Translate

રવિવાર, 12 જુલાઈ, 2020

ગેસ્ટ બ્લોગ - ઓસ્ટ્રેલિયા પ્રવાસ - “ગ્રેટ બેરિયર રીફ” (કુદરતી અજાયબી)

      કાંગારૂનો દેશ,ઓસ્ટ્રેલિયા એટલે દિલને મંત્રમુગ્ધ કરતાં પ્રાકૃતિક સૌંદર્ય અને દિમાગ પર વશીકરણ જમાવતી અનેક સાહસિક પ્રવૃત્તિઓને માણવાનો દેશ.
આમ તો ઓસ્ટ્રેલિયામાં અમે અનેક સ્થળની મુલાકાત લેવાનાં હતાં, વિવિધ પ્રવૃતિઓ માણવાનાં હતાં જેમાંથી પેંગવિન પરેડ અને કાંગારૂ એન્કાઉન્ટરનાં અનુભવ લેવાં માટે પણ દિલ ઉત્સાહિત હતું, પરંતુ મને  “ગ્રેટ બેરિયર રીફ” જઈને સ્નોર્ક્લિંગની મજા માણવાની વિશેષ ઉત્કંઠા હતી.  એટલે જ જ્યારે અમારાં નવ જણનો કાફલો ઓસ્ટ્રેલિયાનાં પશ્ચિમ કિનારે સ્થિત ‘કેર્ન્સ’ તરફ વળ્યો ત્યારે મારું મન દરિયાનાં મોજાંની જેમ ઉછાળા મારવા માંડયું.
કેર્ન્સ શહેર એટલે ગ્રેટ બેરિયર રીફ પહોંચવનાં અનેક પ્રવેશદ્વારમાંનું એક દ્વાર અને ગ્રેટ બેરિયર રીફ એટ્લે ક્વીંસલેંડનાં કાંઠાથી પેસિફિક સાગરની પશ્ચિમી ધાર સુધી ૨300 કિ.મી.નાં વિસ્તારમાં ફેલાયેલી, કુદરતી અજાયબી. સમુદ્રનાં તળિયે ધબકતી , વિશ્વની સૌથી વિશાળ જીવંત દરિયાઈ સૃષ્ટિ. 3000 ખડક અને ૯00 ખંડિય ટાપુની શૃંખલા ધરાવતું, સૌથી મોટું પરવાળું; જ્યાં નિતાંતપણે વિહરતા નાનાં-મોટા કદનાં રંગબેરંગી દરિયાઈ જીવોને અને વનસ્પતિઓને સમીપથી જોવાનો લહાવો લઈ શકાય. એને માટે સમુદ્રની સપાટી પર તરતાં તરતાં જ દરિયાઈ જીવન નિહાળવું (સ્નોર્ક્લિંગ) કે પછી ગોતાખોરની જેમ ઊંડી ડૂબકી લગાવી (સ્કુબા ડાઈવિંગ ) એમની લગોલગ જવાનો રોમાંચક અનુભવ લેવો; બંને શક્ય છે.
સ્કૂબા ડાઈવિંગ માટે જરૂરી અનુભવ ન હોવાથી અને સ્વિમિંગનો અપાર શોખ હોવાને કારણે મેં સ્નોર્ક્લિંગ કરવાનું જ નક્કી કર્યું હતું. એને માટે ત્યાં જતી ‘રીફ એક્સપિરિયન્સ’ નામની ક્રૂઝનું “વન ડે ટુર” નું ઓનલાઈન બુકિંગ અમે ઈન્ડિયાથી અગાઉ જ કરાવી લીધું હતું.
ક્રૂઝ પર સવારે ૭.30 થી સાંજે ૪.30 સુધી વિવિધ પ્રકારનાં અનુભવ માણવાંનાં હતાં, જેને માટે આગોતરી તૈયારી રૂપે અમે અમારી બેગ્સમાં ટુવાલ, નેપકિન અને એક જોડી કપડાં ઉપરાંત  હેટ, સનગ્લાસ અને ખાસ કરીને મોટી માત્રામાં સનસ્ક્રીન લોશન લીધું હતું. (ઓસ્ટ્રેલિયામાં ઓઝોન વાયુનું સ્તર ખૂબ નીચું હોવાથી ખુલ્લી જગ્યાએ સૂરજનો તાપ વધુ આકરો લાગે જેથી શરીર પર અને ખાસ કરીને ચહેરા પર સનસ્ક્રીન લોશન વારંવાર લગાડવું પડે) ક્રૂઝ ઉપર ચા-કોફી-જ્યુસ-ઠંડાપીણાં-વેજીટેરિયન નાસ્તો-લંચ-સ્નેક્સ બધું જ મળવાનું હોવાથી ખાણી-પીણીની ચિંતા નહોતી.
