Translate

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

ગેસ્ટ બ્લોગ - સ્વયં સિધ્ધા

       ઓલ ઈન્ડિયા વિમેન્સ  કોન્ફરન્સ, જોગેશ્વરી  શાખાની  કમીટીમાં હું કાર્યરત છું. દર વર્ષે ૮ મી માર્ચે અમારી સંસ્થામાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે એવી ત્રણ મહિલાઓનું સન્માન કરીએ છીએ જેઓ સેવાભાવી કાર્ય કરતાં હોય અથવા જેમણે કોઈક ક્ષેત્રમાં પુરુષાર્થ કરી સફળતા  પ્રાપ્ત કરી હોય.અલગ અલગ ક્ષેત્ર જેમ કે પર્યાવરણ, સ્પોર્ટસ, કલા.... જેવા વિવિધ વિષયોમાંથી એક વિષય નક્કી કરી, એમાં પોતાનું યોગદાન આપનારી, સ્વયંને સિદ્ધ કરનારી મહિલાઓને અમે અવોર્ડ તથા સર્ટીફિકેટ આપીતેમનું સન્માન કરીએ છીએ.  આ  સંદર્ભમાં એક એવી પ્રતિભાને મળવાનું થયું જેઓએ વાદ્ય સંગીતના ક્ષેત્રે ખુબ જ નામના મેળવી છે . મહિલાદિન નિમિત્તે આ વર્ષે અમારી સંસ્થાએ 

એમનું સન્માન કર્યું. તબલા વાદનની વિશારદની પરીક્ષા ભલે નથી આપી પણ એ કક્ષાનું જ્ઞાન ધરાવે છે. તેમણે કેટલાય અવોર્ડસ ,મેડલ્સ  અંકે કર્યા છે. રાષ્ટ્રપતિજીનાં હસ્તે પણ અવોર્ડર્સના હકદાર બન્યા છે. ૫૦ મિનિટમાં ૫૦ વાજીંત્રવાદન કરીને લિમ્કા બુકમાં પણ તેઓ સ્થાન પામ્યા છે. આ બધી પ્રસિદ્ધિ - સફળતા એટલા માટે વિશિષ્ટ બની જાય છે કે આ સ્વયં સિદ્ધા યોગીતાજી તાંબે દિવ્યાંગ છે. પ્રજ્ઞાચક્ષુ .

                   જન્મનાં થોડા જ સમયમાં એક આંખ ગુમાવી અને જ્યારે દસમા ધોરણમાં હતાં ત્યારે બાથરુમમાં પડી જતાં બીજી આંખ પણ ગુમાવી. મગજને ઈજા પહોંચી હોવાથી યાદશકિત પર પણ અસર થઈ. તેમ છતાં આ બધી પરિસ્થિતિનો હિંમતભેર સામનો કર્યો. દસમાની પરીક્ષા તો પાસ કરી જ પણ ત્યાર બાદ એમ. એ. ના સ્નાતક પણ થયા. તબલા વગાડવાની કળા કદાચ ઈશ્વરદત્ત હતી. નાનપણથી જ તેઓ તબલાં વગાડતાં. સદનસીબે યોગીતાજીને ગુરુ પણ સરસ મળ્યા. તબલા સાથે તેઓ ઢોલ, ઢોલકી, ડફ બધું જ સરસ વગાડે છે. (ગુરુજીની સંમતિથી).

                આજે યોગીતાજી પોતે તાલીમ લે છે અને સાથે એક શાળામાં વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ આપવા પણ જાય છે. તેમના ઘરે છોકરાઓ તબલા શીખવા આવે છે  જેમાં બે છોકરાઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓને ફી લીધા વગર મફત શીખવાડે છે. યોગીતાજી સંગીતના કાર્યક્રમો પણ રજૂ કરે છે. કાર્યક્રમ આપવા જાય ત્યારે તબલાની સાથે તેઓ એક મેજીક બેગ અવશ્ય રાખે છે જેમાં નાળિયેરની કાચલી , નાના મોટા પથ્થર, મગ - ચણા જેવા કઠોળ,પાનું જેવી અલગ અલગ વસ્તુઓ રાખે છે , જેમાંથી વિવિધ સંગીત, જુદા જુદા અવાજોનું સર્જન કરે છે. આ એક એમની  વિશિષ્ટ કળા છે. આ ઉપરાંત એ વાંચનનો પણ શોખ ધરાવે છે. બ્રેઇલ લિપિમાં ધાર્મિક તેમજ ઈતર વાંચન કરતાં હોય છે. પુસ્તકોનું તેમની પાસે વિશાળ કલેકશન છે.

               ઈશ્વર માનવીને એકાદ ઇન્દ્રિયથી વંચિત રાખે તો બીજી  ઇન્દ્રિયોને  કદાચ વધુ સતેજ કરી દે છે. યોગીતાજી માટે એમની શારિરીક મર્યાદા અવરોધરૂપ નથી. બીજા પર નિર્ભર રહેવું એમને પસંદ નથી. તેમના માતાપિતાએ પણ તેમનો ઉછેર સામાન્ય સંતાનની જેમ જ કર્યો છે. યોગીતાજીનું વ્યક્તિત્વ એકદમ આનંદી - પ્રસન્નમિજાજ. માનવી પર જરા એવી તકલીફ આવે તો તે અસ્વસ્થ થઈ જાય, ઈશ્વરને દોષ દે પણ યોગીતાજીને મળીએ તો એવો અનુભવ થાય કે જે પણ પરિસ્થિતિ છે તેનો તેમણે સહજતાથી સ્વીકાર કરી  લીધો છે. ક્યાંય કોઈ ફરિયાદ નહી, કોઈ નિરાશા નહી . ખરેખર સંપૂર્ણ માનવી પણ એમની જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમથી પ્રેરણા પામે એવું પ્રતિભાવંત, દિવ્યાંગ વ્યક્તિત્વ!                     

       - નેહલ દલાલ

2 ટિપ્પણીઓ:

  1. વિરેન્દ્ર પારેખ11 ઑક્ટોબર, 2020 એ 07:22 AM વાગ્યે

    ગેસ્ટબ્લોગ 'સ્વયંસિદ્ધા'માં યોગીતા તાંબેનો લેખ દરેક માટે પ્રેરણાદાયી હતો, ખાસ તો વિકલાંગો માટે જેમને આમાંથી નવું બળ મળશે. જ પ્ર ને તથા આપને પણ આવા પ્રેરક લેખો આપવા બદલ ખૂબ જ ધન્યવાદ ઘટે છે. પાંચ પૈસા ભેગા કર્યાનો કોઈને ગર્વ થાય તો તાંબેની સિદ્ધિઓ જોતા એ ઉતરી જાય !

    જવાબ આપોકાઢી નાખો
  2. નેહલ દલાલનો ગેસ્ટ બ્લોગ 'સ્વયંસિદ્ધા' વાંચી આનંદ થયો. આ બ્લોગ દ્વારા દિવ્યાંગોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું પ્રસંશનિય કાર્ય કરવા બદલ નેહલ દલાલ અભિનંદનના અધિકારી છે. દિવ્યાંગોની પ્રતિભાઓનો સમાજને પરિચય કરાવવાની આ તબક્કે અત્યંત જરૂરી છે, જેથી દિવ્યાંગો પ્રતિ લોકોનો અભિગમ બદલાય અને તેમને યોગ્ય ન્યાય મળી રહે.

    જવાબ આપોકાઢી નાખો