Translate

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

ન્યૂ નોર્મલમાં ગ્રાહક કાળજી, ઈકો ફ્રેન્ડલી ગણપતિ અને એક પુલની પ્રેરણાત્મક વાત

 ગ્રાહકની કાળજી - ક્રેઝી કટ હેર સલૂન

------------------------------------------------

     કોરોનાને કારણે લોકડાઉન જાહેર થયું એ વાતને ચારેક મહિના થયાં અને તેના કારણે અનેક લઘુ તેમજ મધ્યમ કદના ઉદ્યોગો પડી ભાંગ્યા અને જાહેર સેવાઓને પણ તેની ખાસ્સી અસર પહોંચી. આમાં એક ઉદ્યોગ એટલે હજામત સેવા પૂરી પાડતા હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લર. કોરોનાને કારણે હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લર જાણે બંધ જ પડી ગયા. ત્રણેક મહિનાના લોક ડાઉન બાદ પણ બીજી અનેક નાની મોટી સેવાઓ ફરી શરૂ થયા છતાં લોકોના મનમાં ડર યથાવત હોવાથી હજી હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લર  ધમધમતા થવા પામ્યાં નથી. અહીં જેટલી ખુરશી કે સામાન્ય બેઠક હોય તેના પર અનેક લોકો આવીને વારાફરતી બેસે, એક ગ્રાહક જતો રહે પછી એ ખુરશી કે બેઠક સંપૂર્ણ સેનિટાઈઝ ના થાય કે એક ગ્રાહક પર ફરેલો અસ્ત્રો કે બ્લેડ સેનિટાઈઝ કર્યા વગર બીજા ગ્રાહક પર ફરે અને જો કોઈક ગ્રાહક કોરોનાગ્રસ્ત હોય તો બીજા અનેકને તેનો ચેપ લાગે એ ડરથી હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લરમાં જતાં લોકો હજી ડરે છે. ત્રણ - ચાર મહિના સુધી ઘણાં લોકોએ વાળ જ કપાવ્યા નથી તો ઘણાં જાતે જ ઘેર પોતાના વાળ કાપી સેટ કરતાં થઈ ગયાં છે! એવામાં મેં મારા ઘર નજીક આવેલા એક હેર કટિંગ સલૂનની ચોકસાઈ અને તેમના દ્વારા કોરોના અંગે સજાગતા રાખી ગ્રાહકો માટે લેવાતા અસામાન્ય અને નોંધનીય પગલાં અંગે સાંભળ્યું. મારા પણ વાળ ઘણાં સમયથી કપાવવાના બાકી હોવાથી એક સાંજે મેં ત્યાંની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ફોન કરી સલૂન ખુલ્લું હોવાની ખાતરી કરી લીધા બાદ જઈ પહોંચ્યો 'ક્રેઝી કટ હેર સલૂન'.

   હું જ્યાં રહું છું તે મલાડ પશ્ચિમ ખાતે ભાદરણનગરમાં ખજૂરીયા નગર પાસે રેશનિંગ ઓફિસ નજીક આવેલ આ હેર સલૂન માં ચોખ્ખાઈ આંખે ઉડીને વળગે એવી હતી. ગ્રાહકો ઓછા આવતા હોય તો ચોખ્ખાઈ તો હોય જ એવી દલીલ કરતા હોવ તો અહીં માત્ર આ જ વાત નોંધનીય નહોતી. નાની એવી જગામાં બેઠક, શીશા, સાધન સામગ્રી વગેરે પણ એ રીતે ગોઠવેલા કે અદ્યતન અને સુઘડ જગાએ આવ્યાનો અનુભવ થાય. પગથી ચાંપ દબાવો એટલે ઉપર ગોઠવેલા સેનિટાઈઝરથી હાથમાં પ્રવાહી સેનિટાઈઝરના ટીપાં ઝરે એવું મશીન એક બાજુએ ગોઠવેલું. તેના વડે હાથ સ્વચ્છ કરી બેઠક પર ગોઠવાયો એટલે તરત વાળ કાપનાર યુવાને ભરપૂર માત્રામાં વાયુ સેનિટાઈઝરનો આખા શરીર પર જાણે મારો ચલાવ્યો! સેનિટાઈઝરની સુગંધ સારી હોય એટલે એ અનુભવ પ્રસન્નકારી રહ્યો. ત્યાર બાદ એક જ વાર વાપરી શકાય એવું અર્ધપારદર્શક પહેરણ તેણે મારા શરીર પર ગોઠવ્યું. સામાન્ય રીતે આ પહેરણ બધાં ગ્રાહકો વચ્ચે એક જ હોય છે એટલે કે એક ગ્રાહક જાય એટલે ખંખેરી બીજા ગ્રાહકને પહેરાવવામાં આવે છે પણ અહીં એક જ વાર વાપરી શકાય એવા અર્ધપારદર્શક પહેરણોનો ઢગલો એક ખૂણે પડેલો દેખાયો. વાળ કાપનાર યુવાને માસ્ક અને હાથ મોજા તો પહેર્યા જ હતાં પણ તેણેય સેનિટાઈઝરથી હાથ સ્વચ્છ કર્યા. વાળ કાપતી વખતે પણ સાધનો સેનિટાઈઝર કરેલા હોવાનું માલુમ પડયું, બ્લેડ પણ મારી સામે જ નવી ખોલીને વાપરવામાં આવી. 

