Translate

Sunday, June 8, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - 3)

           ચારેક કલાકની મુસાફરી બાદ મુન્નાર પહોંચાય એમ હતું.મુન્નાર હવા ખાવાનાં સ્થળ તરીકે પ્રખ્યાત છે અને તે ડુંગરાળ પ્રદેશમાં ટોચે આવેલું હોવાથી રસ્તો ગોળાકારે ઉપર ચડતો હતો તો ક્યારેક વાંકોચૂંકો થઈ આગળ વધતો હતો. માર્ગમાં એકાદ બે સરસ મજાનાં જળધોધ જોવા મળ્યાં. ત્રણેક કલાક મુસાફરી બાદ એક જગાએ થાનસીરે ગાડી રોકી અને ત્યાં હાથી સવારી થતી હોવાનું જણાવ્યું.મેં મારી પત્ની તથા પુત્રીએ એક હાથી પર તો મારી બંને બહેનોએ બીજા હાથી પર બેસી આ અદભૂત અનુભવની મજા માણી. મુન્નાર તરફ પહોંચવામાં હજી વાર હતી. મને આવી મુસાફરીમાં કોઈ તકલીફ પડતી નથી.પણ મારા અને મારી સૌથી મોટી બહેન સિવાયના ત્રણ સભ્યોને પેટમાં ગડબડ શરૂ થઈ અને ઉલટી થવા માંડી. સાંજ પડી ગઈ હતી અને અંધારૂ થઈ ગયું હતું.ઉંચાઈ વધતી ગઈ તેમ તેમ ઠંડી પણ વર્તાવા માંડી હતી.પહેલી વાર એવું જોયું કે પોણા સાતે સાંજે તો કાળો ડિબાંગ અંધકાર છવાઈ ગયો હતો અને સાત વાગે તો ચંદ્ર દર્શન થઈ ગયાં!અમારે જ્યાં ઉતારો કરવાનો હતો તે સ્ટર્લિંગ રીસોર્ટ તો મુન્નારના મુખ્ય શહેરથી પણ બાવીસેક કિલોમીટર દૂર વધુ ઉંચાઈએ હતી.
           આખરે અમે થાકીને લોથપોથ થઈ સ્ટર્લિંગ પહોંચ્યા.પણ એ દિવસે દેવદિવાળી હતી તેથી સ્ટર્લિંગનું આંગણું સુંદર મજાની મોટી વર્તુળાકાર રંગોળીથી સુશોભિત હતું અને આંગણે દિવા પણ ઝળહળી રહ્યાં હતાં.રીસેપ્શન પાસે હોલની મધ્યમાં પણ ઉંચો ધાતુનો દિપક પ્રજ્વલિત કરાયો હતો.થાક ત્યાંનું વાતાવરણ જોઈ અડધો તો ઉતરી ગયો અને અડધો રૂમમાં પહોંચી ગરમ પાણીથી સ્નાન કરી ઉતારી દીધો. ત્યાંની હોટલમાં ખાવાનું મોંઘું પણ સ્વાદિષ્ટ હતું. રાતે ઉંઘ પણ ઘસઘસાટ આવી.
           બીજે દિવસે સવારે ઉઠતાં વેંત સરસ મજાની મોટી કાચની બારીમાંથી બહારનાં સુંદર કુદરતી દ્રષ્યે મનને તાજગીથી અને સ્ફૂર્તિથી ભરી દીધું.તૈયાર થઈ ચાનાસ્તો પતાવી બહાર આવ્યાં ત્યારે ખબર પડી કે કેરળભરમાં બે દિવસની વાહનોની હડતાળ છે એટલે હોટલ કે તેની આસપાસનાં વિસ્તાર સિવાય ક્યાંય ફરવા જઈ શકાશે નહિ.આ સાંભળી અન્ય કોઈ સ્થળે હોત તો બધી મજા મરી જાત, પણ આ જગાને અહિની આબોહવાની તાસીર હતી કે અમારા મૂડમાં ઝાઝું પરિવર્તન આવ્યું નહિ.મેં થાનસીરને બોલાવ્યો અને અમે બે જણ ચાલીને બે કિલોમીટર દૂર આવેલાં એ.ટી.એમ. મશીન સુધી પહોંચી ગયાં. વાહન હોટલની બહાર લઈ જતાં થાનસીરનો જીવ ચાલતો નહોતો કારણ નવી નક્કોર ગાડીને કોઈ તોફાની તત્વો મળી જાય અને નુકસાન પહોંચાડે તે પરવડે તેમ નહોતું. આથી અમે ચાલીને ગયાં.પણ વાહનોની હડતાળને લીધે એ.ટી.એમ મશીનમાં પૈસા ખલાસ થઈ ગયાં હતાં અને તે પૂરવા કોઈ બે દિવસ આવી શકે એમ નહોતું! અમે પાછા ફર્યાં.રસ્તામાં મારી પત્ની, દિકરી અને બહેનો મળ્યાં. એક જગાએ અડધો કલાક બેસી અમે આસપાસની લીલીચાનાં બગીચાને જોવાની મજા લીધી તેમજ અન્ય કુદરતી સુંદરતા માણી. ફરી હોટલે પાછાં ફર્યાં. બગીચાની લીલીછમ ઘાસની ચાદર પર મૂકેલા, ચાર પુખ્ત વ્યક્તિઓ સૂઈ શકે એવડા મોટા ગોળાકાર સોફા પર સૂતા સૂતા હું બપોરના ખુશનુમા વાતાવરણમાં છૂટા છવાયા વાદળો ભર્યા ભૂરા આકાશ સામે તાકી રહ્યો હતો. ત્યાં પરિવારજનોએ જમવા જવાનું સૂચન કર્યું અને મેં એ વધાવી લીધું.સ્ટર્લિંગમાં જ જમ્યાબાદ ફરી બગીચામાં આવી આરામ ફરમાવ્યો.પત્ની અને બહેનોએ અન્ય સહેલાણી સ્ત્રીઓ સાથે હોટલ દ્વારા આયોજિત રસોઈ શીખવાના સેશનમાં પેસ્ટ્રી અને કેક બનાવતાં શીખી અને મેં અને મારી દિકરીએ તે ધરાઈને ખાધાંયે ખરાં! સાંજે નજીકનાં એક જળધોધ સુધી ચાલતાં ફરવા ગયાં અને ત્યાં પગ પલાળવાની અને ફોટા પાડવાની મજા માણી.અમદાવાદથી આવેલ એક વયોવૃદ્ધ દંપતિ સાથે પરિચય કેળવાયો અને પછીતો તેઓ પોતાની ગાડીમાં અમને સ્ટર્લિંગ સુધી મૂકી ગયાં.સાંજ પડતાં વાહનોની સ્થાનિક અવરજવર સહેજ ખુલી હતી.પણ બીજે દૂર ફરવા જઈ શકાય એમ નહોતું. આખો દિવસ આરામમાં વિતાવ્યા બાદ બીજી રાત પણ સરસ વિતી.
                                           