એ ઉપરાંત સ્કૂબા હૉય કે સ્નોર્ક્લિંગ; લાયક્રાનો વોટર પ્રૂફ સ્વિમિંગ સૂટ , પાણીની નીચે શ્વાસ લેવાં માટે ઑક્સીજન માસ્ક , પાણીમાં માછલીની જેમ તરવા માટે પગમાં પહેરવાનાં ફિન્સ (જે માત્ર પાણીમાં ડૂબકી મારતાં પહેલાં જ પહેરાવાનાં હોય ) અને અન્ય જરૂરી સાધન સામગ્રી પણ ત્યાંથી જ મળવાનાં હતાં. સવારે ૭ વાગે ‘રીફ એક્સપિરિયન્સ’ ક્રૂઝ પર પહોંચીને ત્યાંની વ્યવસ્થા નજોરોનજર નિહાળી તો ખાતરી થઈ ગઈ કે આજનો દિવસ ઓસ્ટ્રેલિયા પ્રવાસ નો સૌથી આનંદદાયક અને યાદગાર દિવસ બનવાનો છે. અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખોમાંથી દરિયાઈ સૃષ્ટિમાં પ્રવેશવાનો ઇંતેજાર ડોકાતો હતો.
ક્રૂઝ પર સુરક્ષાકર્મીઓ, ગોતાખોર, ફોટોગ્રાફર , ડોક્ટર, પ્રશિક્ષક , ગાઈડ અને મદદનીશ; બધું મળીને બાર જણાંની નિષ્ણાત તરાકુ ટીમ હાજર હતી જે વર્ષોથી સમુદ્રનાં પાણી સાથે પનારો પાડતી આવી હોય. સવારે ૭.30 થી ૧૧:30 દરમ્યાન નાસ્તો, સમુદ્ર તળે વસતાં જળચર જીવનની રસપ્રદ માહિતી, અન્ય પ્રારંભિક માહિતી, સુરક્ષા સૂચનાં, નિયમો જાણ્યાં બાદ સ્વાસ્થ્ય સંબંધી ફોર્મ ભરતાં સુધીમાં અમારી ક્રૂઝ  ગ્રેટ બેરિયર રીફની સમીપ પહોંચી ચૂકી હતી.
સૂચના અનુસાર સમુદ્રમાં જનાર બધી વ્યક્તિઓ સ્વીમિંગ સૂટ પહેરીને તૈયાર થઇ ગઈ હતી. દરેક જણાંએ થોડી વાર માટે માસ્ક પહેરીને નાક ને બદલે મોઢે થી શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી. અને અંતે એ સમય આવી ગયો જેને માણવાં હું ક્યારની તલસી રહી હતી. મેં ક્રૂઝ પર ભાડે થી મળતો વિડીયો કૅમેરો ખરીધ્યો હતો જેથી પાણીમાં તરતાં તરતાં દરિયાઈ સૃષ્ટિની ફિલ્મ ઉતારી શકાય. સ્નોર્ક્લિંગ કરનારાની ટીમ સાથે હું તૂતક પરથી નીચે જઈને સમુદ્રનાં પાણીની લગોલગ સ્થિત થયેલાં બોર્ડ પર બેસી ગઈ. પગમાં ફીન્સ અને  માથે નળીવાળા માસ્ક સાથે એક હાથ કેમેરા પર અને  ગાઈડે સૂચવ્યાં પ્રમાણે બીજો  હાથ પાણીમાં સતત હાલક ડોલક થઈ રહેલી ગોળ રિંગ પર મૂક્યો અને એ સાથે જ હું ખેંચાઇ સમુદ્રની અફાટ જળરાશીમાં. ક્રૂઝ સાથે દોરડા થી બંધાયેલી રીંગની આગળની બાજુ હતો અમારો ગાઈડ અને બીજી બાજુ હું અને મારાં જ પરિવારનાં બીજા બે સદસ્યો.
હજી તો કશું સમજીએ એ પહેલાં તો લગભગ ૨ કી.મી. જેટલું દૂર તણાઇ ગયાં. અને અચાનક જાણે કે મારાં શ્વાસ થંભી ગયાં. મને લાગ્યું કે હું મોઢેથી શ્વાસ લેવાનું ભૂલી રહી છું. શ્વાસ લેવાં માટે નાક અને મોઢાં વચ્ચે યુદ્ધ છેડાયું હતું અને એ યુદ્ધમાં વિજયી થવું અતિ સાહસનું કામ હતું, પણ પળવારમાં અચાનક જ સઘળું વિસરાઈ ગયું. ગાઈડ અમને થોડો વધુ ઊંડે ખેંચી ગયો હતો, જ્યાં નીચે જોતાં જ મન પ્રસન્ન થઈ ગયું.