 મને ખુશી થઈ એ વિચારી કે આ સલૂનના માલિક આવનાર ગ્રાહકોની સુરક્ષા અને તબિયત અંગે કેટલા સભાન અને સજાગ છે. શ્રેષ્ઠ ગ્રાહક સુવિધા કોને કહેવાય તેનો અહીં અનુભવ થયો. ન્યૂ નોર્મલને નામે ઘણાં પગલાં લેવાતા હોય છે જેમ કે શરીરનું તાપમાન માપવું, મુલાકાતીના નામ, સરનામાની નોંધ લખવી, હેન્ડ સેનિટાઈઝર મૂકવું વગેરે. આ બધું કોરોનાથી બચાવવામાં કેટલું કારગત નિવડી શકે? કોઈ દુકાન, મોલ, ઓફિસ, સલૂન કે પાર્લરમાં એ વાત પર સંપૂર્ણ ધ્યાન અપાય છે કે કઈ રીતે આવનાર મુલાકાતી કદાચ કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યો પણ હોય તો તેનાથી તેને મુકત કરી શકાય? મલાડના ક્રેઝી કટ હેર સલૂનમાં મને આ બાબત ની તકેદારી રખાતી હોવાનો અનુભવ થયો, જે ખૂબ ગમ્યું અને વાળ કપાવી લીધા બાદ પ્રસન્ન વદને અને મને મેં ઘેર પાછા ફરવા પ્રયાણ કર્યું.

9920472808  પર સંપર્ક કરી તમે  પણ ક્રેઝી કટ હેર સલૂનની મુલાકાત લઈ શકો છો.