           મૂળ કાર્યક્રમ મુન્નારમાં બે દિવસ અને પછી ઠેકડી ખાતે ત્રણ દિવસ વિતાવવાનો હતો.પણ વાહનોની હડતાળના કારણે તેમાં ફેરફાર જરૂરી બન્યો જે અમારા માટે સારો અને ફાયદાકારી જ નિવડ્યો.મુન્નારમાં આબોહવા અને જોવાલાયક સ્થળ વધુ પ્રમાણમાં અને વધુ સારા હોવાને લીધે અમારા માટે આ ફેરફાર આશિર્વાદ સમાન બની રહ્યો. ત્રીજે દિવસે સવારે હોટલ બહાર થોડી સ્થાનિક જીપો જાણે અમારા માટે જ આવીને ઉભી રહી.વાહન વ્યવહાર તો હજી મુખ્ય શહેર ભણી શરૂ થયો નહોતો પણ આ જીપો અલગ દિશામાં પહાડો વચ્ચે ખાનગી રસ્તાઓ પરથી ચા-કોફીના બગીચા જોવા લઈ જવા આવી હતી. ખાડા-ટેકરા વાળા અતિ અઘરાં રસ્તે જીપ ચલાવી કેસરી લૂંગી પહેરેલો એ યુવાન ડ્રાઈવર અમને સ્વર્ગમાં લઈ આવ્યો હોય તેવી અનુભૂતિ થઈ.ગાઢ ધૂમ્મસ વચ્ચે કડકડતી ઠંડી સાથે અહિ આવ્યા બાદ પાછા ફરવાનું મન જ ન થાય.’કોલુમુક્કલાઈ’ નામનાં આ સ્થળે આવેલ વિશ્વના સૌથી વધુ ઉંચાઈએ આવેલ ચા-કોફીના બગીચા જોયાં અને આ અવિસ્મરણીય અનુભવ બાદ પાછાં ફરતાં ત્યાંના સ્થાનિક શાળાએથી છૂટેલાં બાળકોને હાથ હલાવી સ્મિત કરતાં પાછાં ફરતાં હતાં એ વેળાએ મારૂં ધ્યાન એક મંદિર પર ગયું અને મેં જીપ થોભાવી ત્યાં મંદિરની બહાર ગણપતિની કાળી પ્રતિમા સામે હાથ જોડી પ્રાર્થના કરી.ગજબની અનુભૂતિ થઈ મને એ વેળાએ.આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલું હતું.તેનું ધરાઈને પાન કર્યા બાદ જીપવાળો અમને 'એલેવુર લેક' નામનાં તળાવ પાસે લઈ આવ્યો.

 

 


આ જગાએ પથરાયેલી કુદરતી સુંદરતાનું વર્ણન કરવા પણ શબ્દો ઓછા પડે.ઉંચા નિલગીરી વૃક્ષો,લીલું સ્વચ્છ પાણી અને ઝાડ પરથી ખરેલાં પત્તાથી ઘેરાયેલી ભૂમિ પર બેસી મનુષ્ય કોઈ અન્ય જ વિશ્વમાં આવી ગયો હોય તેવું ભાસે!અમે ખાસ્સો અડધો-પોણો કલાક અહિ આરામથી બેસીને વિતાવ્યો.થાનસીર અને જીપવાળાએ અમને ઉઠાડ્યા ન હોત તો મને લાગે છે અમે તો રાતે પણ અહિ જ સૂઈ જાત!ખેર સમયનું ચક્ર તો ફરતું જ રહે છે.જીપવાળાનો તેની ઘૂંટણ સુધી ઉંચે ચડાવેલી લૂંગીની લાક્ષણિક અદામાં ફોટો પાડ્યા બાદ નિયત કર્યા હતાં તે કરતાં પચાસ રૂપિયા વધુની ખાસ ટીપ આપી વિદાય કર્યો અને સ્ટર્લિંગ પાછા ફર્યાં.અહિ મોડી સાંજે ગરબા-દાંડિયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમાં થાકી જઈએ એટલી હદે અમે સૌ ગરબે ઘૂમ્યાં!કેરળનીદક્ષિણ ભારતીય ભૂમિ પર મુંબઈના ગુજરાતીઓએ ગુજરાતની ઓળખસમા ગરબાની બોલાવેલી એ રમઝટ અમને કાયમ યાદ રહેશે! ત્રીજી રાત પણ ખૂબ સારી રીતે વિતી.
        

(ક્રમશ:)

No comments:

Post a Comment