા વિના આમને જગ્યા આપી છે તે જોજો પેલા આરબના ઊંટની જેમ અંદર ફેલાઈ ના જાય ને કાયમની જગ્યા ના પચાવી પાડે. મારું માની એક જ ફેફસાએ એને સંઘર્યો અને એક નાનકડો ખૂણો જ એને રહેવા આપ્યો. આ નવો મહેમાન જગ્યા પચાવી ના પાડે માટે મેં જાણીતા સ્ટેરોઈડ નામના વકીલને રોક્યા, એ પણ ઊંચાંમાં ઊંચો ડોઝ આપીને. નવી તારીખ પડી અને એક્સરે રૂમમાં અમારી પેશગી થઈ. એક્સરે મશીને ચુકાદો આપ્યો અમારી તરફેણમાં. ન્યુમોનિયાએ ધીમે ધીમે પથારો સંકેલવા માંડ્યો.
પણ આ બધું જોઈ લોહીને થયું કે આપણે કેમ બાકી રહી જઈએ? આખુ શરીર પડ્યું છે આપણી પાસે તો. ચાલો યુનિયન બનાવી પચાવી પાડીએ. લોહીના નાના-નાના ઘણા યુનિયન થયા જે ધીમે ધીમે બીજા કણો જોડાતા મોટા થવા લાગ્યા અને હાર્ટ કે બ્રેઈનમાં જઈ પરમેનન્ટ જગ્યા બનાવી રહેવાના સપના જોવા લાગ્યા. એ નાદાન કણોને ક્યાં ખબર હતી કે જ્યાં તેઓ પરમેનન્ટ જગ્યા કરવાના હતા એ શરીર જ ટેમ્પરરી છે અને એમના કર્મોને લીધે કદાચ એ બધા ય ટેમ્પરરી શરીર સાથે જ પરમેનન્ટલી બળી જઈ શકે છે?
હવે અમારે લાંબી સોયની તલવાર કાઢવી પડી અને મારા શરીરની ચરબીના મુખ્યાલય એટલે કે મારા પેટ પર એનાથી ઊંડા ઊંડા ઘા કરવા પડ્યા. એ ઘામાંથી જઈને દવા નામના વકીલે કોર્ટ બહાર જ સેટલમેન્ટ કરાવવા માંડ્યું અને પાંચેક દિવસની સમજાવટ પછી સૌ યુનિયન તૂટ્યા અને સૌ રક્તકણો પૂર્વવત્ શરીર ચલાવવાના કામે લાગ્યા.
હવે વારો હતો નાકમાં પહેરેલા એક્સ્ટ્રા ઘરેણા કાઢવાનો. નવી વહુ જેમ થોડા દિવસ વડીલ સામે ઘૂંઘટ કાઢે અથવા માથે ઓઢે અને નાના સામે આવતા જ માથે ઓઢેલું કાઢી નાખે એવું જ પણ એનાથી વિપરીત ઑક્સિજન પાઇપે કર્યું. જેવો ઑક્સિમીટર પર નાનો આંકડો આવે કે એ મારા નાકનો શણગાર બને અને મોટા આંકડાના વડીલ આવે કે એ ઊતરી જાય. આમ જ આવજાવ થતી રહી. છેવટે મોટા આંકડાના વડીલે સ્થાયી થઈ નાનાંને જતા રહેવાની આજ્ઞા કરી એટલે ઊંચો કાળો બાટલો, આછા લીલા પાઇપને સાથે લઈ રજાચિઠ્ઠી ના મૂકતા, રેઝિગ્નેશન આપીને જ જતો રહ્યો.
એ જતા જ હોસ્પિટલે પણ મને રજા આપી દીધી. જો કે ઘરે પાછા એકલાં એકલાં આવતા ય હૃદયમાં આનંદ સમાતો ન હતો. મને એમ કે ઘણા વીડિયોમાં જોયું છે એમ ગલીમાં લોકો સ્વાગત માટે તાળીઓ પાડતા હશે. પણ હાય, અહીં તો બિલ્ડિંગમાં ય કોઈ નહોતું. ઘરમાં તાળીઓના ગડગડાટનો અવાજ નહોતો, પણ એનાથી ય વિશેષ “આઈ લવ યુ”, “વેલકમ હોમ” ના અવાજો દરેકના રૂમમાંથી આવી રહેલા. આ જોવા આંસુએ પણ આંખમાંથી થોડા ડોકિયાં કરી જ લીધા. અનટચેબલ તો હજુ પણ હતી એટલે પાછી મારી કોટડીમાં પુરાઈ ગઈ.
બહુ બધા મહેમાનો શરીરમાં જોઈ ઓવરડ્રાઈવમાં આવી દોડાદોડ કામ કરતા બ્લડશુગર અને બ્લડપ્રેશરને હજુ શાંતિ મળવી બાકી હતી, એટલે થર્મોમીટર અને ઑક્સિમીટરની જગ્યા હવે બી.પી. મશીન અને શુગર મશીને લઈ લીધેલી. એમાંથી નવરી થાય એટલે આંગળીઓ ફોન પર ફરતી. કોઈને પહેલા આ બધું કહ્યું નહોતું, હવે જ જણાવેલું એટલે સૌ ફોન કરે, મૅસેજ કરે, ચિંતા કરે. એમને સૌને જવાબ આપવામાં સમય પસાર થવા લાગ્યો. સૌની લાગણી અને પ્રેમમાં તરબતર હું સાતમા આસમાન તરફ ગતિ કરવા લાગી. જ્યારે પાછો રિપોર્ટ ઈ-મેલમાં પધાર્યો, એ પણ બાપડો નેગેટિવ થઈને, ત્યારે ખુશીના માર્યા હું છઠ્ઠાં આસમાને પહોંચી અને જ્યારે ઘરના સૌ મને આખરે ભેટી પડ્યા ત્યારે હું સાતમા આસમાનમાં વિહરવા લાગી.
જો કે તરત જ પાછું જમીન પર આવવું પડ્યું કારણકે શરીર, દિમાગ, નર્વસ સિસ્ટમ બધું હજી મજબૂત કરવાનું હતું. મોટી લડાઈ જીતી ગયેલા પણ નાના નાના યુદ્ધ બાકી હતા. નવાઈની વાત એ કે મોટી લડાઈ ઓછી ચાલેલી, પણ નાની-નાની લડાઈઓ ઘણો સમય ચાલી. એકાદ-બે તો હજુ પણ લડી રહી છું પણ આટલું જીતી છું, તો એ તો જીતીશ જ. બસ સમય જોઈશે જે હવે મારી પાસે છે, પણ હા, એ તો છે બોનસ સમય, એક્સ્ટેન્શન તરીકે મળેલો સમય. માટે જ હવે એને સાચવી સાચવીને વાપરવો પડશે, એનો સદુપયોગ કરવો પડશે. આમ તો પહેલો સદુપયોગ આ લેખ લખીને કર્યો છે. આશા રાખું આ વાંચનારનો સમય વ્યય ના થયો હોય.
- યામિની પટેલ.
સરસ લેખ છે.કોરોનાથી આજકાલ બધા ડરી ગયા છે.પણ આ લેખ હિંમત આપે છે
જવાબ આપોકાઢી નાખોBilkul sachi vat dar ke aage jit he
જવાબ આપોકાઢી નાખોAme badha a aa mahesus karyu