Translate

રવિવાર, 6 સપ્ટેમ્બર, 2020

બોરડીનું મંજુલા નક્ષત્ર ઉદ્યાન

   તમે આરાધ્ય દેવ - દેવી વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે પણ નક્ષત્ર, રાશિ અને ગ્રહ સંબંધિત આરાધ્ય વૃક્ષ પણ હોય તેની જાણ છે તમને? તીર્થંકર ભગવાન સંબંધી વૃક્ષ વિશે ખબર છે?

   ઘણાં લોકો નિવૃત્ત જીવન ગામડે જઈ ગાળવાની ઈચ્છા ધરાવતાં હોય છે તો ઘણાં આવું પ્રકૃતિ સાથે તાલમેલ ધરાવતું જીવન જીવવાનું સૌભાગ્ય ધરાવતાં હોય છે. આવી જ એક વ્યક્તિ એટલે હસમુખ પરમાર. શ્રી ગોવિંદ ચૈતન્યદાસ નામે પણ ઓળખાતા આ શાંત, સૌમ્ય અને સજ્જન શીલ વ્યક્તિને મળવાનું થયું હતું દોઢેક વર્ષ અગાઉ. બોરડી ખાતે. જ્યાં તેઓ વસે છે અને ઉપર જેની વાત કરી એવા આરાધ્ય વૃક્ષો અને અનેક વિધ ફળ, ફૂલ ધરાવતાં છોડ અને ઔષધિય  વનસ્પતિનું ઘર, એવું મંજુલા નક્ષત્ર નામનું ઉદ્યાન તેઓ ત્યાં ધરાવે છે. અગાઉ એકાદ બે વાર જેના વિશે બ્લોગમાં લખ્યું હતું એ બોરડીના હોમ સ્ટેના સુખદ અનુભવ વિશે વાંચીને જન્મભૂમિ પ્રવાસીના નિયમિત વાચક, હસમુખભાઈના પુત્ર હેમંતભાઈ એ મારો સંપર્ક કર્યો અને મને તેમના પિતાનું આ નિસર્ગ ઉદ્યાન જોવા ભાવભર્યું આમંત્રણ આપ્યું. આ ત્રણેક વર્ષ પહેલાંની વાત છે. એ આમંત્રણના એકાદ વર્ષ બાદ જ્યારે હું ફરી બોરડી ફરવા ગયો ત્યારે મેં હિમંત ભાઈ અને હસમુખદાદાની મુલાકાત લીધી અને તેઓ ભાવપૂર્વક મને તેમના 'પેશન' સમા આ અનોખા આયુર્વેદિક ઉદ્યાનમાં લઈ ગયાં. ઘણાં વખતથી આ વિશે લખવાની ઈચ્છા થતી હતી પણ આજે દોઢેક વર્ષે યોગ જાગ્યો અને હું એ સુંદર નક્ષત્ર ઉદ્યાનની મુલાકાતની મીઠી સ્મૃતિઓ વાગોળવા બેઠો છું અને આ લખાઈ રહ્યું છે!

    બોરડી સ્ટેશનથી બોરડીના પ્રખ્યાત દરિયા કિનારા તરફ જતાં માર્ગમાં બંને બાજુએ અનેક વાડીઓ દેખાય. મોટાભાગની ચીકુની અને નાના નાના જંગલ જેવી એ વાડીઓમાં બીજી વનસ્પતિ પણ ઊગે, છતાં મંજુલા નક્ષત્ર ફાર્મ ની વાત જ નોખી! અહીં ઊગેલી કે ઉગાડેલી પ્રત્યેક વનસ્પતિમાં જાણે હસમુખ ભાઈના પ્રેમ અને પેશન પણ ભળ્યા હોય એવી અનુભૂતિ થઈ. તેમના ઘેરથી બે - ત્રણ કિલોમીટર આઘે આવેલી આ વાડીએ જવાની પણ મજા આવી. વાડી નજીકનો થોડા અંતરનો રસ્તો કાચો, એટલે રીક્ષા જાણે ખખડતી - ધ્રૂજતી ચાલતી હતી એટલે મને અને બાળકોને મજા પડી! વાડીના નાનકડા સુંદર ધનુષાકાર છત ધરાવતા લાલ સુંદર પુષ્પોથી આચ્છાદિત ગેટમાંથી પ્રવેશતા જ એક અનોખી હકારાત્મક ઉર્જાનો અનુભવ થયો. હસમુખ ભાઈ પોતે અમને એક એક ઝાડ - છોડની ઓળખ આપતાં, આ ઉદ્યાનમાં ફેરવી રહ્યાં હતાં.

    એક તરફ પીપળો, વડ, બીલી, અશોક અને ઉંબરો - આ પાંચ વૃક્ષોની પંચવટી હતી તો બીજી તરફ ઉભો કરેલો નાનકડો લતા મંડપ. આમળાં અને બહેડાંનાં ઝાડ; કદંબ, સોપારી, બકુલ, આંબા, સાલ વગેરે ઝાડ પણ ખરાં. વાંસ અને ઘાસ તો ખરા જ, સાથે પર્ણફૂટી, અશ્વ ગંધા, શતાવરી, તુલસી જેવા ઔષધિય છોડ પણ વિપુલ માત્રામાં જોવા મળ્યાં.બાગમાં એક જગાએ કમળ કુંડ પણ બનાવાયો છે. હિતાર્થ અને નમ્યાને અહીં અનેક નવા ફૂલ છોડ જોવાની અને પતંગિયા, ભમરા વગેરે પકડવા તેમની પાછળ દોડવાની ભારે મજા પડી.

