Translate

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

ગણપતિ બાપ્પાને પ્રાર્થના

  “એ આઈ.... દેવ બાપ્પા આલે!! “ એક સાવ નાનકડા બાળકનો સાદ સંભળાય છે અને ગણપતિબાપ્પાની સુંદર વિશાળ પ્રતિમાઓના ફોટા એક પછી એક સ્ક્રીન પર બદલાય છે આવો એક વિડિયો વોટ્સ એપ પર જોયો અને મુખ પર સ્મિત છવાઈ ગયું! આબાલવૃદ્ધ સૌને ગમતો તહેવાર એટલે ગણેશચતુર્થીથી શરૂ થતો ગણેશોત્સવ... આબાલવૃદ્ધ સૌને ગમતા દેવ ગણપતિબાપ્પાની મૂર્તિની સાર્વજનિક મંડપમાં કે ઘેર પધરામણી કરવાનો અને તેમનું પૂજન કરી ધન્યતા અનુભવવાનો પાવન ઉત્સવ. આ વખતે જો કે કોરોનાના કેરના કારણે સાર્વજનિક મંડપ અને

બાપ્પાની મૂર્તિ ની ઉંચાઈમાં ઘટાડો જોવા મળશે, પણ ભક્તોની બાપ્પા પ્રત્યેની શ્રદ્ધામાં ઓટ નથી આવી. લોકોમાં ગણેશોત્સવ પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ અકબંધ છે. 

    આ વખતે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધુ જોવા મળશે અને પર્વ બાદ લોકોની ઉજવણીની ખોટી રીતને લીધે ફેલાતા પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળશે એ મોટો ફાયદો. લોકો સ્થાપના અને વિસર્જન માટે મહારાજની મદદ પણ ઓનલાઇન લેતા જોવા મળશે. વિસર્જનમાં પણ રસ્તાઓ પર ભીડ નહીં હોય અને કૃત્રિમ તળાવ કે પોતપોતાના ઘેર વિસર્જનમાં વધારો જોવા મળશે.

  ગણપતિ બાપ્પા સાચા હ્રદયથી કરેલી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. તો ચાલો આજથી શરૂ થઈ રહેલા આ મંગલ ઉત્સવ દરમ્યાન સૌ સાથે મળી પ્રાર્થના કરીએ કે હે ગણપતિ બાપ્પા.... 

 ~ કોરોનાનો જડમૂળથી જલ્દી જ નાશ કરી દો.

~ અમારું જીવન ફરી પહેલા જેવું નિર્ભય અને સુંદર બનાવી દો, જ્યાં અમે છૂટથી એકબીજા સાથે હળી મળી શકીએ.

~ લોકોના મનમાં લોકડાઉનને લીધે જે નિરાશા, નકારાત્મકતા પ્રવેશી ગયા છે તેનો સમૂળગો નાશ કરી દો. 

~ ઘણાં લોકોના નોકરી ધંધા મંદ કે બંધ પડ્યા છે, તેમને ફરી ધમધમતા કરી દો.

~ અર્થતંત્ર ને જે ખોટ પડી છે તે ભરપાઈ કરી દો.

~ બાળકોની શાળાઓ, યુવાનોની કોલેજો, મોટેરાઓની ઓફિસો ચાલુ કરી દો.

~ બજારો, મોલ, દુકાનો, સભાગૃહો વગેરે ફરી ધમધમતા કરી દો.

~ લોકોની પરિવારજનો સાથે નિકટતા વધી છે, પર્યાવરણ પ્રત્યે સંવેદન શીલતા વધી છે તે કાયમી કરી દો.

~ પ્રદૂષણમાં ઘટાડો થયો છે, સ્વચ્છતામાં વધારો થયો છે તે પણ કાયમી કરી દો.

 સાચા મનથી, સાથે જોડાઈને કરેલી સમૂહ પ્રાર્થનામાં ઘણી તાકાત હોય છે. આવો આપણે સૌ ગણરાયાને સાચા દિલથી ઉપર જણાવેલી પ્રાર્થના કરીએ... એ ચોક્કસ સાંભળશે અને તેને પૂરી કરશે. ગણપતિ બાપ્પા મોરિયા!!!





1 ટિપ્પણી: