Translate

Sunday, July 12, 2020

ન્યૂ નોર્મલ

     'ન્યૂ નોર્મલ' આ શબ્દ પાછલા થોડાં સમયથી ખૂબ સાંભળવા મળે છે. એનો અનુવાદ થાય 'નવું સાધારણ' અર્થાત્ પહેલા સામાન્ય સ્થિતી કંઈક જુદી હતી, હવે કોરોના એ તે સમૂળગી બદલી નાખી છે અને તે આપણે સૌએ સ્વીકારવી જ રહી.
  મુંબઈ શહેરની, તેની લાઇફ લાઇન ગણાતી મુંબઈ લોકલ (રેલવે ટ્રેન) વગર કલ્પના કરવી જ અશક્ય જણાતી. જ્યારે છેલ્લા લગભગ ત્રણ મહિનાથી મુંબઈ લોકલ સાવ બંધ સમાન છે. પહેલા એ અડધો કલાક મોડી પડે તો હાહાકાર મચી જતો, બીજે દિવસે છાપામાં એ ઘટના, સમાચાર તરીકે સ્થાન પામતી. જ્યારે આજે કદાચ એ ફરી ફૂલ ફોર્મમાં ચાલુ થઈ જાય તો પણ હાલ પૂરતી તો તેમાં કચડી નાખનારી ગિરદી જોવા મળે કે કેમ એ અંગે શંકા થાય છે.
     અહીં છાપાની વાત કરી, એ છાપા વગર આપણી સવાર નહોતી પડતી. આજે ઘણી સોસાયટીઓમાં, ઘણાં વિસ્તારોમાં છાપા વાળાને કોરોનાના ભયને કારણે પ્રવેશ જ નથી એટલે ઘણાં એ મહિનાઓથી છાપું જોયું પણ નહીં હોય!
    જૂન મહિનામાં બાળકોની સ્કૂલ ઉનાળાના વેકેશન બાદ ખૂલે અને નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય. આ વખતે સ્કૂલો ખૂલી જ નથી. ઓનલાઇન વર્ગો શરૂ થયા છે. માતાપિતા માટે સ્કૂલ ખૂલતા પહેલા એક ઓરીએંટેશન પ્રોગ્રામ રાખવામાં આવે છે, તે પણ આ વર્ષે ઓનલાઇન યોજાયો અને સ્કૂલના પ્રિન્સિપાલ મેડમે પણ આ શબ્દ 'ન્યૂ નોર્મલ' નો ઘણી વાર પ્રયોગ કર્યો. આપણે બાળકોને મોબાઈલ અને લેપટોપ જેવા ઉપકરણોથી દૂર રાખવા મથતા, પણ હવે એ તેમની પણ દૈનિક જરૂરિયાત સમા બની ગયા છે. સ્કૂલ જ મોબાઈલ અથવા લેપટોપ પર એટેન્ડ કરવી પડે તો બાળકોને આ ઉપકરણોથી દૂર કેમ રાખી શકાય. આ બની ગયું છે હવે ન્યૂ નોર્મલ!
  મારી ઓફિસની વાત કરું તો અમારી કંપનીમાં ડેટા સિક્યોરિટી અતિ અતિ મહત્ત્વની હોઈ, સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે ઘેરથી કામ કરી શકાય. કોઈ એકલ દોકલ મિત્ર ક્યારેક ઘેરથી કામ કરવાની વાત કરતો ત્યારે તેની કંપની કેટલી 'લિબરલ' છે અને તેમની એચ. આર. પોલિસી કેટલી એમ્પ્લોયી ફ્રેન્ડલી છે એવો વિચાર આવતો. જ્યારે આજે હું છેલ્લાં બે મહિનાથી એક પણ દિવસ ઓફિસ ગયો નથી. ઘેર બેઠાં જ 'વર્ક ફ્રોમ હોમ' ના 'નવા સાધારણ' સાથે અમારી કંપનીના મોટા ભાગના લોકો રોજ કામ કરે છે. આ ન્યૂ નોર્મલ જો કે તેના આગવા ગેર ફાયદા પણ ઘણાં ધરાવે છે, પણ તેની ચર્ચા અત્યારે નથી માંડવી. દર ત્રણ મહિને ઓફિસમાં 'ટાઉનહોલ' નામે એક કાર્યક્રમ યોજાય જેમાં અમારી કંપનીના અધ્યક્ષ બધાં એમ્પ્લોયીઝને એક સાથે સંબોધે અને કંપનીના નવા અભિયાન, તેના છેલ્લા ત્રણ મહિનાના કામકાજ - પ્રગતિ વગેરે અંગે માહિતી આપે. આ કાર્યક્રમ પણ આ વખતે યોજાયો વેબિનાર (ઓનલાઇન સેમિનાર) દ્વારા. તેમાં પણ 'ન્યૂ નોર્મલ' શબ્દ અનેક વાર કાને અથડાયો. વર્ક ફ્રોમ હોમ સાથે ઓનલાઇન મીટિંગ, કોનફરન્સ કોલ, ઝૂમ, ચેટ, વિડિયો કોલ આ બધા શબ્દો પણ હવે ન્યૂ નોર્મલના ભાગ સમા, સામાન્ય બની ચૂક્યા છે.
   ઓફિસમાં અઠવાડિયામાં બે વાર એમ્પ્લોયી માટે યોગના વર્ગો થતાં. એ પણ હવે ઓનલાઇન યોજાય છે. મારી દીકરી નમ્યા ભરતનાટ્યમ શીખે છે, તે પણ ઓનલાઇન! હિતાર્થ તો હજી સાડા ત્રણ વર્ષનો છે અને તેના નર્સરી વર્ગો પણ ઓનલાઇન થવાના હતાં, પણ સરકારની મંજૂરી ન મળતા, તેનું ભણવાનું વોટ્સ એપ ગ્રુપ પર શેર થતાં બાળગીતો અને અન્ય વિડિયો દ્વારા ચાલુ થયું છે. મારી પત્ની અમી પણ હવે કેટલીક વાનગીઓ ગૂગલ પર કે યૂ ટયૂબ પર વિડિયો જોઈ બનાવતી થઈ ગઈ છે જે ખાવાની મજા પડે છે!
   તંદુરસ્તીને લગતા કેટલાક નિયમો પણ હવે આપણે ન્યૂ નોર્મલ તરીકે સ્વીકારી લીધા છે જેમ કે માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવું. અરે, હવે તો જુનો કોઈ ગ્રુપ ફોટો જોઈને પણ વિચાર આવે છે કે આટલાં બધાં લોકો એક સાથે, આટલા નજીક અને તે પણ માસ્ક વગર?!! સાબુથી હાથ ધોવા, સેનિટાઇઝરનો ભરપૂર ઉપયોગ, શેક હેન્ડ ની જગાએ નમસ્તે આ બધાં નિયમો પણ 'ન્યૂ નોર્મલ' છે અને તે આપણે અપનાવી લઈએ એમાં જ ભલાઈ છે.
     કોરોનાએ આપણાં જીવનમાં ધર મૂળથી પરિવર્તન આણી દીધું છે આ એક નક્કર હકીકત છે. ન્યૂ નોર્મલ શબ્દ પણ હવે નોર્મલ બની ગયો છે તેને સ્વીકારવો જ રહ્યો.

No comments:

Post a Comment