આહા ! સ્ફટિક જેવાં સ્વચ્છ અને પારદર્શી નીલ જળમાં નિરાંતે લહેરાઈ રહેલાં ભાતભાતનાં વેલાં અને વનસ્પતિઓ. જાજમની જેમ દૂર દૂર સુધી ફેલાયેલી લાલ, લીલી, પીળી અને જાંબલી રંગની લીલ. જાજમ પર પકડદાવ રમતી હોય એમ દોડાદોડ કરતી રંગબેરંગી નાની નાની માછલીઓનું મોટું ઝૂંડ. એમની મસ્તી પર પહેરો ભરી રહી હોય એમ આસપાસ ઘૂમરાતી મધ્યમ કદની લાલ અને કાળી માછલીઓ. એ બધાં પર પોતાનો ધાક જમાવતી હોય એમ વટથી તરી રહેલી મોટી મોટી ગોલ્ડન માછલીઓ. લીલાં છોડવાઓ પર હીંચકાં ખાઈ રહેલી અનેક સ્ટારફિશ અને જેલીફિશ. અને દૂર ખડક પર બેસીને બધો તાલ તમાશો જોતી હોય ચૂપચાપ બેસેલી ટાઈગર ફિશ.
એવું લાગ્યું જાણે દરિયાનાં આંગણામાં માછલીઓએ મસ્તી મહોત્સવનું આયોજન કર્યું હોય જેમાં મહેમાન બનીને આવ્યાં હોય લીલા ચકચકતી કાયા ધરાવતાં કાચબા અને અન્ય અનેક પ્રકારનાં જળચર જીવો. દરિયાઈ સૃષ્ટિની મોહક શોભા જોઈને હું એટલી બધી મુગ્ધ થઈ ગઈ કે કેમેરો એમની પર સરખી રીતે ફોકસ કરવાનું જ ચૂકી ગઈ, જેની જાણ મને પહેલા રાઉન્ડ પછી બોર્ડ પર પાછા ફર્યા બાદ થઈ. પરંતુ કોઈ અફસોસ નહોતો. મનનાં કેમેરામાં આખી ફિલ્મ ઉતરી ગઈ હતી. એટલે જ બીજા રાઉન્ડમાં મેં કેમેરો લીધો જ નહીં જેથી દરિયાઈ સૃષ્ટિનાં અજરચભર્યા સૌંદર્યને મનભરીને માણી શકાય.
બીજો રાઉન્ડ ધાર્યા કરતાં પણ વધુ લાભદાયી નિવડ્યો. અમારો ગાઈડ ઊંડે ડૂબકી મારીને સ્ટારફિશને પોતાની હથેળી પર મૂકીને લઈ આવ્યો. સ્ટારફિશને સ્પર્શ કરવાનો મોકો મળ્યો તો સમજાયું કે દૂરથી નાજૂક દેખાતી સ્ટારફિશની ચામડી પ્રમાણમાં કેટલી કડક છે. સાચે જ, ઈશ્વરે નાના મોટા સર્વ જીવોની રક્ષાની જોગવાઈ કરી છે.
બીજા રાઉન્ડ પછી સમુદ્ર પોતિકો લાગવા લાગ્યો. પહેલાં રાઉન્ડ વખતે શ્વાસ લેવાં માટે અનેક વાર નાક અને મોઢાં વચ્ચે યુદ્ધ મંડાયું હતું , એ પણ હવે થાળે પડવાં લાગ્યું હતું. એટલે જ બીજાં ચાર રાઉન્ડ તો એટલી સહજતાથી થયાં જાણે હું રોજ જ સ્નોર્ક્લિંગ કરતી હોઉં. કેમેરામાં અદભૂત દ્રશ્યો ઝડપવાની તમન્ના પણ પૂરી થઈ. સમુદ્રનાં ઊંડાણમાં નિર્ભિકપણે તરવાની સાક્ષી પૂરતો હોય એવો પ્રોફેશનલ ફોટો પણ પડાવ્યો. અને દિવસને અંતે ક્રૂઝ પર હાજર બધાં પ્રવાસીઓ સાથે યાદગાર ફોટો પણ પડાવ્યો.
સ્નોર્કલિંગનો અતિ રોમાંચક અને સાહસપૂર્ણ અનુભવ માણ્યાં બાદ , રાત્રે હોટેલમાં બેસીને અમે સૌ પરિવારજનો પોતપોતાનાં અનુભવ વર્ણવી રહ્યાં હતાં ત્યારે અમને સમજાયું કે અનુભવ ભલે બધાનાં વેગળા હતાં, પણ બધાંનાં મનમાં એક જ વિચાર રમતો હતો; “ડર કે આગે જીત હૈ”. 
                                            - નીતા રેશમિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો