Translate

Thursday, July 30, 2020

વિડિયો કોન્ફરન્સિંગ માટેની સ્વદેશી એપ 'પ્રોફિસમ કોલ' અને એ બનાવનાર સિદ્ધાંત વેકરીયા સાથેની યાદગાર મુલાકાત

     પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની હાકલથી પ્રેરાઈને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના રફાળા ગામના ઉત્સાહી અને ખંતીલા યુવાન સિદ્ધાંત વેકરીયા દ્વારા પોતાના મિલન સાવલિયા અને કુમાશ શાહ નામના બે મિત્રોની મદદથી વિડિયો કોન્ફરન્સ માટેની તેમજ ઓનલાઇન મીટિંગ માટેની એક મોબાઈલ એપ તૈયાર કરાઈ છે જેનું નામ છે 'પ્રોફિસમ કોલ'.
   કોરોના લોકડાઉન શરૂ થયું ત્યારથી આપણે મિત્રો, સગાંસંબંધીઓ સાથે વિડિયો કોલ કરવા ઓનલાઇન મીટિંગ એપ્સ વાપરતા થયા છીએ. વર્ક ફ્રોમ હોમ શક્ય બનાવવા માટે કોર્પોરેટ જગતે પણ વિડિયો કોન્ફરન્સિંગ તેમજ ઓનલાઇન મીટિંગ માટે પ્રચલિત એવી ઝૂમ, વેબએક્સ, માઇક્રોસોફ્ટ ટીમ જેવી અનેક એપ્સ અપનાવી છે. તેવામાં આપણાં ગુજરાતના ત્રણ ઉદ્યોગ સાહસિક યુવાનોએ માત્ર ચૌદેક દિવસના ટૂંકા સમયમાં તૈયાર કરેલી સંપૂર્ણ ભારતીય એપ 'પ્રોફિસમ કોલ' એક અતિ સરાહનીય અને આવકારદાયક પગલું છે. આ એપ્લિકેશન બનાવવામાં તેમને ધ સ્ટાર્ટઅપ ઈન્ડિયા નેટવર્ક કમ્યુનિટીનો સહયોગ સાંપડયો છે.
     થોડાં સમય અગાઉ ઝૂમ એપમાં સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા હતાં જેથી સરકારને પરિપત્ર જાહેર કરી આ એપનો ઉપયોગ મર્યાદિત કરવાની ફરજ પડી હતી જેનું મૂળ કારણ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનનો અભાવ હતું. 'પ્રોફિસમ કોલ' એપમાં આ અંગે ખાસ ધ્યાન અપાયું છે જેથી આપના કોલ્સ અને મિટિંગ વગેરેનો ડેટા સુરક્ષિત રહે. આમ પણ આ એપ સંપૂર્ણપણે ભારતીય હોવાથી આપણો ડેટા વિદેશમાં લીક થવાનો ભય નથી. એક વિડિયો કોન્ફરન્સિંગ તેમજ ઓનલાઇન મીટિંગ માટે જોઈતી મોબાઈલ એપ માટે જરૂરી એવા બધાં જ ફીચર્સ 'પ્રોફિસમ કોલ'માં હાજર છે એટલું જ નહીં એમાં સતત નવા નવા ફીચર્સ ઉમેરાતાં રહે છે.
  એન્ડ્રોઇડ અને આઈ. ઓ. એસ. બન્ને પ્લેટફોર્મ માટે 'પ્રોફિસમ કોલ' એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. પ્રથમ સો જેટલી મીટિંગ ફ્રી છે અને ત્યારબાદ વ્યાજબી દરે તેનું પ્રીમિયમ વર્ઝન અપગ્રેડ થઈ શકે છે જેનો ઉપયોગ કરી તમે સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપી શકો છો.
   હવે આ એપ્લિકેશન બનાવનાર સિદ્ધાંત અને તેના પિતા સાથે થયેલ મુલાકાત વિશે થોડી સ્વાનુભવની વાત કરું. બગસરાના ગોલ્ડન વિલેજ તરીકે પ્રખ્યાત બનેલા રફાળા ગામના વતની તેમજ સુરતના સુવિખ્યાત સામાજિક કાર્યકર અને વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સવજીભાઈ વેકરીયા ખૂબ જાણીતું નામ છે અને તેમની મહેમાનગતીનું સૌભાગ્ય થોડાં વર્ષો અગાઉ મારા પપ્પા તેમના મિત્ર હોવાને લીધે પ્રાપ્ત થયું હતું. શ્રીમંત સાથે ભારોભાર સજ્જન અને નમ્ર હોવું કોને કહેવાય એ જાણવા માટે આ બાપ- દીકરાની જોડી ને મળવું પડે. મને અતિ પ્રેમથી વર્ષો અગાઉ આ મહાનુભાવે આપેલ આલિંગન અને અતિ પ્રેમ અને ભાવથી કરાવેલ ભોજન આજે પણ મારી સ્મૃતિમાં અકબંધ છે. સિદ્ધાંતના મમ્મીએ મને અને સિદ્ધાંતને સાથે જ બેસાડી ભારે આગ્રહપૂર્વક સ્વાદિષ્ટ ઘેર બનાવેલ ભોજનનો આસ્વાદ કરાવ્યો હતો. જમીન પર પલાંઠીવાળી સિદ્ધાંત સાથે કરેલ એ જમણ ખરેખર પેલી 'સૂરતનું જમણ અને કાશીનું મરણ' કહેવત સાર્થક કરનાર બની રહ્યું અને એ મને સદાય યાદ રહેશે.
    ભોજન બાદ સવજીભાઈ સાથે ઘણી શીખવાલાયક જ્ઞાનવર્ધક અને સિદ્ધાંત સાથે ઘણી સર્જનાત્મકતા ભરેલી વાતો કરી હતી. પછી પ્રેમથી સિદ્ધાંતે મને પોતાના બાઇક પર બેસાડી સુરતના જોવાલાયક સ્થળોની સફર કરાવી હતી.
       સવજીભાઈ વેકરિયાએ જ્યારે તેમના એ ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો, જેની મેં મુલાકાત લીધી હતી, ત્યારે અનેક દિવ્યાંગ બાળકોને પ્રેમથી એ ઘેર ભોજન કરાવ્યું હતું. તેમના માતા પિતાને અંજલિ આપવા તેમના વતનના ગામ રફાળા ને દત્તક લઈ તેની કાયાપલટ કરી નાખી અને એ ગામની જે પણ દીકરીના લગ્ન થાય તેને અનેક ભેટ સાથે સુવર્ણ પત્રના કન્યાદાનની અનોખી પહેલ તેમણે કરી હતી. આવી મહાન વ્યક્તિનો વારસો જાળવતા સિદ્ધાંતે  'પ્રોફિસમ કોલ' એપ બનાવી આત્મનિર્ભર ભારતની દિશામાં અતિ મહત્ત્વનું પ્રશંસનીય પગલું ભર્યું છે. તેને ભવ્ય સફળતા મળે એવી ખેવના રાખીએ.

Profism Call is available for free download on Google Play. More info on their website : call.profism.com

No comments:

Post a Comment