   ઉપર જેની વાત કરી એ આરાધ્ય વૃક્ષ નક્ષત્ર બાગ સાથે સંકળાયેલ છે. નક્ષત્ર બાગ જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદ, વનસ્પતિ વિજ્ઞાન અને બાગકામનો સુભગ સમન્વય છે. ભારતીય પુરાણ મુજબ દરેક વ્યક્તિની જેમ એક રાશિ હોય છે તેમ જ તેનું એક આરાધ્ય વૃક્ષ પણ હોય છે. જ્યારે વ્યક્તિ જન્મે તે સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તેના પરથી તેનું આરાધ્ય વૃક્ષ નક્કી થાય છે. કુલ ૨૭ નક્ષત્ર હોય છે અને દરેકને પોતાનું એક આગવું વૃક્ષ હોય છે. જેમકે રોહિણી નક્ષત્રનું જાંબુ, પૂર્વ ભાદ્રપદનું આંબો વગેરે. એવું મનાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નજીક પોતાનું આરાધ્ય વૃક્ષ વાવે છે તો ત્યાં હકારાત્મક વાતાવરણ સર્જાય છે, તે વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ, સારું સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, આરામ અને ઊર્જા મળે છે. અન્ય વૃક્ષો કરતાં આરાધ્ય વૃક્ષો વધુ ઓક્સિજન પણ પૂરો પાડે છે અને તેમનામાંના મોટા ભાગના વૃક્ષો ઔષધિય ગુણો પણ ધરાવતાં હોય છે. સેલવાસ, રાંચી, પુણે અને મુંબઈમાં આવા નક્ષત્ર બાગ વિકસાવવામાં આવ્યાં છે.

  જૈન ધર્મમાં કેટલાક વૃક્ષો ને તીર્થંકર ભગવાન સાથે જોડવામાં આવ્યાં છે. જે વૃક્ષ નીચે તીર્થંકર સ્વામી ને દિવ્ય જ્ઞાન ની પ્રાપ્તિ થઈ હતી અથવા જે વૃક્ષ નીચે તેમણે દિક્ષા લીધી હતી તે વૃક્ષ તેમની સાથે સંલગ્ન થયેલું જોવા મળે છે. જેમકે આદિનાથ ભગવાન સાથે વટ વૃક્ષ, અજીત નાથ ભગવાન સાથે સપ્તપર્ણ, મહાવીર સ્વામી સાથે સાલ વૃક્ષ વગેરે. આ વૃક્ષો પૈકી પણ થોડાં ઘણાં પ્રકારના ઝાડ હસમુખદાદાએ મંજુલા નક્ષત્ર ઉદ્યાનમાં વાવ્યા છે.

     હસમુખદાદાને જ્યોતિષશાસ્ત્રમાં, અધ્યાત્મમાં અને બાગકામમાં ખૂબ રસ હોવાથી તેમણે બોરડીમાં પોતાના ઘર નજીક મંજુલા નક્ષત્ર આયુર્વેદિક ઉદ્યાન તૈયાર કર્યું છે અને ઉંમર થઈ ગઈ હોવા છતાં તે ભારે પ્રેમ અને ઉત્સાહથી આ બાગનું જતન કરે છે. અહીં તેમણે મંત્ર - ધૂન, ભજન, કીર્તન, શાસ્ત્રીય સંગીત અને હોમ - હવન આદિના અને વાતાવરણની શુદ્ધિ અને દિવ્યતાની અભિવૃદ્ધિ માટે પ્રયોગ કરી શકાય અને વિવિધ મનોકામનાઓની પૂર્તિ હેતુ વટવૃક્ષ અને નવકોણીય યજ્ઞ કુંડ સહિતની નાનકડી યજ્ઞશાળા બનાવવાનો પણ પ્રયત્ન કર્યો છે.  આ યજ્ઞ શાળાનું છાપરું પિરામિડ આકારનું બનાવાયું છે અને અહીં બેસી તમે ધ્યાન ધરી શકો કે યોગા કરી શકો. અહીં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે.


  ભલે આ જગા ખૂબ વિશાળ નથી, પણ જેટલી પણ જગા હસમુખદાદાની છે તેના પર ખૂણે ખૂણા નો યોગ્ય ઉપયોગ કરી, ભારે મહેનત અને જતન થી તેમણે આ મંજુલા નક્ષત્ર ઉદ્યાન તૈયાર કર્યું છે અને મને ત્યાંની મુલાકાત લઈ ખૂબ ખૂબ આનંદ આવ્યો.

  આજે દોઢેક વર્ષ બાદ પણ મારા ઘરની બાલ્કનીમાં ઉગાડેલા, મંજુલા નક્ષત્ર ઉદ્યાનમાંથી હસમુખદાદાએ આપેલ પર્ણફૂટીના સુંદર મોટા પાન ધરાવતા છોડ, મને ત્યાંની સુમધુર યાદ અપાવતા રહે છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો