Translate

Saturday, August 22, 2020

ગેસ્ટ બ્લોગ : ઈતિહાસમાં એક નવા પ્રકરણનો ઉમેરો

     આ બે હજાર વીસની સાલમાં દેશ અને દુનિયાના માનવીઓએ  ક્યારે ય ધારી ન હતી, એવી ગંભીર ઘટનાએ આકાર ધારણ કર્યો. કોરોના જે વૈદકીય ભાષામાં કોવિડ19 તરીકે ઓળખાય છે, તે વિષાણુએ જગત આખાને હચમચાવી દીધું. વિશ્વના અનેક લોકોના જીવ લીધા આ વાયરસે. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન પણ જે ગંભીર પરિસ્થિતિ હતી તેના પ્રમાણમાં વિશેષ સંકટમય સંજોગો આ એકવીસમી સદીમાં જોવા મળ્યા. આજે જે વરિષ્ઠ નાગરિકો હયાત હશે તેઓ સાક્ષી ભાવે સરખામણી કરતાં કહી શકશે, કે આવા દિવસો તો ક્યારે ય જોયા ન હતા. 

          દરેક દેશને તેનો સ્વતંત્ર ઈતિહાસ છે. અઢારમી સદી પછી દેશ અને દુનિયામાં અનેક સંકટોનો પ્રજાએ સામનો કર્યો. ઈતિહાસમાં તેની નોંધ લેવાઈ. અનેક વિષમ સંજોગો ઉતપન્ન થયા. બધુ થાળે પડતાં વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. ભારત સહિત અન્ય અનેક રાષ્ટ્રોનો વિકાસ થયો અને તેઓ સમૃધ્ધિની ચરમ સીમાએ પહોંચી ગયા. ભારત આજે એક સંપૂર્ણ વિકસિત તથા સમૃધ્ધ દેશ તરીકે દુનિયાભરમાં પંકાય છે. વિવિધ ક્ષેત્રે આ દેશ પ્રગતિ કરી આત્મ નિર્ભર બન્યો છે, જેની સગર્વ નોંધ લેવી જ રહી. 

    આઝાદીની લડત તો ઘણી જ આકરી હતી, આઝાદ થયા પછી પણ દેશ ઉપર તબક્કા વાર અનેક સંકટોના વાદળ ઝળૂંબ્યા હતા. આંતરિક યુધ્ધો, કુદરતી આફતો, સુનામી આતંકવાદ જેવા બનાવો બન્યા. પ્રજાએ સહન પણ કર્યું, પરંતુ ભારતીય જનની સંકલ્પ શક્તિ તથા આશાવાદી અભિગમને કારણે તેણે હંમેશા વિજય મેળવ્યો છે. જગતના દેશો તેનાથી પરિચિત છે. 

                          વર્તમાન દિવસોમાં જે કઈં બની રહ્યું છે, તેની તો કોઈએ કલ્પના પણ નહી કરી હોય. છેલ્લા સો વરસમાં ક્યારેય ના થયું હોય તેવી વિડંબના માનવજાતને માથે આવે પડી છે. કોરોના જેવા વાયરસે તો બધું જ થંભાવી દીધું છે. માણસ હંમેશા માણસ ભૂખ્યો રહ્યો છે. એકબીજાને મળવું, હળવું ભળવું તે તેનો સહજ સ્વભાવ છે. માણસ માણસ વચ્ચેના સંબધોને કારણે એકમેકને ઘણું શીખવા મળતું, સૌ પોતપોતાના આનંદમાં સહભાગી થતા, પણ આજે તો સોશિયલ ડિસ્ટન્સ  અને લોકડાઉન જેવા શબ્દોનો પરિચય માનવીને પહેલીવાર થયો. એકબીજા વચ્ચે અંતર રાખવું અત્યંત જરૂરી થઈ ગયું. માણસ પોતાના જ ઘરમાં પોતે કેદ થઈ ગયો. 

                           ભૂતકાળમાં વિવિધ આંદોલનો, હડતાળો કે કુદરતી આફતોને લીધે બંધ જેવી પરિસ્થિતિ નિર્માણ પામતી, પણ તે તો માત્ર થોડા સમય માટે. જ્યારે આજે તો ત્રણ - ચાર મહિનાઓ સુધી બધું ગતિ વિહીન હોય તેવો બનાવ પ્રથમવાર બન્યો. જગતની માનવજાતને ભયભીત કરી નાખી આ વૈશ્વિક મહામારીએ. હાલ તો આ રોગની કોઈ દવા નથી, પણ તેનું સંશોધન ચાલે છે. વેક્સિન શોધવાનું  કામ પણ ચાલે છે. 

                          એક સમયે ભારતમાં પ્લેગ જીવલેણ રોગ હતો. આજે તેનો ઉપચાર સરળ છે. પોલીઓના વિષાણુ દેશભરમાં ફેલાયેલા હતા, પરંતુ આજે રસીને કારણે દેશ પોલીઓ મુક્ત છે. આ જ પ્રમાણે દેશ અને દુનિયા કોરોના મુક્ત થશે, તેવી આશા  રાખીએ તો તે અસ્થાને નથી. આજના યુવાનો કાલે વરિષ્ઠની અવસ્થાએ હશે અને આવનારી પેઢીને કોરોના વિષે જણાવશે ત્યારે તેમને તે દંતકથા સમું લાગશે, પણ ઈતિહાસમાં એક નવા પ્રકરણનો ઉમેરો જરૂર થશે. 

                          આશા રાખીએ કે થંભી ગએલા વિશ્વની ગાડી પ્રગતિના પાટા પર ફરી રાબેતા મુજબ દોડતી થાય. 

     - નીતિન વિ મહેતા     

No comments:

Post a Comment