ચોલુટેકા નદી પરના પુલની પ્રેરણાત્મક વાત 

---------------------------------------

થોડા દિવસ અગાઉ એક સંદેશો વોટ્સએપ પર વાઈરલ થયો હતો. લેખક, વક્તા અને લીડરશીપ કોચ એવા પ્રકાશ ઐયર લિખિત આ પ્રેરણાત્મક લેખમાં મધ્ય અમેરિકાના હોન્ડુરાસ શહેરમાં આવેલ ચોલુટેકા નદી પરના પુલની વાત હતી. આ શહેર વંટોળ અને વિષમ આબોહવા માટે જાણીતું છે. તેમાં આવેલી ચોલુટેકા નદીમાં વારેઘડીએ પૂર આવે અને તે વિનાશ નોતરે. આ નદી પર જાપાને અતિ મજબૂત અને ટકાઉ એવો પુલ બાંધ્યો, જે એક ભયાનક વાવાઝોડામાં અડીખમ રહ્યો. પણ એ વાવાઝોડાએ મચાવેલા આતંકને કારણે, નદીના સામસામે છેડે આવેલા કિનારા તરફના, પુલને શહેર સાથે જોડતાં રસ્તા તૂટી ગયાં અને કુદરતી રીતે નદીએ પણ પોતાની દિશા સહેજ બદલી અને હવે તે પુલની નીચેથી નહીં પણ સહેજ આઘે બાજુએથી વહેવા માંડી. પરિણામે દુનિયા આખી દાખલો લઈ શકે એવા બાંધકામના ઉત્તમ નમૂના સમા એ પુલને કુદરતે સાવ નકામો, વ્યર્થ બનાવી દીધો. અહીં શીખવાની વાત એ છે કે તમે ખૂબ મહેનત કરી એક જ ક્ષેત્રમાં અતિ પાવરઘા બનો, પણ જો પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય કેળવતા ન શીખો, તો અણધાર્યા સંજોગો તમને ક્યારેક નકામા બનાવી દઈ શકે છે. જરૂર છે લવચીક બનવાની, ફ્લેક્સિબીલીટી કેળવવાની. જે પરિસ્થિતિ ઈશ્વર લાવે એને અનુરૂપ થઈ જીવન જીવતા શીખવાની અને તેમાંથી નવો માર્ગ શોધવાની. પેલી ટટ્ટાર ઝાડ વાળી વાત યાદ આવે છે. જે વૃક્ષ અતિ સખત અને ટટ્ટાર થડ ધરાવતું ઉભું હોય, તે વંટોળમાં ઉખડી ફેંકાય છે. પણ જે વૃક્ષ નરમ થડ ધરાવતું હોય અને સખત હવા સાથે ઝૂકી જતા શીખે એ ટકી જાય છે. આપણો અભિગમ જિદ્દી અને હઠીલો નહીં પણ નમ્ર અને વિષમ પરિસ્થિતિ સ્વીકારી તેમાંથી માર્ગ કાઢી શોધે એવો હોવો જોઈએ. આજે કોરોના એ આપણાં જીવનને ધરમૂળથી બદલી નાંખ્યું છે. ઘણાં લોકોએ નોકરી ધંધા ગુમાવ્યા છે, ઘણાં આર્થિક દૃષ્ટિએ પાયમાલ થઈ ગયાં છે, ઘણાં નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયાં છે તો ઘણાં આત્મહત્યાના કિસ્સાઓ સાંભળવામાં આવે છે. એવામાં ઉપર જણાવેલી વાર્તા અતિ હકારાત્મક અને પ્રેરણાત્મક સંદેશો આપે છે.  જે પરિસ્થિતિ ઈશ્વરે સર્જી છે, સૌએ તેમાંથી માર્ગ કાઢી ટકી રહેતા શીખવાનું છે, નવસર્જન કરતા શીખવાનું છે. 


ઈકો ફ્રેન્ડલી ગ્રીન ગણપતિ 

------------------------

    છેલ્લે એક મજાની વાત. પખવાડિયા પછી 

ગણપતિ બાપાની પધરામણી થવાની છે. આ વખતે આ સાર્વજનિક તહેવાર જુદી જ રીતે ઉજવાશે. મોટા ભાગના લોકો પોતપોતાને ઘેર બાપાની મૂર્તિ લાવશે અને ઉત્સવ પૂરો થયે મૂર્તિનું વિસર્જન પણ જાહેરમાં ગિરદી કરી, ઘોંઘાટ મચાવી દરિયા કિનારાની જગાએ પોતપોતાને ઘેર બાલદીમાં કે નજીકના તળાવ, કૂવા કે કૃત્રિમ જળાશયમાં કરશે. હું કોરોનાના સકંજામાંથી હેમખેમ પાછો ફર્યો છું તે ઈશ્વરની કૃપા વગર શક્ય ન જ બન્યું હોત. આથી ઈશ્વરનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માટે હું પણ ગણેશજીની પધરામણી મારે ઘેર કરવાનો છું. ખાસ વાત એ છે કે મેં પહેલી વાર બાપાની મૂર્તિ ઓનલાઇન બુક કરી છે. Myecoganesh.com વેબસાઇટ પરથી. અહીં ત્રણ પ્રકારની મૂર્તિ ઉપલબ્ધ છે - ક્લે માટીની, ઝાડ છોડ ઉગાડવા વપરાતી લાલ માટીની અને કાગળના માવાની. મેં ઝાડ છોડ ઉગાડવા વપરાતી લાલ માટી માંથી બનાવેલી આઠ ઈંચ ઉંચાઈ ની નાનકડી અતિ સુંદર મૂર્તિ પસંદ કરી બુક કરી છે જેની હોમ ડીલીવરી ની હું કાગડોળે રાહ જોઇ રહ્યો છું! આ મૂર્તિ ની વિશેષતા એ છે કે વિસર્જન બાદ તેની બધી માટી હું એક કૂંડામાં ભેગી કરી તેમાં સુંદર એવો કોઈ છોડ વાવીશ અને તેના દ્વારા ગણેશ સદાયે મારા ઘરમાં જ રહેશે, મારી સાથે! 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો